સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૦

ઈસુનું કુટુંબ યરૂશાલેમ જાય છે

ઈસુનું કુટુંબ યરૂશાલેમ જાય છે

લુક ૨:૪૦-૫૨

  • બાર વર્ષના ઈસુ ધર્મગુરુઓને સવાલો પૂછે છે

  • યહોવાને ઈસુ ‘મારા પિતા’ કહે છે

વસંત ૠતુનો સમય હતો. એટલે, યુસફના કુટુંબ માટે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે યરૂશાલેમની વાર્ષિક મુસાફરીનો સમય આવી ગયો હતો. નિયમશાસ્ત્ર પ્રમાણે, તેઓ ત્યાં પાસ્ખાનો તહેવાર ઊજવવા જતા હતા. (પુનર્નિયમ ૧૬:૧૬) નાઝરેથથી યરૂશાલેમની મુસાફરી આશરે ૧૨૦ કિલોમીટર હતી. એ સમયે ઘણું કામ રહેતું, પણ બધા ઘણો આનંદ કરતા. ઈસુ હવે ૧૨ વર્ષના હતા; તે આ ઉજવણીની અને ફરીથી મંદિરે જવાની આતુર મને રાહ જોતા હતા.

ઈસુ અને તેમના કુટુંબ માટે પાસ્ખાનો તહેવાર કંઈ એક દિવસનો પ્રસંગ ન હતો. પાસ્ખાના તહેવાર પછીના દિવસથી સાત દિવસ માટે બેખમીર રોટલીનો તહેવાર શરૂ થતો. (માર્ક ૧૪:૧) એ પાસ્ખાની ઉજવણીનો ભાગ ગણાતો. તેઓના ઘર નાઝરેથથી મુસાફરી કરવી, યરૂશાલેમમાં રહેવું અને ઘરે પાછા ફરવું, એ બધામાં લગભગ બે અઠવાડિયાં વીતી જતાં. પરંતુ, એ વર્ષે ઈસુને લઈને એક બનાવ બનવાથી થોડો વધારે સમય લાગ્યો. યરૂશાલેમથી પાછા ફરતી વખતે એક તકલીફ ઊભી થઈ.

મિત્રો અને સગા-સંબંધીઓના ટોળા સાથે યુસફ અને મરિયમ ઘરે જવા ઉત્તર તરફ મુસાફરી કરતા હતા; તેઓને લાગ્યું કે ઈસુ પણ ટોળામાં જ હશે. પરંતુ, તેઓ રાતે એક જગ્યાએ રોકાયા ત્યારે, તેઓને ઈસુ ન મળ્યા. તેઓ ટોળામાં તેમને શોધવા લાગ્યા, પણ તે ત્યાં ન હતા. તેઓનો દીકરો ખોવાઈ ગયો હતો! તેથી, યુસફ અને મરિયમ તેમને શોધતાં શોધતાં પાછા યરૂશાલેમ ગયા.

તેઓએ ત્યાં આખો દિવસ શોધ કરી, પણ ઈસુનો કોઈ પત્તો ન હતો. બીજા દિવસે પણ તેઓ શોધી શોધીને થાક્યા. છેવટે, ત્રીજા દિવસે તેઓને પોતાનો દીકરો મંદિરના એક મોટા ઓરડામાં દેખાયો. ઈસુ અમુક યહુદી ધર્મગુરુઓની વચ્ચે બેઠા હતા. તે તેઓનું સાંભળતા અને સવાલો પૂછતા; ધર્મગુરુઓ ઈસુની સમજણથી દંગ હતા.

મરિયમે ઈસુને પૂછ્યું: “દીકરા, તેં અમારી સાથે આવું કેમ કર્યું? તારા પિતા અને હું ઘણા હેરાન-પરેશાન થઈને તને શોધતા હતા.”—લુક ૨:૪૮.

ઈસુ નવાઈ પામ્યા કે પોતે ક્યાં હશે એની તેમનાં માબાપને ખબર ન હતી. તેમણે તેઓને પૂછ્યું: “તમે મને શા માટે શોધતા હતા? શું તમે જાણતા ન હતા કે હું મારા પિતાના ઘરમાં જ હોઈશ?”—લુક ૨:૪૯.

યુસફ અને મરિયમને ઈસુ મળી ગયા; ઈસુ તેઓ સાથે પાછા પોતાના ઘરે નાઝરેથ ગયા અને તેઓને આધીન રહ્યા. તેમની સમજણ વધતી ગઈ અને તે મોટા થતા ગયા. ભલે તે હજુ નાના હતા, પણ તેમના પર ઈશ્વરની અને માણસોની કૃપા હતી. ઈસુએ નાનપણથી ફક્ત ઈશ્વરની ભક્તિમાં જ નહિ, માબાપને માન બતાવવામાં પણ સરસ દાખલો બેસાડ્યો હતો.