સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૪૨

ફરોશીઓને ઈસુ ઠપકો આપે છે

ફરોશીઓને ઈસુ ઠપકો આપે છે

માથ્થી ૧૨:૩૩-૫૦ માર્ક ૩:૩૧-૩૫ લુક ૮:૧૯-૨૧

  • “યૂના પ્રબોધકની નિશાની” વિશે ઈસુ જણાવે છે

  • કુટુંબ કરતાં શિષ્યોનો ઈસુ સાથે ગાઢ સંબંધ છે

ઈશ્વરની શક્તિથી ઈસુએ દુષ્ટ દૂતોને કાઢ્યા, એવું શાસ્ત્રીઓ અને ફરોશીઓ સ્વીકારતા ન હતા. એનાથી તેઓ પર પવિત્ર શક્તિની નિંદા કરવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. શું તેઓ ઈશ્વરનો પક્ષ લેશે કે શેતાનનો? ઈસુએ કહ્યું: “જો તમે સારું ઝાડ હશો, તો તમારું ફળ પણ સારું હશે; પણ જો તમે સડેલું ઝાડ હશો, તો તમારું ફળ પણ સડેલું હશે, કેમ કે ઝાડ એના ફળથી ઓળખાય છે.”—માથ્થી ૧૨:૩૩.

ઈસુએ દુષ્ટ દૂતોને કાઢ્યા, એ સારું કામ કે ફળ હતું. પણ, શેતાનની મદદથી ઈસુએ એમ કર્યું, એવો આરોપ મૂકવો મૂર્ખતા કહેવાય. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં જણાવ્યું તેમ, જો ફળ સારું હોય, તો ઝાડ પણ સારું હોય, સડેલું નહિ. તો પછી, ફરોશીઓનાં ફળ, એટલે કે ઈસુ પરના તેમના ખોટા આરોપોથી શું પુરવાર થયું? એ જ કે તેઓનાં કામ સડેલાં કે ખરાબ હતાં. ઈસુએ તેઓને જણાવ્યું: “ઓ ઝેરી સાપનાં વંશજો, તમે દુષ્ટ છો એટલે સારી વાત ક્યાંથી કહેવાના? કેમ કે હૃદયમાં જે ભરેલું છે એ જ મુખમાંથી નીકળે છે.”—માથ્થી ૭:૧૬, ૧૭; ૧૨:૩૪.

આપણા શબ્દો દિલની વાત બહાર કાઢે છે અને એના આધારે આપણો ન્યાય થાય છે. એટલે, ઈસુએ કહ્યું: “હું તમને કહું છું કે લોકો જે દરેક નકામી વાત કહે છે એ માટે તેઓએ ન્યાયના દિવસે જવાબ આપવો પડશે; તમારી વાતોથી તમને નિર્દોષ ઠરાવવામાં આવશે અને તમારી વાતોથી તમને દોષિત ઠરાવવામાં આવશે.”—માથ્થી ૧૨:૩૬, ૩૭.

ઈસુએ આટલા બધા ચમત્કારો કર્યા હોવા છતાં પણ, શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કહ્યું: “ગુરુજી, અમે તમારી પાસેથી એક નિશાની જોવા માંગીએ છીએ.” તેઓએ ઈસુને ચમત્કારો કરતા જોયા હોય કે નહિ, પણ તેમનાં કામો નજરે જોનારા ઘણા લોકો તેઓ સાથે હતા. તેથી, યહુદી ગુરુઓને ઈસુએ આમ કહ્યું: “દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની શોધે છે, પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.”—માથ્થી ૧૨:૩૮, ૩૯.

એનો અર્થ સમજવાનું તેઓ પર છોડી દેવાને બદલે, ઈસુએ કહ્યું: “જે રીતે યૂના મોટી માછલીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહ્યા, એ જ રીતે માણસનો દીકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે.” યૂનાને એક મોટી માછલી ગળી ગઈ હતી. પણ, જાણે મરણમાંથી પાછા ઉઠાડાયા હોય તેમ, તે માછલીના પેટમાંથી બહાર આવ્યા. આ રીતે, ઈસુએ ભાખ્યું કે પોતે મરણ પામશે અને ત્રીજે દિવસે પાછા ઉઠાડવામાં આવશે. પછીથી એમ બન્યું ત્યારે, યહુદી ગુરુઓએ ન તો પસ્તાવો કર્યો, ન કોઈ ફેરફારો કર્યા. આમ, તેઓએ ‘યૂનાની નિશાની’ સ્વીકારી નહિ. (માથ્થી ૨૭:૬૩-૬૬; ૨૮:૧૨-૧૫) પરંતુ, યૂનાએ પ્રચાર કર્યા પછી, ‘નીનવેહના લોકોએ’ પસ્તાવો કર્યો હતો. તેથી, તેઓ એ પેઢીને દોષિત ઠરાવશે. ઈસુએ એમ પણ કહ્યું કે દક્ષિણની રાણી પોતાના દાખલાથી એ પેઢીને દોષિત ઠરાવશે. તેને સુલેમાનના ડહાપણની વાતો સાંભળવી હતી અને એ સાંભળીને તે નવાઈ પામી. ઈસુએ કહ્યું: “અહીં સુલેમાન કરતાં મહાન કોઈ છે.”—માથ્થી ૧૨:૪૦-૪૨.

ઈસુએ એ દુષ્ટ પેઢીની હાલત એવા માણસ સાથે સરખાવી, જેનામાંથી ખરાબ દૂત બહાર નીકળ્યો હોય. (માથ્થી ૧૨:૪૫) એ માણસે ખાલી પડેલી જગ્યામાં સારી વાતો ન ભરી; એટલે, ખરાબ દૂત પોતાનાથી વધારે દુષ્ટ હોય એવા બીજા સાત દૂતો સાથે પાછો આવ્યો અને એ માણસ પર કાબૂ કર્યો. આ માણસની જેમ, ઇઝરાયેલી પ્રજાને પણ શુદ્ધ કરીને એનામાં બદલાણ લાવવામાં આવ્યું હતું. પણ, તેઓએ ઈશ્વરના પ્રબોધકોનો સ્વીકાર ન કર્યો. એટલે સુધી કે ઈશ્વરની શક્તિ જેમના પર હતી, એ ઈસુનો પણ તેઓએ વિરોધ કર્યો. શરૂઆત કરતાં પછીથી ઇઝરાયેલી પ્રજાની હાલત વધારે ખરાબ થઈ, એ સાફ દેખાઈ આવ્યું.

ઈસુ સમજાવતા હતા ત્યારે, તેમનાં મા અને ભાઈઓ આવી પહોંચ્યા અને ટોળાની પાસે ઊભા રહ્યા. ઈસુની પાસે બેઠેલા કોઈએ કહ્યું: “તમારી મા અને તમારા ભાઈઓ તમને મળવા બહાર ઊભા છે.” ત્યારે ઈસુએ બતાવ્યું કે શિષ્યો તેમને કેટલા વહાલા હતા. ઈસુ માટે તેઓ સગાં ભાઈબહેન અને મા જેવાં હતાં. ઈસુએ શિષ્યો તરફ હાથ લંબાવીને કહ્યું: “મારી મા અને મારા ભાઈઓ આ છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને એ પાળે છે.” (લુક ૮:૨૦, ૨૧) આમ, તેમણે બતાવ્યું કે ભલે લોહીની સગાઈ ગમે એટલી ગાઢ હોય, પણ શિષ્યો સાથેનો તેમનો સંબંધ વધારે ગાઢ હતો. લોકો આપણા પર શંકા કરે અથવા આપણું અને આપણા સારાં કામનું અપમાન કરે, એવા સમયે આપણા ભાઈબહેનો સાથેનો ગાઢ સંબંધ કેટલી તાજગી આપે છે!