સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩૩

ઈસુને દફનાવે છે

ઈસુને દફનાવે છે

માથ્થી ૨૭:૫૭–૨૮:૨ માર્ક ૧૫:૪૨–૧૬:૪ લુક ૨૩:૫૦–૨૪:૩ યોહાન ૧૯:૩૧–૨૦:૧

  • ઈસુનું શબ વધસ્તંભ પરથી ઉતારવામાં આવે છે

  • શબને દફન માટે તૈયાર કરવામાં આવે છે

  • સ્ત્રીઓને કબર ખાલી જોવા મળે છે

નીસાન ૧૪, શુક્રવારની મોડી બપોર થઈ હતી. સૂર્ય આથમે પછી નીસાન ૧૫નો સાબ્બાથ શરૂ થવાનો હતો. ઈસુ મરણ પામ્યા હતા, પણ તેમની આજુબાજુ બંને લુટારાઓ હજુ જીવતા હતા. નિયમશાસ્ત્ર પ્રમાણે, શબને “આખી રાત” વધસ્તંભ પર રાખવામાં આવતું ન હતું, પણ ‘એ જ દિવસે એને દાટી’ દેવામાં આવતું હતું.—પુનર્નિયમ ૨૧:૨૨, ૨૩.

વધુમાં, શુક્રવાર બપોરનો સમય તૈયારીનો સમય કહેવાતો. ત્યારે લોકો ભોજન તૈયાર કરતા અને એ બધાં કામો પૂરાં કરતાં જે સાબ્બાથે થઈ શકતાં ન હતાં. સૂર્ય આથમે ત્યારે, “મોટો” સાબ્બાથ શરૂ થવાનો હતો. (યોહાન ૧૯:૩૧) સાત દિવસના બેખમીર રોટલીના તહેવારનો પહેલો દિવસ નીસાન ૧૫ હતો અને પહેલો દિવસ હંમેશાં સાબ્બાથ તરીકે ગણાતો. (લેવીય ૨૩:૫, ૬) આ વખતે તહેવારનો પહેલો દિવસ, અઠવાડિયાના સાતમા દિવસે, એટલે કે સાબ્બાથના દિવસે આવતો હતો. એટલે, એ મોટો સાબ્બાથ કહેવાતો.

તેથી, યહુદીઓએ પીલાતને જણાવ્યું કે ઈસુ અને તેમની આજુબાજુના લુટારાઓને જલદી મારી નાખે. કઈ રીતે? તેઓના પગ ભાંગીને. પગ એટલે ભાંગવામાં આવતા, જેથી પગ દ્વારા શરીરને ઊંચું કરીને શ્વાસ લેવો અશક્ય થઈ જાય. સૈનિકોએ આવીને બંને લુટારાઓના પગ ભાંગી નાખ્યા. પરંતુ, તેઓએ જોયું કે ઈસુ મરણ પામ્યા છે, એટલે તેમના પગ ભાંગ્યા નહિ. આમ, ગીતશાસ્ત્ર ૩૪:૨૦ની ભવિષ્યવાણી પૂરી થઈ: “તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી.”

ઈસુ મરણ પામ્યા છે કે નહિ, એની ખાતરી કરવા એક સૈનિકે ઈસુના પડખામાં, હૃદય નજીક ભાલો ઘોંચ્યો. “તરત જ લોહી અને પાણી વહી નીકળ્યાં.” (યોહાન ૧૯:૩૪) આમ, બીજું શાસ્ત્રવચન પણ પૂરું થયું: “જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે.”—ઝખાર્યા ૧૨:૧૦.

ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે, અરિમથાઈના યુસફ પણ હાજર હતા. તે “ધનવાન માણસ” હતા અને યહુદી ન્યાયસભામાં સારી શાખ ધરાવતા સભ્ય હતા. (માથ્થી ૨૭:૫૭) ‘તે ભલા અને નેક હતા, જે ઈશ્વરના રાજ્યની રાહ જોતા હતા.’ હકીકતમાં, તે ‘ઈસુના શિષ્ય હતા, પણ યહુદીઓથી બીતા હોવાથી એ વાત છુપાવતા હતા.’ ઈસુ વિરુદ્ધ આપેલા ચુકાદાને તેમણે ટેકો આપ્યો ન હતો. (લુક ૨૩:૫૦; માર્ક ૧૫:૪૩; યોહાન ૧૯:૩૮) યુસફે હિંમત કરીને પીલાત પાસે ઈસુનું શબ માંગ્યું. પીલાતે ફરજ પરના લશ્કરી અધિકારીને બોલાવીને ખાતરી કરી કે ઈસુ મરણ પામ્યા છે. પછી, તેણે ઈસુનું શબ લઈ જવાની યુસફને મંજૂરી આપી.

યુસફ ચોખ્ખું અને સરસ શણનું કપડું ખરીદી લાવ્યા અને ઈસુના શબને વધસ્તંભ પરથી ઉતાર્યું. તેમણે ઈસુના શબને દફનની તૈયારીરૂપે શણના કાપડમાં લપેટ્યું. નિકોદેમસે પણ તૈયારીમાં મદદ કરી, જે ‘પહેલી વાર ઈસુને મળવા રાતે આવ્યા હતા.’ (યોહાન ૧૯:૩૯) તે આશરે ૩૦ કિલોગ્રામ સુગંધી દ્રવ્યો અને અગરનું કીમતી મિશ્રણ લઈને આવ્યા હતા. યહુદીઓની દફનવિધિના રિવાજ પ્રમાણે, આ મિશ્રણની પટ્ટીઓ ઈસુના શબ પર લપેટવામાં આવી.

યુસફ પાસે નજીકના વિસ્તારમાં ખડકમાં ખોદેલી એક નવી કબર હતી. ઈસુના શબને એમાં મૂકવામાં આવ્યું. પછી, એક મોટો પથ્થર ગબડાવીને કબરના મુખ પર મૂકવામાં આવ્યો. સાબ્બાથ શરૂ થતા પહેલાં દફનવિધિ પતી જાય, એ માટે બધું ઝડપથી કરવામાં આવ્યું. મરિયમ માગદાલેણ અને નાના યાકૂબની મા મરિયમે ઈસુના શબને દફન માટે તૈયાર કરવામાં મદદ કરી હોય શકે. તેઓ “સુગંધી દ્રવ્યો અને સુગંધી તેલ તૈયાર કરવા” ઝડપથી ઘરે ગઈ, જેથી સાબ્બાથ પછી ઈસુના શબ પર એ લગાવી શકાય.—લુક ૨૩:૫૬.

એ પછીના દિવસે સાબ્બાથ હતો. મુખ્ય યાજકો અને ફરોશીઓ પીલાત પાસે ગયા અને કહ્યું: “અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી મને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’ તેથી, હુકમ કરો કે ત્રીજા દિવસ સુધી કબર પર પહેરો રાખવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને એને ચોરી ન જાય અને લોકોને કહે, ‘તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે!’ અને આ છેલ્લું જૂઠાણું પહેલાના કરતાં વધારે ખરાબ થશે.” પીલાતે કહ્યું: “ચોકીદારો લઈ જાઓ. તમારાથી થાય એટલો કડક પહેરો રાખો.”—માથ્થી ૨૭:૬૩-૬૫.

રવિવારની એકદમ વહેલી સવારે મરિયમ માગદાલેણ, યાકૂબની મા મરિયમ અને બીજી સ્ત્રીઓ ઈસુના શબને મિશ્રણ લગાડવા કબર પાસે આવી. તેઓ એકબીજાને કહેતી હતી: “આપણા માટે કબરના મુખ પરથી પથ્થર કોણ ગબડાવશે?” (માર્ક ૧૬:૩) પરંતુ, ધરતીકંપ થયો હતો. વધુમાં, ઈશ્વરના દૂતે પથ્થર ખસેડી દીધો હતો, ચોકીદારો જતાં રહ્યા હતા અને કબર ખાલી દેખાતી હતી!