સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૩૯

કઠણ દિલની પેઢીને હાય હાય!

કઠણ દિલની પેઢીને હાય હાય!

માથ્થી ૧૧:૧૬-૩૦ લુક ૭:૩૧-૩૫

  • અમુક શહેરો માટે ઈસુને અફસોસ થાય છે

  • ઈસુ રાહત અને તાજગી આપે છે

બાપ્તિસ્મા આપનાર યોહાન માટે ઈસુને ઘણું માન હતું, પણ મોટા ભાગના લોકો યોહાન વિશે શું માનતા હતા? ઈસુએ જણાવ્યું: ‘આ પેઢી તો બજારમાં બેઠેલાં બાળકો જેવી છે, જેઓ પોતાના સાથીઓને બૂમ પાડીને કહે છે: “અમે તમારા માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો પણ તમે છાતી કૂટી નહિ.”’—માથ્થી ૧૧:૧૬, ૧૭.

ઈસુના કહેવાનો મતલબ શું હતો? તેમણે એની ચોખવટ કરતા કહ્યું: “યોહાન ખાતો-પીતો આવ્યો નથી, તોપણ લોકો કહે છે: ‘તેને દુષ્ટ દૂત વળગ્યો છે.’ માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તોપણ લોકો કહે છે: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’” (માથ્થી ૧૧:૧૮, ૧૯) એક બાજુ, નાઝારી તરીકે યોહાન સાદું જીવન જીવતા અને દ્રાક્ષદારૂ પણ ન પીતા. તોપણ, એ પેઢીએ કહ્યું કે તેમને દુષ્ટ દૂત વળગ્યો હતો. (ગણના ૬:૨, ૩; લુક ૧:૧૫) બીજી બાજુ, ઈસુ બધા માણસોની જેમ જીવતા અને યોગ્ય રીતે ખાતા-પીતા. તોપણ, તેમને ખાઉધરા અને દારૂડિયા કહેવામાં આવ્યા. લોકોને કદીયે ખુશ કરી શકાય નહિ.

ઈસુએ એ પેઢીને બજારમાંનાં બાળકો સાથે સરખાવી. તેઓના સાથીઓએ વાંસળી વગાડી ત્યારે, આ બાળકોએ નાચવાની ના પાડી અથવા સાથીઓએ વિલાપ કર્યો ત્યારે આ બાળકોએ શોક કર્યો નહિ. ઈસુએ કહ્યું: “ખરેખર, ડહાપણ પોતાનાં કાર્યોથી ખરું સાબિત થાય છે.” (માથ્થી ૧૧:૧૬, ૧૯) ‘કાર્યો’ એટલે કે યોહાન અને ઈસુએ આપેલા પુરાવાઓ સાબિત કરતા હતા કે તેઓ પર મુકાયેલા આરોપો જૂઠા હતા.

એ પેઢી કોઈ યોગ્ય જવાબ આપતી નથી એમ બતાવ્યા પછી, ઈસુએ ખોરાઝીન, બેથસૈદા અને કાપરનાહુમ શહેરોના નામ લઈને તેઓ પર અફસોસ કર્યો, જ્યાં તેમણે ચમત્કારો કર્યા હતા. ઈસુ કહેતા હતા કે જો તેમણે આવા ચમત્કારો ફિનીકિયાનાં તૂર અને સિદોનમાં કર્યા હોત, તો એ શહેરોએ પસ્તાવો કર્યો હોત. તેમણે કાપરનાહુમ વિશે પણ જણાવ્યું, જે અમુક સમયથી તેમના સેવાકાર્યની મુખ્ય જગ્યા હતી. ત્યાં પણ મોટા ભાગના લોકોના વિચારો બદલાયા ન હતા. ઈસુએ કાપરનાહુમને જણાવ્યું: “ન્યાયના દિવસે સદોમ દેશની દશા તમારા કરતાં વધારે સારી હશે.”—માથ્થી ૧૧:૨૪.

પછી, ઈસુએ પિતા યહોવાની સ્તુતિ કરી, જેમણે સત્યની અનમોલ વાતો “શાણા અને જ્ઞાની લોકોથી” સંતાડી રાખી હતી; પણ, એ વાતો તેમણે બાળકો જેવાં નમ્ર લોકોને જણાવી હતી. (માથ્થી ૧૧:૨૫) તેમણે એવા લોકોને આવું સરસ આમંત્રણ આપ્યું: “ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજથી દબાયેલાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમારા પર લો ને મારી પાસેથી શીખો, કેમ કે હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું અને તમને વિસામો મળશે. કેમ કે મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી અને મારો બોજો હલકો છે.”—માથ્થી ૧૧:૨૮-૩૦.

ઈસુએ આવો વિસામો કે તાજગી કઈ રીતે આપી? ધર્મગુરુઓએ લોકોને રીત-રિવાજોના બોજ નીચે દબાવી દીધા હતા, જેમ કે સાબ્બાથના વધારે પડતા કડક નીતિ-નિયમો. પરંતુ, ઈસુએ લોકોને ઈશ્વરનું સત્ય શીખવીને તાજગી આપી અને એવા રિવાજોના પંજામાંથી આઝાદ કર્યા. રાજનેતાઓની સત્તા નીચે અને પાપના બોજ નીચે કચડાયેલા લોકોને એમાંથી રાહત મેળવવાનો માર્ગ પણ ઈસુએ બતાવ્યો. ઈસુએ જણાવ્યું કે કઈ રીતે તેઓનાં પાપ માફ થઈ શકે અને ઈશ્વર સાથે શાંતિભર્યો સંબંધ બાંધી શકે.

ઈસુની એવી પ્રેમાળ ઝૂંસરીનો સ્વીકાર કરનારા લોકો ઈશ્વરને પોતાનું અર્પણ કરી શકે છે; તેઓ સ્વર્ગમાંના આપણા પ્રેમાળ અને દયાળુ પિતાની ભક્તિ કરી શકે છે. એ કંઈ ભારે બોજ નથી, કેમ કે ઈશ્વરની આજ્ઞાઓ જરાય બોજરૂપ નથી.—૧ યોહાન ૫:૩.