સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩૫

જીવતા થયેલા ઈસુ ઘણાને દેખાય છે

જીવતા થયેલા ઈસુ ઘણાને દેખાય છે

લુક ૨૪:૧૩-૪૯ યોહાન ૨૦:૧૯-૨૯

  • એમ્મોસ જતાં રસ્તે ઈસુ દેખાય છે

  • તે પોતાના શિષ્યોને વારંવાર શાસ્ત્રવચનો જણાવે છે

  • થોમાની શંકા દૂર થાય છે

રવિવાર, નીસાન ૧૬ના રોજ શિષ્યો ખૂબ દુઃખી હતા. તેઓને ખાલી કબરનો અર્થ સમજાતો ન હતો. (માથ્થી ૨૮:૯, ૧૦; લુક ૨૪:૧૧) પછી, એ દિવસે મોડે ક્લિયોપાસ અને બીજા એક શિષ્ય યરૂશાલેમથી એમ્મોસ જવા નીકળ્યા, જે લગભગ ૧૧ કિલોમીટર દૂર આવેલું હતું.

જે બધું બન્યું હતું, એ વિશે તેઓ ચાલતાં ચાલતાં વાત કરતા હતા. પછી, એક અજાણી વ્યક્તિ તેઓ સાથે ચાલવા લાગી અને પૂછ્યું: “તમે ચાલતાં ચાલતાં એકબીજા સાથે શેના વિશે ઊંડી ચર્ચા કરો છો?” ક્લિયોપાસે જવાબમાં કહ્યું: “શું તું યરૂશાલેમમાં રહેનારો કોઈ પરદેશી છે અને આ દિવસોમાં ત્યાં જે બન્યું એ વિશે તને કંઈ ખબર નથી?” અજાણી વ્યક્તિએ પૂછ્યું: “શું બન્યું હતું?”—લુક ૨૪:૧૭-૧૯.

તેઓએ કહ્યું: ‘નાઝરેથના ઈસુ સાથે જે બન્યું એ. અમે આશા રાખતા હતા કે આ એ જ માણસ છે, જે ઇઝરાયેલને બચાવશે.’—લુક ૨૪:૧૯-૨૧.

ક્લિયોપાસ અને તેમના સાથી જણાવવા લાગ્યા કે એ દિવસે શું થયું હતું. તેઓએ કહ્યું કે ઈસુને દફનાવ્યા હતા એ કબરે અમુક સ્ત્રીઓ ગઈ હતી, પણ તેઓને કબર ખાલી જોવા મળી; સ્ત્રીઓને ત્યાં એક અદ્‍ભુત દૃશ્ય જોવા મળ્યું; દૂતોએ તેઓને દર્શન આપ્યું અને કહ્યું કે ઈસુ જીવતા છે. ક્લિયોપાસ અને તેમના સાથીએ જણાવ્યું કે બીજાઓ પણ એ કબરે ગયા હતા અને “જેવું સ્ત્રીઓએ કહ્યું હતું, એવું તેઓને જોવા મળ્યું.”—લુક ૨૪:૨૪.

જે કંઈ બન્યું હતું એનાથી બંને શિષ્યો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. પછી, અજાણી વ્યક્તિએ અધિકારથી તેઓના એ ખોટા વિચારોને સુધાર્યા, જે તેઓના દિલને અસર કરતા હતા: “ઓ અણસમજુઓ અને પ્રબોધકોએ કહેલી બધી વાતો માનવામાં ઢીલ કરનારાઓ! ખ્રિસ્ત માટે શું એ જરૂરી ન હતું કે તે આ બધું સહન કરે અને પોતાના મહિમામાં પ્રવેશે?” (લુક ૨૪:૨૫, ૨૬) તે તેઓને ખ્રિસ્ત વિશે શાસ્ત્રવચનોમાં લખેલી વાતો સમજાવવા લાગ્યા.

આખરે તેઓ એમ્મોસ આવી પહોંચ્યા. બે શિષ્યો વધારે જાણવા માંગતા હતા, એટલે તેઓએ અજાણી વ્યક્તિને વિનંતી કરી: “અમારી સાથે રોકાઈ જા, કેમ કે સાંજ થવાની તૈયારી છે અને દિવસ પૂરો થવા આવ્યો છે.” તે રોકાવા સહમત થઈ અને તેઓએ સાથે ભોજન લીધું. અજાણી વ્યક્તિએ પ્રાર્થના કરીને રોટલી તોડી અને તેઓને આપી ત્યારે, તેઓને ખબર પડી કે, તે ઈસુ છે. પણ, પછી તે અદૃશ્ય થઈ ગયા. (લુક ૨૪:૨૯-૩૧) હવે, તેઓને પૂરી ખાતરી થઈ કે ઈસુ જીવતા છે!

આ બે શિષ્યોએ જે અનુભવ કર્યો એ વિશે એકદમ આનંદિત થઈને કહ્યું: “રસ્તા પર તે આપણી સાથે વાત કરીને આપણને શાસ્ત્રવચનો સ્પષ્ટ રીતે સમજાવતા હતા ત્યારે, શું આપણા હૃદયમાં આનંદ છવાઈ ગયો ન હતો?” (લુક ૨૪:૩૨) તેઓ ઉતાવળે પાછા યરૂશાલેમ ગયા અને પ્રેરિતોને તથા બીજા શિષ્યોને મળ્યા. ક્લિયોપાસ અને તેમના સાથી કંઈક જણાવે એ પહેલાં, તેઓએ બીજાઓને આમ કહેતા સાંભળ્યા: “હકીકતમાં, પ્રભુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને તે સિમોનને દેખાયા છે!” (લુક ૨૪:૩૪) આ બે શિષ્યોએ પણ જણાવ્યું કે ઈસુ તેઓને કઈ રીતે દેખાયા હતા. તેઓએ પણ જીવતા થયેલા ઈસુને નરી આંખે જોયા હતા.

પછી, એવું કંઈક બન્યું જેનાથી તેઓ બધા ચોંકી ગયા. ઈસુ તેઓને એ ઓરડામાં દેખાયા! આ તો અશક્ય હતું, કેમ કે તેઓએ યહુદીઓના ડરથી બારણાં બંધ કરી દીધાં હતાં. તોપણ, ઈસુ તેઓની વચ્ચે ઊભા હતા. તેમણે શાંત સ્વરે કહ્યું: “તમને શાંતિ થાઓ.” પણ તેઓ ડરી ગયા હતા. અગાઉથી જેમ, આ વખતે પણ “તેઓને લાગ્યું કે તેઓ કોઈ દૂતને જોઈ રહ્યા છે.”—લુક ૨૪:૩૬, ૩૭; માથ્થી ૧૪:૨૫-૨૭.

તેઓ ધારે છે એવું નથી અથવા તેઓને કોઈ આભાસ નથી થઈ રહ્યો, એ સાબિત કરવા ઈસુએ તેઓને પોતાના હાથ અને પગ બતાવ્યા. તેમણે કહ્યું: “તમે કેમ ડરી ગયા છો અને કેમ તમારા હૃદયોમાં શંકા ઊભી થાય છે? મારા હાથ અને પગ જુઓ, એ તો હું જ છું; મને અડકીને જુઓ, કેમ કે દૂતને હાડ-માંસ હોતા નથી, જ્યારે કે તમે જુઓ છો કે મને છે.” (લુક ૨૪:૩૬-૩૯) એનાથી તેઓની ખુશી અને નવાઈનો પાર ન રહ્યો. પણ, હજુ તેઓને કોઈ રીતે માનવામાં આવતું ન હતું કે એ ઈસુ છે.

એટલે, તેઓને મદદ કરવા ઈસુએ પૂછ્યું: “શું અહીં તમારી પાસે ખાવા માટે કંઈ છે?” શિષ્યોએ તેમને શેકેલી માછલીનો ટુકડો આપ્યો. તેમણે એ લીધો અને ખાધો. પછી, તેમણે કહ્યું: “હું હજુ તમારી સાથે [મારા મરણ પહેલાં] હતો ત્યારે, મેં તમને આ શબ્દો કહ્યા હતા કે મુસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા વિશે લખેલી બધી વાતો પૂરી થવી જ જોઈએ.”—લુક ૨૪:૪૧-૪૪.

ઈસુએ ક્લિયોપાસ અને તેમના સાથીને શાસ્ત્રવચનો સમજવા મદદ કરી હતી. તેમણે ત્યાં ભેગા થયેલા સર્વને પણ એ સમજવા મદદ કરી: “આમ લખેલું છે: ખ્રિસ્ત દુઃખ સહન કરશે અને ત્રીજા દિવસે મરણમાંથી ઊઠશે અને યરૂશાલેમથી શરૂ કરીને આખી દુનિયામાં તેના નામને આધારે પાપોની માફી માટે પસ્તાવો કરવાનો પ્રચાર થશે. તમે આ વાતોના સાક્ષી થશો.”—લુક ૨૪:૪૬-૪૮.

પ્રેરિત થોમા કોઈ કારણસર ત્યાં હાજર ન હતા. એ પછીના દિવસોમાં બીજાઓએ આનંદી થઈને તેમને કહ્યું: “અમે પ્રભુને જોયા છે!” પણ, થોમાએ જવાબમાં કહ્યું: “જ્યાં સુધી હું તેમના હાથમાં ખીલાના નિશાન ન જોઉં અને એમાં મારી આંગળી ન નાખું અને તેમના પડખામાં મારો હાથ ન નાખું, ત્યાં સુધી હું ભરોસો કરવાનો જ નથી.”—યોહાન ૨૦:૨૫.

આઠ દિવસ પછી, શિષ્યો પાછા બંધ બારણે ભેગા થયા. આ વખતે થોમા પણ ત્યાં હાજર હતા. ઈસુ તેઓની વચ્ચે માનવ શરીરમાં દેખાયા અને તેઓનું અભિવાદન કરતા કહ્યું: “તમને શાંતિ થાઓ.” પછી, થોમા તરફ ફરીને ઈસુએ કહ્યું: “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો; તારો હાથ મારા પડખામાં નાખ અને શંકા કરવાનું બંધ કર, પણ ભરોસો કર.” થોમા બોલી ઊઠ્યા: “મારા પ્રભુ, મારા ઈશ્વર!” (યોહાન ૨૦:૨૬-૨૮) તેમને હવે એવી કોઈ શંકા રહી ન હતી કે ઈસુ જીવતા છે અને શક્તિશાળી દૂત તરીકે યહોવા ઈશ્વરના પ્રતિનિધિ છે.

ઈસુએ કહ્યું: “શું તેં મને જોયો એટલે તું ભરોસો કરે છે? જેઓ જોયા વગર ભરોસો કરે છે, તેઓ સુખી છે!”—યોહાન ૨૦:૨૯.