સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩૦

ઈસુને સોંપી દે છે અને મારી નાખવા લઈ જાય છે

ઈસુને સોંપી દે છે અને મારી નાખવા લઈ જાય છે

માથ્થી ૨૭:૩૧, ૩૨ માર્ક ૧૫:૨૦, ૨૧ લુક ૨૩:૨૪-૩૧ યોહાન ૧૯:૬-૧૭

  • પીલાત ઈસુને છોડી મૂકવાની કોશિશ કરે છે

  • ઈસુને દોષિત ઠરાવીને મારી નાખવા લઈ જવાયા

ઈસુ સાથે બહુ ખરાબ વ્યવહાર થયો હતો અને તેમની મશ્કરી કરવામાં આવી હતી. તેમને છોડી મૂકવાના પીલાતના પ્રયત્નોની મુખ્ય યાજકો અને તેઓના સાથીઓ પર કોઈ અસર થઈ ન હતી. તેઓ કોઈ પણ રીતે ઈસુને મોતની સજા થાય એવું ચાહતા હતા. તેઓ બૂમો પાડતા હતા: “તેને વધસ્તંભે ચડાવો! તેને વધસ્તંભે ચડાવો!” પીલાતે તેઓને કહ્યું: “તમે પોતે તેને લઈ જઈને મારી નાખો, કેમ કે મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.”—યોહાન ૧૯:૬.

રોમન સત્તા વિરુદ્ધ જવાના આરોપ હેઠળ ઈસુને મોતની સજા થવી જોઈએ, એ વાત યહુદીઓ પીલાતને ગળે ઉતારી ન શક્યા. એટલે, તેઓએ ધર્મનો સહારો લીધો. ઈસુ પર ઈશ્વરનિંદાનો જે આરોપ ન્યાયસભામાં લાગ્યો હતો, એ વિશે તેઓએ પીલાતને જણાવ્યું. તેઓએ કહ્યું: “અમારી પાસે નિયમ છે અને નિયમ પ્રમાણે તેણે મરવું જ જોઈએ, કારણ કે તે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કરે છે.” (યોહાન ૧૯:૭) પીલાત માટે આ કંઈક નવું હતું.

ઈસુ સાથે બહુ ખરાબ વ્યવહાર થયો હતો અને પીલાતની પત્નીને તેમના વિશે સપનું આવ્યું હતું. એટલે, પીલાત મહેલમાં પાછો જઈને તેમને છોડી મૂકવા કોઈ રસ્તો શોધવા લાગ્યો. (માથ્થી ૨૭:૧૯) પણ, યહુદીઓએ મૂકેલા નવા આરોપ વિશે શું? તેઓ કહેતા હતા કે ઈસુ ‘ઈશ્વરના દીકરા’ હોવાનો દાવો કરે છે. પીલાત જાણતો હતો કે ઈસુ ગાલીલના છે. (લુક ૨૩:૫-૭) છતાં, તેણે ઈસુને પૂછ્યું: “તું ક્યાંનો છે?” (યોહાન ૧૯:૯) શું પીલાતને એવું લાગ્યું હશે કે ઈસુ પહેલાં સ્વર્ગમાં હતા અને કોઈ દેવ હતા?

ઈસુએ અગાઉ પણ પીલાતને કહ્યું હતું કે પોતે રાજા છે, પણ પોતાનું રાજ્ય આ દુનિયાનું નથી. એમાં વધારે કંઈ જણાવવાની જરૂર ન લાગતા ઈસુ ચૂપ રહ્યા. એટલે, પીલાતનું સ્વમાન ઘવાયું. તેણે ગુસ્સામાં ઈસુને કહ્યું: “શું તારે મને જવાબ નથી આપવો? શું તને ખબર નથી કે મારી પાસે તને છોડી મૂકવાનો અને તને મારી નાખવાનો પણ અધિકાર છે?”—યોહાન ૧૯:૧૦.

ઈસુએ કહ્યું: “જો સ્વર્ગમાંથી તમને અધિકાર મળ્યો ન હોત, તો તમને મારા પર કોઈ જ અધિકાર ન હોત. એટલા માટે, જે માણસે મને તમારા હાથમાં સોંપ્યો છે, તેનું પાપ ઘણું મોટું છે.” (યોહાન ૧૯:૧૧) ઈસુ કોઈ એક માણસને ધ્યાનમાં રાખીને કહી રહ્યા ન હતા. પરંતુ, તે એમ કહેવા માંગતા હતા કે કાયાફાસ, તેના સાથીઓ અને યહુદા ઇસ્કારિયોતનું પાપ પીલાતથી પણ વધારે મોટું છે.

ઈસુના વ્યવહાર અને શબ્દોથી પ્રભાવિત થઈને, તેમજ ઈસુ સ્વર્ગમાંથી આવ્યા હશે, એવા ડરથી પીલાતે તેમને છોડી દેવા ફરીથી પ્રયત્ન કર્યો. પણ, યહુદીઓએ એવું કંઈક કહ્યું જેનાથી પીલાતમાં રહેલો બીજો એક ડર છતો થયો. તેઓએ ધમકી આપી: “જો તમે આ માણસને છોડી મૂકશો, તો તમે સમ્રાટના મિત્ર નથી. જે કોઈ પોતે રાજા હોવાનો દાવો કરે છે, તે સમ્રાટની વિરુદ્ધ બોલે છે.”—યોહાન ૧૯:૧૨.

રાજ્યપાલ ફરી એક વાર ઈસુને બહાર લાવ્યો અને ન્યાયાસન પર બેસીને લોકોને કહ્યું: “જુઓ! તમારો રાજા!” પણ, એનાથી યહુદીઓનું મન બદલાયું નહિ. તેઓએ બૂમો પાડી: “તેને લઈ જાઓ! તેને લઈ જાઓ! તેને વધસ્તંભે ચડાવો!” પીલાતે અરજ કરી: “શું હું તમારા રાજાને વધસ્તંભે ચડાવું?” યહુદીઓ ઘણા સમયથી રોમન સત્તા હેઠળ ખુશ ન હતા; છતાં, મુખ્ય યાજકો જુસ્સાથી બોલી ઊઠ્યા: “સમ્રાટ સિવાય અમારો બીજો કોઈ રાજા નથી.”—યોહાન ૧૯:૧૪, ૧૫.

યહુદીઓની કઠોર માંગ સામે ડરપોક પીલાતે નમતું જોખ્યું. તેણે ઈસુને વધસ્તંભે ચડાવવા સોંપી દીધા. સૈનિકોએ ઈસુના શરીર પરથી ઝભ્ભો ઉતારી લીધો અને તેમનો પોતાનો ઝભ્ભો પહેરાવ્યો. ઈસુને લઈ જવામાં આવ્યા ત્યારે, તેમને પોતાનો વધસ્તંભ ઊંચકવા ફરજ પાડવામાં આવી.

હવે, નીસાન ૧૪, શુક્રવારની બપોર થવા આવી હતી. ગુરુવાર વહેલી સવારથી ઈસુ જાગતા હતા અને એક પછી એક ત્રાસદાયક અનુભવોમાંથી પસાર થઈ રહ્યા હતા. ભારે વધસ્તંભ ઊંચકીને ચાલતા ઈસુમાં હવે કોઈ તાકાત ન હતી. એટલે, સૈનિકોએ રસ્તે જતા એક માણસ પાસે જબરદસ્તી વધસ્તંભ ઊંચકાવ્યો. એ માણસ આફ્રિકાના કુરેની શહેરનો સિમોન હતો. ઘણા લોકો તેઓની પાછળ પાછળ જતા હતા. જે થઈ રહ્યું હતું એ જોઈને અમુક લોકો દુઃખી થઈને છાતી કૂટતા હતા અને વિલાપ કરતા હતા.

રડી રહેલી સ્ત્રીઓને ઈસુએ કહ્યું: “યરૂશાલેમની દીકરીઓ, મારા માટે રડવાનું બંધ કરો. એના બદલે, તમારા માટે અને તમારાં બાળકો માટે રડો; કેમ કે જુઓ! એવા દિવસો આવે છે જ્યારે લોકો કહેશે, ‘ધન્ય છે વાંઝણી સ્ત્રીઓને, જેઓએ જન્મ આપ્યો નથી અને જેઓએ ધવડાવ્યું નથી!’ ત્યારે તેઓ પહાડોને કહેવા લાગશે, ‘અમારા પર પડો!’ અને ટેકરાઓને કહેશે, ‘અમને ઢાંકી દો!’ ઝાડ લીલું છે ત્યારે તેઓ આવું કરે છે તો, એ સુકાઈ જશે ત્યારે શું કરશે?”—લુક ૨૩:૨૮-૩૧.

ઈસુ યહુદી પ્રજાની વાત કરી રહ્યા હતા. એ પ્રજા સુકાઈ રહેલાં ઝાડ જેવી હતી. પણ, હજુ એ ઝાડ થોડું લીલું હતું, કેમ કે ઈસુ તેઓ વચ્ચે હાજર હતા અને ઘણા યહુદીઓ પણ ત્યાં હતા, જેઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી હતી. ઈસુ મરણ પામે અને તેમના શિષ્યો યહુદી ધર્મ છોડી દે ત્યારે, એ પ્રજા ભક્તિમાં સુકાઈ ગયેલા ઝાડ જેવી બની જવાની હતી. જ્યારે ઈશ્વર તરફથી સંહારક તરીકે રોમન સૈન્ય યહુદી પ્રજાનો નાશ કરે, ત્યારે પુષ્કળ વિલાપ થવાનો હતો!