સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૫૯

માણસનો દીકરો કોણ છે?

માણસનો દીકરો કોણ છે?

માથ્થી ૧૬:૧૩-૨૭ માર્ક ૮:૨૨-૩૮ લુક ૯:૧૮-૨૬

  • ઈસુ આંધળા માણસને સાજો કરે છે

  • પીતરને સ્વર્ગના રાજ્યની ચાવીઓ મળે છે

  • ઈસુ પોતાના મરણ અને જીવતા થવા વિશે જણાવે છે

ઈસુ અને તેમના શિષ્યો બેથસૈદા પહોંચ્યા. પછી, લોકો ઈસુ પાસે એક આંધળા માણસને લાવ્યા અને વિનંતી કરી કે તેને અડકીને સાજો કરે.

આંધળા માણસનો હાથ પકડીને ઈસુ તેને ગામ બહાર લઈ ગયા. તેની આંખો પર થૂંક્યા પછી, ઈસુએ પૂછ્યું: “તને કંઈ દેખાય છે?” તેણે કહ્યું: “મને માણસો દેખાય છે, પણ તેઓ હાલતાં-ચાલતાં વૃક્ષો જેવાં દેખાય છે.” (માર્ક ૮:૨૩, ૨૪) માણસની આંખો પર હાથ મૂકીને ઈસુએ તેને દેખતો કર્યો, જે હવે સાફ જોઈ શકતો હતો. પછી, તેમણે એ માણસને ઘરે મોકલ્યો, પણ તેને ગામમાં જવાની ના પાડી.

પછી, ઈસુ અને શિષ્યો ઉત્તર તરફ કાઈસારીઆ ફિલિપીના વિસ્તારમાં ગયા. એ આશરે ૪૦ કિલોમીટરના ચઢાણવાળો લાંબો રસ્તો હતો. સમુદ્રની સપાટીથી એ ગામ આશરે ૩૫૦ મીટરની ઊંચાઈ પર હતું; એની ઉત્તર-પૂર્વે હેર્મોન પહાડનું બરફથી ઢંકાયેલું શિખર નજરે પડતું હતું. એ મુસાફરી બેએક દિવસની હતી.

મુસાફરી દરમિયાન ઈસુ એકાંતમાં પ્રાર્થના કરવા ગયા. ઈસુના મરણને નવ કે દસ મહિના જ બાકી હતા અને તેમને શિષ્યોની ચિંતા થતી હતી. ઘણાએ તેમના પગલે ચાલવાનું છોડી દીધું હતું; બીજાઓ મૂંઝવણમાં કે નિરાશ હતા. તેઓ વિચારતા હશે કે લોકો ઈસુને રાજા બનાવવા માંગતા હતા, તો તેમણે કેમ ના પાડી. અથવા ઈસુ એવી કોઈ નિશાની કેમ આપતા નથી, જેનાથી સાબિત થઈ જાય કે તે કોણ છે.

ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યાં શિષ્યો આવ્યા ત્યારે, તેમણે પૂછ્યું: “માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે?” તેઓએ કહ્યું: “કોઈ કહે છે યોહાન બાપ્તિસ્મા આપનાર, તો કોઈ એલિયા, તો કોઈ યર્મિયા કે પ્રબોધકોમાંનો એક કહે છે.” લોકો વિચારતા હતા કે ઈસુ તેઓમાંથી જીવતા કરાયેલા કોઈ છે. શિષ્યોના વિચારો જાણવા ઈસુએ પૂછ્યું: “પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” પીતરે તરત જવાબ આપ્યો: “તમે ખ્રિસ્ત છો, જીવતા ઈશ્વરના દીકરા.”—માથ્થી ૧૬:૧૩-૧૬.

ઈસુએ કહ્યું કે પીતર માટે ખુશીની વાત હતી કે ઈશ્વરે તેમને એ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું: “હું તને કહું છું કે તું પીતર છે અને આ ખડક પર હું મારું મંડળ બાંધીશ અને એના પર મરણની સત્તાનું જોર ચાલશે નહિ.” ઈસુનો કહેવાનો અર્થ એ હતો કે તે પોતે મંડળ બાંધવાના હતા. પૃથ્વી પર એના સભ્યો જો પૂરી શ્રદ્ધાથી જીવે, તો મરણ પણ તેઓને બંધનમાં રાખી નહિ શકે. તેમણે પીતરને વચન આપ્યું: “હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ.”—માથ્થી ૧૬:૧૮, ૧૯.

ઈસુએ પીતરને બીજા શિષ્યો કરતાં ન તો ઊંચું સ્થાન આપ્યું હતું, ન મંડળનો પાયો બનાવ્યા હતા. ઈસુ પોતે પાયાનો પથ્થર છે, જેમના પર મંડળ બંધાવાનું હતું. (૧ કોરીંથીઓ ૩:૧૧; એફેસીઓ ૨:૨૦) જોકે, પીતરને ત્રણ ચાવીઓ મળવાની હતી. અલગ અલગ સમૂહના લોકો માટે જાણે સ્વર્ગના રાજ્યમાં જવાનો દરવાજો ખોલવાનો પીતરને લહાવો મળવાનો હતો.

ઈસવીસન ૩૩ના પચાસમા દિવસે પીતર પહેલી ચાવી વાપરવાના હતા. તે જણાવવાના હતા કે પસ્તાવો કરનારા યહુદીઓ અને યહુદી બનેલા લોકોએ જીવન બચાવવા શું કરવું. શ્રદ્ધાળુ સમરૂનીઓને સ્વર્ગના રાજ્યમાં જવાની તક આપીને તે બીજી ચાવીનો ઉપયોગ કરવાના હતા. પછી, ઈ.સ. ૩૬માં પીતર એ તક બીજી પ્રજાના લોકોને આપીને ત્રીજી ચાવીનો ઉપયોગ કરવાના હતા. તેઓમાં કર્નેલ્યસ, તેમનાં સગા-સંબંધીઓ અને મિત્રો પ્રથમ હતાં.—પ્રેરિતોનાં કાર્યો ૨:૩૭, ૩૮; ૮:૧૪-૧૭; ૧૦:૪૪-૪૮.

આ વાત કરતી વખતે, ઈસુએ શિષ્યોને જણાવ્યું કે જલદી જ તેમણે યરૂશાલેમમાં ઘણી તકલીફો અને મરણ સહેવાં પડશે. એ સાંભળીને પ્રેરિતો બહુ દુઃખી થયા. ઈસુ સ્વર્ગમાં સજીવન કરાશે એ પીતર સમજ્યા નહિ. એટલે, ઈસુને એક બાજુએ લઈ જઈને ઠપકો આપતા તેમણે કહ્યું: “પોતાના પર દયા કરો પ્રભુ, તમને એવું કંઈ પણ નહિ થાય.” પણ, ઈસુએ મોં ફેરવીને કહ્યું: “મારી પાછળ જા, શેતાન! તું મારા માટે ઠોકરરૂપ છે, કેમ કે તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.”—માથ્થી ૧૬:૨૨, ૨૩.

પછી, ઈસુએ પ્રેરિતોની સાથે બીજાઓને પણ બોલાવ્યા અને સમજાવ્યું કે તેમને પગલે ચાલવું આસાન નહિ હોય. તેમણે કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતો રહે. કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે, પણ જે કોઈ મારે લીધે અને ખુશખબરને લીધે પોતાનું જીવન ગુમાવે છે, તે એને બચાવશે.”—માર્ક ૮:૩૪, ૩૫.

ઈસુની કૃપા પામવા તેમના શિષ્યો હિંમતવાન અને કંઈ પણ જતું કરવા તૈયાર હોવા જોઈએ. ઈસુએ કહ્યું: “જો આ પાપી અને વ્યભિચારી પેઢીમાં કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.” (માર્ક ૮:૩૮) ઈસુ આ રીતે આવશે ત્યારે, “તે દરેકને તેના વર્તન પ્રમાણે બદલો આપશે.”—માથ્થી ૧૬:૨૭.