સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૩૩

ઈસુ યશાયાની ભવિષ્યવાણી પૂરી કરે છે

ઈસુ યશાયાની ભવિષ્યવાણી પૂરી કરે છે

માથ્થી ૧૨:૧૫-૨૧ માર્ક ૩:૭-૧૨

  • લોકો ઈસુ પર પડાપડી કરે છે

  • ઈસુ યશાયાની ભવિષ્યવાણી પૂરી કરે છે

ફરોશીઓ અને હેરોદીઓ ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડતા હતા એ જાણીને, ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ સરોવર તરફ ચાલ્યા ગયા. ગાલીલથી, દરિયા કિનારે આવેલાં તૂર અને સિદોનનાં શહેરોથી, યરદન નદીની પૂર્વ તરફથી, યરૂશાલેમથી અને દૂર દક્ષિણે આવેલા અદુમથી, બધી બાજુથી મોટી સંખ્યામાં લોકો તેમની પાસે ભેગા થયા. ઈસુએ ઘણાને સાજા કર્યા. એના લીધે મોટી મોટી બીમારીવાળા લોકો પડાપડી કરવા લાગ્યા. ઈસુ તેઓને અડકે એની રાહ જોવાને બદલે, તેઓ પોતે તેમને અડકવાનો પ્રયત્ન કરવા લાગ્યા.—માર્ક ૩:૯, ૧૦.

ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુએ પોતાના શિષ્યોને એક નાની હોડી તૈયાર કરવા કહ્યું. એનાથી, તે કિનારેથી થોડા દૂર જઈ શકે અને લોકોને તેમના પર પડાપડી કરતા અટકાવી શકે. તેમ જ, હોડીમાંથી તે લોકોને શીખવી પણ શકે અથવા વધારે લોકોને મદદ કરવા દરિયા કિનારેના બીજા વિસ્તારમાં જઈ શકે.

માથ્થીએ નોંધ્યું કે ઈસુના સેવાકાર્યથી “યશાયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું” એ પૂરું થયું. (માથ્થી ૧૨:૧૭) ઈસુએ અહીં કઈ ભવિષ્યવાણી પૂરી કરી?

“જુઓ! મારો સેવક જેને મેં પસંદ કર્યો છે. મારો વહાલો, જેના પર હું પ્રસન્‍ન છું! હું તેને મારી પવિત્ર શક્તિ આપીશ અને તે પ્રજાઓને દેખાડશે કે સાચો ન્યાય કેવો હોય છે. તે ઝઘડો કરશે નહિ, મોટેથી બૂમ પાડશે નહિ; મુખ્ય રસ્તાઓમાં કોઈને તેનો અવાજ સંભળાશે નહિ. તે ન્યાયને પૂરેપૂરો સ્થાપી દે ત્યાં સુધી, તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ. સાચે જ, તેના નામ પર પ્રજાઓ આશા રાખશે.”—માથ્થી ૧૨:૧૮-૨૧; યશાયા ૪૨:૧-૪.

ઈસુ સાચે જ એ વહાલા સેવક હતા, જેમનો ઈશ્વરે સ્વીકાર કર્યો હતો. ઈસુએ સાફ સાફ બતાવ્યું કે સાચો ન્યાય કોને કહેવાય, જે જૂઠા ધાર્મિક રીત-રિવાજોને લીધે ઝાંખો પડી ગયો હતો. ઈશ્વરના નિયમોને મન ફાવે એમ મારી-મચકોડીને લાગુ પાડતા ફરોશીઓ, સાબ્બાથના દિવસે બીમાર વ્યક્તિની મદદે પણ જતા નહિ. ઈશ્વરના ન્યાયની સાબિતી આપીને અને ઈશ્વરની શક્તિ પોતાના પર છે એમ બતાવીને, ઈસુએ લોકોના માથેથી ખોટા રીત-રિવાજોનો બોજો હટાવી દીધો. એ માટે ધર્મગુરુઓ તેમને મારી નાખવા માંગતા હતા. કેટલા અફસોસની વાત!

“તે ઝઘડો કરશે નહિ, મોટેથી બૂમ પાડશે નહિ; મુખ્ય રસ્તાઓમાં કોઈને તેનો અવાજ સંભળાશે નહિ,” એનો શું અર્થ થાય? ઈસુ લોકોને સાજા કરતા ત્યારે, તેઓને કે દુષ્ટ દૂતોને પણ “પોતાના વિશે વાત” ફેલાવવા દેતા નહિ. (માર્ક ૩:૧૨) તે એવું ચાહતા ન હતા કે જોરશોરથી રસ્તા પર થતી વાતોથી કે સાચા-ખોટા અહેવાલોથી લોકો તેમના વિશે જાણે, જેને લોકો એક કાનેથી બીજે કાને ફેલાવતા હતા.

ઈસુએ એવા લોકોને દિલાસાનો સંદેશો આપ્યો, જેઓ વળી ગયેલા બરુ જેવા હતા, જે છુંદાયેલું અને પાડી નંખાયેલું હોય. તેઓ મંદ મંદ સળગતી દિવેટ જેવા હતા, જેની જ્યોત બુઝાઈ જવાની તૈયારીમાં હોય. ઈસુએ વળી ગયેલા બરુને છૂંદી નાખ્યું નહિ અને મંદ મંદ સળગતી, ધૂંઆતી દિવેટને હોલવી નાખી નહિ. એના બદલે, તેમણે કોમળતાથી અને પ્રેમથી ખૂબ સમજી-વિચારીને નમ્ર લોકોને ઉત્તેજન આપ્યું. ખરેખર, ફક્ત ઈસુ જ એવા છે, જેમના પર પ્રજાઓ આશા રાખી શકે!