સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩૭

પચાસમા દિવસના તહેવાર પહેલાં ઘણા લોકો ઈસુને જુએ છે

પચાસમા દિવસના તહેવાર પહેલાં ઘણા લોકો ઈસુને જુએ છે

માથ્થી ૨૮:૧૬-૨૦ લુક ૨૪:૫૦-૫૨ પ્રેરિતોનાં કાર્યો ૧:૧-૧૨; ૨:૧-૪

  • ઈસુ ઘણાને દેખાય છે

  • ઈસુ આકાશમાં ચડી જાય છે

  • ઈસુ ૧૨૦ શિષ્યો પર પવિત્ર શક્તિ રેડે છે

સજીવન થયા પછી, ઈસુએ પોતાના ૧૧ પ્રેરિતો સાથે ગાલીલના પહાડ પર મળવાની ગોઠવણ કરી. ત્યાં આશરે બીજા ૫૦૦ શિષ્યો પણ હતા. એમાંથી અમુક એવા હતા, જેઓના મનમાં અગાઉ શંકા હતી. (માથ્થી ૨૮:૧૭; ૧ કોરીંથીઓ ૧૫:૬) પરંતુ, ઈસુએ પછી જે કહ્યું એનાથી ત્યાં હાજર દરેકને ખાતરી થઈ કે ઈસુ સાચે જ સજીવન થયા છે.

ઈસુએ સમજાવ્યું કે ઈશ્વરે તેમને સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર આપ્યો છે. તેમણે તેઓને અરજ કરી: “એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો; તેઓને પિતા અને પુત્ર અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો; મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો.” (માથ્થી ૨૮:૧૮-૨૦) હા, ઈસુ સજીવન થયા હતા અને રાજ્યની ખુશખબરનો પ્રચાર થાય, એ વાત તેમના માટે હજુ મહત્ત્વની હતી.

ઈસુના બધા અનુયાયીઓને, ભલે પછી પુરુષો, સ્ત્રીઓ કે બાળકો હોય, શિષ્યો બનાવવાની એકસરખી આજ્ઞા મળી છે. વિરોધીઓ કદાચ તેઓને પ્રચાર કરતા અને શીખવતા રોકવાની કોશિશ કરે. પણ, ઈસુએ તેઓને ખાતરી આપતા કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.” શિષ્યો માટે એનો શો અર્થ થાય? તેમણે તેઓને કહ્યું: “જુઓ! આ દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.” ઈસુ એવું કહી રહ્યા ન હતા કે ખુશખબર જણાવનારા બધા લોકોને ચમત્કાર કરવાની શક્તિ મળશે. પણ, તેઓને પવિત્ર શક્તિની સહાય જરૂર મળશે.

સજીવન થયા પછી, ઈસુ “૪૦ દિવસ સુધી” શિષ્યોને દેખાતા રહ્યા. શિષ્યો તેમને ઓળખી ન શક્યા, પણ તેમણે “ઘણા પુરાવા આપીને બતાવી આપ્યું કે પોતે જીવે છે.” તેમણે તેઓને “ઈશ્વરના રાજ્ય વિશે” પણ શીખવ્યું.—પ્રેરિતોનાં કાર્યો ૧:૩; ૧ કોરીંથીઓ ૧૫:૭.

પ્રેરિતો કદાચ ગાલીલમાં હતા ત્યારે, ઈસુએ તેઓને યરૂશાલેમ પાછા જવા કહ્યું. શહેરમાં તેઓને મળ્યા ત્યારે તેમણે કહ્યું: “યરૂશાલેમ છોડીને જશો નહિ. પણ, પિતાએ તમને જે ભેટનું વચન આપ્યું છે, એની રાહ જોતા રહેજો, જેના વિશે તમે મારી પાસેથી સાંભળ્યું છે; ખરું કે, યોહાન પાણીનું બાપ્તિસ્મા આપતો હતો, પણ થોડા જ દિવસોમાં તમે પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા પામશો.”—પ્રેરિતોનાં કાર્યો ૧:૪, ૫.

થોડા સમય પછી, ઈસુ ફરી પોતાના પ્રેરિતોને મળ્યા. “તે તેઓને છેક બેથનિયા સુધી બહાર લઈ ગયા,” જે જૈતૂન પહાડના ઢોળાવ પર પૂર્વ બાજુએ આવેલું હતું. (લુક ૨૪:૫૦) ઈસુએ પોતાના જવા વિશે તેઓને બધું જણાવ્યું હતું, છતાં તેઓને લાગતું હતું કે ઈસુનું રાજ્ય કોઈક રીતે પૃથ્વી પર હશે.—લુક ૨૨:૧૬, ૧૮, ૩૦; યોહાન ૧૪:૨, ૩.

પ્રેરિતોએ ઈસુને પૂછ્યું: “પ્રભુ, શું આ સમયે તમે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપી રહ્યા છો?” તેમણે કહ્યું: “એ સમયો અથવા દિવસો વિશે તમારે જાણવાની જરૂર નથી. એ સમયો અને દિવસો ઠરાવવાનો અધિકાર પિતાએ પોતાની પાસે રાખ્યો છે.” પછી, તેઓને સોંપેલા કામ પર ફરીથી ભાર મૂકતા ઈસુએ કહ્યું: “પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે; અને તમે યરૂશાલેમ, આખા યહુદિયા, સમરૂન અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.”—પ્રેરિતોનાં કાર્યો ૧:૬-૮.

સજીવન થયેલા ઈસુ સાથે પ્રેરિતો જૈતૂન પહાડ પર હતા ત્યારે, ઈસુ આકાશ તરફ જવા લાગ્યા. થોડી જ વારમાં, એક વાદળે તેમને ઢાંકી દીધા. આ સમયે ઈસુ માનવ શરીરમાં ન હતા, પણ તે દૂત બન્યા હતા જેથી સ્વર્ગમાં જઈ શકે. (૧ કોરીંથીઓ ૧૫:૪૪, ૫૦; ૧ પીતર ૩:૧૮) વફાદાર પ્રેરિતો ઈસુને જતાં જોઈ રહ્યા હતા ત્યારે, “સફેદ કપડાં પહેરેલા બે માણસો” તેઓની બાજુમાં દેખાયા. તેઓ દૂતો હતા, જેઓ માનવ શરીરમાં દેખાયા હતા. તેઓએ કહ્યું: “ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોઈને કેમ ઊભા છો? આ ઈસુ જેમને તમારી પાસેથી ઉપર આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, તેમને તમે જે રીતે આકાશમાં જતા જોયા એ જ રીતે તે પાછા આવશે.”—પ્રેરિતોનાં કાર્યો ૧:૧૦, ૧૧.

મોટું ટોળું ભેગું કરીને ઈસુએ ધામધૂમથી વિદાય લીધી ન હતી. એ સમયે તેમના વફાદાર શિષ્યો જ હાજર હતા. “એ જ રીતે તે પાછા આવશે.” હા, રાજ્યમાં તે સત્તા પર આવશે ત્યારે પણ લોકો આગળ ધામધૂમથી નહિ આવે. તેમની હાજરીને ફક્ત તેમના વફાદાર શિષ્યો જ પારખી શકશે.

પ્રેરિતો યરૂશાલેમ પાછા આવ્યા. એ પછીના દિવસોએ તેઓ બીજા શિષ્યો સાથે ભેગા મળતા રહ્યા. એમાં “ઈસુની માતા મરિયમ અને ઈસુના ભાઈઓ પણ હતા.” (પ્રેરિતોનાં કાર્યો ૧:૧૪) તેઓ સતત પ્રાર્થના કરતા. તેઓ એ માટે પણ પ્રાર્થના કરતા હતા કે યહુદા ઇસ્કારિયોતની જગ્યાએ બીજા એક શિષ્યની પસંદગી કરવા મદદ મળે, જેથી ૧૨ પ્રેરિતોની સંખ્યા પૂરી થાય. (માથ્થી ૧૯:૨૮) તેઓને એવા શિષ્યની જરૂર હતી, જે ઈસુનાં કાર્યોનો અને તેમને સજીવન કરવામાં આવ્યા એનો સાક્ષી હોય. ઈશ્વરની ઇચ્છા જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. ચિઠ્ઠીઓ નાખીને ઈશ્વરની ઇચ્છા જાણી હોય, એવો બાઇબલમાં નોંધેલો આ છેલ્લો બનાવ છે. (ગીતશાસ્ત્ર ૧૦૯:૮; નીતિવચનો ૧૬:૩૩) ઈસુએ મોકલેલા ૭૦ શિષ્યોમાં કદાચ માથ્થિયાસ પણ હતા. તેમને પસંદ કરવામાં આવ્યા અને ‘૧૧ પ્રેરિતો સાથે તે પણ પ્રેરિત ગણાયા.’—પ્રેરિતોનાં કાર્યો ૧:૨૬.

ઈસુ આકાશમાં ગયા એના દસ દિવસ પછી, ઈસવીસન ૩૩ના રોજ યહુદીઓનો પચાસમા દિવસનો તહેવાર હતો. યરૂશાલેમમાં આશરે ૧૨૦ શિષ્યો ઉપરના ઓરડામાં ભેગા થયા હતા. અચાનક, ભારે પવન ફૂંકાતો હોય એવો અવાજ થયો અને ઘર ગાજી ઊઠ્યું. અગ્‍નિની જ્વાળાઓ જેવી જીભો દેખાઈ અને ત્યાં હાજર બધા પર એકએક સ્થિર થઈ. બધા શિષ્યો અલગ અલગ ભાષાઓ બોલવા લાગ્યા. તેઓ પર પવિત્ર શક્તિ રેડવામાં આવી હતી, જેનું ઈસુએ વચન આપ્યું હતું.—યોહાન ૧૪:૨૬.