સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૦૫

અંજીરના ઝાડ દ્વારા શ્રદ્ધા વિશે બોધપાઠ

અંજીરના ઝાડ દ્વારા શ્રદ્ધા વિશે બોધપાઠ

માથ્થી ૨૧:૧૯-૨૭ માર્ક ૧૧:૧૯-૩૩ લુક ૨૦:૧-૮

  • સુકાયેલું અંજીરનું ઝાડ—શ્રદ્ધાનો બોધપાઠ

  • ઈસુના અધિકારને પડકારવામાં આવે છે

ઈસુ સોમવારે બપોરે યરૂશાલેમ છોડીને બેથનિયા ગામ પાછા ગયા, જે જૈતૂન પહાડની પૂર્વે ઢોળાવ પર આવેલું હતું. તેમણે કદાચ પોતાના મિત્રો લાજરસ, મરિયમ અને માર્થાના ઘરે રાત વિતાવી.

નીસાન ૧૧ની સવારે ઈસુ અને તેમના શિષ્યોએ ફરી મુસાફરી શરૂ કરી. તેઓ પાછા યરૂશાલેમ જવા નીકળ્યા. ઈસુ હવે છેલ્લી વાર મંદિરે જઈ રહ્યા હતા. જાહેરમાં પ્રચાર કરવાનો આ તેમનો છેલ્લો દિવસ હતો. એ પછી આ બનાવો બન્યા: તેમણે પાસ્ખાનો તહેવાર ઊજવ્યો; પોતાના મરણને યાદ કરવા સ્મરણપ્રસંગની સ્થાપના કરી; તેમના પર મુકદ્દમો ચાલ્યો અને છેવટે તેમને મારી નાખવામાં આવ્યા.

બેથનિયાથી યરૂશાલેમ જતી વખતે પીતરે જૈતૂન પહાડ પર પેલું અંજીરનું ઝાડ જોયું, જેને ઈસુએ આગલી સવારે શાપ આપ્યો હતો. પીતર પોકારી ઊઠ્યા: “ગુરુજી, જુઓ! તમે શાપ આપ્યો હતો, એ અંજીરનું ઝાડ સુકાઈ ગયું છે.”—માર્ક ૧૧:૨૧.

પણ, ઈસુએ શા માટે એ ઝાડને સૂકવી દીધું હતું? તેમણે એનું કારણ જણાવતા કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જો તમારામાં શ્રદ્ધા હોય અને શંકા ન કરો, તો મેં અંજીરના ઝાડને જે કર્યું એ જ નહિ, પણ તમે આ પહાડને કહો કે, ‘ઊંચકાઈને સમુદ્રમાં પડ’ તો, એમ પણ થશે. તમે શ્રદ્ધાથી પ્રાર્થનામાં જે કંઈ માંગો, એ તમને મળશે.” (માથ્થી ૨૧:૨૧, ૨૨) અગાઉ તેમણે જણાવ્યું હતું કે શ્રદ્ધા હશે તો, પહાડ પણ ખસેડી શકાશે અને એ જ મુદ્દા પર તેમણે ફરીથી ભાર મૂક્યો.—માથ્થી ૧૭:૨૦.

તેથી, ઝાડને સૂકવી નાખીને ઈસુએ શીખવ્યું કે ઈશ્વરમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું: “જે બધી બાબતો માટે તમે પ્રાર્થના કરો છો અને માંગો છો, એ તમને મળી ગયું છે એવી શ્રદ્ધા રાખો અને એ તમને મળશે.” (માર્ક ૧૧:૨૪) ઈસુના સર્વ અનુયાયીઓ માટે કેવો મહત્ત્વનો બોધપાઠ! એમાંય ખાસ કરીને પ્રેરિતો માટે એ સમયસરનો બોધપાઠ હતો, કેમ કે થોડા જ સમયમાં તેઓએ મોટી કસોટીઓનો સામનો કરવાનો હતો. અંજીરના ઝાડનું સુકાઈ જવું અને શ્રદ્ધાનો ગુણ હોવામાં બીજો એક બોધપાઠ પણ સમાયેલો હતો.

અંજીરના ઝાડની જેમ, ઇઝરાયેલી પ્રજાએ પણ છેતરામણો દેખાવ ઊભો કર્યો હતો. એ પ્રજા સાથે ઈશ્વરે કરાર કર્યો હતો અને બહારથી એમ લાગતું હતું કે તેઓ ઈશ્વરના નિયમો પાળે છે. પરંતુ, તેઓમાં શ્રદ્ધાની ખામી હતી અને સારાં ફળો આપતાં ન હતાં. તેઓએ ઈશ્વરના દીકરાનો પણ નકાર કર્યો! આમ, અંજીરના ઝાડને સૂકવી નાખીને ઈસુએ બતાવ્યું કે ફળ ન આપનાર અને શ્રદ્ધા વગરની ઇઝરાયેલી પ્રજાના એવા જ હાલ થશે.

થોડા સમય પછી, ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ આવી પહોંચ્યા. પોતાના રિવાજ પ્રમાણે ઈસુ મંદિરમાં ગયા અને શીખવવા લાગ્યા. ઈસુ આગલી સવારે નાણાં બદલનારાઓ સાથે જે રીતે વર્ત્યા હતા, એ વાત હજુ પણ મુખ્ય યાજકો અને લોકોના વડીલોના મનમાં તાજી હતી. એટલે, તેઓએ ઈસુ સામે સવાલ ઉઠાવ્યો: “તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? અથવા, આ બધાં કામો કરવાનો અધિકાર તને કોણે આપ્યો?”—માર્ક ૧૧:૨૮.

ઈસુએ જવાબ આપ્યો: “હું તમને એક સવાલ પૂછીશ. મને જવાબ આપો, પછી હું તમને જણાવીશ કે હું આ બધું કયા અધિકારથી કરું છું. જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો એ ઈશ્વર તરફથી હતું કે માણસો તરફથી? મને જવાબ આપો.” આમ, ઈસુએ પોતાના વિરોધીઓને વળતો સવાલ કરીને ગૂંચવણમાં મૂકી દીધા. યાજકો અને વડીલો અંદરોઅંદર વાત કરવા લાગ્યા કે કઈ રીતે જવાબ આપવો: “જો આપણે કહીએ, ‘ઈશ્વર તરફથી,’ તો તે કહેશે, ‘તો પછી, તમે કેમ તેનું કહેવું માન્યું નહિ?’ અથવા, શું આપણે એમ કહીએ કે ‘માણસો તરફથી’?” તેઓના મનમાં એવો વિચાર તો આવ્યો પણ તેઓ લોકોના ટોળાથી ડરતા હતા, “કેમ કે બધા લોકો એમ માનતા હતા કે યોહાન ખરેખર પ્રબોધક હતો.”—માર્ક ૧૧:૨૯-૩૨.

ઈસુનો વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ મળ્યો નહિ. એટલે, તેઓએ કહ્યું: “અમને ખબર નથી.” ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને નથી જણાવતો કે હું કયા અધિકારથી આ કામો કરું છું.”—માર્ક ૧૧:૩૩.