સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૫૩

એવા શાસક, જે પવનને અને સરોવરને કાબૂમાં રાખી શકે છે

એવા શાસક, જે પવનને અને સરોવરને કાબૂમાં રાખી શકે છે

માથ્થી ૧૪:૨૨-૩૬ માર્ક ૬:૪૫-૫૬ યોહાન ૬:૧૪-૨૫

  • લોકો ઈસુને રાજા બનાવવા માંગે છે

  • ઈસુ પાણી પર ચાલે છે, પવનને શાંત પાડે છે

ઈસુ ચમત્કાર કરીને હજારોને જમાડી શકતા હતા, એની લોકો પર ઊંડી છાપ પડી. તેઓએ કબૂલ્યું, “આ ખરેખર એ જ પ્રબોધક છે, જે દુનિયામાં આવવાના હતા.” એટલે કે મસીહ, જે સારા શાસક બની શકે છે. (યોહાન ૬:૧૪; પુનર્નિયમ ૧૮:૧૮) તેથી, લોકોએ ઈસુને પકડીને બળજબરીથી રાજા બનાવવાની યોજના ઘડી.

જોકે, ઈસુ જાણી ગયા કે લોકો કેવી યોજના ઘડતા હતા. તેમણે લોકોને મોકલી દીધાં અને શિષ્યોને હોડીમાં પાછા જવા જણાવ્યું. તેઓ કયા રસ્તે અને ક્યાં જવાના હતા? તેઓએ બેથસૈદા તરફ જવાનું હતું અને પછી કાપરનાહુમ. ઈસુ એ રાતે પહાડ પર એકલા પ્રાર્થના કરવા ગયા.

સૂરજ ઊગે એની થોડી વાર પહેલાં ચંદ્રના અજવાળામાં, ઈસુએ દૂરથી હોડી જોઈ. જોરથી ફૂંકાતા પવનને લીધે સરોવરનાં મોજાં ઊછળતાં હતાં. પ્રેરિતોને “હલેસાં મારવામાં ઘણી મહેનત પડી રહી છે કેમ કે પવન સામો હતો.” (માર્ક ૬:૪૮) ઈસુ પહાડ પરથી ઊતર્યા અને સરોવરનાં મોજાં પર તેઓની તરફ ચાલવા લાગ્યા. ત્યાં સુધીમાં “તેઓ હલેસાં મારતાં મારતાં લગભગ પાંચ-છ કિલોમીટર ગયા હશે.” (યોહાન ૬:૧૯) શિષ્યોને લાગ્યું કે ઈસુ તેઓ પાસેથી પસાર થઈ જવા ચાહતા હતા. તેઓએ ગભરાઈને બૂમ પાડી: “આ સપનું છે કે શું?”—માર્ક ૬:૪૯.

ઈસુએ તેઓને શાંત પાડતા કહ્યું: “હિંમત રાખો! એ તો હું છું; ડરો નહિ.” પણ, પીતરે કહ્યું: “પ્રભુ, જો એ તમે હો, તો મને આજ્ઞા કરો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” ઈસુએ જવાબ આપ્યો: “આવ!” એટલે, પીતર હોડીમાંથી ઊતરીને પાણી પર ચાલ્યા અને ઈસુ તરફ જવા લાગ્યા. પણ, જ્યારે પીતરે વાવાઝોડું જોયું, ત્યારે તે ગભરાઈ ગયા અને ડૂબવા લાગ્યા. તેમણે બૂમ પાડી: “પ્રભુ, મને બચાવો!” ઈસુએ હાથ લંબાવીને પીતરને પકડી લીધા અને કહ્યું: “ઓ ઓછી શ્રદ્ધાવાળા, તેં શંકા કેમ કરી?”—માથ્થી ૧૪:૨૭-૩૧.

પીતર અને ઈસુ હોડીમાં ચઢ્યા અને પવન શાંત થયો. શિષ્યો દંગ રહી ગયા. પણ, શું તેઓએ દંગ થવું જોઈતું હતું? ઈસુએ થોડા સમય અગાઉ જ ચમત્કાર કરીને હજારોને જમાડ્યા હતા. જો તેઓ “રોટલીના ચમત્કારમાંથી” શીખ્યા હોત, તો ઈસુને પાણી પર ચાલતા જોઈને અને પવનને શાંત કરતા જોઈને દંગ રહી ગયા ન હોત. હવે, તેઓ આમ કહેતા ઈસુ આગળ ઘૂંટણે પડ્યા: “તમે સાચે જ ઈશ્વરના દીકરા છો.”—માર્ક ૬:૫૨; માથ્થી ૧૪:૩૩.

તેઓ જલદી જ કાપરનાહુમની દક્ષિણે આવેલા ગન્‍નેસરેતના સુંદર, ફળદ્રુપ વિસ્તારમાં પહોંચ્યા. તેઓએ હોડી લાંગરી અને કિનારે આવ્યા. ઈસુને ઓળખી કાઢીને, ત્યાંના લોકો અને આસપાસના વિસ્તારના લોકો તેમની પાસે બીમાર લોકોને લાવ્યા. તેઓ ઈસુના ઝભ્ભાની કોરને જ અડક્યા અને પૂરેપૂરી રીતે સાજા થયા.

એ દરમિયાન, હજારોને જમાડવાનો ચમત્કાર નજરે જોનારા લોકોને જાણ થઈ કે ઈસુ જતા રહ્યા હતા. એટલે, તિબેરિયાસથી હોડીઓ આવી ત્યારે, લોકો એમાં બેસીને તેમને શોધવા કાપરનાહુમ ગયા. ઈસુ મળ્યા ત્યારે, તેઓએ પૂછ્યું: “ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?” (યોહાન ૬:૨૫) યોગ્ય કારણને લીધે, ઈસુએ તેઓને ઠપકો આપ્યો, જેના વિશે હવે જોઈશું.