સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૪૮

ચમત્કારો કરવા છતાં, નાઝરેથમાં પણ ઈસુનો સ્વીકાર થતો નથી, મસીહ

ચમત્કારો કરવા છતાં, નાઝરેથમાં પણ ઈસુનો સ્વીકાર થતો નથી, મસીહ

માથ્થી ૯:૨૭-૩૪; ૧૩:૫૪-૫૮ માર્ક ૬:૧-૬

  • આંધળા અને મૂંગા માણસોને ઈસુ સાજા કરે છે

  • નાઝરેથના લોકો ઈસુને સ્વીકારતા નથી

ઈસુએ એ દિવસે કેટલું બધું કર્યું! દકાપોલીસ વિસ્તારની મુસાફરી પછી, તેમણે લોહીવા થયેલી સ્ત્રીને સાજી કરી અને યાઐરસની દીકરીને જીવતી કરી. પણ, હજી દિવસ પૂરો થયો ન હતો. ઈસુ યાઐરસના ઘરેથી નીકળ્યા ત્યારે, બે આંધળા માણસો તેમની પાછળ પાછળ આવતા બૂમો પાડવા લાગ્યા: “ઓ દાઊદના દીકરા, અમારા પર દયા કરો.”—માથ્થી ૯:૨૭.

તેઓએ ઈસુને “દાઊદના દીકરા” કહીને બોલાવ્યા. એનાથી તેઓએ શ્રદ્ધા બતાવી કે ઈસુ જ દાઊદના રાજ્યાસનના વારસ હતા અને તે જ મસીહ છે. એવું લાગતું હતું કે ઈસુએ તેઓની બૂમો તરફ જાણીજોઈને ધ્યાન આપ્યું નહિ; કદાચ તેમને જોવું હતું કે તેઓ સાજા થવા કેટલી હદે જવા તૈયાર છે. તેઓએ એમ જ કર્યું. ઈસુ એક ઘરમાં ગયા ત્યારે, આંધળા માણસો પણ તેમની પાછળ અંદર ગયા. ઈસુએ તેઓને પૂછ્યું: “શું તમને શ્રદ્ધા છે કે હું આમ કરી શકું છું?” તેઓએ પૂરા ભરોસાથી કહ્યું: “હા, પ્રભુ.” ત્યારે ઈસુ તેઓની આંખોને અડક્યા અને કહ્યું: “તમારી શ્રદ્ધા પ્રમાણે તમને થાઓ.”—માથ્થી ૯:૨૮, ૨૯.

તેઓ તરત દેખતા થયા! ઈસુએ અગાઉ બીજાઓને જણાવ્યું હતું, એવું જ આ માણસોને જણાવ્યું કે એ વિશે તેઓ કોઈને ન કહે. પણ, ખુશીના માર્યા તેઓએ આખા વિસ્તારમાં ઈસુ વિશે વાત ફેલાવી દીધી.

દેખતા થયેલા માણસો ત્યાંથી નીકળતા હતા ત્યારે, લોકો દુષ્ટ દૂત વળગેલા મૂંગા માણસને ઈસુ પાસે લાવ્યા. ઈસુએ તેનામાંથી દુષ્ટ દૂતને કાઢ્યો કે તરત મૂંગો માણસ બોલવા લાગ્યો. એ જોઈને ટોળું અચંબો પામ્યું અને કહેવા લાગ્યું: “ઇઝરાયેલમાં આવું કદી જોયું નથી.” ફરોશીઓ પણ ત્યાં હાજર હોવાથી, એ ચમત્કારોનો ઇનકાર કરી શકતા ન હતા. એટલે, ઈસુ ચમત્કાર કરવાની શક્તિ ક્યાંથી મેળવે છે, એ વિશે તેઓએ ફરીથી આરોપ મૂક્યો: “તે તો દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતોને કાઢે છે.”—માથ્થી ૯:૩૩, ૩૪.

એના થોડા સમય પછી, ઈસુ ફરી પોતાના વતન નાઝરેથ ગયા. આ વખતે તેમની સાથે તેમના શિષ્યો હતા. એકાદ વર્ષ અગાઉ, તેમણે ત્યાંના સભાસ્થાનમાં શીખવ્યું હતું. શરૂઆતમાં તો લોકો તેમનું સાંભળીને રાજી રાજી થઈ ગયા હતા. પણ, પછીથી તેમના શિક્ષણનો વિરોધ કરીને તેમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. હવે, ઈસુએ પોતાના વતનના લોકોને ફરીથી મદદ કરવાનો પ્રયત્ન કર્યો.

સાબ્બાથના દિવસે ઈસુ ફરીથી સભાસ્થાનમાં શીખવવા ગયા. ઘણા લોકો નવાઈ પામીને પૂછવા લાગ્યા: “આ માણસ પાસે આવું ડહાપણ ક્યાંથી આવ્યું? તેનામાં આવાં પરાક્રમી કામો કરવાની આવડત ક્યાંથી આવી?” તેઓ કહે છે: “શું તે સુથારનો દીકરો નથી? શું તેની માનું નામ મરિયમ નથી? શું તેના ભાઈઓ યાકૂબ અને યુસફ તથા સિમોન અને યહુદા નથી? અને તેની બધી બહેનો આપણી સાથે નથી શું? તો પછી, તેની પાસે આ બધું ક્યાંથી આવ્યું?”—માથ્થી ૧૩:૫૪-૫૬.

લોકોને લાગ્યું કે ઈસુ તો ગામના મામૂલી માણસ હતા. તેઓએ વિચાર્યું, ‘આપણી નજર સામે જ તે મોટો થયો છે, તો તે મસીહ કઈ રીતે હોય શકે?’ લોકોએ ઈસુનું જ્ઞાન, સમજણ અને મોટા ચમત્કારો જેવા ઘણા પુરાવાઓ નજરે જોયા હતા. તોપણ, તેઓએ તેમને સ્વીકાર્યા નહિ. ઈસુને ઓળખતા હોવાથી, તેઓએ, અરે ઈસુનાં સગા-સંબંધીઓએ પણ ઠોકર ખાધી. તેથી, ઈસુએ કહ્યું: “પ્રબોધકને પોતાના વતન અને પોતાના ઘર સિવાય બધે માન મળે છે.”—માથ્થી ૧૩:૫૭.

તેઓમાં શ્રદ્ધાની ખામી જોઈને ઈસુ બહુ નવાઈ પામ્યા. તેથી, તેમણે ત્યાં કોઈ ચમત્કારો કર્યા નહિ, પણ “ફક્ત અમુક બીમાર લોકો પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા.”—માર્ક ૬:૫, ૬.