પ્રકરણ ૫
ઈસુનો જન્મ ક્યાં અને ક્યારે થાય છે?
-
ઈસુ બેથલેહેમમાં જન્મે છે
-
ઘેટાંપાળકો નાનકડા ઈસુને મળવા આવે છે
રોમન સામ્રાજ્યના રાજા, સમ્રાટ ઑગસ્તસે હુકમ કર્યો હતો કે બધા લોકો નોંધણી કરાવે. એટલે, યુસફ અને મરિયમે યુસફના જન્મ-સ્થળ બેથલેહેમ જવાનું હતું, જે યરૂશાલેમની દક્ષિણે આવેલું હતું.
નોંધણી કરાવવા ઘણા લોકો બેથલેહેમ આવ્યા હતા. યુસફ અને મરિયમને રહેવા માટે તબેલામાં જ જગ્યા મળી, જ્યાં ગધેડાં અને બીજાં જાનવરોને રાખવામાં આવતાં. ત્યાં ઈસુનો જન્મ થયો. મરિયમે બાળકને કપડાંમાં વીંટાળ્યું અને ગભાણમાં સુવડાવ્યું, જ્યાં જાનવરોને ચારો નાખવામાં આવતો હતો.
સમ્રાટ ઑગસ્તસ નોંધણીનો આ નિયમ બહાર પાડે, એની પાછળ ઈશ્વરનો હાથ હોવો જોઈએ. કેમ? એનાથી શક્ય બન્યું કે ઈસુ પોતાના પૂર્વજ રાજા દાઊદના વતન બેથલેહેમમાં જન્મે. શાસ્ત્રવચનોમાં લાંબા સમયથી જણાવવામાં આવ્યું હતું કે વચન પ્રમાણે આવનાર રાજાનો એ શહેરમાં જન્મ થશે.—મીખાહ ૫:૨.
એ રાત કેટલી મહત્ત્વની હતી! ખેતરોમાં અમુક ઘેટાંપાળકો પર પ્રકાશ ઝળહળી ઊઠ્યો. એ યહોવાનું ગૌરવ હતું! ઈશ્વરના એક દૂતે ઘેટાંપાળકોને કહ્યું: “ગભરાશો નહિ, જુઓ! હું તમને એવી ખુશખબર જણાવું છું, જેનાથી બધા લોકોને ઘણો આનંદ થશે, કેમ કે આજે તમારા માટે દાઊદના શહેરમાં ઉદ્ધાર કરનાર જન્મ્યા છે, જે પ્રભુ અને ખ્રિસ્ત છે. અને તમારા માટે આ નિશાની છે: તમે એક નાના બાળકને કપડાંમાં વીંટાળેલું અને ગભાણમાં મૂકેલું જોશો.” અચાનક બીજા ઘણા દૂતો દેખાયા અને કહેવા લાગ્યા: “સ્વર્ગમાં ઈશ્વરનો મહિમા થાઓ અને પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને શાંતિ થાઓ!”—લુક ૨:૧૦-૧૪.
દૂતો ત્યાંથી જતા રહ્યા ત્યારે, ઘેટાંપાળકો એકબીજાને કહેવા લાગ્યા: “ચાલો, જલદી બેથલેહેમ જઈએ અને યહોવાના જણાવ્યા પ્રમાણે ત્યાં શું બન્યું એ આપણે જોઈએ.” (લુક ૨:૧૫) તેઓ ઉતાવળે ગયા અને દૂતે કહ્યું હતું એ જ જગ્યાએ નાનકડા ઈસુને જોયા. દૂતે ઘેટાંપાળકોને જે કહ્યું હતું એ તેઓએ જણાવ્યું ત્યારે, બધા સાંભળીને દંગ રહી ગયા. મરિયમે એ બધી વાતો મનમાં રાખી અને એના પર વિચાર કર્યો.
આજે ઘણા લોકો માને છે કે ઈસુનો જન્મ ૨૫મી ડિસેમ્બરે થયો હતો. પણ, ડિસેમ્બરમાં બેથલેહેમના વિસ્તારમાં વરસાદ અને ઠંડી હોય છે. અમુક સમયે બરફ પણ પડે છે. વર્ષના એવા સમયે, ઘેટાંપાળકો પોતાનાં ઘેટાં સાથે રાત્રે ભાગ્યે જ ખેતરોમાં હોય. તેમ જ, રોમન સમ્રાટ નોંધણી માટે લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં દિવસો સુધી લાંબી મુસાફરી કરાવે, એવું લાગતું નથી, કેમ કે લોકો તેની વિરુદ્ધ બળવો કરે એવા હતા. પુરાવા બતાવે છે કે ઈસુ ઑક્ટોબરમાં કોઈક સમયે જન્મ્યા હતા.