પ્રકરણ ૧૦૬
દ્રાક્ષાવાડી વિશે બે ઉદાહરણ
માથ્થી ૨૧:૨૮-૪૬ માર્ક ૧૨:૧-૧૨ લુક ૨૦:૯-૧૯
-
બે દીકરાઓ વિશે ઉદાહરણ
-
દ્રાક્ષાવાડીના ખેડૂતોનું ઉદાહરણ
મંદિરમાં હમણાં જ મુખ્ય યાજકો અને લોકોના વડીલોએ સવાલ ઉઠાવ્યો હતો કે ઈસુ કયા અધિકારથી બધું કરે છે. ઈસુએ વળતો સવાલ કરીને તેઓને ગૂંચવણમાં મૂકી દીધા. ઈસુના જવાબે તેઓને ચૂપ કરી દીધા હતા. પછી, તેમણે એક ઉદાહરણ આપ્યું, જે બતાવતું હતું કે અસલમાં તેઓ કેવા છે.
ઈસુએ જણાવ્યું: “એક માણસને બે દીકરાઓ હતા. પહેલાની પાસે જઈને તેણે કહ્યું, ‘બેટા, આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ તેણે જવાબમાં કહ્યું, ‘હું નહિ જાઉં,’ પણ પછીથી તેને પસ્તાવો થયો અને તે ગયો. બીજાની પાસે જઈને પિતાએ એવું જ કહ્યું. તેણે જવાબ આપ્યો, ‘હું જઈશ પિતાજી,’ પણ તે ન ગયો. આ બેમાંથી કોણે પોતાના પિતાની મરજી પ્રમાણે કર્યું?” (માથ્થી ૨૧:૨૮-૩૧) જવાબ સ્પષ્ટ છે, પહેલા દીકરાએ, કેમ કે છેવટે તેણે પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું હતું.
એટલે, ઈસુએ પોતાના વિરોધીઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓ તમારી આગળ ઈશ્વરના રાજ્યમાં જાય છે.” કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓ શરૂઆતમાં ઈશ્વરને ભજતા ન હતા. પરંતુ, પહેલા દીકરાની જેમ તેઓએ પછીથી પસ્તાવો કર્યો અને ઈશ્વરને ભજવા લાગ્યા. એનાથી વિરુદ્ધ, ધર્મગુરુઓ બીજા દીકરા જેવા હતા. તેઓ ઈશ્વરને ભજવાનો દાવો કરતા હતા, પણ ખરેખર તો એ ભક્તિનો દેખાડો જ હતો. ઈસુએ જણાવ્યું: “યોહાન [બાપ્તિસ્મા આપનાર] ખરો માર્ગ બતાવવા તમારી પાસે આવ્યો, પણ તમે તેનું માન્યું નહિ. જોકે, કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓએ તેનું માન્યું અને તમે આ જોયા પછી પણ પસ્તાવો કર્યો નહિ અને તમે તેનું માન્યું નહિ.”—માથ્થી ૨૧:૩૧, ૩૨.
એ પછી, ઈસુએ બીજું એક ઉદાહરણ જણાવ્યું. આ વખતે તેમણે એ વાત પર ધ્યાન દોર્યું કે ધર્મગુરુઓએ ઈશ્વરની ભક્તિ ચૂકી જવા ઉપરાંત કંઈક વધારે ગંભીર કામ કર્યું હતું. તેઓ હકીકતમાં દુષ્ટ હતા. ઈસુએ જણાવ્યું: “એક માણસે દ્રાક્ષાવાડી કરી અને એની ફરતે વાડ ઊભી કરી; દ્રાક્ષ ખૂંદવા માટે કુંડ ખોદ્યો અને ચોકી કરવા બુરજ બાંધ્યો; પછી, ખેડૂતોને ભાગે આપીને તે પરદેશ ગયો. દ્રાક્ષની કાપણીની મોસમમાં તેણે પોતાના ચાકરને ખેડૂતો પાસે મોકલ્યો, જેથી દ્રાક્ષાવાડીની પેદાશમાંથી પોતાનો ભાગ તેઓ પાસેથી મેળવે. પણ, તેઓએ તેને પકડ્યો, માર્યો અને તેને ખાલી હાથે પાછો મોકલી દીધો. ફરી તેણે બીજા ચાકરને તેઓ પાસે મોકલ્યો અને તેઓએ તેના માથા પર ઘા કર્યો અને તેનું અપમાન કર્યું. માલિકે બીજા એકને મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો; તેણે બીજા ઘણાને મોકલ્યા અને એમાંથી અમુકને તેઓએ માર્યા અને અમુકને મારી નાખ્યા.”—માર્ક ૧૨:૧-૫.
ત્યાં હાજર લોકો શું એ ઉદાહરણ સમજી શક્યા? કદાચ તેઓને યશાયાના આ શબ્દો યાદ આવ્યા હશે: ‘ઇઝરાયેલી લોકો તે સૈન્યોના ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહુદાના લોક તેના મનોરંજક રોપ જેવા છે; તે ઇન્સાફની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, રક્તપાત છે.’ (યશાયા ૫:૭) ઈસુનું ઉદાહરણ પણ એના જેવું જ હતું. દ્રાક્ષાવાડીના માલિક યહોવા હતા અને દ્રાક્ષાવાડી ઇઝરાયેલી પ્રજા હતી, જેને વાડ સમાન ઈશ્વરના નિયમોથી રક્ષણ મળતું હતું. યહોવાએ પોતાના લોકોને શિક્ષણ આપવા અને સારાં ફળ પેદા કરી શકે માટે મદદ કરવા પ્રબોધકો મોકલ્યા.
જોકે, “ખેડૂતો” એ ‘ચાકરો’ સાથે ખરાબ રીતે વર્ત્યા અને તેઓને મારી નાખ્યા. ઈસુએ સમજાવ્યું: “[દ્રાક્ષાવાડીના માલિક] પાસે હજી એક બાકી હતો, તેનો વહાલો દીકરો. તેણે છેવટે એમ વિચારીને તેને મોકલ્યો કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’ પણ, પેલા ખેડૂતોએ એકબીજાને કહ્યું: ‘આ તો વારસદાર છે. ચાલો, એને મારી નાખીએ અને વારસો આપણો થઈ જશે.’ તેથી, તેઓએ તેને પકડીને મારી નાખ્યો.”—માર્ક ૧૨:૬-૮.
પછી, ઈસુએ પૂછ્યું: “દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે?” (માર્ક ૧૨:૯) ધર્મગુરુઓએ જવાબ આપ્યો: “તેઓ દુષ્ટ હોવાથી, તે તેઓ પર ભયંકર વિનાશ લાવશે અને દ્રાક્ષાવાડી એવા ખેડૂતોને ભાગે આપશે, જેઓ તેને યોગ્ય સમયે એનાં ફળ આપે.”—માથ્થી ૨૧:૪૧.
આમ, ધર્મગુરુઓએ અજાણતા જ જણાવી દીધું કે તેઓના કેવા હાલ થશે, કેમ કે તેઓ યહોવાની “દ્રાક્ષાવાડીના,” એટલે કે ઇઝરાયેલી પ્રજાના “ખેડૂતો” હતા. યહોવા યોગ્ય માર્ક ૧૨:૧૦, ૧૧) પછી, ઈસુએ મુદ્દા પર આવતા કહ્યું: “એ માટે હું તમને કહું છું, તમારી પાસેથી ઈશ્વરનું રાજ્ય લઈ લેવાશે અને જે પ્રજા રાજ્યને યોગ્ય ફળ આપે છે એને એ રાજ્ય આપવામાં આવશે.”—માથ્થી ૨૧:૪૩.
રીતે જ તેઓ પાસેથી ફળની અપેક્ષા રાખતા હતા કે જેમાં તેઓએ ઈશ્વરના દીકરા, મસીહમાં શ્રદ્ધા મૂકવાની હતી. ઈસુએ ધર્મગુરુઓ સામે જોઈને કહ્યું: “શું તમે કદી પણ આ શાસ્ત્રવચન નથી વાંચ્યું: ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો છે. યહોવા તરફથી આવું બન્યું છે અને એ અમારી નજરે અજાયબ છે’?” (શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો સમજી ગયા કે “ઈસુએ તેઓને ધ્યાનમાં રાખીને આ ઉદાહરણ કહ્યું” હતું. (લુક ૨૦:૧૯) એટલે, તેઓ ખરા “વારસદાર” ઈસુને મારી નાખવા અધીરા બની ગયા. પરંતુ, તેઓ લોકોના ટોળાથી ડરતા હતા, કેમ કે એ ટોળું ઈસુને પ્રબોધક માનતું હતું. તેથી, તેઓએ ઈસુને ત્યાં જ મારી નાખવાની કોશિશ ન કરી.