સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૦

કાનામાં ઈસુ બીજો ચમત્કાર કરે છે

કાનામાં ઈસુ બીજો ચમત્કાર કરે છે

માર્ક ૧:૧૪, ૧૫ લુક ૪:૧૪, ૧૫ યોહાન ૪:૪૩-૫૪

  • ઈસુ પ્રચાર કરે છે કે “ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે”

  • એક છોકરાને ઈસુ દૂરથી સાજો કરે છે

સમરૂનમાં બેએક દિવસ વિતાવ્યા પછી, ઈસુ પોતાના વતન ગાલીલ તરફ ગયા. તેમણે યહુદિયામાં ઘણો પ્રચાર કર્યો હોવાથી, તે કંઈ આરામ કરવા જતા ન હતા. એના બદલે, જ્યાં તે મોટા થયા હતા ત્યાં હજુ વધારે પ્રચાર કરવા લાગ્યા. પરંતુ, કદાચ ત્યાં ઈસુને સારો આવકાર ન પણ મળે, કારણ કે તેમણે કહ્યું હતું: “પ્રબોધકને પોતાના વતનમાં માન મળતું નથી.” (યોહાન ૪:૪૪) શિષ્યો ઈસુ સાથે રહેવાને બદલે પોતપોતાના ઘરે ગયા અને પાછા કામધંધે લાગી ગયા.

ઈસુ કયા સંદેશાનો પ્રચાર કરવા લાગ્યા? તેમણે કહ્યું: “ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને ખુશખબરમાં ભરોસો રાખો.” (માર્ક ૧:૧૫) લોકોએ એ સાંભળીને શું કર્યું? ગાલીલના ઘણા લોકોએ ઈસુને આદર બતાવીને સારો આવકાર આપ્યો, પણ એ ફક્ત તેમના સંદેશાને લીધે નહિ. ગાલીલના કેટલાક લોકો અમુક મહિનાઓ પહેલાં યરૂશાલેમમાં પાસ્ખાનો તહેવાર ઊજવવા ગયા હતા; ત્યાં તેઓએ ઈસુના મોટા ચમત્કારો જોયા હતા.—યોહાન ૨:૨૩.

ઈસુએ ગાલીલનું જોરદાર સેવાકાર્ય ક્યાંથી શરૂ કર્યું? કાના ગામમાંથી, જ્યાં તેમણે એક લગ્‍નની મિજબાનીમાં પાણીનો દ્રાક્ષદારૂ બનાવ્યો હતો. બીજી વાર ઈસુ ત્યાં હતા ત્યારે, તેમને ખબર પડી કે એક યુવાન ઘણો બીમાર હતો. અરે, તે મરવાની અણીએ હતો. તે હેરોદ અંતિપાસના હાથ નીચે કામ કરતા અધિકારીનો દીકરો હતો. એ જ હેરોદ જેણે પછીથી યોહાન બાપ્તિસ્મા આપનારનું માથું કપાવ્યું. અધિકારીને જાણવા મળ્યું કે ઈસુ યહુદિયાથી કાના ગામમાં આવ્યા હતા. તેથી, તે અધિકારી પોતાના ઘર કાપરનાહુમથી કાનામાં ઈસુને મળવા ગયા. એ દુઃખી અધિકારીએ ઈસુને વિનંતી કરી: “પ્રભુ, મારું બાળક મરણ પામે એ પહેલાં મારી સાથે ચાલો.”—યોહાન ૪:૪૯.

જોકે, ઈસુના આ જવાબથી અધિકારીને નવાઈ લાગી હશે: “તું તારા માર્ગે જા; તારો દીકરો જીવે છે.” (યોહાન ૪:૫૦) હેરોદના અધિકારીએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો અને પોતાના ઘરે પાછા ફર્યા. રસ્તામાં તેમને પોતાના ચાકરો મળ્યા, જે દીકરાના સારા સમાચાર આપવા ઉતાવળે આવ્યા હતા. હા, તેમનો દીકરો સાજો થયો હતો અને જીવતો હતો. અધિકારીએ વધારે જાણવા ચાકરોને પૂછ્યું: “તે ક્યારે સાજો થયો?”

તેઓએ જવાબ આપ્યો, “ગઈ કાલે બપોરે આશરે એક વાગ્યે તેનો તાવ ઊતરી ગયો.”—યોહાન ૪:૫૨.

અધિકારીને સમજાયું કે એ જ સમયે ઈસુએ તેમને કહ્યું હતું કે, “તારો દીકરો જીવે છે.” એ પછી, આ ધનવાન અધિકારી જેમના ચાકરો પણ હતા, તે અને તેમના ઘરના બધા જ ઈસુના શિષ્યો બન્યા.

કાના ગામમાં ઈસુએ બે ચમત્કાર કર્યા હતા. પહેલો, પાણીમાંથી દ્રાક્ષદારૂ બનાવ્યો અને બીજો આશરે ૨૬ કિલોમીટર દૂરથી યુવાન છોકરાને સાજો કર્યો. જોકે, તેમણે આટલા જ ચમત્કાર કર્યા ન હતા. પણ બીજો ચમત્કાર મહત્ત્વનો હતો, કેમ કે એનાથી સાબિત થયું કે ઈશ્વરના પ્રબોધક તરીકે ઈસુ ગાલીલમાં પાછા આવ્યા હતા. શું આ “પ્રબોધકને પોતાના વતનમાં માન” મળ્યું?

એનો જવાબ ઈસુના વતન નાઝરેથમાં મળ્યો. તેમની સાથે ત્યાં શું બન્યું?