સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૨૨

ઉપરના ઓરડામાં ઈસુની છેલ્લી પ્રાર્થના

ઉપરના ઓરડામાં ઈસુની છેલ્લી પ્રાર્થના

યોહાન ૧૭:૧-૨૬

  • ઈશ્વર અને તેમના દીકરાને ઓળખવાનું પરિણામ

  • યહોવા, ઈસુ અને શિષ્યો વચ્ચે એકતા

ઈસુ હવે થોડા જ સમયમાં વિદાય લેવાના હતા. પ્રેરિતો માટે ઘણી લાગણી હોવાથી, તે તેઓને એ માટે તૈયાર કરી રહ્યા હતા. તેમણે આકાશ તરફ જોઈને પિતાને પ્રાર્થના કરી: “તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી તમારો દીકરો તમને મહિમાવાન કરે. તમે દીકરાને બધા લોકો પર અધિકાર આપ્યો છે, જેથી તમે તેને સોંપેલા બધા લોકોને તે હંમેશ માટેનું જીવન આપે.”—યોહાન ૧૭:૧, ૨.

ઈસુ જાણતા હતા કે ઈશ્વરને મહિમા આપવો સૌથી અગત્યનું છે. તેમણે હંમેશ માટેના જીવનની આશા વિશે પણ જણાવ્યું, એ જાણીને કેટલી રાહત મળે છે! ઈસુને “બધા લોકો પર અધિકાર” મળ્યો હોવાથી, પોતે ચૂકવેલી કિંમતના આશીર્વાદો તે સર્વ મનુષ્યોને આપી શકે છે. પણ, ફક્ત અમુકને જ એ આશીર્વાદો મળશે. શા માટે અમુકને જ? ઈસુ ફક્ત એવા લોકોને એ આશીર્વાદો આપશે, જેઓ તેમના આ શબ્દો પ્રમાણે કરે છે: “હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

એ માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? પિતા અને પુત્રને સારી રીતે ઓળખીને તેઓ સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ. તેઓની દૃષ્ટિએ બાબતોને જોવી જોઈએ. તેણે બીજાઓ સાથેના વર્તનમાં યહોવા અને ઈસુ જેવા અજોડ ગુણો બતાવવા પૂરો પ્રયાસ કરવો જોઈએ. બતાવી આપવું જોઈએ કે ઈશ્વરને મહિમા મળે એ વધારે અગત્યનું છે, મનુષ્યોને હંમેશ માટેનું જીવન મળે એ નહિ. હવે, ઈસુએ મુખ્ય વિષય પર આવતા કહ્યું:

“તમે મને સોંપેલું કામ પૂરું કરીને, મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે. એટલે હવે, હે પિતા, દુનિયાની શરૂઆત પહેલાં, મારો જે મહિમા તમારી સાથે હતો, એનાથી મને તમારી સાથે ફરી મહિમાવાન કરો.” (યોહાન ૧૭:૪, ૫) ઈસુ ચાહતા હતા કે ઈશ્વર તેમને સજીવન કરીને સ્વર્ગમાં ફરીથી મહિમાવાન કરે.

પણ, ઈસુ એ ભૂલી ગયા ન હતા કે તેમણે સેવાકાર્યમાં શું સિદ્ધ કર્યું છે. તેમણે પ્રાર્થના કરી: “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે. તેઓ તમારા હતા અને તમે જ તેઓને મને સોંપ્યા અને તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે.” (યોહાન ૧૭:૬) ઈસુએ સેવાકાર્યમાં ઈશ્વરનું નામ યહોવા પ્રગટ કર્યું. તેમણે પ્રેરિતોને એ નામનો અર્થ પણ સમજાવ્યો, એટલે કે ઈશ્વરના ગુણો વિશે અને માણસો સાથે તે કઈ રીતે વર્તે છે, એ વિશે જણાવ્યું.

યહોવા વિશે, તેમના પુત્ર ઈસુની ભૂમિકા વિશે અને તેમણે શીખવેલી વાતો વિશે પ્રેરિતો શીખ્યા હતા. ઈસુએ નમ્રતાથી પ્રાર્થનામાં કહ્યું: “તમે જે વાતો મને જણાવી, એ મેં તેઓને જણાવી છે અને તેઓએ એનો સ્વીકાર કર્યો છે; તેઓ ચોક્કસ જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું અને તેઓ માને છે કે તમે મને મોકલ્યો છે.”—યોહાન ૧૭:૮.

ઈસુએ પછી પોતાના અનુયાયીઓ અને દુનિયાના લોકો વચ્ચેનો તફાવત જણાવતા કહ્યું: “હું તેઓ માટે વિનંતી કરું છું; હું દુનિયા માટે નહિ, પણ તમે મને જેઓ આપ્યા છે, તેઓ માટે વિનંતી કરું છું, કારણ કે તેઓ તમારા છે . . . હે પવિત્ર પિતા, તમે મને આપેલા તમારા નામને લીધે તેઓનું ધ્યાન રાખજો, જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય. . . . મેં તેઓનું રક્ષણ કર્યું છે અને તેઓમાંથી એકનો પણ નાશ થયો નથી, સિવાય કે વિનાશના દીકરાનો.” એ યહુદા ઇસ્કારિયોત હતો, જે ઈસુને દગો દેવા જઈ રહ્યો હતો.—યોહાન ૧૭:૯-૧૨.

ઈસુએ પ્રાર્થનામાં આગળ કહ્યું, “દુનિયા તેઓને ધિક્કારે છે, . . . દુનિયામાંથી તેઓને લઈ લેવાની હું તમને વિનંતી કરતો નથી, પણ દુષ્ટથી તેઓનું રક્ષણ કરવાની વિનંતી કરું છું. જેમ હું દુનિયાનો ભાગ નથી, તેમ તેઓ પણ દુનિયાનો ભાગ નથી.” (યોહાન ૧૭:૧૪-૧૬) શેતાનનું રાજ હોય એવી દુનિયામાં પ્રેરિતો અને બીજા શિષ્યો રહેતા હતા. પણ, તેઓએ એ દુનિયાથી અને એની બૂરાઈઓથી દૂર રહેવાનું હતું. કઈ રીતે?

તેઓએ પવિત્ર રહેવાનું હતું અને ઈશ્વરની ભક્તિ માટે પોતાને અલગ રાખવાના હતા. એ માટે તેઓએ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં રહેલી અને ઈસુએ શીખવેલી સત્ય વાતો લાગુ પાડવાની હતી. ઈસુએ પ્રાર્થના કરી: “સત્ય દ્વારા તેઓને પવિત્ર કરો; તમારો સંદેશો સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) સમય જતાં, અમુક પ્રેરિતો પણ ઈશ્વરપ્રેરણાથી અમુક પુસ્તકો લખવાના હતા, જે પછી આ “સત્ય”નો ભાગ બન્યા. આ સત્યથી વ્યક્તિ પવિત્ર રહી શકતી હતી.

બીજા લોકો “સત્ય” સ્વીકારે એવો સમય પણ આવવાનો હતો. એટલે, ત્યાં હાજર લોકો ‘માટે જ નહિ, પણ તેઓના સંદેશા દ્વારા જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકે છે, તેઓ માટે પણ’ ઈસુએ પ્રાર્થના કરી. ઈસુએ તેઓ બધા માટે શું વિનંતી કરી? “તેઓ બધા એક થાય, હે પિતા, તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું; એ જ રીતે, તેઓ પણ આપણી સાથે એકતામાં રહે.” (યોહાન ૧૭:૨૦, ૨૧) ઈસુ અને તેમના પિતા કંઈ એક જ વ્યક્તિ નથી. પણ, તેઓ એકતામાં છે, એટલે કે બધી બાબતોમાં એકસરખા વિચારો ધરાવે છે. ઈસુએ પ્રાર્થના કરી કે તેમના શિષ્યોમાં પણ એવી એકતા હોય.

એના થોડા જ સમય પહેલાં, ઈસુએ પીતરને અને બીજાઓને જણાવ્યું હતું કે તે તેઓ માટે જગ્યા તૈયાર કરવા જાય છે, એટલે કે સ્વર્ગમાં જગ્યા તૈયાર કરવા. (યોહાન ૧૪:૨, ૩) ઈસુએ ફરીથી એનો ઉલ્લેખ કરતા પ્રાર્થનામાં કહ્યું, “હે પિતા, હું ચાહું છું કે તમે મને જે લોકો આપ્યા છે, તેઓ જ્યાં હું હોઉં ત્યાં મારી સાથે હોય; એ માટે કે તમે જે મહિમા મને આપ્યો છે, એ તેઓ જુએ, કારણ કે દુનિયાનો પાયો નંખાયો એના પહેલાંથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે.” (યોહાન ૧૭:૨૪) આમ, તેમણે જણાવ્યું કે આદમ અને હવાને બાળકો થયાં એના લાંબા સમય પહેલાંથી, ઈશ્વર પોતાના એકના એક દીકરાને પ્રેમ કરે છે, જે પછી ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાયા.

પ્રાર્થનાની સમાપ્તિમાં ઈસુએ ફરીથી પિતાના નામ પર ભાર મૂક્યો. તેમ જ, પ્રેરિતો અને જેઓ “સત્ય” સ્વીકારવાના હતા તેઓ પ્રત્યે ઈશ્વરના પ્રેમ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવતો રહીશ, જેથી જેવો પ્રેમ તમે મારા પર રાખ્યો છે, એવો પ્રેમ તેઓમાં પણ રહે અને હું તેઓની સાથે એકતામાં રહું.”—યોહાન ૧૭:૨૬.