સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૨૭

ન્યાયસભામાં મુકદ્દમો, પછી પીલાત પાસે લઈ જાય છે

ન્યાયસભામાં મુકદ્દમો, પછી પીલાત પાસે લઈ જાય છે

માથ્થી ૨૭:૧-૧૧ માર્ક ૧૫:૧ લુક ૨૨:૬૬–૨૩:૩ યોહાન ૧૮:૨૮-૩૫

  • સવારે યહુદી ન્યાયસભામાં મુકદ્દમો

  • યહુદા ઇસ્કારિયોત ગળે ફાંસો ખાય છે

  • ઈસુને દોષિત ઠરાવવા માટે પીલાત પાસે મોકલવામાં આવે છે

પીતરે ઈસુનો ત્રીજી વાર નકાર કર્યો ત્યારે, રાત પૂરી થવા આવી હતી. યહુદી ન્યાયસભાના સભ્યો નામ પૂરતો મુકદ્દમો ચલાવીને છૂટા પડ્યા હતા. રાતે ચાલેલો મુકદ્દમો ગેરકાયદેસર હોવાથી તેઓ શુક્રવારે સવારે ફરીથી મળ્યા, જેથી એ કાયદેસર લાગે. ઈસુને તેઓની આગળ હાજર કરવામાં આવ્યા.

ન્યાયસભાએ ફરી પૂછ્યું: “જો તું ખ્રિસ્ત હોય તો અમને જણાવ.” ઈસુએ જવાબ આપ્યો: “ભલે હું તમને કહું, તોપણ તમે એ જરાય માનવાના નથી. તેમ જ, જો હું તમને સવાલ પૂછું, તો તમે જવાબ આપવાના નથી.” છતાં, ઈસુએ હિંમતથી પોતાની ઓળખ આપતા કહ્યું કે પોતે દાનીયેલ ૭:૧૩માં ભાખવામાં આવેલી વ્યક્તિ છે. તેમણે કહ્યું: “હવેથી માણસનો દીકરો શક્તિશાળી ઈશ્વરના જમણે હાથે બેસશે.”—લુક ૨૨:૬૭-૬૯; માથ્થી ૨૬:૬૩.

તેઓએ ફરીથી પૂછ્યું: “એટલે, શું તું ઈશ્વરનો દીકરો છે?” ઈસુએ જવાબ આપ્યો: “તમે પોતે કહો છો કે હું તે છું.” તેઓએ ઈસુ પર ઈશ્વરનિંદાનો આરોપ મૂક્યો. તેઓને જાણે ઈસુને મોતની સજા કરવાનું કારણ મળી ગયું. તેઓએ એકબીજાને પૂછ્યું: “આપણે વધારે સાક્ષીની શી જરૂર?” (લુક ૨૨:૭૦, ૭૧; માર્ક ૧૪:૬૪) તેથી, તેઓ ઈસુને બાંધીને રોમન રાજ્યપાલ પોંતિયુસ પીલાત પાસે લઈ ગયા.

યહુદા ઇસ્કારિયોતે કદાચ ઈસુને પીલાત પાસે લઈ જતા જોયા હશે. ઈસુને દોષિત ઠરાવવામાં આવ્યા છે એ જાણીને યહુદાને થોડો અફસોસ થયો અને તે નિરાશ થયો. પરંતુ, દિલથી પસ્તાવો કરીને ઈશ્વર તરફ પાછા ફરવાને બદલે, તે ચાંદીના ૩૦ સિક્કા પાછા આપવા ગયો. યહુદાએ મુખ્ય યાજકોને કહ્યું: “નેક માણસના લોહીનો સોદો કરીને મેં પાપ કર્યું છે.” પણ તેઓએ તેને તોછડાઈથી જવાબ આપ્યો: “એમાં અમારે શું? એ તું જાણે!”—માથ્થી ૨૭:૪.

યહુદાએ ચાંદીના ૩૦ સિક્કા મંદિરમાં ફેંકી દીધા. તેણે આપઘાત કરવાની કોશિશ કરીને બીજું પાપ કર્યું. તે જે ડાળી પર લટકીને ફાંસો ખાવા માંગતો હતો, એ ડાળી તૂટી ગઈ અને તેનું શરીર પથ્થરો પર પટકાઈને ફાટી ગયું.—પ્રેરિતોનાં કાર્યો ૧:૧૭, ૧૮.

ઈસુને પોંતિયુસ પીલાતના મહેલમાં લઈ જવામાં આવ્યા ત્યારે, વહેલી સવાર હતી. પણ, તેમને લઈ જનારા યહુદીઓ પોતે અંદર ગયા નહિ. તેઓને લાગ્યું કે યહુદી ન હોય એવા લોકોના સંપર્કમાં આવીને તેઓ અશુદ્ધ થઈ જશે. એમ થાય તો, બેખમીર રોટલીના તહેવારના પહેલા દિવસે નીસાન ૧૫ના રોજ તેઓ ભોજન ખાવા અયોગ્ય ઠરે. એ તહેવાર પણ પાસ્ખાનો ભાગ ગણાતો.

પીલાત બહાર આવ્યો અને તેઓને પૂછ્યું: “આ માણસ પર તમે કયો આરોપ મૂકો છો?” તેઓએ જવાબ આપ્યો: “જો આ માણસ ગુનેગાર ન હોત, તો અમે તેને તમારા હાથમાં સોંપ્યો ન હોત.” પીલાતને કદાચ લાગ્યું કે લોકો તેના પર દબાણ લાવવા માંગે છે, એટલે તેણે કહ્યું: “તેને લઈ જાઓ અને તમારા નિયમ પ્રમાણે તેનો ન્યાય કરો.” યહુદીઓના જવાબમાં તેઓનો ખૂની ઇરાદો દેખાઈ આવ્યો: “નિયમ પ્રમાણે કોઈને મારી નાખવાની અમને છૂટ નથી.”—યોહાન ૧૮:૨૯-૩૧.

જો તેઓ પાસ્ખાના તહેવાર દરમિયાન ઈસુને મારી નાખે, તો લોકોમાં હાહાકાર મચી જાય. પરંતુ, રોમન સત્તા વિરુદ્ધ જવાનો આરોપ મૂકે તો, રોમનો ઈસુને મોતની સજા કરી શકતા હતા. જો યહુદીઓ કોઈ રીતે રોમનોને હાથે ઈસુને મારી નંખાવે, તો તેઓએ લોકોને જવાબ આપવો ન પડે.

ધર્મગુરુઓએ પીલાતને જણાવ્યું નહિ કે તેઓએ ઈસુને ઈશ્વરનિંદા માટે દોષિત ઠરાવ્યા હતા. પણ, તેઓએ ઈસુ પર બીજા ખોટા આરોપો મૂક્યા: “અમને ખબર પડી છે કે આ માણસ [૧] અમારી પ્રજાને ઉશ્કેરે છે, [૨] સમ્રાટને કર આપવાની મના કરે છે અને [૩] કહે છે કે તે પોતે ખ્રિસ્ત છે, રાજા છે.”—લુક ૨૩:૨.

ઈસુ પર આરોપ હતો કે તે પોતે રાજા હોવાનો દાવો કરે છે. રોમન સરકારનો પ્રતિનિધિ હોવાથી, પીલાત માટે એ ચિંતાનો વિષય હતો. એટલે, તે પાછો મહેલમાં ગયો અને ઈસુને બોલાવીને પૂછ્યું: “શું તું યહુદીઓનો રાજા છે?” તે પૂછવા માંગતો હતો કે, ‘સમ્રાટ વિરુદ્ધ પોતાને રાજા તરીકે જાહેર કરીને શું તું રોમન સામ્રાજ્યનો નિયમ તોડે છે?’ ઈસુને કદાચ જાણવું હતું કે તેમના વિશે પીલાતે કેટલું સાંભળ્યું છે. એટલે, તેમણે કહ્યું: “શું તમે પોતે આ કહો છો કે પછી બીજાઓએ તમને મારા વિશે જણાવ્યું છે?”—યોહાન ૧૮:૩૩, ૩૪.

પીલાત ઈસુ વિશે ખાસ કંઈ જાણતો ન હતો, પણ તેને વધારે જાણવાની જિજ્ઞાસા હતી. એટલે, તેણે કહ્યું: “શું હું યહુદી છું?” પછી, તેણે ઉમેર્યું: “તારી પોતાની પ્રજાએ અને મુખ્ય યાજકોએ તને મારા હાથમાં સોંપ્યો છે. તેં શું કર્યું છે?”—યોહાન ૧૮:૩૫.

રાજા હોવાના મુખ્ય વિષયને ઈસુ ટાળી નથી દેતા. તેમણે પછી એ રીતે જવાબ આપ્યો, જેનાથી રાજ્યપાલ પીલાત ચોક્કસ દંગ રહી ગયો હશે.