સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩૯

ઈસુ પૃથ્વીને સુંદર બનાવે છે અને પોતાનું કામ પૂરું કરે છે

ઈસુ પૃથ્વીને સુંદર બનાવે છે અને પોતાનું કામ પૂરું કરે છે

૧ કોરીંથીઓ ૧૫:૨૪-૨૮

  • ઘેટાં અને બકરાંનું શું થશે?

  • બાગ જેવી પૃથ્વી પર ઘણા લોકો આનંદ માણશે

  • ઈસુએ સાબિત કર્યું કે તે માર્ગ, સત્ય અને જીવન છે

ઈસુના બાપ્તિસ્મા પછી તરત જ તેમને શ્રદ્ધામાંથી પાડી નાખવા એક દુશ્મન આવ્યો હતો. ઈસુએ ત્યારે સેવાકાર્ય શરૂ પણ કર્યું ન હતું. હા, શેતાને ઈસુને ઘણી વાર લલચાવવાનો પ્રયત્ન કર્યો. પછીથી, ઈસુએ તેના વિશે કહ્યું: “આ દુનિયાનો શાસક આવે છે અને તેને મારા પર કોઈ અધિકાર નથી.”—યોહાન ૧૪:૩૦.

‘મોટો અજગર, જૂનો સર્પ, જે નિંદા કરનાર શેતાન છે’ તેનું આગળ જતાં શું થયું, એ વિશે પ્રેરિત યોહાને દર્શનમાં જોયું હતું. માણસોના આ ઘાતકી દુશ્મનને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાથી, તે “ઘણો ગુસ્સે ભરાયો છે, કારણ કે તે જાણે છે કે તેની પાસે થોડો જ સમય છે.” (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) શેતાન પાસે ‘થોડો જ સમય છે’ અને યહોવાના ભક્તો પાસે એ માનવાનાં પૂરતાં કારણો છે કે, તેઓ એ સમયગાળામાં જીવી રહ્યા છે. તેમ જ, એ ‘અજગરને, જૂના સર્પને’ જલદી જ અનંત ઊંડાણમાં નાખી દેવામાં આવશે અને ઈશ્વરના રાજ્યમાં ઈસુ ૧,૦૦૦ વર્ષ રાજ કરે ત્યાં સુધી, શેતાન કંઈ જ કરી ન શકે એવી હાલતમાં હશે.—પ્રકટીકરણ ૨૦:૧, ૨.

એ દરમિયાન, આપણા ઘર, પૃથ્વી પર શું થશે? પૃથ્વી પર કોણ જીવતું હશે અને તેઓની હાલત કેવી હશે? ઈસુએ એના જવાબો આપ્યા હતા. ઘેટાં અને બકરાંના ઉદાહરણમાં તેમણે જણાવ્યું હતું કે, ઘેટાં જેવા નેક લોકોનું ભાવિ કેવું હશે. તેઓ ઈસુના ભાઈઓને પૂરો સાથ-સહકાર આપે છે અને તેઓના ભલા માટે સારાં કાર્યો કરે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, બકરાં જેવા લોકોનું ભાવિ કેવું હશે, જેઓ ઘેટાંથી તદ્દન વિરુદ્ધનું કામ કરે છે. ઈસુએ કહ્યું: “આ લોકોનો [બકરાંનો] હંમેશ માટે નાશ થશે, પણ નેક લોકો [ઘેટાં] હંમેશ માટેનું જીવન મેળવશે.”—માથ્થી ૨૫:૪૬.

પોતાની બાજુમાં વધસ્તંભે જડેલા ગુનેગારને ઈસુએ કહેલા શબ્દો સમજવા પણ એ ઉદાહરણ મદદ કરે છે. ઈસુએ પોતાના પ્રેરિતોને સ્વર્ગના રાજ્યનો ભાગ બનાવવાનું વચન આપ્યું હતું. પરંતુ, તેમણે ગુનેગારને એ જ વચન આપ્યું ન હતું. એને બદલે, તેમણે પસ્તાવો કરનાર ગુનેગારને કહ્યું હતું, “સાચે જ હું તને આજે કહું છું, તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.” (લુક ૨૩:૪૩) આમ, એ ગુનેગારને જીવનના બાગમાં જીવવાની આશા મળી હતી. એવી જ રીતે, જેઓ પોતાને ઘેટાં જેવા નમ્ર સાબિત કરે છે અને “હંમેશ માટેનું જીવન” મેળવે છે, તેઓ પણ એ જીવનના બાગમાં હશે.

આ માહિતી પ્રેરિત યોહાનના શબ્દો સાથે મેળ ખાય છે. તેમણે વર્ણન કર્યું હતું કે એ સમયે દુનિયા કેવી હશે: “ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે અને તે તેઓની સાથે રહેશે, તેઓ તેમના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓ સાથે હશે. અને તે તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ. પહેલાંના જેવું હવે રહ્યું નથી.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

પેલા ગુનેગારને જીવનના બાગમાં રહેવા મળે, એ માટે તેનું મરણમાંથી ઊઠવું જરૂરી છે. એવું નથી કે ફક્ત તેને એકલાને જ જીવતો કરવામાં આવશે, બીજાઓ પણ હશે. ઈસુએ કહ્યું હતું: “એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે; જેઓએ સારાં કામ કર્યાં છે તેઓ હંમેશ માટેનું જીવન મેળવશે અને જેઓએ દુષ્ટ કામો કર્યાં છે, તેઓ સજાને લાયક ઠરશે.”—યોહાન ૫:૨૮, ૨૯.

ઈસુ સાથે સ્વર્ગમાં હશે, એ વફાદાર પ્રેરિતો અને બીજા અમુક શિષ્યો વિશે શું? બાઇબલ જણાવે છે: “તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો બનશે અને ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.” (પ્રકટીકરણ ૨૦:૬) એમાં પૃથ્વી પરથી લેવાયેલા સ્ત્રીપુરુષોનો સમાવેશ થાય છે. ખરેખર, સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરનારા આ રાજાઓ દયાળુ હશે અને મનુષ્યોની ચિંતાઓ-લાગણીઓને પૂરી રીતે સમજતા હશે.—પ્રકટીકરણ ૫:૧૦.

પછી, મનુષ્યોના છુટકારા માટે ઈસુએ જે બલિદાન આપ્યું હતું, એના લાભો તે પૃથ્વી પરના લોકોને આપશે. તેઓને વારસામાં મળેલા પાપની જંજીરમાંથી પણ તે આઝાદ કરશે. ઈસુ અને તેમના સાથી રાજાઓ વફાદાર મનુષ્યોને સંપૂર્ણ થવા મદદ કરશે. ઈશ્વરે આદમ અને હવાને જણાવ્યું હતું કે તેઓ બાળકો પેદા કરે અને પૃથ્વી પર ફેલાઈ જાય. ઈશ્વરના એ મૂળ હેતુ મુજબ મનુષ્યો પછી જીવનનો ખરો આનંદ માણશે. અરે, આદમના પાપથી આવેલું મરણ પણ ત્યારે નહિ હોય!

આમ, યહોવાએ સોંપેલું બધું કામ ઈસુ પૂરું કરશે. ૧,૦૦૦ વર્ષના રાજ પછી, ઈસુ તેમનું રાજ્ય અને સંપૂર્ણ બનેલો માનવ પરિવાર પોતાના પિતાને સોંપી દેશે. એમાં ઈસુની અજોડ નમ્રતા જોવા મળશે. એ વિશે પ્રેરિત પાઊલે લખ્યું: “બધું દીકરાને આધીન કરી દેવામાં આવશે ત્યારે, દીકરો પણ પોતાને બધું આધીન કરનાર ઈશ્વરને આધીન થઈ જશે, જેથી ઈશ્વર બધાના રાજાધિરાજ ગણાય.”—૧ કોરીંથીઓ ૧૫:૨૮.

સાચે જ, ઈશ્વરના અદ્‍ભુત હેતુઓ પૂરા કરવામાં ઈસુ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભાવિમાં એ હેતુઓ પ્રગટ થતા જશે તેમ, ઈસુ પણ તેમના આ શબ્દોને સદાકાળ માટે સાર્થક કરશે: “માર્ગ અને સત્ય અને જીવન હું છું.”—યોહાન ૧૪:૬.