સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૦૯

વિરોધીઓની ઝાટકણી કાઢતા ઈસુ

વિરોધીઓની ઝાટકણી કાઢતા ઈસુ

માથ્થી ૨૨:૪૧–૨૩:૨૪ માર્ક ૧૨:૩૫-૪૦ લુક ૨૦:૪૧-૪૭

  • ખ્રિસ્ત કોના દીકરા છે?

  • ઈસુ વિરોધીઓનો ઢોંગ ખુલ્લો પાડે છે

ધર્મગુરુઓ ઈસુને નીચા પાડવામાં અથવા તેમને ફસાવીને રોમનોને હવાલે કરવામાં નિષ્ફળ ગયા. (લુક ૨૦:૨૦) નીસાન ૧૧ના રોજ ઈસુ હજુ મંદિરમાં જ હતા. હવે, તેમણે દુશ્મનોને ભીંસમાં લીધા અને પોતાની સાચી ઓળખ જાહેર કરી. તેમણે પહેલ કરીને તેઓને પૂછ્યું: “તમે ખ્રિસ્ત વિશે શું વિચારો છો? તે કોનો દીકરો છે?” (માથ્થી ૨૨:૪૨) એ જગજાહેર હતું કે ખ્રિસ્ત અથવા મસીહ દાઊદના વંશમાંથી હશે. તેઓએ પણ એવું જ કહ્યું.—માથ્થી ૯:૨૭; ૧૨:૨૩; યોહાન ૭:૪૨.

પછી, ઈસુએ પૂછ્યું: “તો પછી, પવિત્ર શક્તિની પ્રેરણાથી દાઊદ તેને કેમ પ્રભુ કહીને બોલાવે છે અને કહે છે, ‘યહોવાએ મારા પ્રભુને કહ્યું કે, “હું તારા દુશ્મનોને તારા પગ નીચે ન લાવું ત્યાં સુધી, મારે જમણે હાથે બેસ”’? તેથી, જો દાઊદ તેને પ્રભુ કહીને બોલાવે, તો તે કઈ રીતે તેમનો દીકરો થાય?”—માથ્થી ૨૨:૪૩-૪૫.

ફરોશીઓ પાસે કોઈ જવાબ ન હતો. તેઓ ધારતા હતા કે દાઊદના વંશનો કોઈ માણસ કદાચ રોમન સત્તાથી તેઓને છુટકારો અપાવશે. પરંતુ, ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨માં નોંધેલા દાઊદના શબ્દો પર ધ્યાન દોરીને ઈસુએ જણાવ્યું કે મસીહ કોઈ માનવ શાસક નહિ, પણ એનાથી કંઈક વધારે હશે. તે દાઊદના પ્રભુ હતા. તે ઈશ્વરના જમણે હાથે બેસવાના હતા અને પછી રાજ કરવાના હતા. ઈસુના જવાબે વિરોધીઓના મોં બંધ કરી દીધા.

શિષ્યો અને બીજા લોકો ઈસુની વાત સાંભળતા હતા. હવે, ઈસુએ તેઓને શાસ્ત્રીઓ અને ફરોશીઓ વિશે ચેતવણી આપી. એ માણસો ઈશ્વરના નિયમો શીખવવા “પોતે મુસાની જગ્યાએ બેસી ગયા” હતા. ઈસુએ પોતાના સાંભળનારાઓને સલાહ આપી: “તેઓ તમને જે કંઈ કહે છે એ બધું કરો અને પાળો, પણ તેઓનાં જેવાં કામ ન કરો, કેમ કે તેઓ કહે છે પણ એમ કરતા નથી.”—માથ્થી ૨૩:૨, ૩.

પછી, ઈસુએ તેઓના ઢોંગ વિશે દાખલા આપતા કહ્યું: “રક્ષણ મેળવવા તેઓ શાસ્ત્રવચનો લખેલી જે ડબ્બીઓ પહેરે છે, એ મોટી કરાવે છે.” અમુક યહુદીઓ પોતાના કપાળ પર અથવા હાથ પર નાની ડબ્બીઓ પહેરતા અને એમાં નિયમશાસ્ત્રના લખાણનો અમુક ભાગ મૂકતા. પરંતુ, ફરોશીઓ પોતાની ડબ્બીઓ મોટી કરાવીને એવો દેખાડો કરતા કે તેઓ નિયમો પાળવામાં ઉત્સાહી છે. વધુમાં, તેઓ “કપડાંની ઝાલર પહોળી” કરાવતા. નિયમ મુજબ ઇઝરાયેલીઓએ પોતાનાં કપડાંમાં ઝાલર લગાડવાની હતી, પણ ફરોશીઓ જાણીજોઈને પોતાની ઝાલર પહોળી રાખતા. (ગણના ૧૫:૩૮-૪૦) તેઓ આવું બધું “માણસોને દેખાડવા” કરતા હતા.—માથ્થી ૨૩:૫.

એ જોઈને ઈસુના શિષ્યોમાં પણ બીજાઓ કરતાં મોટા બનવાની ઇચ્છા જાગી શકતી હતી. એટલે, તેમણે સલાહ આપી: “તમે પોતાને ગુરુ ન કહેવડાવો, કેમ કે તમારા ગુરુ એક છે અને તમે બધા ભાઈઓ છો. વધુમાં, પૃથ્વી પર કોઈને તમારા ‘પિતા’ ન કહો, કેમ કે તમારા પિતા એક છે, જે સ્વર્ગમાં છે. વળી, પોતાને આગેવાન ન કહેવડાવો, કેમ કે તમારા આગેવાન એક છે, ખ્રિસ્ત.” તો પછી, શિષ્યોએ પોતાને કઈ દૃષ્ટિથી જોવાના હતા અને બીજાઓ સાથે કઈ રીતે વર્તવાનું હતું? ઈસુએ તેઓને કહ્યું: “તમારામાં જે સૌથી મોટો છે, એ તમારો સેવક થાય. જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”—માથ્થી ૨૩:૮-૧૨.

એ પછી, ઈસુએ ઢોંગી શાસ્ત્રીઓ અને ફરોશીઓ પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું: “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કેમ કે લોકો માટે તમે સ્વર્ગના રાજ્યના દરવાજા બંધ કરી દો છો; તમે પોતે અંદર જતા નથી અને જેઓ અંદર જઈ રહ્યા છે, તેઓને પણ તમે દાખલ થવા દેતા નથી.”—માથ્થી ૨૩:૧૩.

યહોવાની નજરે શું અગત્યનું છે, એની ફરોશીઓને કંઈ પડી ન હતી. તેઓ તો મન ફાવે તેમ નિયમો બનાવતા હતા. એટલે ઈસુએ તેઓને દોષિત ઠરાવ્યા. દાખલા તરીકે, તેઓ કહેતા: “જો કોઈ મંદિરના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો નથી; પણ, જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો છે.” તેઓ મંદિરના બદલે, મંદિરના સોનાને વધારે મહત્ત્વ આપતા હતા. આમ, તેઓ ભક્તિનું મહત્ત્વ જોઈ શકતા ન હતા. મંદિર તો ભક્તિ દ્વારા યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવાની જગ્યા હતી. ઉપરાંત, તેઓ ‘ન્યાય, દયા અને વિશ્વાસુપણા જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતોનો અનાદર કરતા હતા.’—માથ્થી ૨૩:૧૬, ૨૩; લુક ૧૧:૪૨.

ઈસુએ આ ફરોશીઓને “આંધળા દોરનારાઓ” કહ્યા, જેઓ ‘મચ્છર ગાળી કાઢે છે પણ ઊંટ ગળી જાય છે!’ (માથ્થી ૨૩:૨૪) નિયમશાસ્ત્ર પ્રમાણે મચ્છર અશુદ્ધ હતું એટલે તેઓ દ્રાક્ષદારૂમાંથી મચ્છરને ગાળી કાઢતા હતા. એનાથી અનેક ગણું મોટું ઊંટ પણ અશુદ્ધ પ્રાણી હતું. મચ્છરને ગાળનારા ફરોશીઓ નિયમશાસ્ત્રની અગત્યની વાતો પર ધ્યાન આપતા ન હતા અને એ તો આખું ઊંટ ગળી જવા જેવું હતું.—લેવીય ૧૧:૪, ૨૧-૨૪.