સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૫૪

ઈસુ “જીવનની રોટલી” છે

ઈસુ “જીવનની રોટલી” છે

યોહાન ૬:૨૫-૪૮

  • ઈસુ ‘સ્વર્ગમાંથી આવેલી રોટલી’ છે

ગાલીલ સરોવરની પૂર્વ તરફ ઈસુએ ચમત્કાર કરીને હજારોને જમાડ્યા હતા. પછી, લોકો તેમને રાજા બનાવવા માંગતા હોવાથી તે ત્યાંથી જતા રહ્યા. એ રાતે તોફાને ચડેલા સરોવરનાં પાણી પર ઈસુ ચાલ્યા; પીતર પણ પાણી પર ચાલ્યા. પરંતુ, તેમની શ્રદ્ધા ડગમગી જતા ડૂબવા લાગ્યા અને ઈસુએ તેમને બચાવી લીધા. ઈસુએ પવનને પણ શાંત પાડ્યો અને કદાચ હોડીને ડૂબતી અટકાવીને શિષ્યોને બચાવી લીધા.

હવે, ઈસુ પાછા સરોવરની પશ્ચિમે આવેલા કાપરનાહુમ વિસ્તારમાં આવી પહોંચ્યા. ચમત્કારથી જેઓને ખવડાવ્યું હતું, તેઓએ ઈસુને શોધી કાઢ્યા અને પૂછ્યું: “ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?” ઈસુએ તેઓને ઠપકો આપતા કહ્યું કે, તેઓ ફરીથી ખોરાક મેળવવાની આશાથી તેમની પાસે આવ્યા હતા. ઈસુએ અરજ કરી કે, “જે ખોરાક નાશ પામે છે એના માટે નહિ, પણ જે ખોરાક નાશ પામતો નથી . . . એના માટે કામ કરો.” તેથી, તેઓએ પૂછ્યું: “ઈશ્વરની મંજૂરી મેળવવા અમારે શું કરવું જોઈએ?”—યોહાન ૬:૨૫-૨૮.

તેઓએ નિયમશાસ્ત્રમાં આપેલાં કામો વિશે વિચાર્યું હશે; પણ, ઈસુએ જે સૌથી મહત્ત્વનું હતું, એના પર ધ્યાન દોર્યું: “ઈશ્વરની મંજૂરી મેળવવા તમે તેના પર શ્રદ્ધા મૂકો, જેને તેમણે મોકલ્યો છે.” ઈસુએ ઘણાં કામો કર્યાં હોવા છતાં, લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી ન હતી. તેઓએ ઈસુને કોઈ ચમત્કાર કરવાની વિનંતી કરી, જેથી તેઓ તેમના પર ભરોસો મૂકી શકે. તેઓએ પૂછ્યું: “તમે એવું કયું કામ કરવાના છો? અમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં માન્‍ના ખાધું, જેમ લખેલું છે: ‘તેમણે તેઓને ખાવા માટે સ્વર્ગમાંથી રોટલી આપી.’”—યોહાન ૬:૨૯-૩૧; ગીતશાસ્ત્ર ૭૮:૨૪.

એ વિનંતીના જવાબમાં, ઈસુએ ચમત્કાર કરવાની શક્તિ આપનાર તરફ લોકોનું ધ્યાન દોર્યું: “હું તમને સાચે જ કહું છું કે તમને સ્વર્ગમાંથી જે રોટલી મળી હતી એ મુસાએ આપી ન હતી; પણ, મારા પિતા તમને સ્વર્ગમાંથી સાચી રોટલી આપે છે. કેમ કે ઈશ્વરની રોટલી એ જ છે, જે સ્વર્ગમાંથી ઊતરીને દુનિયાને જીવન આપે છે.” તેમનો મુદ્દો સમજ્યા વગર તેઓએ આજીજી કરી: “પ્રભુ, અમને એ રોટલી હંમેશાં આપતા રહેજો.” (યોહાન ૬:૩૨-૩૪) પણ, ઈસુ કઈ “રોટલી” વિશે વાત કરતા હતા?

તેમણે સમજાવ્યું: “હું જીવનની રોટલી છું. જે કોઈ મારી પાસે આવે છે તેને કદી પણ ભૂખ લાગશે નહિ અને જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તેને કદી પણ તરસ લાગશે નહિ. પરંતુ, મેં તમને કહ્યું એમ, તમે મને જોયો છે છતાં તમે ભરોસો કરતા નથી. . . . હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવા સ્વર્ગમાંથી નીચે આવ્યો છું. મને મોકલનારની ઇચ્છા છે કે તેમણે મને જે લોકો સોંપ્યા છે, તેઓમાંના એકને પણ હું ગુમાવું નહિ, પણ છેલ્લા દિવસે હું તેઓને મરણમાંથી જીવતા કરું. કેમ કે મારા પિતાની ઇચ્છા છે કે જે કોઈ દીકરાને સ્વીકારે છે અને તેનામાં શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળે.”—યોહાન ૬:૩૫-૪૦.

એ સાંભળીને લોકો ખૂબ ગુસ્સે થયા; યહુદીઓ ઈસુ વિશે કચકચ કરવા લાગ્યા કે તે કઈ રીતે કહી શકે, “સ્વર્ગમાંથી નીચે આવેલી રોટલી હું છું”? (યોહાન ૬:૪૧) તેઓ માટે તો ઈસુ ગાલીલના નાઝરેથ શહેરમાં રહેતા યુસફ અને મરિયમના દીકરા હતા. લોકોએ પૂછ્યું: “શું આ યુસફનો દીકરો ઈસુ નથી, જેનાં માબાપને આપણે ઓળખીએ છીએ?”—યોહાન ૬:૪૨.

ઈસુએ કહ્યું: “અંદરોઅંદર કચકચ કરવાનું બંધ કરો. મને મોકલનાર પિતા કોઈ માણસને મારી પાસે દોરી ન લાવે ત્યાં સુધી, તે મારી પાસે આવી શકતો નથી અને મારી પાસે આવનારને હું છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ. પ્રબોધકોનાં લખાણોમાં લખેલું છે: ‘તેઓ બધા યહોવા પાસેથી શિક્ષણ મેળવશે.’ જેઓએ પિતાનું સાંભળ્યું છે અને જેઓ શીખ્યા છે તેઓ દરેક મારી પાસે આવે છે. કોઈ માણસે પિતાને જોયા નથી; પણ જે ઈશ્વરની પાસેથી આવ્યો છે ફક્ત તેણે જ પિતાને જોયા છે. હું તમને સાચે જ કહું છું કે જે કોઈ મારા પર શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળશે.”—યોહાન ૬:૪૩-૪૭; યશાયા ૫૪:૧૩.

ઈસુએ અગાઉ નિકોદેમસ સાથે વાત કરી ત્યારે, હંમેશ માટેના જીવન વિશે જણાવ્યું હતું. તેમણે એને માણસના દીકરા પર શ્રદ્ધા રાખવા સાથે જોડ્યું અને કહ્યું: “જે કોઈ [ઈશ્વરના એકના એક દીકરામાં] શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ તે હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહાન ૩:૧૫, ૧૬) પણ, હવે તે ઘણા બધા લોકો સાથે વાત કરતા હતા; ઈસુએ કહ્યું કે તેઓ હંમેશ માટેનું જીવન મેળવે, એમાં પોતાની મુખ્ય ભૂમિકા હતી; એવું જીવન ન તો માન્‍ના આપી શકે, ન તો ગાલીલની કોઈ રોટલી આપી શકે. તો પછી, હંમેશ માટેનું જીવન કઈ રીતે મળી શકે? ઈસુએ ફરીથી કહ્યું: “હું જીવનની રોટલી છું.”—યોહાન ૬:૪૮.

સ્વર્ગમાંથી આવેલી રોટલી વિશેની ચર્ચા ચાલુ રહી. ઈસુ કાપરનાહુમના સભાસ્થાનમાં શીખવતા હતા ત્યારે, એ ચર્ચા શિખરે પહોંચી.