સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૩

ઈસુ કાપરનાહુમમાં મહાન કામો કરે છે

ઈસુ કાપરનાહુમમાં મહાન કામો કરે છે

માથ્થી ૮:૧૪-૧૭ માર્ક ૧:૨૧-૩૪ લુક ૪:૩૧-૪૧

  • દુષ્ટ દૂત વળગેલા માણસને ઈસુ સાજો કરે છે

  • પીતરની સાસુને ઈસુ સાજી કરે છે

ઈસુએ પોતાના ચાર શિષ્યો પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાનને જુદા પ્રકારના માછીમારો બનવા બોલાવ્યા હતા. તેઓ બધા હવે સાબ્બાથના દિવસે કાપરનાહુમના સભાસ્થાનમાં ગયા. ઈસુએ સભાસ્થાનમાં શીખવ્યું અને તેમની શીખવવાની રીત જોઈને લોકો ફરીથી નવાઈ પામ્યા. તેમણે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેની પાસે અધિકાર હોય એ રીતે શીખવ્યું.

એ સાબ્બાથે ખરાબ દૂત વળગેલો એક માણસ ત્યાં હતો. સભાસ્થાનમાં તેણે ઊંચા અવાજે બૂમ પાડી: “ઓ નાઝરેથના ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.” પરંતુ, માણસને વળગેલા ખરાબ દૂતને ધમકાવતા ઈસુએ કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ!”—માર્ક ૧:૨૪, ૨૫.

એટલે, ખરાબ દૂતે એ માણસને સખત રીતે મરડી નાખીને જમીન પર પાડી નાખ્યો અને મોટેથી ચીસ પાડી. પછી, ખરાબ દૂત “તેને નુકસાન પહોંચાડ્યા વગર” તેનામાંથી નીકળી ગયો. (લુક ૪:૩૫) સભાસ્થાનમાં ઈસુની આસપાસ ઊભેલા લોકો દંગ થઈ ગયા. તેઓએ પૂછ્યું: “આ શું? . . . અરે, તે ખરાબ દૂતોને પણ પૂરા અધિકારથી હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.” (માર્ક ૧:૨૭) એ જોરદાર બનાવના સમાચાર આખા ગાલીલમાં ફેલાઈ ગયા.

સભાસ્થાન છોડીને ઈસુ અને તેમના શિષ્યો સિમોન એટલે કે પીતરના ઘરે ગયા. ત્યાં પીતરની સાસુને ઘણો તાવ હોવાથી તે બીમાર હતી. તેને સાજી કરવા તેઓએ ઈસુને વિનંતી કરી. એટલે, ઈસુએ પથારી પાસે જઈને તેનો હાથ પકડીને તેને ઊભી કરી અને તે તરત સાજી થઈ. પછી, ઈસુ અને તેમના શિષ્યોની સેવા કરવા લાગી; તેણે કદાચ તેઓ માટે ખાવાનું બનાવ્યું હશે.

સૂર્ય આથમતો હતો ત્યારે, બધી બાજુએથી લોકો પોતાનાં બીમાર સગા-સંબંધીઓને પીતરના ઘરે લાવ્યા. થોડી વારમાં તો જાણે આખું શહેર પીતરના ઘર-આંગણે ભેગું થઈ ગયું. શા માટે? તેઓને સાજા થવું હતું. હકીકતમાં, “લોકો તેઓનાં ઘરોમાંથી અનેક રોગોથી પીડાતા બીમારોને તેમની પાસે લાવ્યા. દરેક પર હાથ મૂકીને તેમણે તેઓને સાજા કર્યા.” (લુક ૪:૪૦) ભલે તેઓને કોઈ પણ બીમારી હોય, ઈસુએ તેઓને ભવિષ્યવાણી પ્રમાણે સાજા કર્યા. (યશાયા ૫૩:૪) અરે, દુષ્ટ દૂતો વળગેલા લોકોને પણ ઈસુએ સાજા કર્યા. લોકોમાંથી બહાર નીકળેલા દુષ્ટ દૂતો બૂમ પાડવા લાગ્યા: “તું ઈશ્વરનો દીકરો છે.” (લુક ૪:૪૧) ઈસુએ તેઓને ધમકાવ્યા અને વધારે બોલવા દીધા નહિ. દુષ્ટ દૂતો જાણતા હતા કે ઈસુ જ ખ્રિસ્ત છે. પણ, ઈસુ ચાહતા ન હતા કે તેઓ સાચા ઈશ્વરને ભજવાનો દેખાડો કરે.