સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૧૬

છેલ્લા પાસ્ખાએ નમ્રતાનો બોધપાઠ શીખવે છે

છેલ્લા પાસ્ખાએ નમ્રતાનો બોધપાઠ શીખવે છે

માથ્થી ૨૬:૨૦ માર્ક ૧૪:૧૭ લુક ૨૨:૧૪-૧૮ યોહાન ૧૩:૧-૧૭

  • ઈસુ પ્રેરિતો સાથે છેલ્લું પાસ્ખા ભોજન લે છે

  • પ્રેરિતોના પગ ધોઈને તે બોધપાઠ શીખવે છે

ઈસુની સૂચના મુજબ, પાસ્ખાની તૈયારી કરવા પીતર અને યોહાન યરૂશાલેમ પહોંચી ગયા હતા. પછી, ઈસુ અને બીજા દસ પ્રેરિતો પણ ત્યાં જવા નીકળ્યા. એ બપોરનો સમય હતો. તેઓ જૈતૂન પહાડ ઊતરતા હતા ત્યારે પશ્ચિમે સૂર્ય આથમી રહ્યો હતો. એ સ્થળેથી ઈસુ યરૂશાલેમને છેલ્લી વાર જોઈ રહ્યા હતા. સજીવન થયા પછી જ તે ફરીથી એ જોઈ શકવાના હતા.

થોડા જ સમયમાં ઈસુ અને તેમના શિષ્યો શહેરમાં આવી પહોંચ્યા. પછી, તેઓ સીધા એ ઘરે ગયા, જ્યાં તેઓ પાસ્ખાનું ભોજન લેવાના હતા. તેઓ દાદરા ચઢીને ઉપલા માળે મોટા ઓરડામાં ગયા. તેઓએ જોયું તો, તેઓના ભોજન માટે ત્યાં બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. ઈસુએ આ પ્રસંગની આતુરતાથી રાહ જોઈ હતી, તેમણે કહ્યું: “હું દુઃખ સહન કરું એ પહેલાં, આ પાસ્ખાનું ભોજન તમારી સાથે ખાવાની મારી ઘણી ઝંખના હતી.”—લુક ૨૨:૧૫.

વર્ષો પહેલાં શરૂ થયેલા રિવાજ પ્રમાણે, પાસ્ખાના ભોજનમાં ભાગ લેનારાઓમાં દ્રાક્ષદારૂના પ્યાલાઓ પસાર કરવામાં આવતા. ઈસુએ એક પ્યાલો લઈને ઈશ્વરનો આભાર માન્યો અને કહ્યું: “તમે આ લો અને એક પછી એક એમાંથી પીઓ, કેમ કે હું તમને જણાવું છું, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી, હું હવે ફરી દ્રાક્ષદારૂ પીવાનો નથી.” (લુક ૨૨:૧૭, ૧૮) એ સાફ બતાવતું હતું કે હવે તેમના મરણની ઘડીઓ ગણાઈ રહી છે.

પાસ્ખા ભોજન દરમિયાન કંઈક અસામાન્ય બન્યું. ઈસુ ઊભા થયા, તેમણે પોતાનો ઝભ્ભો ઉતારીને એક બાજુ મૂક્યો અને રૂમાલ લીધો. પછી, તેમણે નજીકમાં પડેલા વાસણમાં પાણી ભર્યું. સામાન્ય રીતે, ઘરે મહેમાનો આવે ત્યારે યજમાન ધ્યાન રાખતા કે તેઓના પગ ધોવામાં આવે. એ કામ કદાચ ચાકરનું હતું. (લુક ૭:૪૪) પણ, આ પ્રસંગે યજમાન હાજર ન હોવાથી, ઈસુએ પોતે એ કામ ઉપાડી લીધું. એ કામ પ્રેરિતોમાંથી પણ કોઈ કરી શક્યું હોત, પણ કોઈ આગળ ન આવ્યું. શું તેઓમાં હજુ ચડસાચડસી ચાલતી હતી? કારણ ગમે તે હોય, પણ ઈસુને પગ ધોતા જોઈને તેઓને ખૂબ શરમ આવી.

ઈસુ પીતર પાસે આવ્યા ત્યારે, તેમણે વાંધો ઉઠાવ્યો: “હું તમને કદી પણ મારા પગ ધોવા નહિ દઉં.” ઈસુએ જવાબ આપ્યો: “જો હું તારા પગ ન ધોઉં, તો તારે ને મારે કોઈ લેવાદેવા નથી.” તેથી, પીતરે લાગણીવશ થઈને કહ્યું: “પ્રભુ, ફક્ત મારા પગ નહિ, મારા હાથ અને મારું માથું પણ ધુઓ.” પણ ઈસુનો આ જવાબ સાંભળીને તે નવાઈમાં ડૂબી ગયા હશે: “જેણે સ્નાન કર્યું છે, તેણે પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી, પણ તે પૂરેપૂરો શુદ્ધ થયેલો છે. અને તમે તો શુદ્ધ છો, પણ બધા જ શુદ્ધ નથી.”—યોહાન ૧૩:૮-૧૦.

ઈસુએ બારેય પ્રેરિતોના પગ ધોયા, જેમાં યહુદા ઇસ્કારિયોત પણ હતો. પછી, ઈસુએ પોતાનો ઝભ્ભો પહેરી લીધો અને ફરીથી મેજને અઢેલીને બેસી ગયા. તેમણે શિષ્યોને પૂછ્યું: “મેં તમારા માટે જે કર્યું એ શું તમે સમજો છો? તમે મને ‘ગુરુજી’ અને ‘પ્રભુ’ કહીને બોલાવો છો. એ ખરું છે, કેમ કે હું એ જ છું. એ માટે, જો મેં પ્રભુ અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમારા માટે નમૂનો બેસાડ્યો કે જેવું મેં તમને કર્યું, એવું તમે પણ કરો. હું તમને સાચે જ કહું છું કે દાસ પોતાના માલિક કરતાં મોટો નથી; અને મોકલવામાં આવેલો પોતાના મોકલનાર કરતાં મોટો નથી. હવે, તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો.”—યોહાન ૧૩:૧૨-૧૭.

ઈસુએ નમ્રતાનો કેવો સુંદર દાખલો બેસાડ્યો! તેમના શિષ્યોએ કદી એવું વિચારવાનું ન હતું કે પોતે મહત્ત્વના છે એટલે, પહેલું સ્થાન મળવું જોઈએ અને બીજાઓએ તેઓની સેવા કરવી જોઈએ. એને બદલે, તેઓએ તો ઈસુના દાખલાને અનુસરવાનો હતો. કઈ રીતે? પગ ધોવાની વિધિ કરીને નહિ, પણ કોઈ પક્ષપાત વગર નમ્રપણે સેવા કરવા તૈયાર રહીને.