સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૬૧

ખરાબ દૂત વળગેલા છોકરાને ઈસુ સાજો કરે છે

ખરાબ દૂત વળગેલા છોકરાને ઈસુ સાજો કરે છે

માથ્થી ૧૭:૧૪-૨૦ માર્ક ૯:૧૪-૨૯ લુક ૯:૩૭-૪૩

  • ખરાબ દૂત વળગેલા છોકરાને સાજો કરવા મક્કમ શ્રદ્ધા જોઈએ

ઈસુ, પીતર, યાકૂબ અને યોહાન પહાડ પરથી ઊતર્યા ત્યારે, તેઓએ લોકોનું ટોળું જોયું. કંઈક તો ગરબડ હતી. ફરોશીઓ શિષ્યોને ઘેરીને ઊભા હતા અને તેઓ સાથે દલીલો કરતા હતા. ઈસુને જોઈને લોકો નવાઈ પામ્યા અને તેમને મળવા દોડી આવ્યા. ઈસુએ પૂછ્યું: “તમે તેઓ સાથે શો વિવાદ કરો છો?”—માર્ક ૯:૧૬.

ટોળામાંથી એક માણસ ઈસુ આગળ ઘૂંટણે પડ્યો અને સમજાવ્યું: “શિક્ષક, હું મારા દીકરાને તમારી પાસે લાવ્યો છું, કેમ કે તેને ખરાબ દૂત વળગ્યો છે, જેણે તેને મૂંગો કરી દીધો છે. તે જ્યાં પણ તેના પર હુમલો કરે છે ત્યાં તેને જમીન પર પછાડે છે અને તે મોંમાંથી ફીણ કાઢે છે, દાંત પીસે છે તથા અશક્ત થઈ જાય છે. મેં તમારા શિષ્યોને ખરાબ દૂત કાઢવા કહ્યું, પણ તેઓ એમ કરી શક્યા નહિ.”—માર્ક ૯:૧૭, ૧૮.

હકીકતમાં શાસ્ત્રીઓ શિષ્યોની ટીકા કરતા હતા, કેમ કે તેઓ છોકરાને સાજો કરી શક્યા નહિ. તેઓએ કદાચ શિષ્યોના પ્રયત્નોની મજાક પણ ઉડાવી હોય. ઈસુએ દુઃખી પિતાને જવાબ આપવાને બદલે, ટોળાને કહ્યું: “ઓ શ્રદ્ધા વગરની આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? હું ક્યાં સુધી તમને સહન કરીશ?” ચોક્કસ, આ કડક શબ્દો શાસ્ત્રીઓ માટે હતા, જેઓ ઈસુની ગેરહાજરીમાં શિષ્યોને હેરાન કરતા હતા. ઈસુએ દુઃખી પિતા તરફ ફરીને કહ્યું: “છોકરાને અહીં મારી પાસે લાવો.”—માથ્થી ૧૭:૧૭.

છોકરો ઈસુ પાસે આવ્યો તેમ, ખરાબ દૂતે તેને જમીન પર પછાડ્યો અને સખત રીતે મરડી નાખ્યો. તે જમીન પર આળોટવા લાગ્યો અને મોંમાંથી ફીણ કાઢવા લાગ્યો. ઈસુએ પિતાને પૂછ્યું: “આવું તેને ક્યારથી થાય છે?” તેણે કહ્યું: “બાળપણથી. ખરાબ દૂત તેને મારી નાખવા ઘણી વાર આગમાં અને પાણીમાં નાખી દે છે.” માણસે આજીજી કરી: “જો તમે કંઈ કરી શકતા હો, તો અમારા પર દયા કરો અને અમને મદદ કરો.”—માર્ક ૯:૨૧, ૨૨.

છોકરાનો પિતા અધીરો બન્યો હતો, કેમ કે ઈસુના શિષ્યો પણ કોઈ મદદ કરી શક્યા ન હતા. પિતાની વિનંતીને ધ્યાનમાં રાખીને ઈસુએ ઉત્તેજન અને ખાતરી આપતા કહ્યું: “શું તું એમ કહે છે, ‘તમે કરી શકતા હો તો’? જેને શ્રદ્ધા છે તેના માટે બધું શક્ય છે.” તરત જ, છોકરાનો પિતા પોકારી ઊઠ્યો: “મને શ્રદ્ધા છે! મારી શ્રદ્ધા વધારવા મદદ કરો.”—માર્ક ૯:૨૩, ૨૪.

ઈસુએ જોયું કે લોકો દોડીને તેમની તરફ આવતા હતા. ઈસુએ આ બધું જોનારા લોકો સામે ખરાબ દૂતને ધમકાવતા કહ્યું: “મૂંગા અને બહેરા કરી દેનાર ખરાબ દૂત, હું તને હુકમ કરું છું કે તેનામાંથી બહાર નીકળ અને પાછો તેનામાં પ્રવેશતો નહિ!” ખરાબ દૂતે નીકળતી વખતે છોકરાને ચીસ પડાવી અને અનેક વાર મરડી નાખ્યો. પછી, છોકરો હાલ્યા-ચાલ્યા વગર પડી રહ્યો. એ જોઈને ઘણા કહેવા લાગ્યા: “તે મરી ગયો છે!” (માર્ક ૯:૨૫, ૨૬) પરંતુ, ઈસુએ તેનો હાથ પકડ્યો ત્યારે, તે ઊભો થયો અને “એ ઘડીથી છોકરો સાજો થયો.” (માથ્થી ૧૭:૧૮) સમજી શકાય કે ઈસુએ જે કર્યું હતું, એ જોઈને લોકો નવાઈ પામ્યા.

ઈસુએ અગાઉ શિષ્યોને પ્રચાર કરવા મોકલ્યા હતા ત્યારે, તેઓ ખરાબ દૂતો કાઢી શક્યા હતા. એટલે, હવે ઘરમાં તેઓએ ઈસુને ખાનગીમાં પૂછ્યું: “અમે શા માટે એને કાઢી ન શક્યા?” તેઓની શ્રદ્ધાની ખામીને લીધે એવું બન્યું હતું, એ સમજાવતા ઈસુએ કહ્યું: “આ જાતના ખરાબ દૂતને ફક્ત પ્રાર્થનાથી જ કાઢી શકાય છે.” (માર્ક ૯:૨૮, ૨૯) એ શક્તિશાળી ખરાબ દૂતને કાઢવા મક્કમ શ્રદ્ધાની અને ઈશ્વરની શક્તિ માટે પ્રાર્થનાની જરૂર હતી.

ઈસુએ અંતમાં કહ્યું: “હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પહાડને કહેશો કે ‘અહીંથી ત્યાં ખસી જા,’ તો એ ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.” (માથ્થી ૧૭:૨૦) શ્રદ્ધામાં કેટલી તાકાત છે!

યહોવાની ભક્તિમાં આગળ વધવાની આડે આવતાં નડતરો અને મુશ્કેલીઓ પહાડ જેવાં લાગી શકે. એની પાર ઊતરવું અને જીતવું અશક્ય લાગી શકે. તોપણ જો શ્રદ્ધા કેળવીશું, તો આપણે પહાડ જેવાં નડતરો અને મુશ્કેલીઓ પર જીત મેળવી શકીશું.