સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૧૦

મંદિરમાં ઈસુનો છેલ્લો દિવસ

મંદિરમાં ઈસુનો છેલ્લો દિવસ

માથ્થી ૨૩:૨૫–૨૪:૨ માર્ક ૧૨:૪૧–૧૩:૨ લુક ૨૧:૧-૬

  • ઈસુ ફરી વાર ધર્મગુરુઓને દોષિત ઠરાવે છે

  • મંદિરનો નાશ થશે

  • ગરીબ વિધવા દાન તરીકે બે નાના સિક્કા નાખે છે

ઈસુએ મંદિરની છેલ્લી મુલાકાત લીધી ત્યારે, તેમણે શાસ્ત્રીઓ અને ફરોશીઓને જાહેરમાં ઢોંગીઓ કહીને તેઓને ખુલ્લા પાડવાનું ચાલુ રાખ્યું. તેમણે ઉદાહરણમાં વાત કરતા કહ્યું: “તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદરથી એ લોભ અને અતિશય ભોગવિલાસથી ભરેલા છે. ઓ આંધળા ફરોશીઓ, પહેલા પ્યાલો અને થાળી અંદરથી સાફ કરો, જેથી એ બહારથી પણ સાફ થાય.” (માથ્થી ૨૩:૨૫, ૨૬) ધાર્મિક વિધિ પ્રમાણે શુદ્ધ થવાની અને શારીરિક દેખાવની વાત આવે ત્યારે ફરોશીઓ કંઈ પણ ચલાવી લેતા ન હતા; પરંતુ, પોતાનો સ્વભાવ કે દિલના વિચારોને શુદ્ધ કરવાની વાત આવે ત્યારે, તેઓ આંખ આડા કાન કરતા હતા.

પ્રબોધકોની કબરો બાંધવા અને એને શણગારવા તેઓ કાયમ તૈયાર રહેતા. એમાં પણ તેઓનો ઢોંગ દેખાઈ આવતો. ઈસુએ કહ્યું તેમ, તેઓ ‘પ્રબોધકોનું ખૂન કરનારાઓના દીકરા’ હતા. (માથ્થી ૨૩:૩૧) ઈસુને મારી નાખવાના પ્રયત્નો કરીને તેઓએ એ વાત સાચી ઠરાવી હતી.—યોહાન ૫:૧૮; ૭:૧, ૨૫.

જો તેઓ પસ્તાવો ન કરે, તો તેઓનું શું થશે એ વિશે જણાવતા ઈસુએ કહ્યું: “ઓ સર્પો, ઝેરી સાપોનાં સંતાનો, તમે ગેહેન્‍નાની સજામાંથી કેવી રીતે છટકી શકશો?” (માથ્થી ૨૩:૩૩) ગેહેન્‍ના એટલે, “હિન્‍નોમની ખીણ,” જેનો ઉપયોગ કચરો બાળવા થતો. દુષ્ટ શાસ્ત્રીઓ અને ફરોશીઓનો હંમેશ માટે વિનાશ થશે, એ બતાવવા ઈસુએ એનો ઉલ્લેખ કર્યો.

ઈસુના શિષ્યો “પ્રબોધકો અને સમજદાર માણસો અને ઉપદેશકો” થવાના હતા. તેઓ સાથે કેવો વર્તાવ થવાનો હતો? ઈસુએ ધર્મગુરુઓને કહ્યું: ‘મારા અમુક શિષ્યોને તમે મારી નાખશો અને અમુકને શૂળીએ ચડાવશો, એમાંના અમુકને તમે તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને અમુકને શહેરેશહેર સતાવણી કરશો; જેથી, પૃથ્વી પર જે નેક લોકોનું લોહી વહેવડાવવામાં આવ્યું છે એ તમારા પર આવે, નેક હાબેલના લોહીથી લઈને બારખીઆના દીકરા ઝખાર્યાના લોહી સુધી. જેમને તમે મારી નાખ્યા હતા.’ તેમણે ચેતવણી આપી: “હું તમને સાચે જ કહું છું કે એ બધું આ પેઢી પર આવી પડશે.” (માથ્થી ૨૩:૩૪-૩૬) ઈસવીસન ૭૦માં એ વાત સાચી પડી. એ સમયે રોમન સૈન્યે યરૂશાલેમનો નાશ કર્યો અને હજારો યહુદીઓને મારી નાખ્યા.

આવી પડનારી આ ભયાનક મુશ્કેલીના લીધે ઈસુ ખૂબ વ્યાકુળ હતા. તેમણે દુઃખી થતા કહ્યું: “યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર અને તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર; જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પરંતુ, તમે એવું ચાહ્યું નહિ. જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.” (માથ્થી ૨૩:૩૭, ૩૮) જેઓ સાંભળી રહ્યા હતા, તેઓને નવાઈ લાગી હશે કે ઈસુ કયા “ઘર” વિશે જણાવી રહ્યા છે. શું ઈસુ યરૂશાલેમમાં આવેલા ભવ્ય મંદિરની વાત કરતા હતા? લોકોને તો એવું લાગતું હતું કે ઈશ્વર પોતે એની રક્ષા કરી રહ્યા છે.

ઈસુએ પછી જણાવ્યું: “હું તમને કહું છું કે હવેથી જ્યાં સુધી તમે નહિ કહો કે ‘યહોવાના નામમાં જે આવે છે તે આશીર્વાદિત છે!’ ત્યાં સુધી ચોક્કસ તમે મને જોશો નહિ.” (માથ્થી ૨૩:૩૯) તે ગીતશાસ્ત્ર ૧૧૮:૨૬ની ભવિષ્યવાણીના શબ્દો ટાંકી રહ્યા હતા: “યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.” એ સ્પષ્ટ હતું કે એક વાર મંદિર નાશ પામે, પછી ઈશ્વરના નામે ત્યાં કોઈ આવવાનું ન હતું.

હવે, ઈસુ મંદિરના એ ભાગ તરફ ગયા, જ્યાં દાન-પેટીઓ મૂકેલી હતી. એ પેટી ઉપરના નાના કાણામાં પૈસા નાખીને લોકો દાન કરી શકતા. ઈસુએ જોયું કે, અનેક યહુદીઓ એમાં પૈસા નાખતા હતા. ધનવાન લોકો દાન તરીકે એમાં “ઘણા સિક્કા” નાખતા હતા. પછી, ઈસુએ જોયું કે, એક ગરીબ વિધવાએ “સાવ નજીવી કિંમતના બે નાના સિક્કા નાખ્યા.” (માર્ક ૧૨:૪૧, ૪૨) ઈસુ જાણતા હતા કે વિધવાના દાનથી ઈશ્વર ઘણા ખુશ થયા હશે.

ઈસુએ પોતાના શિષ્યોને ત્યાં બોલાવીને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે દાન-પેટીઓમાં પૈસા નાખનારા બધા કરતાં, આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે.” એવું કઈ રીતે બની શકે? ઈસુએ સમજાવતા કહ્યું: “એ બધાએ પોતાની પાસે વધારાનું હતું એમાંથી નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાનું બધું જ, એટલે પોતાની આખી જીવન-મૂડી નાખી છે.” (માર્ક ૧૨:૪૩, ૪૪) વિચારો અને કાર્યોમાં વિધવા અને ધર્મગુરુઓ વચ્ચે કેવો આભ-જમીનનો ફરક હતો!

નીસાન ૧૧ના દિવસે ઈસુ મંદિરમાંથી બહાર નીકળ્યા ત્યારે, એ તેમની છેલ્લી મુલાકાત હતી. તેમના શિષ્યોમાંથી એક પોકારી ઊઠ્યા: “ગુરુજી, જુઓ! આ કેવા સુંદર પથ્થરો અને બાંધકામો!” (માર્ક ૧૩:૧) મંદિરની દીવાલોમાંના કેટલાક પથ્થર ખરેખર વિશાળ હતા. એ જોઈને લાગતું હતું કે મંદિરને ઊની આંચ પણ નહિ આવે, એ કાયમ ટકશે. એટલે, ઈસુએ જે કહ્યું એ માનવું અશક્ય લાગતું હતું: “શું તું આ મોટાં બાંધકામો જોઈ રહ્યો છે? અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ, પણ બધા પાડી નંખાશે.”—માર્ક ૧૩:૨.

આ વાતો કહ્યા પછી, ઈસુ અને તેમના પ્રેરિતો કિદ્રોન ખીણ ઓળંગીને જૈતૂન પહાડ પર એક જગ્યાએ ગયા. પછી એવો સમય આવ્યો કે ઈસુ પોતાના ચાર પ્રેરિતો સાથે હતા, પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન. ત્યાંથી તેઓ ભવ્ય મંદિરને જોઈ શકતા હતા.