સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૩૫

પહાડ પરનો જાણીતો ઉપદેશ

પહાડ પરનો જાણીતો ઉપદેશ

માથ્થી ૫:૧–૭:૨૯ લુક ૬:૧૭-૪૯

  • પહાડ પરનો ઉપદેશ

આખી રાત પ્રાર્થના કરીને અને પછી ૧૨ શિષ્યોને પ્રેરિતો થવા પસંદ કરીને ઈસુ થાકી ગયા હશે. હવે, દિવસ ઊગી નીકળ્યો હતો. લોકોને મદદ કરવાની તેમનામાં હજુયે શક્તિ અને ઇચ્છા હતી. તેમણે ગાલીલમાં આવેલા પહાડ પર એમ કર્યું, જે તેમના સેવાકાર્યની મુખ્ય જગ્યા કાપરનાહુમથી કદાચ બહુ દૂર ન હતો.

લોકોનાં ટોળેટોળાં દૂર દૂરથી તેમની પાસે આવ્યાં હતાં. અમુક લોકો છેક દક્ષિણ તરફથી, યરૂશાલેમમાંથી અને યહુદિયાના વિસ્તારોમાંથી હતા. બીજાઓ ઉત્તર-પશ્ચિમના દરિયાઈ વિસ્તારનાં તૂર અને સિદોન શહેરોમાંથી આવ્યા હતા. તેઓ ઈસુને શોધતાં શોધતાં કેમ આવ્યા હતા? “તેમને સાંભળવા અને પોતાની બીમારીઓથી સાજા થવા.” એવું થયું પણ ખરું. ઈસુએ ‘સર્વને સાજા કર્યા.’ જરા વિચારો! બધા બીમાર લોકોને સાજા કરવામાં આવ્યા. ઈસુએ એવા લોકોને પણ સાજા કર્યા, જેઓ શેતાનના “દુષ્ટ દૂતોથી હેરાન થતા” હતા.—લુક ૬:૧૭-૧૯.

પછી, ઈસુએ પહાડના ઢોળાવ પર એક સપાટ જગ્યા શોધી અને ટોળું તેમની આસપાસ ભેગું થયું. તેમના શિષ્યો, ખાસ કરીને ૧૨ પ્રેરિતો કદાચ તેમની સૌથી નજીક હતા. મોટા ચમત્કારો કરનારા આ ગુરુને સાંભળવા બધા આતુર હતા. ત્યાં ઈસુએ એવો ઉપદેશ આપ્યો, જે સાંભળનારા માટે ઘણો લાભકારક હતો. ત્યારથી બીજા ઘણા લોકોને પણ એમાંથી ફાયદો થયો છે. એ ઉપદેશમાં ઈશ્વરભક્તિની વાતો એટલી સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી કે આપણને પણ ફાયદો થઈ શકે છે. ઈસુએ રોજબરોજના અનુભવો અને લોકો જાણતા હોય એવાં ઉદાહરણો વાપર્યાં. આમ, ઈશ્વરના માર્ગમાં સારું જીવન ચાહતા બધા લોકો માટે ઈસુના વિચારો સમજવા આસાન બન્યા. ખાસ કયા મુદ્દાઓને લીધે ઈસુનો પહાડ પરનો ઉપદેશ આટલો મહત્ત્વનો ગણાયો?

કયા લોકો સાચે જ સુખી છે?

બધા સુખી થવા માંગે છે. ઈસુ એ જાણતા હોવાથી, કોણ સાચે જ સુખી છે એ વિશે વાત કરવાનું શરૂ કર્યું. કલ્પના કરો કે એ વિશે સાંભળવા લોકો કેટલા આતુર હશે! પરંતુ, અમુક વાતોથી તેઓ મૂંઝવણમાં મૂકાયા હશે.

તેમણે કહ્યું: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓ સુખી છે, કેમ કે તેઓને દિલાસો મળશે. . . . જેઓને ન્યાય માટે ભૂખ અને તરસ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ તૃપ્ત કરાશે. . . . જે ખરું છે એ કરવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે, . . . ત્યારે તમે સુખી છો. તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો.”—માથ્થી ૫:૩-૧૨.

“સુખી” કહીને ઈસુ શું સમજાવવા માંગતા હતા? ઈસુ કંઈ આનંદના સમયમાં મોજ-મસ્તી કરવાની કે મઝા માણવાની વાત કરતા ન હતા. સાચા સુખમાં હજુ કંઈક વધારે સમાયેલું છે. એમાં સાચો સંતોષ હોય છે, ખુશીથી ભરપૂર જીવન હોય છે.

ઈસુએ કહ્યું કે જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે, જેઓ પાપી હોવાને લીધે શોક કરે છે અને જેઓ ઈશ્વરને ઓળખીને તેમની ભક્તિ કરે છે, તેઓ ખરેખર સુખી છે. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવતા હોવાથી ભલે લોકો તેઓને ધિક્કારે કે સતાવે, છતાં તેઓ સુખી છે. શા માટે? તેઓ જાણે છે કે એનાથી ઈશ્વર ખુશ થાય છે અને તે હંમેશ માટેના જીવનનું ઇનામ આપશે.

જોકે, ઘણા લોકોનું માનવું છે કે બધી સગવડો હોવાથી અને મોજશોખ કરવાથી સુખી થવાય છે. પણ, ઈસુએ એનાથી ઊલટું જ કહ્યું. તેમણે એકદમ અલગ જ કંઈક કહ્યું, જેનાથી સાંભળનારા વિચારમાં પડી ગયા: “ધનવાનો, તમને અફસોસ, કેમ કે તમે પૂરેપૂરું સુખ પામી ચૂક્યા છો. અત્યારે તૃપ્ત થયેલાઓ, તમને અફસોસ, કેમ કે તમે ભૂખ્યા રહેશો. અત્યારે હસનારાઓ, તમને અફસોસ, કેમ કે તમે શોક કરશો અને રડશો. બધા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ, કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકોને એવું જ કરતા હતા.”—લુક ૬:૨૪-૨૬.

ધનવાનો, હસનારાઓ અને લોકોની વાહ વાહ મેળવનારાઓને કેમ અફસોસ છે? એટલા માટે કે જ્યારે કોઈની પાસે એ બધું હોય અને એને જીવની જેમ ચાહે, ત્યારે સાચું સુખ આપતી ઈશ્વરની ભક્તિને કદાચ પડતી મૂકે. ઈસુ એમ કહેતા ન હતા કે ગરીબ હોવાથી અને ભૂખ્યા રહેવાથી સુખી થવાય છે. પણ, સામાન્ય રીતે દુઃખ-તકલીફો સહેતા લોકો ઈસુના શિક્ષણ પ્રમાણે જીવે છે અને સાચા સુખનો આશીર્વાદ મેળવે છે.

ઈસુએ પોતાના શિષ્યોને ધ્યાનમાં રાખીને કહ્યું: “તમે દુનિયાનું મીઠું છો.” (માથ્થી ૫:૧૩) તેઓ કયા અર્થમાં મીઠું હતા? મીઠું કશાકને બગડતા અટકાવે છે. ઈશ્વરના મંદિરમાં વેદી પાસે ઢગલો મીઠું રાખવામાં આવતું અને એ અર્પણ તરીકે ચઢાવવામાં આવતું. એ બતાવતું કે અર્પણોમાં ભ્રષ્ટતા કે સડો ન હતો. (લેવીય ૨:૧૩; હઝકીએલ ૪૩:૨૩, ૨૪) ઈસુના શિષ્યો “દુનિયાનું મીઠું” છે. લોકોનો ઈશ્વર સાથેનો સંબંધ ન બગડે અને તેઓનાં વાણી-વર્તન ભ્રષ્ટ ન થાય, એ માટે શિષ્યો તેઓને મદદ કરે છે. શિષ્યોનો સંદેશો સાંભળીને એને પાળનારા બધાનું જીવન બચી શકે છે.

ઈસુએ શિષ્યોને એમ પણ કહ્યું: “તમે દુનિયાનું અજવાળું છો.” દીવો ટોપલા નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, જેથી બધી બાજુ અજવાળું આપે. એટલે, ઈસુએ અરજ કરી: “તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો, જેથી તેઓ તમારાં સારાં કાર્યો જુએ અને સ્વર્ગમાંના તમારા પિતાને મહિમા આપે.”—માથ્થી ૫:૧૪-૧૬.

ઈસુના પગલે ચાલનારા માટે ઊંચા સિદ્ધાંતો

યહુદી ધર્મગુરુઓ ઈસુને ઈશ્વરનો નિયમ તોડનાર તરીકે જોતા હતા. તેઓએ થોડા સમય પહેલાં જ તેમને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. તેથી, ઈસુએ ખુલ્લેઆમ કહ્યું: “એવું ન વિચારશો કે હું નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનાં લખાણોનો નાશ કરવા આવ્યો છું. હું નાશ કરવા નહિ, પણ એ પૂર્ણ કરવા આવ્યો છું.”—માથ્થી ૫:૧૭.

ઈશ્વરના નિયમશાસ્ત્રને ઈસુ ખૂબ માન આપતા અને તેમણે લોકોને એમ કરવાની અરજ કરી. એટલું જ નહિ, તેમણે કહ્યું: “જે કોઈ એની નાનામાં નાની આજ્ઞાઓમાંથી એક તોડે છે અને લોકોને એવું કરતા શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવા લાયક ઠરશે નહિ.” તેમના કહેવાનો અર્થ એ હતો કે એવી વ્યક્તિ રાજ્યમાં જઈ શકશે નહિ. તેમણે આગળ જણાવ્યું: “પરંતુ, જે કોઈ એ આજ્ઞાઓ પાળે છે અને એવું શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવા લાયક ઠરશે.”—માથ્થી ૫:૧૯.

ઈસુએ તો એવા વલણને પણ દોષિત ઠરાવ્યું, જે ઈશ્વરનો નિયમ તોડવા તરફ દોરી જાય છે. નિયમ જણાવતો હતો કે, “તું ખૂન ન કર.” ઈસુએ ઉમેર્યું: “જે કોઈ પોતાના ભાઈની વિરુદ્ધ ગુસ્સાની આગમાં સળગતો રહે છે, તેણે અદાલતને જવાબ આપવો પડશે.” (માથ્થી ૫:૨૧, ૨૨) કોઈના પર ગુસ્સાની આગમાં સળગતા રહેવું, એ સામાન્ય વાત નથી; એ ખૂન કરવા તરફ પણ દોરી જઈ શકે. એ માટે, ઈસુએ સમજાવ્યું કે સુલેહ કરવા કઈ હદ સુધી જવું જોઈએ: “જો તમે વેદી પાસે અર્પણ લઈને જાઓ અને યાદ આવે કે તમારો ભાઈ તમારાથી નારાજ છે, તો તમારું અર્પણ ત્યાં વેદીની આગળ મૂકી દો અને જાઓ. પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો, પછી આવીને તમારું અર્પણ ચઢાવો.”—માથ્થી ૫:૨૩, ૨૪.

નિયમશાસ્ત્રમાં બીજી એક આજ્ઞા વ્યભિચાર વિશે હતી. ઈસુએ કહ્યું: “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તું વ્યભિચાર ન કર.’ પણ, હું તમને કહું છું કે જે માણસ કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જોયા કરે છે, તેણે પોતાના દિલમાં એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો છે.” (માથ્થી ૫:૨૭, ૨૮) ઈસુ કંઈ આમ જ ખોટા વિચારોની વાત કરતા ન હતા; એના બદલે, તેમણે ભાર મૂક્યો કે જ્યારે કોઈ “જોયા કરે છે,” ત્યારે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સતત જોયા કરવાથી ઘણી વાર વાસના જાગી શકે. પછી, મોકો મળતા જ એ વ્યભિચાર તરફ લઈ જઈ શકે. એ કઈ રીતે રોકી શકાય? એના માટે સખત પગલાં પણ ભરવાં પડે. ઈસુએ કહ્યું: “હવે, જો તમારી જમણી આંખ તમને પાપ કરાવે, તો તરત એને કાઢીને ફેંકી દો, . . . જો તમારો જમણો હાથ તમને પાપ કરાવે, તો એને કાપી નાખો અને તમારાથી દૂર ફેંકી દો.”—માથ્થી ૫:૨૯, ૩૦.

અમુક લોકો જીવન બચાવવા રોગથી અસર પામેલા અંગને જતું કરે છે. ઈસુએ જણાવ્યું કે વાસના ભરેલા વિચારો અને એનાં પરિણામોથી દૂર રહેવા શું કરવું જોઈએ; એ માટે આપણે કંઈ પણ ‘ફેંકી દઈએ,’ ભલેને એ આંખ કે હાથ જેવું શરીરનું કીમતી અંગ હોય! ઈસુએ સમજાવ્યું: “તમારું આખું શરીર ગેહેન્‍નામાં નંખાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે લાભકારક છે.” ગેહેન્‍ના (યરૂશાલેમની દીવાલની બહાર બળતો રહેતો કચરાનો ઢગલો) હંમેશ માટેનો વિનાશ બતાવે છે.

ઈસુએ એ પણ સલાહ આપી કે જે લોકો નુકસાન કરે અને અપમાન કરે, તેઓ સાથે કઈ રીતે વર્તવું. તેમણે કહ્યું: “દુષ્ટ માણસની સામા ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો.” (માથ્થી ૫:૩૯) એનો એવો અર્થ નથી કે પોતાના પર અથવા પોતાના કુટુંબ પર હુમલો થાય ત્યારે, આપણે બચાવ ન કરી શકીએ. કોઈ તમાચો મારે એ વિશે ઈસુએ વાત કરી. કોઈને ભારે નુકસાન કરવા કે મારી નાખવા તમાચો મારવામાં નથી આવતો. પરંતુ, એનાથી અપમાન થાય છે. ઈસુ કહેતા હતા કે જો કોઈ મારામારી અથવા ઝઘડો કરવા તમાચો મારે કે અપમાનજનક શબ્દો બોલે, તો વેર ન વાળો.

એ સલાહ ઈશ્વરના નિયમ પ્રમાણે હતી, જે પડોશીને પ્રેમ કરવાનું કહે છે. તેથી, ઈસુએ લોકોને સલાહ આપી: “તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો.” તેમણે એનું જોરદાર કારણ આપ્યું: “આ રીતે તમે સ્વર્ગમાં રહેતા તમારા પિતાના દીકરાઓ બનશો, કેમ કે તે સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે.”—માથ્થી ૫:૪૪, ૪૫.

ઈસુએ પોતાના ઉપદેશનો સાર જણાવતા કહ્યું: “જેમ સ્વર્ગમાંના તમારા પિતા સંપૂર્ણ છે, તેમ તમે સંપૂર્ણ થાઓ.” (માથ્થી ૫:૪૮) ઈસુ એમ કહેતા ન હતા કે લોકો સંપૂર્ણ બની શકે છે. જોકે, ઈશ્વરને અનુસરીને, આપણે દુશ્મનોને પણ પ્રેમ બતાવી શકીએ છીએ. બીજા શબ્દોમાં, “જેમ તમારા પિતા દયાળુ છે એમ તમે દયાળુ થાઓ.”—લુક ૬:૩૬.

પ્રાર્થના અને ઈશ્વરમાં ભરોસો

ઈસુએ આગળ ઉપદેશ આપ્યો તેમ લોકોને અરજ કરી: “ધ્યાન રાખો! તમે લોકોને દેખાડવા માટે તેઓ સામે સારાં કાર્યો ન કરો.” ભક્તિનો દેખાડો કરવાને ઈસુએ દોષિત ઠરાવતા કહ્યું: “જ્યારે તમે દાન કરો ત્યારે તમારી આગળ ઢંઢેરો ન પીટાવો. એવું તો ઢોંગીઓ . . . કરે છે.” (માથ્થી ૬:૧, ૨) દાન તો ખાનગીમાં આપવું જોઈએ.

પછી, ઈસુએ કહ્યું: “તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગી લોકો જેવા ન બનો, કેમ કે તેઓને સભાસ્થાનોમાં અને મુખ્ય રસ્તાઓને નાકે ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે, જેથી લોકો તેઓને જોઈ શકે.” એના બદલે, તેમણે કહ્યું: “તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ; દરવાજો બંધ કરીને તમારા પિતાને પ્રાર્થના કરો, જેમને કોઈ જોઈ શકતું નથી.” (માથ્થી ૬:૫, ૬) ઈસુ જાહેરમાં થતી બધી પ્રાર્થનાઓની વિરુદ્ધ ન હતા, કેમ કે તેમણે પણ એવી પ્રાર્થનાઓ કરી હતી. તેમણે એવી પ્રાર્થનાઓની ટીકા કરી, જે દેખાડો કરવા અને વાહ વાહ મેળવવા માટે થતી.

તેમણે ટોળાંને સલાહ આપી: “પ્રાર્થના કરતી વખતે દુનિયાના લોકોની જેમ એકની એક વાતનું રટણ ન કરો.” (માથ્થી ૬:૭) ઈસુ એમ કહેતા ન હતા કે એક જ વિષય પર વારંવાર પ્રાર્થના કરવી ખોટું છે. તે એમ કહેતા હતા કે, “એકની એક વાતનું રટણ” કરીને ગોખેલી પ્રાર્થનાઓ સાંભળવામાં નહિ આવે. પછી, તેમણે પ્રાર્થના કરતા શીખવ્યું, જેમાં સાત વિનંતીઓ હતી. પહેલી ત્રણ વિનંતીઓ ઈશ્વરના રાજ કરવાના અધિકાર અને તેમના હેતુઓ વિશે હતી. એટલે કે, તેમનું નામ પવિત્ર મનાય, તેમનું રાજ્ય આવે અને તેમની ઇચ્છા પૂરી થાય. એવી મહત્ત્વની વિનંતીઓ પછી, આપણે પોતાના માટે માંગી શકીએ. જેમ કે, ખોરાક, પાપોની માફી, સહનશક્તિ કરતાં વધારે પરીક્ષણ ન આવે અને દુષ્ટથી બચાવવામાં આવે.

ધનદોલત આપણા માટે કેટલી મહત્ત્વની હોવી જોઈએ? ઈસુએ ટોળાંને અરજ કરી: “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો, કેમ કે ત્યાં એને જીવડાં અને કાટ ખાઈ જાય છે અને ચોર ચોરી જાય છે.” સાચે જ, ધનદોલત તો આજે છે અને કાલે નથી. ધનદોલત હોવાથી ઈશ્વર સાથેનો આપણો સંબંધ કંઈ વધતો નથી. એટલા માટે, ઈસુએ પછી જણાવ્યું: “તમારા માટે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો.” ઈશ્વરની ભક્તિને જીવનમાં પ્રથમ રાખીને આપણે એમ કરી શકીએ છીએ. ઈશ્વર સાથેનો આપણો ગાઢ સંબંધ અને હંમેશ માટેના જીવનનું ઇનામ, આપણી પાસેથી કોઈ છીનવી શકતું નથી. ઈસુના આ શબ્દો કેટલા સાચા છે: “જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે.”—માથ્થી ૬:૧૯-૨૧.

એ મુદ્દા પર ભાર મૂકવા, ઈસુએ એક ઉદાહરણ આપ્યું: “શરીરનો દીવો આંખ છે. એટલે, જો તમારી આંખ એક જ બાબત પર લાગેલી હોય, તો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે. પરંતુ, જો તમારી આંખ દુષ્ટ બાબતો પર લાગેલી હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું હશે.” (માથ્થી ૬:૨૨, ૨૩) આપણી આંખ બરાબર કામ કરતી હોય ત્યારે, એ જાણે શરીરનો દીવો છે. એ માટે આપણી આંખ એક જ વસ્તુ પર લાગેલી હોવી જોઈએ. નહિતર, આપણે જીવન વિશે ખોટી ધારણા બાંધવા લાગીશું. ઈશ્વરની ભક્તિને બદલે ધનદોલત પર નજર રાખવાનો અર્થ થાય કે આપણું “આખું શરીર અંધકારથી ભરેલું” હશે. અરે, આપણે કદાચ ખોટાં કામો પણ કરવા લાગીએ!

પછી, ઈસુએ જોરદાર દાખલો આપ્યો: “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી, કેમ કે તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે અથવા એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.”—માથ્થી ૬:૨૪.

ઈસુને સાંભળતા લોકોને કદાચ ચિંતા હશે કે પોતાની જરૂરિયાતો કઈ રીતે પૂરી કરવી. તેથી, તેમણે ખાતરી આપી કે જો તેઓ જીવનમાં ભક્તિ પહેલી રાખે, તો ચિંતા કરવાની કોઈ જરૂર ન હતી. “આકાશનાં પક્ષીઓને ધ્યાનથી જુઓ; તેઓ નથી બી વાવતાં, નથી લણતાં કે નથી કોઠારોમાં ભરતાં. તોપણ, સ્વર્ગમાંના તમારા પિતા તેઓને ખાવાનું આપે છે.”—માથ્થી ૬:૨૬.

પહાડ પર ખીલેલાં ફૂલો વિશે શું? ઈસુએ ધ્યાન દોર્યું કે, “સુલેમાને પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય.” એ શું બતાવે છે? “ખેતરનાં ફૂલછોડ જે આજે અહીં છે અને કાલે આગમાં નંખાય છે, એને પણ ઈશ્વર આટલી સુંદર રીતે સજાવે છે; તો પછી, હે ઓછી શ્રદ્ધાવાળાઓ, તે શું તમને વધારે સારાં કપડાં નહિ પહેરાવે?” (માથ્થી ૬:૨૯, ૩૦) ઈસુએ સમજદારીથી અરજ કરી: “કદીયે ચિંતા ન કરો અને એમ ન કહો કે, ‘આપણે શું ખાઈશું?’ અથવા ‘આપણે શું પીશું?’ અથવા ‘આપણે શું પહેરીશું?’ . . . સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે તમને એની જરૂર છે. એટલે, પહેલા તમે ઈશ્વરના રાજ્યને અને તેમની નજરે જે ખરું છે એને શોધતા રહો. પછી, એ બધું તમને આપવામાં આવશે.”—માથ્થી ૬:૩૧-૩૩.

જીવન કેવી રીતે મેળવવું

પ્રેરિતો અને સારા દિલના લોકો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવા ચાહતા હતા. પણ, તેઓના સંજોગોમાં એ સહેલું ન હતું. દાખલા તરીકે, ઘણા ફરોશીઓ ટીકા કરનારા અને કઠોર રીતે ન્યાય કરનારા હતા. એટલે, ઈસુએ લોકોને ચેતવણી આપી: “બીજાઓનો ન્યાય કરવાનું બંધ કરો, જેથી તમારો ન્યાય કરવામાં ન આવે, કેમ કે તમે જે રીતે બીજાઓનો ન્યાય કરો છો, એ રીતે તમારો પણ ન્યાય કરવામાં આવશે.”—માથ્થી ૭:૧, ૨.

આકરી ટીકા કરનારા ફરોશીઓને પગલે ચાલવામાં જોખમ હતું. એ સમજાવવા ઈસુએ ઉદાહરણ આપ્યું: “શું આંધળો માણસ આંધળા માણસને દોરી શકે? શું તેઓ બંને ખાડામાં નહિ પડે?” તો પછી, ઈસુનું સાંભળનારા લોકોએ એકબીજા વિશે કેવું વિચારવાનું હતું? આકરી ટીકા કરનારા જેવું નહિ, કેમ કે એ તો મોટી ભૂલ ગણાય. તેમણે પૂછ્યું: “તમે તમારા ભાઈને કેવી રીતે કહી શકો કે ‘ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જ્યારે કે તમારી આંખમાંનો ભારોટિયો તમે જોતા નથી? ઓ ઢોંગીઓ! પહેલા તમારી પોતાની આંખમાંથી ભારોટિયો કાઢો, પછી તમે સારી રીતે જોઈ શકશો કે તમારા ભાઈની આંખમાંથી તણખલું કઈ રીતે કાઢવું.”—લુક ૬:૩૯-૪૨.

એનો એવો અર્થ ન હતો કે શિષ્યોએ કોઈ નિર્ણય ન લેવો. ઈસુએ તેઓને અરજ કરી: “જે પવિત્ર છે એ કૂતરાઓને ન આપો અને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો.” (માથ્થી ૭:૬) ઈશ્વરનું સત્ય મોતી જેવું કીમતી છે. અમૂલ્ય સત્ય માટે જો અમુક લોકો કદર ન બતાવીને જાનવરની જેમ વર્તે, તો શિષ્યોએ તેઓને રહેવા દઈને સારા દિલના લોકોને શોધવા જોઈએ.

પ્રાર્થના વિશે ફરીથી વાત કરતા, ઈસુએ એમાં લાગુ રહેવા પર ભાર મૂક્યો. “માંગતા રહો અને તમને એ આપવામાં આવશે.” ઈશ્વર પ્રાર્થનાઓનો જવાબ આપવા તૈયાર છે, એના પર ભાર મૂકતા ઈસુએ પૂછ્યું: “તમારામાં એવું કોણ છે, જેની પાસે તેનો દીકરો રોટલી માંગે તો, તેને પથ્થર આપશે? . . . એ માટે, પાપી હોવા છતાં જો તમે તમારાં બાળકોને સારી ભેટો આપી જાણો છો, તો સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ માંગે છે, તેઓને તે એથીયે વધારે સારી વસ્તુઓ આપશે એમાં શી શંકા!”—માથ્થી ૭:૭-૧૧.

ઈસુએ એના પછી જે કહ્યું, એ વાણી-વર્તન માટેનો જાણીતો નિયમ બની ગયો. તેમણે કહ્યું: “એટલે, જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.” એનાથી શું આપણને ઉત્તેજન નથી મળતું? ચોક્કસ, બીજાઓ સાથે આપણે એ પ્રમાણે જ વર્તવું જોઈએ. જોકે, એમ કરવું સહેલું ન પણ હોય, જેમ ઈસુની આ શિખામણ બતાવે છે: “સાંકડા દરવાજાથી અંદર જાઓ, કેમ કે વિનાશમાં લઈ જતો દરવાજો પહોળો છે અને એનો રસ્તો સરળ છે અને ઘણા એ રસ્તે જાય છે; જ્યારે કે જીવનમાં લઈ જતો દરવાજો સાંકડો છે અને એનો રસ્તો મુશ્કેલ છે અને બહુ થોડા લોકોને એ મળે છે.”—માથ્થી ૭:૧૨-૧૪.

એવા લોકો પણ હતા, જેઓ શિષ્યોને જીવનના માર્ગથી ફંટાવી દેવાનો પ્રયત્ન કરતા હતા. તેથી, ઈસુએ ચેતવણી આપી: “જૂઠા પ્રબોધકોથી સાવધ રહેજો. તેઓ ઘેટાંના વેશમાં તમારી પાસે આવે છે, પણ અંદરથી તેઓ ભૂખ્યાં અને ખતરનાક વરૂઓ જેવાં છે.” (માથ્થી ૭:૧૫) ઈસુએ નોંધ્યું કે સારાં ઝાડ અને ખરાબ ઝાડ પોતાનાં ફળથી ઓળખી શકાય છે. લોકો વિશે પણ એવું જ છે. જૂઠા પ્રબોધકોનાં શિક્ષણ અને કાર્યોથી તેઓને ઓળખી શકાય છે. ઈસુએ સમજાવ્યું કે કોઈ કહે એનાથી તે ઈસુનો શિષ્ય બની જતો નથી, તેનાં કામ પણ એવાં હોવાં જોઈએ. અમુક લોકો દાવો કરે છે કે ઈસુ તેઓના પ્રભુ છે, પણ જો તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી ન કરે તો શું? ઈસુએ કહ્યું: “હું . . . તેઓને સાફ કહી દઈશ: ‘હું તમને જરાય ઓળખતો નથી! ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’”—માથ્થી ૭:૨૩.

ઈસુએ ઉપદેશના અંતે કહ્યું: “જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરે છે, તે સમજદાર માણસ જેવો છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો અને ઘરને થપાટો લાગી. તોપણ એ ઘર પડ્યું નહિ, કેમ કે એનો પાયો ખડક પર નંખાયો હતો.” (માથ્થી ૭:૨૪, ૨૫) એ ઘર કેમ પડ્યું નહિ? કારણ કે એ માણસે “ઊંડે સુધી ખોદીને ખડક પર પાયો નાખ્યો.” (લુક ૬:૪૮) એટલે, ઈસુના શબ્દો સાંભળવા કરતાં કંઈક વધારે કરવાની જરૂર છે. ‘એ પ્રમાણે કરવા’ આપણે સખત મહેનત કરવી જોઈએ.

જોકે, જે કોઈ “આ વાતો સાંભળે છે” પણ “એ પ્રમાણે કરતો નથી,” તેના વિશે શું? “તે મૂર્ખ માણસ જેવો છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.” (માથ્થી ૭:૨૬) વરસાદ, પૂર અને સખત પવન એવા ઘરને પાડી નાખશે.

ઈસુએ આ ઉપદેશથી જે રીતે શીખવ્યું, એનાથી લોકો દંગ રહી ગયા. ધર્મગુરુઓની જેમ નહિ, પણ જેમને અધિકાર હોય એ રીતે તે શીખવતા હતા. ઈસુનું સાંભળનારા લોકોમાંથી કદાચ ઘણા તેમના શિષ્યો બન્યા.