સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૪૧

ઈસુ કોની શક્તિથી ચમત્કારો કરે છે?

ઈસુ કોની શક્તિથી ચમત્કારો કરે છે?

માથ્થી ૧૨:૨૨-૩૨ માર્ક ૩:૧૯-૩૦ લુક ૮:૧-૩

  • ઈસુ પ્રચારની બીજી મુસાફરી શરૂ કરે છે

  • ઈસુ માણસમાંથી દુષ્ટ દૂત કાઢે છે

  • માફ નહિ કરાય એવા પાપ વિશે ઈસુ ચેતવે છે

સિમોન નામના ફરોશીના ઘરે માફી વિશે શીખવ્યા પછી, ઈસુએ તરત જ ગાલીલમાં બીજી વાર પ્રચારકામ શરૂ કર્યું. તેમના સેવાકાર્યનું એ બીજું વર્ષ હતું અને તે એકલા મુસાફરી કરતા ન હતા. તેમની સાથે ૧૨ પ્રેરિતો હતા; કેટલીક સ્ત્રીઓ પણ હતી, “જેઓમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા અને બીમારીઓ મટાડવામાં આવી હતી.” (લુક ૮:૨) એ સ્ત્રીઓમાં મરિયમ માગદાલેણ, સુસાન્‍ના અને યોહાન્‍ના હતી. યોહાન્‍નાનો પતિ તો રાજા હેરોદ અંતિપાસના ઘરનો કારભારી હતો.

ઈસુ વિશેની વાતો લોકોમાં ફેલાતી ગઈ. તેમનાં કામો વિશે તેઓની દલીલો પણ વધતી ગઈ. દુષ્ટ દૂત વળગેલા એક આંધળા અને મૂંગા માણસને લઈને બનેલા બનાવથી એ સાફ દેખાઈ આવ્યું. લોકો તેને ઈસુ પાસે લાવ્યા અને તેમણે તેને સાજો કર્યો. હવે, તે માણસ દુષ્ટ દૂતની પકડથી આઝાદ હતો; તે જોઈ અને બોલી શકતો હતો. લોકો મોંમાં આંગળા નાખી ગયા અને કહેવા લાગ્યા: “આ દાઊદનો દીકરો તો નથી ને?”—માથ્થી ૧૨:૨૩.

ઈસુ જ્યાં હતા એ ઘરની આસપાસ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેમના શિષ્યોને ખાવાનો પણ સમય ન હતો. જોકે, બધાને લાગતું ન હતું કે ઈસુ વચન પ્રમાણે આવનાર ‘દાઊદના દીકરા’ છે. અમુક શાસ્ત્રીઓ અને ફરોશીઓ છેક યરૂશાલેમથી આવ્યા હતા. તેઓ ઈસુ પાસેથી શીખવા કે તેમને સાથ આપવા આવ્યા ન હતા. તેઓ તો લોકોને આમ કહેતા હતા: “તેનામાં બાલઝબૂલ છે અને તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી” કામ કરે છે. (માર્ક ૩:૨૨) ઈસુનાં સગાં-વહાલાં આ બધી ધમાલ વિશે સાંભળીને તેમને શોધવા આવ્યા. શા માટે?

ઈસુના ભાઈઓ હજુ માનતા ન હતા કે તે ઈશ્વરના દીકરા છે. (યોહાન ૭:૫) તેઓને લાગતું કે લોકોમાં ધમાલ મચાવતા આ ઈસુ, તેઓ સાથે નાઝરેથમાં મોટા થયેલા ઈસુ જેવા ન હતા. એ ભાઈઓને લાગ્યું કે ચોક્કસ તેમના મગજમાં કંઈ ગરબડ છે. એટલે, તેઓએ કહ્યું: “તેનું મગજ ફરી ગયું છે.”—માર્ક ૩:૨૧.

જોકે, પુરાવો શું સાબિત કરતો હતો? ઈસુએ હમણાં જ દુષ્ટ દૂત વળગેલા માણસને સાજો કર્યો હતો અને તે જોઈ અને બોલી શકતો હતો. એ કોઈ નકારી શકે એમ ન હતું. તેથી, શાસ્ત્રીઓ અને ફરોશીઓએ ઈસુ પર ખોટો આરોપ લગાડીને તેમનું નામ બદનામ કરવાની કોશિશ કરી. તેઓએ કહ્યું: “આ માણસ દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”—માથ્થી ૧૨:૨૪.

શાસ્ત્રીઓ અને ફરોશીઓના વિચારો ઈસુ જાણતા હતા. એટલે, તેમણે જણાવ્યું: “દરેક રાજ્ય જેમાં ભાગલા પડે છે એનું પતન થાય છે અને દરેક શહેર કે ઘર જેમાં ભાગલા પડે છે, એ ટકશે નહિ. એ જ રીતે, જો શેતાન શેતાનને કાઢે, તો તેના પોતાનામાં જ ભાગલા પડ્યા છે. તો પછી, તેનું રાજ્ય કેવી રીતે ટકશે?”—માથ્થી ૧૨:૨૫, ૨૬.

કેવી જોરદાર દલીલ! ફરોશીઓને ખબર હતી કે અમુક યહુદીઓ લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢતા હતા. (પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧૩) તેથી, ઈસુએ પૂછ્યું: “જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો તમારા દીકરાઓ કોની મદદથી કાઢે છે?” બીજા શબ્દોમાં, તેઓનો આરોપ એ લોકોને પણ એટલો જ લાગુ પડતો હતો. પછી, ઈસુએ આગળ દલીલ કરી: “પણ, જો હું ઈશ્વરની શક્તિથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો ખરેખર ઈશ્વરનું રાજ્ય અચાનક તમારી પાસે આવી પહોંચ્યું છે.”—માથ્થી ૧૨:૨૭, ૨૮.

ઈસુએ લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢીને પુરાવો આપ્યો કે શેતાન પર તેમનો કાબૂ છે. એ સમજાવતા ઈસુએ કહ્યું: “કોઈ કઈ રીતે બળવાન માણસના ઘરમાં ઘૂસીને એની મિલકત લૂંટી લઈ શકે? પહેલા તે બળવાન માણસને બાંધશે, ત્યાર પછી જ તે તેનું ઘર લૂંટી શકશે. જે કોઈ મારી બાજુ નથી, એ મારી વિરુદ્ધ છે અને જે કોઈ મારી સાથે ભેગું કરતો નથી, તે વિખેરી નાખે છે.” (માથ્થી ૧૨:૨૯, ૩૦) શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુનો વિરોધ કરતા હતા; આ રીતે તેઓએ સાબિત કર્યું કે પોતે શેતાનના સાથીદાર છે. યહોવાની સહાયથી બધું કરનાર ઈસુ પાસેથી, તેઓ લોકોને વિખેરી નાખતા હતા.

ઈસુએ આ દુશ્મનો, શેતાનના સાથીદારોને ચેતવણી આપી: “માણસો ભલે ગમે એવું પાપ કરે કે ખરાબ બોલે, એ બધું માફ કરવામાં આવશે. પરંતુ, જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે તેને ક્યારેય માફ કરવામાં આવશે નહિ, પણ તે સર્વકાળ માટે એ પાપનો દોષિત ઠરશે.” (માર્ક ૩:૨૮, ૨૯) જરા વિચારો, જેઓ ઈશ્વરની શક્તિથી થતાં કામોનો યશ શેતાનને આપે છે, તેઓની કેવી હાલત થશે!