સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૫

ઈસુ દયા બતાવીને રક્તપિત્તિયાને સાજો કરે છે

ઈસુ દયા બતાવીને રક્તપિત્તિયાને સાજો કરે છે

માથ્થી ૮:૧-૪ માર્ક ૧:૪૦-૪૫ લુક ૫:૧૨-૧૬

  • રક્તપિત્તિયા માણસને ઈસુ સાજો કરે છે

ઈસુ અને તેમના ચાર શિષ્યો ‘ગાલીલમાં ફર્યા અને સભાસ્થાનોમાં’ પ્રચાર કરતા ગયા. ઈસુનાં અદ્‍ભુત કામોના સમાચાર ચારે બાજુ ફેલાતા ગયા. (માર્ક ૧:૩૯) એની ખબર એક શહેર સુધી પહોંચી, જેમાં એક રક્તપિત્તિયો માણસ હતો. વૈદ લુકે તેના વિશે આમ લખ્યું: “આખા શરીરે રક્તપિત્ત થયેલો એક માણસ!” (લુક ૫:૧૨) આ ભયાનક બીમારી વધતી જાય તેમ, શરીરનાં અનેક અંગ ધીરે ધીરે ખવાઈ જાય છે.

રક્તપિત્ત થયેલા આ માણસની હાલત બહુ ખરાબ હતી અને તેણે લોકોથી દૂર રહેવાનું હતું. વધુમાં, જ્યારે બીજા લોકો પાસે હોય, ત્યારે તેણે “અશુદ્ધ, અશુદ્ધ” એવી બૂમો પાડવાની હતી. એમ કરવાથી બીજાઓ તેનાથી દૂર રહેતા અને તેના ચેપથી બચી શકતા. (લેવીય ૧૩:૪૫, ૪૬) પણ, રક્તપિત્ત થયેલા એ માણસે ઈસુને જોઈને શું કર્યું? તે ઈસુ પાસે આવ્યો અને ઘૂંટણે પડીને વિનંતી કરી: “ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”—માથ્થી ૮:૨.

એ માણસને ઈસુમાં કેટલી શ્રદ્ધા હતી! તેની બીમારીને લીધે તેનો દેખાવ કેવો દયાજનક થઈ ગયો હશે! ઈસુએ શું કર્યું? જો તમે ત્યાં હોત તો શું કર્યું હોત? ઈસુને દયા આવી; તેમણે હાથ લંબાવ્યો અને એ માણસને અડક્યા. ઈસુએ તેને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” (માથ્થી ૮:૩) ભલે અમુકને માનવું અઘરું લાગ્યું હશે, પણ સાચે જ એ બીમાર માણસ રક્તપિત્તથી તરત સાજો થઈ ગયો.

ઈસુ જેવા દયાળુ અને તેમનાં જેવાં કામો કરનાર રાજા હોય તો તમને કેવું લાગે? રક્તપિત્તિયા માણસ સાથે ઈસુનું વર્તન ખાતરી આપે છે કે ઈસુ આખી પૃથ્વી પર રાજા હશે ત્યારે, બાઇબલની આ ભવિષ્યવાણી પૂરી થશે: ‘તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના જીવનનું તારણ કરશે.’ (ગીતશાસ્ત્ર ૭૨:૧૩) હા, એ સમયે ઈસુ બધા દુઃખી લોકોને મદદ કરવાની પોતાના દિલની તમન્‍ના પૂરી કરશે.

યાદ કરો કે રક્તપિત્તિયાને સાજો કર્યા અગાઉ પણ, ઈસુના સેવાકાર્યને લીધે લોકોમાં ઘણી ખુશી છવાયેલી હતી. હવે, ઈસુએ કરેલા આ ચમત્કાર વિશે લોકો સાંભળવાના હતા. પણ, ઈસુ ચાહતા ન હતા કે લોકો માત્ર સાંભળેલી વાતોને આધારે શ્રદ્ધા મૂકે. ઈસુ આ ભવિષ્યવાણી જાણતા હતા કે તે “રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ,” જેનાથી પોતાની વાહ વાહ થાય. (યશાયા ૪૨:૧, ૨) તેથી, ઈસુએ રક્તપિત્તથી સાજા થયેલા માણસને આજ્ઞા કરી: “જોજે, કોઈને કશું કહેતો નહિ. પણ, યાજક પાસે જઈને પોતાને બતાવ અને મુસાએ જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ.”—માથ્થી ૮:૪.

તમે કલ્પના કરી શકો કે એ માણસ સાજો થવાને લીધે કેટલો ખુશ હશે! જે બન્યું એ વિશે તે ચૂપ રહી ન શક્યો. એટલે, તેણે જઈને એ ખબર બધી બાજુ ફેલાવી દીધી. એનાથી લોકો વધારે આતુર થયા અને તેઓની જિજ્ઞાસા વધી. એટલે સુધી કે ઈસુ બધાના દેખતા શહેરમાં જઈ શકતા નહિ. તેમણે થોડો સમય એવી જગ્યાઓમાં રહેવું પડ્યું, જ્યાં કોઈ રહેતું ન હતું. તેમ છતાં, લોકો દૂર દૂરથી તેમની પાસે શીખવા અને સાજા થવા આવતા.