સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ છ

સારું મનોરંજન કેવી રીતે પસંદ કરશો?

સારું મનોરંજન કેવી રીતે પસંદ કરશો?

“જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.”—૧ કરિંથી ૧૦:૩૧.

૧, ૨. મનોરંજન વિષે કેવી પસંદગી રહેલી છે?

કલ્પના કરો કે તમે કોઈ ફળ ખાવા જઈ રહ્યા છો, પણ જુઓ છો કે એ થોડું સડેલું છે. તમે શું કરશો? શું તમે સડેલા ભાગ સાથે આખું ફળ ખાઈ જશો? અથવા આખું ફળ ફેંકી દેશો? કે પછી સડેલો ભાગ કાપીને ફક્ત સારો ભાગ ખાશો?

આપણે કોઈ વાર આનંદ માણવા ફિલ્મ, વિડીયો ગેમ્સ, કે કંઈક વાંચન પસંદ કરીએ છીએ. પરંતુ, આજનું મોટા ભાગનું મનોરંજન સડેલા ફળ જેવું છે. ઘણા લોકો કોઈ પણ મનોરંજનની મજા માણે છે, એ ખરાબ હોય તોપણ ચલાવી લે છે. જ્યારે કે અમુક લોકો કોઈ પણ પ્રકારના મનોરંજનથી દૂર રહે છે, જેથી એની જરાય ખરાબ અસર ન પડે. બીજા અમુક લોકો ધ્યાન રાખે છે કે કયું મનોરંજન સારું અને કયું ખરાબ. પછી, તેઓ સારું મનોરંજન પસંદ કરીને કોઈ વાર એની મઝા માણે છે. મનોરંજન વિષે તમે કેવી પસંદગી કરશો, જેથી ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકો?

૩. હવે આપણે શાનો વિચાર કરીશું?

આપણામાંથી મોટા ભાગના સારું મનોરંજન પસંદ કરીને એનો આનંદ માણવા ચાહીશું. આપણને બધાને થોડી-ઘણી મોજમજાની જરૂર તો છે જ. એટલે જે કંઈ કરીએ એની આપણા પર ખરાબ અસર ન પડે એનું ધ્યાન રાખવું જોઈએ. તો પછી આપણે કઈ રીતે પારખી શકીએ કે કયું મનોરંજન સારું છે અને કયું ખરાબ? ચાલો પહેલા એ જોઈએ કે આપણે જે મનોરંજન પસંદ કરીએ, એની યહોવાની ભક્તિ પર કેવી અસર પડી શકે.

“જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો”

૪. આપણે યહોવાને આપેલું વચન મનોરંજનની પસંદગીને કેવી અસર કરે છે?

એક ભાઈ ૧૯૪૬માં બાપ્તિસ્મા પામ્યા હતા. તેમણે થોડા સમય પહેલાં કહ્યું કે ‘હું બાપ્તિસ્માના દરેક પ્રવચનમાં હાજર રહું છું. એ પ્રવચન એટલા ધ્યાનથી સાંભળું છું કે જાણે મારું પોતાનું બાપ્તિસ્મા હોય. એનાથી યહોવાને સમર્પણ કરતી વખતે આપેલું વચન મનમાં તાજું રહે છે અને તેમને વફાદાર રહેવા ઘણી મદદ મળે છે.’ કદાચ તમને પણ એવું જ થતું હશે. જીવનભર યહોવાને જ ભજવાનું વચન પોતાને યાદ કરાવતા રહેવાથી, તેમને વળગી રહેવા આપણને મદદ મળે છે. (સભાશિક્ષક ૫:૪; હિબ્રૂ ૧૦:૭) યહોવાને આપેલું વચન ધ્યાનમાં રાખવાથી, ભક્તિ અને મનોરંજન જેવી જીવનની કોઈ પણ બાબતને તેમની નજરે જોઈ શકીશું. પાઉલે પણ આ હકીકત પર ભાર મૂકતા કરિંથ મંડળને લખ્યું: “તમે ખાઓ કે પીઓ કે જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.”—૧ કરિંથી ૧૦:૩૧.

૫. રોમનો ૧૨:૧માં રહેલી ચેતવણીને સમજવા લેવીય ૨૨:૧૮-૨૦ કેવી રીતે મદદ કરે છે?

કોઈ વ્યક્તિ જે કંઈ કરે એની અસર યહોવાની ભક્તિ પર પડે છે. આ હકીકત રોમના ભાઈ-બહેનોના દિલમાં ઉતારવા પાઉલે લખ્યું હતું કે ‘તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.’ (રોમનો ૧૨:૧) અહીં શરીરમાં દિલ, દિમાગ અને શક્તિ બધું જ આવી જાય છે, જે આપણે યહોવાની ભક્તિમાં વાપરીએ છીએ. (માર્ક ૧૨:૩૦) તન-મનથી કરેલી આવી ભક્તિને પાઉલ અર્પણ સાથે સરખાવે છે. અહીં “અર્પણ” શબ્દ પાછળ ચેતવણી પણ રહેલી છે. કઈ રીતે? એ સમયનો વિચાર કરો જ્યારે ખુદ યહોવાએ મૂસા દ્વારા અર્પણ વિષે નિયમો આપ્યા હતા. એ નિયમો પ્રમાણે જો અર્પણમાં કોઈ ખોડ હોય તો યહોવા એને સ્વીકારતા નહિ. (લેવીય ૨૨:૧૮-૨૦) એ જ રીતે, જો આપણે એવાં કામો કરીશું જેને યહોવા નફરત કરે છે, તો આપણી ભક્તિ ફોગટ જશે. યહોવા એવી ભક્તિ કદી નહિ સ્વીકારે. ચાલો એ વિષે વધારે જોઈએ.

૬, ૭. યહોવાનો ભક્ત કેવાં કામોથી પોતાના શરીરને ભ્રષ્ટ કરે છે અને એનું શું પરિણામ આવી શકે?

પાઉલે રોમના ભાઈ-બહેનોને લખેલા પત્રમાં ચેતવણી આપી કે ‘તમારાં અંગો પાપને ન સોંપો.’ તેમણે એમ પણ કહ્યું કે “શરીરનાં કામોને મારી નાખો.” (રોમનો ૬:૧૨-૧૪; ૮:૧૩) પાઉલે ‘શરીરનાં કામો’ વિષે અગાઉ અમુક ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે પાપી મનુષ્યો વિષે કહ્યું કે ‘તેઓનું મોં શાપથી ભરેલું છે.’ “તેઓના પગ રક્ત વહેવડાવવામાં ઉતાવળા છે.” “તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.” (રોમનો ૩:૧૩-૧૮) આજે પણ જો યહોવાનો કોઈ ભક્ત આવાં કામો કરવા પોતાનાં ‘અંગ’ વાપરે, તો તે પોતાના શરીરને ભ્રષ્ટ કરે છે. દાખલા તરીકે, જો કોઈ જાણીજોઈને અશ્લીલતા કે મારફાડ બતાવતી ફિલ્મો અથવા કાર્યક્રમો જુએ, તો તે ‘પોતાની આંખ પાપને સોંપે’ છે. પછી, યહોવાની ભક્તિમાં તે જે કંઈ કરે, એ ખોડવાળા અર્પણ જેવું બની જાય છે. એવી ભક્તિ યહોવા સ્વીકારતા નથી. (પુનર્નિયમ ૧૫:૨૧; ૧ પિતર ૧:૧૪-૧૬; ૨ પિતર ૩:૧૧) યોગ્ય મનોરંજન પસંદ ન કરવાની તેણે કેવી ભારે કિંમત ચૂકવવી પડે છે!

સાચે જ, સારા મનોરંજનની પસંદગી કરવામાં આપણું જ ભલું છે. એટલે એવું મનોરંજન પસંદ કરવું જોઈએ, જેનાથી આપણું મન કોઈ રીતે ભ્રષ્ટ ન થાય અને ચોખ્ખા દિલથી યહોવાની ભક્તિ કરી શકીએ. આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે કયું મનોરંજન સારું છે અને કયું ખરાબ? ચાલો જોઈએ.

‘જે ભૂંડું છે એને ધિક્કારીએ’

૮, ૯. (ક) મનોરંજનને કયા બે ભાગમાં વહેંચી શકાય? (ખ) આપણે કેવું મનોરંજન કદી પણ પસંદ નહિ કરીએ? શા માટે?

આપણે મનોરંજનને બે ભાગમાં વહેંચી શકીએ. એક એવા પ્રકારનું મનોરંજન, જે યહોવાના ભક્તો કદી પસંદ નહિ કરે. બીજું એવા પ્રકારનું મનોરંજન, જે તેઓ કદાચ પસંદ કરે અથવા ન પણ કરે. ચાલો પહેલા એ જોઈએ કે યહોવાના ભક્તો કેવું મનોરંજન કદી પસંદ નહિ કરે.

આપણે પહેલા પ્રકરણમાં જોયું તેમ અમુક પ્રકારનાં મનોરંજનમાં એવી બાબતો હોય છે, જેનાથી યહોવાને સખત નફરત છે. જેમ કે અમુક વેબ સાઇટ, ફિલ્મો, ટીવી કાર્યક્રમો અને ગીતોનો વિચાર કરો. એ બધામાં ક્રૂરતા, મેલી વિદ્યા, જાદુટોણાં વગેરેને પ્રોત્સાહન આપવામાં આવે છે. એમાં અશ્લીલ કે ગંદી તસવીરો અને અનૈતિક સંબંધો ખુલ્લેઆમ બતાવવામાં આવે છે. આવાં કામોને એ રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે એમાં કંઈ ખોટું નથી. પણ એવાં ગંદાં કે હલકાં કામોથી બાઇબલના નિયમો અને સિદ્ધાંતો તૂટે છે. એટલે યહોવાના ભક્તો તરીકે આપણે એવા મનોરંજનથી સાવ દૂર રહીશું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯; ૧ કરિંથી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૮) આમ, આપણે યહોવાને સાબિતી આપીએ છીએ કે ‘જે ભૂંડું છે એને ધિક્કારીએ’ છીએ અને હંમેશાં “ભૂંડાથી દૂર” રહીએ છીએ. એ રીતે આપણી ભક્તિ ‘ઢોંગ વગરની’ હશે.—રોમનો ૧૨:૯; ગીતશાસ્ત્ર ૩૪:૧૪; ૧ તિમોથી ૧:૫.

૧૦. અમુક ફિલ્મો કે કાર્યક્રમ વિષે શું વિચારવું ખતરનાક છે? શા માટે?

૧૦ કદાચ કોઈને લાગે કે અનૈતિક સંબંધો બતાવતી ફિલ્મો કે કાર્યક્રમ જોવામાં કંઈ ખોટું નથી. તે કહેશે કે ‘ભલે હું એવી ફિલ્મ કે કાર્યક્રમ જોઉં, પણ ક્યારેય એવું કરીશ નહિ.’ આવું વિચારીને તે પોતાને છેતરે છે, કેમ કે એનાથી તે પોતે જોખમમાં આવી શકે છે. (યર્મિયા ૧૭:૯) યહોવા જેને સખત નફરત કરે છે, એ જોવામાં મઝા આવતી હોય તો શું આપણે ‘જે ભૂંડું છે એને ધિક્કારીએ’ છીએ? એવાં ખરાબ કામો વારંવાર જોવાથી, વાંચવાથી કે સાંભળવાથી, ખરા-ખોટા વચ્ચેનો ભેદ પારખવાની આપણી શક્તિ મંદ પડતી જશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૭૦; ૧ તિમોથી ૪:૧, ૨) આવી આદતની આપણાં વાણી-વર્તન પર ખરાબ અસર પડી શકે છે. અરે, પછી બીજાઓનાં ખોટાં કામો પણ આપણને ખોટાં નહિ લાગે.

૧૧. ગલાતી ૬:૭ના શબ્દો મનોરંજન વિષે પણ કેવી રીતે સાચા ઠરે છે?

૧૧ હકીકતમાં આવું બન્યું પણ છે. અમુક ભાઈ-બહેનોને એવી ફિલ્મો કે ટીવી કાર્યક્રમ જોવાની આદત હોવાથી, તેઓએ પોતે પણ એવાં ખોટાં કામો કર્યાં છે. તેઓ બહુ મોડેથી શીખ્યા કે “માણસ જે કંઈ વાવે તે જ તે લણશે.” (ગલાતી ૬:૭) પણ એવાં ખોટાં કામોમાં પડવાથી બચી શકાય છે. જો ધ્યાન રાખીને આપણા દિલોદિમાગમાં સારી બાબતો ઉતારીશું, તો એનું પરિણામ સારું જ આવશે.—“ હું કેવું મનોરંજન પસંદ કરીશ?” બૉક્સ જુઓ.

બાઇબલ સિદ્ધાંતોને આધારે નિર્ણય લો

૧૨. મનોરંજનની બાબતે ગલાતી ૬:૫માં કયો સિદ્ધાંત છે? એનાથી આપણને સારો નિર્ણય લેવા કેવું માર્ગદર્શન મળે છે?

૧૨ ચાલો હવે બીજા પ્રકારના મનોરંજન વિષે જોઈએ. એ મનોરંજનમાં એવી ઘણી બાબતો હોઈ શકે, જેના વિષે બાઇબલ સીધેસીધી મનાઈ કરતું નથી. એવા મનોરંજન વિષે દરેક વ્યક્તિએ પોતે નિર્ણય લેવાનો છે કે ‘મારા માટે એ સારું છે કે ખરાબ.’ (ગલાતી ૬:૫) પરંતુ, સારો નિર્ણય લેવા બાઇબલ આપણને માર્ગદર્શન આપે છે. બાઇબલમાં એવા સિદ્ધાંતો છે, જેની મદદથી આપણે એ વિષે યહોવાના વિચારો જાણી શકીશું. એ સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને આપણે મનોરંજન વિષે જ નહિ, બધી બાબતોમાં ‘યહોવાની ઇચ્છા સમજી’ શકીશું.—એફેસી ૫:૧૭.

૧૩. યહોવાને નફરત હોય એવા કોઈ પણ મનોરંજનથી દૂર રહેવા શું કરવું જોઈએ?

૧૩ આપણે જાણીએ છીએ કે યહોવાના બધા જ ભક્તો એકસરખા નથી. મનોરંજનની પસંદગી બાબતે બધાએ એકસરખી સમજશક્તિ કેળવી હોતી નથી. (ફિલિપી ૧:૯) તેમ જ, બધાની પસંદગી અલગ અલગ હોય છે. એટલે આપણે એવી આશા ન રાખવી જોઈએ કે મનોરંજન વિષે બધા ભાઈ-બહેનો એકસરખો નિર્ણય લેશે. આપણે તો બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે પોતાના દિલોદિમાગને કેળવતા રહેવાની જરૂર છે. જેટલું વધારે કેળવીશું એટલું એવા મનોરંજનથી દૂર રહેવા મદદ મળશે, જેનાથી યહોવાને નફરત છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧, ૧૨૯; ૧ પિતર ૨:૧૬.

૧૪. (ક) મનોરંજનની પસંદગી કરતી વખતે શાનું ધ્યાન રાખવું જોઈએ? (ખ) યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા શું કરી શકીએ?

૧૪ આપણે મનોરંજનમાં કેટલો સમય આપીશું એ ધ્યાનમાં રાખવું પણ મહત્ત્વનું છે. મનોરંજનની આપણી પસંદગી બતાવે છે કે આપણને શું ગમે છે. એ જ રીતે, મનોરંજનમાં કેટલો સમય આપીએ છીએ એનાથી દેખાય છે કે જીવનમાં આપણા માટે શું મહત્ત્વનું છે. આપણા માટે યહોવાની ભક્તિ સૌથી પહેલી હોવી જોઈએ. (માથ્થી ૬:૩૩) યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા આપણે શું કરી શકીએ? પાઉલે જણાવ્યું હતું: ‘સંભાળ રાખો કે તમે મૂર્ખની જેમ નહિ, પણ ડાહ્યા માણસની જેમ ચાલો. સમયનો સારો ઉપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે.’ (એફેસી ૫:૧૫, ૧૬) તેથી, મનોરંજનમાં કેટલો સમય કાઢીશું એ પહેલેથી નક્કી કરવું જોઈએ. એ પછી, “જે શ્રેષ્ઠ છે” એવી બાબતોમાં જરૂરી સમય આપી શકીશું, જેનાથી યહોવા સાથેનો સંબંધ મજબૂત થશે.—ફિલિપી ૧:૧૦.

૧૫. મનોરંજનની પસંદગી કેમ સમજી-વિચારીને કરવી જોઈએ?

૧૫ મનોરંજનની પસંદગીમાં આપણે આ કહેવત યાદ રાખીએ: ‘ચેતતો નર સદા સુખી.’ ફકરા એકમાં આપેલા ફળના ઉદાહરણનો ફરી વિચાર કરો. આપણાથી અજાણતા સડેલો ભાગ ખવાઈ ન જાય, એટલે એની આસપાસનો થોડો સારો ભાગ પણ કાપીને ફેંકી દઈએ છીએ. મનોરંજન વિષે પણ કોઈ નિર્ણય લેતા પહેલાં, બહુ સમજી-વિચારીને વર્તવું જોઈએ. યહોવાનો કોઈ ભક્ત કદીયે એવું મનોરંજન પસંદ નહિ કરે, જે બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ હોય. તે એવા મનોરંજનથી પણ દૂર રહેશે, જેના વિષે તેને જરા પણ શંકા હોય અથવા એના લીધે ઈશ્વર સાથેનો સંબંધ જોખમમાં મૂકાશે એવું લાગતું હોય. (નીતિવચનો ૪:૨૫-૨૭) બાઇબલમાં આપેલી સલાહને પૂરેપૂરી પાળવાથી, આપણને સારું મનોરંજન પસંદ કરવા મદદ મળશે.

‘જે કંઈ શુદ્ધ હોય’

બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે સારું મનોરંજન પસંદ કરીને આપણે યહોવાની છાયામાં રહીએ છીએ

૧૬. (ક) યહોવા જેવી લાગણી બતાવવા આપણે શું કરીશું? (ખ) આપણે બાઇબલના નીતિનિયમો પ્રમાણે ચાલીશું તો શું લાભ થશે?

૧૬ મનોરંજનની પસંદગી કરતી વખતે, યહોવાની લાગણી અને વિચારો સૌથી પહેલા ધ્યાનમાં રાખવા જોઈએ. બાઇબલમાં આપણને તેમના નીતિનિયમો જોવા મળે છે. દાખલા તરીકે, યહોવા સખત નફરત કરે છે એવી અમુક બાબતો રાજા સુલેમાને પણ જણાવી હતી: ‘જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ; દુષ્ટ કાવતરાં રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર પગ.’ (નીતિવચનો ૬:૧૬-૧૯) યહોવાના બીજા એક ભક્તે પણ કહ્યું હતું કે “હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો.” (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) તેથી, મનોરંજનની આપણી પસંદગીથી દેખાઈ આવવું જોઈએ કે યહોવા જેને નફરત કરે છે એને આપણે પણ નફરત કરીએ છીએ. (ગલાતી ૫:૧૯-૨૧) ખાસ કરીને એકલા હોઈએ ત્યારે પણ, આપણાં કામોથી દેખાઈ આવવું જોઈએ કે ખરાબ બાબતને આપણે ધિક્કારીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧:૪; ૧૬:૮) આમ, યહોવા જેવી લાગણી બતાવવા આપણે જીવનની દરેક બાબતોમાં બાઇબલ સિદ્ધાંતોને વળગી રહીશું. પછી એને આધારે મનોરંજન કે બીજી કોઈ પણ બાબતોમાં સારી પસંદગી કરી શકીશું.—૨ કરિંથી ૩:૧૮.

૧૭. મનોરંજન સારું છે એની ખાતરી કેવી રીતે કરી શકો?

૧૭ યહોવાની નજરે તમે સારું મનોરંજન પસંદ કરો છો, એની ખાતરી કરવા તમે બીજું શું કરી શકો? આ સવાલ વિચારો: ‘એ મનોરંજનની મારા પર અને ઈશ્વર સાથેના મારા સંબંધ પર કેવી અસર પડશે?’ કોઈ ફિલ્મ જોવી કે નહિ એનો નિર્ણય લેતા પહેલાં, વિચારો કે ‘એ ફિલ્મની મારા પર કેવી અસર પડશે?’ ચાલો જોઈએ કે એ માટે બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરે છે.

૧૮, ૧૯. (ક) સારું મનોરંજન પસંદ કરવા ફિલિપી ૪:૮નો સિદ્ધાંત કેવી રીતે મદદ કરી શકે? (ખ) બીજા કયા સિદ્ધાંતો સારું મનોરંજન પસંદ કરવા મદદ કરશે? (ફૂટનોટ જુઓ.)

૧૮ ફિલિપી ૪:૮ એક સિદ્ધાંત જણાવતા કહે છે: ‘જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ કીર્તિમાન છે; જે કંઈ સદ્ગુણ કે જે કંઈ પ્રશંસાને લાયક હોય, એ બાબતોનો વિચાર કરતા રહો.’ ખરું કે પાઉલ અહીં મનોરંજન વિષે નહિ, પણ ઈશ્વરને ગમતી બાબતો દિલમાં ઉતારવાની વાત કરતા હતા. (ગીતશાસ્ત્ર ૧૯:૧૪) તેમ છતાં, એ શબ્દો પાછળનો સિદ્ધાંત મનોરંજનમાં પણ લાગુ પડે છે.

૧૯ વિચારો કે ‘હું જે ફિલ્મો જોઉં, વિડીયો ગેમ રમું, ગીતો સાંભળું અથવા બીજી કોઈ રીતે મનોરંજનનો આનંદ માણું, એની મારા પર કેવી અસર થાય છે? શું એનાથી હું “જે કંઈ શુદ્ધ” છે એ મારા મનમાં ઉતારું છું?’ કોઈ ફિલ્મ જોયા પછી કેવાં દૃશ્યો યાદ રહી જાય છે? જો એનાથી તાજગી મળે અને એમાં દિલ ડંખે એવું કંઈ ન હોય, તો એ સારી ફિલ્મ કહી શકાય. પણ જો એનાથી ખોટા વિચારો આવતા હોય, તો એ સારી ફિલ્મ ન કહેવાય. એનાથી તમને નુકસાન થશે! (માથ્થી ૧૨:૩૩; માર્ક ૭:૨૦-૨૩) કઈ રીતે? ખોટી બાબતો પર વિચાર કરીશું તો મનની શાંતિ છીનવાઈ જશે. બાઇબલ પ્રમાણે કેળવેલા અંતઃકરણ પર ડાઘ પડશે. અરે, એનાથી ઈશ્વર સાથેનો તમારો નાતો પણ તૂટી જઈ શકે. (એફેસી ૫:૫; ૧ તિમોથી ૧:૫, ૧૯) તેથી, ચાલો મનમાં ગાંઠ વાળીએ કે આપણને નુકસાન થાય એવું મનોરંજન કદીયે પસંદ નહિ કરીએ. * (રોમનો ૧૨:૨) એ માટે યહોવાને પ્રાર્થના કરીએ કે ‘નકામી બાબતોથી મારી દૃષ્ટિ ફેરવો.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭.

બીજાઓનો વિચાર કરો

૨૦, ૨૧. સારું મનોરંજન પસંદ કરવા ૧ કરિંથી ૧૦:૨૩, ૨૪નો સિદ્ધાંત કેવી રીતે મદદ કરશે?

૨૦ આપણે પોતાના માટે કોઈ નિર્ણય લઈએ ત્યારે, બાઇબલના આ સિદ્ધાંતને પણ યાદ રાખીએ: ‘આપણને બધું કરવાની પરવાનગી છે, પણ બધું લાભદાયી નથી. દરેકે માત્ર પોતાનું જ નહિ, બીજાનું હિત પણ જોવું જોઈએ.’ (૧ કોરીંથી ૧૦:૨૩, ૨૪, કોમન લેંગ્વેજ) આ સિદ્ધાંત સારા મનોરંજનની પસંદગીમાં કઈ રીતે મદદ કરશે? એ માટે આપણે પહેલા વિચારીએ કે ‘મેં પસંદ કરેલા મનોરંજનની બીજાઓ પર કેવી અસર પડશે?’

૨૧ આપણું દિલ અમુક પ્રકારના મનોરંજનની “પરવાનગી” આપે છે. પણ એ મનોરંજનથી બીજાઓનું દિલ ડંખતું હોય તો શું કરીશું? કદાચ એવા મનોરંજનથી દૂર રહીશું. શા માટે? જો એ મનોરંજનથી કોઈ માટે યહોવાને વળગી રહેવું મુશ્કેલ થતું હોય, તો આપણે જાણે ‘ભાઈઓની વિરુદ્ધ,’ અરે ‘ખ્રિસ્તની વિરુદ્ધ પાપ’ કરીએ છીએ! એવું ન થાય માટે આપણે આ સલાહ દિલથી પાળીએ છીએ, “ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ.” (૧ કરિંથી ૮:૧૨; ૧૦:૩૨) આપણે બીજાઓની લાગણી સમજીને માન આપવા વિષે પાઉલની સલાહ માનીએ છીએ. તેથી, એવું મનોરંજન જરાય પસંદ નહિ કરીએ, જેની “પરવાનગી” હોય પણ “લાભદાયી” ન હોય.—રોમનો ૧૪:૧; ૧૫:૧.

૨૨. મનોરંજનની બાબતે બીજાઓના વિચારો અલગ હોય તોપણ શા માટે તેઓને માન આપવું જોઈએ?

૨૨ આપણે મનોરંજનની બાબતે વધારે પડતા સાવધ હોઈ શકીએ. એ કિસ્સામાં પણ “બીજાનું હિત” જોવાનો સિદ્ધાંત લાગુ પડે છે. આપણે એવો ખોટો આગ્રહ ન કરવો જોઈએ કે મનોરંજનની બાબતે મંડળમાં બધા આપણા જેવું જ વિચારે. નહિ તો એવા ડ્રાઇવર જેવા બનીશું, જે ચાહે છે કે પોતે જે સ્પીડે વાહન ચલાવે એ જ સ્પીડે બીજા ડ્રાઇવરો પણ ચલાવે. એ તો વાજબી ન કહેવાય. મનોરંજનની બાબતે ભલે કોઈના વિચારો આપણાથી અલગ હોય, પણ બાઇબલના સિદ્ધાંતોનો ભંગ ન કરે ત્યાં સુધી તેઓને માન આપવું જોઈએ. એમ કરવાથી આપણે પ્રેમથી પ્રેરાઈને સમજી-વિચારીને વર્તીએ છીએ.—સભાશિક્ષક ૭:૧૬.

૨૩. આપણે સારું જ મનોરંજન પસંદ કરીએ છીએ એવી ખાતરી કેવી રીતે કરી શકીએ?

૨૩ ટૂંકમાં, આપણે સારું જ મનોરંજન પસંદ કરીએ છીએ એવી કઈ રીતે ખાતરી કરી શકીએ? આપણે એવું કોઈ પણ પ્રકારનું મનોરંજન પસંદ નહિ કરીએ જેની બાઇબલ નિંદા કરે છે. જેમ કે, એવું મનોરંજન જેમાં અનૈતિક સંબંધો જેવાં હલકાં કામોને ખુલ્લેઆમ બતાવવામાં આવતાં હોય. જે પ્રકારના મનોરંજન વિષે યહોવાએ બાઇબલમાં સીધેસીધી મનાઈ કરી નથી, એમાં પણ બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડીએ. આપણું દિલ ડંખે એવું મનોરંજન કદીયે પસંદ ન કરીએ. આપણે એવા મનોરંજનથી પણ દૂર રહીશું જે લોકોને ઠોકરરૂપ હોય, ખાસ કરીને આપણા ભાઈ-બહેનોને. ચાલો આપણે મનોરંજનની સારી પસંદગી કરીને, ઈશ્વરનું નામ રોશન કરીએ અને આપણા કુટુંબ સાથે તેમના પ્રેમની છાયામાં રહીએ.

^ ફકરો. 19 મનોરંજન વિષે અમુક સિદ્ધાંતો આ કલમોમાં પણ છે: નીતિવચનો ૩:૩૧; ૧૩:૨૦; એફેસી ૫:૩, ૪; કલોસી ૩:૫, ૮, ૨૦.