સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૬૪

માફ કરવું જરૂરી છે

માફ કરવું જરૂરી છે

માથ્થી ૧૮:૨૧-૩૫

  • શું સાત વાર માફ કરવું જોઈએ?

  • ઈસુ દયા વગરના ચાકરનું ઉદાહરણ આપે છે

પીતરે થોડી વાર પહેલાં જ ઈસુની સલાહ સાંભળી હતી કે ભાઈઓ વચ્ચે તકરાર ઊભી થાય તો શું કરવું. હવે, તેમને જાણવું હતું કે કેટલી વાર માફ કરવું જોઈએ.

પીતરે પૂછ્યું: “પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર પાપ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર?” અમુક ધર્મગુરુઓ શીખવતા કે ત્રણ વાર માફ કરવું જોઈએ. તેથી, પીતરને લાગ્યું હશે કે પોતાના ભાઈને “સાત વાર” માફ કરવાનું કહીને પોતે ઉદારતા બતાવતા હતા.—માથ્થી ૧૮:૨૧.

જોકે, કોણ કેટલી વાર ભૂલ કરે છે, એની નોંધ રાખવી ઈસુના શિક્ષણ પ્રમાણે યોગ્ય ન હતું. તેથી, ઈસુએ પીતરને સલાહ આપી: “હું તને કહું છું કે સાત વાર નહિ, પણ સિત્તોતેર વાર.” (માથ્થી ૧૮:૨૨) બીજા શબ્દોમાં, કાયમ માફ કરવું. પીતરે પોતાના ભાઈને કેટલી વાર માફ કર્યો, એ ગણવાનું ન હતું.

માફ કરવું જરૂરી છે એના પર ભાર મૂકવા ઈસુએ પીતર અને બીજાઓને એક ઉદાહરણ આપ્યું. એ ઉદાહરણ એક ચાકરનું હતું, જે પોતાના દયાળુ માલિક જેવો બન્યો નહિ. માલિક પોતાના ચાકરો સાથે હિસાબ ચૂકતે કરવા માંગતો હતો. એક ચાકરે ૧૦,૦૦૦ તાલંત [છ કરોડ દીનાર] ઉધાર લીધા હતા, તેને માલિક પાસે લાવવામાં આવ્યો. તે કોઈ પણ રીતે દેવું ચૂકવી શકે એમ ન હતો. એટલે, માલિકે હુકમ કર્યો કે તેને, તેની પત્નીને, તેનાં બાળકોને અને તેની પાસે જે કંઈ હતું, એ બધુંય વેચીને દેવું ચૂકતે કરવામાં આવે. એ વખતે ચાકર માલિકને પગે પડ્યો અને વિનંતી કરી: “મારી સાથે ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.”—માથ્થી ૧૮:૨૬.

માલિકને દયા આવી અને તેણે ચાકરનું બધું દેવું માફ કર્યું. પછી, એ ચાકરે બહાર જઈને સાથી ચાકરને શોધી કાઢ્યો, જેણે તેની પાસેથી ૧૦૦ દીનાર ઉછીના લીધા હતા. તેણે એ સાથી ચાકરને પકડીને તેનું ગળું દબાવતા કહ્યું, “બધું દેવું મને ચૂકવી દે.” સાથી ચાકર પગે પડ્યો અને કાલાવાલા કરતા કહેવા લાગ્યો: “મારી સાથે ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.” (માથ્થી ૧૮:૨૮, ૨૯) પરંતુ, જે ચાકરને માફી મળી હતી, તે માલિક જેવો બન્યો નહિ. પોતાના સાથી ચાકરનું દેવું થોડુંક જ હોવા છતાં, એ ન ચૂકવે ત્યાં સુધી તેણે તેને કેદમાં નંખાવ્યો.

પછી, ઈસુએ કહ્યું કે બીજા ચાકરોએ એ કઠોર સજા વિશે માલિકને ખબર આપી. માલિકે ચાકરને હુકમ કરીને બોલાવ્યો અને ગુસ્સામાં કહ્યું: “દુષ્ટ ચાકર, તેં મને આજીજી કરી ત્યારે મેં તારું બધું જ દેવું માફ કરી દીધું. મેં તને દયા બતાવી તેમ, શું તારે પણ તારા સાથી ચાકરને દયા બતાવવી જોઈતી ન હતી?” ગુસ્સે ભરાયેલા માલિકે એ ચાકર બધું દેવું ચૂકવી ન દે ત્યાં સુધી, તેને કેદખાનાના ઉપરીઓને સોંપી દીધો. છેલ્લે, ઈસુએ કહ્યું: “જો તમે દરેક તમારા ભાઈને દિલથી માફ નહિ કરો, તો સ્વર્ગમાંના મારા પિતા પણ તમારી સાથે એ જ રીતે વર્તશે.”—માથ્થી ૧૮:૩૨-૩૫.

માફ કરવા વિશે કેવો સરસ બોધપાઠ! ઈશ્વરે આપણાં મોટાં મોટાં પાપ માફ કર્યાં છે. એની સરખામણીમાં ભાઈઓએ આપણી વિરુદ્ધ કરેલાં પાપ સાવ મામૂલી છે. યહોવા આપણને એક વખત નહિ, હજારો વખત માફ કરે છે. તો પછી, આપણા વિશે શું? ભલે કોઈ આપણી વિરુદ્ધ વારંવાર ભૂલો કરે, આપણે તેમની ભૂલોને અનેક વાર માફ કરવી જોઈએ. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં શીખવ્યું કે, ‘આપણી વિરુદ્ધ પાપ કરનારાઓને માફ કરીએ’ તો, ઈશ્વર આપણાં પાપ માફ કરશે.—માથ્થી ૬:૧૨.