સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૬૦

ખ્રિસ્તનું રૂપાંતર તેમનો મહિમા બતાવે છે

ખ્રિસ્તનું રૂપાંતર તેમનો મહિમા બતાવે છે

માથ્થી ૧૬:૨૮–૧૭:૧૩ માર્ક ૯:૧-૧૩ લુક ૯:૨૭-૩૬

  • ઈસુનું રૂપાંતર થાય છે

  • પ્રેરિતો ઈશ્વરનો અવાજ સાંભળે છે

હેર્મોન પહાડથી આશરે ૨૫ કિલોમીટર દૂર આવેલા કાઈસારીઆ ફિલિપીમાં ઈસુ લોકોને શીખવતા હતા. ત્યાં તેમણે પ્રેરિતોને ચોંકાવનારી જાહેરાત કરી: “હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલા લોકોમાંથી અમુક જ્યાં સુધી માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.”—માથ્થી ૧૬:૨૮.

ઈસુએ જે કહ્યું એનાથી શિષ્યો વિચારમાં પડી ગયા. એકાદ અઠવાડિયા પછી, તે પોતાના ત્રણ પ્રેરિતો—પીતર, યાકૂબ અને યોહાન સાથે એક ઊંચા પહાડ પર ગયા. એ કદાચ રાતનો સમય હશે, કેમ કે ત્રણે પ્રેરિતોને ઊંઘ ચઢી હતી. ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે, પ્રેરિતોની નજર સામે તેમનું રૂપાંતર થયું. તેઓએ જોયું કે ઈસુનો ચહેરો સૂર્યની જેમ પ્રકાશતો હતો અને તેમનો ઝભ્ભો પ્રકાશની જેમ ઝળહળતો, સફેદ થઈ ગયો હતો.

પછી, બે માણસો દેખાયા, જેઓની ઓળખ “એલિયા” અને “મુસા” તરીકે આપવામાં આવી. તેઓ ‘યરૂશાલેમથી થનારી તેમની વિદાય વિશે’ ઈસુ સાથે વાત કરવા લાગ્યા. (લુક ૯:૩૦, ૩૧) તેમની વિદાય તો તેમના મરણ અને ફરીથી જીવતા થવાને બતાવે છે, જેના વિશે તેમણે થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું. (માથ્થી ૧૬:૨૧) પીતરે અગાઉ કરેલી અરજની વિરુદ્ધ, આ વાતચીત સાબિતી આપે છે કે ઈસુનું અપમાનજનક મરણ ટાળી શકાય એમ ન હતું.

હવે, પ્રેરિતોની ઊંઘ ઊડી ગઈ. દંગ થઈ ગયેલા પ્રેરિતો દર્શન જોવા અને સાંભળવા લાગ્યા. આ દર્શન હતું, છતાં પીતરને એ એટલું સાચું લાગ્યું કે તે એનો ભાગ બનવા માંગતા હતા. તેમણે કહ્યું: “ગુરુજી, આપણે અહીં રહીએ એ સારું છે. એટલે, અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મુસા માટે અને એક એલિયા માટે.” (માર્ક ૯:૫) શું પીતર એ માટે તંબુ ઊભા કરવા માંગતા હતા કે દર્શન થોડું લાંબું ચાલે?

પીતર હજુ તો બોલતા હતા, એવામાં એક સફેદ વાદળ તેઓ પર છવાઈ ગયું અને એમાંથી અવાજ આવ્યો: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે; તેનું સાંભળો.” ઈશ્વરનો અવાજ સાંભળીને ગભરાયેલા શિષ્યો ઊંધા મોઢે પડ્યા, પણ ઈસુએ વિનંતી કરી: “ઊભા થાઓ અને ડરો નહિ.” (માથ્થી ૧૭:૫-૭) તેઓ ઊભા થયા ત્યારે, ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ. દર્શન પૂરું થયું હતું. દિવસ ઊગ્યો અને તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે, ઈસુએ આજ્ઞા કરી: “માણસના દીકરાને મરણમાંથી ઉઠાડવામાં આવે ત્યાં સુધી આ દર્શન વિશે કોઈને કહેતા નહિ.”—માથ્થી ૧૭:૯.

દર્શનમાં એલિયા દેખાયા, એનાથી સવાલ ઊભો થયો. પ્રેરિતોએ પૂછ્યું: “શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જરૂરી છે?” ઈસુએ જવાબ આપ્યો: “એલિયા આવી ચૂક્યા છે અને તેઓએ તેમને ઓળખ્યા નહિ.” (માથ્થી ૧૭:૧૦-૧૨) ઈસુ તો યોહાન બાપ્તિસ્મા આપનારની વાત કરતા હતા, જેમણે એલિયા જેવું કામ કર્યું હતું. એલિયાએ એલિશા માટે માર્ગ તૈયાર કર્યો હતો અને યોહાને ખ્રિસ્ત માટે.

આ દર્શનથી ઈસુ અને પ્રેરિતોને કેટલી હિંમત મળી હશે! એ ખ્રિસ્તના રાજ્યના મહિમાની ઝલક આપતું હતું. ઈસુના વચન પ્રમાણે તેમના શિષ્યોએ ‘માણસના દીકરાને તેમના રાજ્યમાં આવતા’ જોયા. (માથ્થી ૧૬:૨૮) પહાડ પર તેઓએ “તેમનું ગૌરવ નજરે જોયું” હતું. ફરોશીઓએ નિશાની માંગી હતી કે ઈશ્વરના પસંદ કરેલા રાજા ઈસુ જ છે, એની સાબિત આપે. પણ, ઈસુએ તેઓને કોઈ નિશાની ન આપી. જ્યારે કે ઈસુના અમુક શિષ્યોને તેમનું રૂપાંતર બતાવવામાં આવ્યું, જેના દ્વારા રાજ્યની ભવિષ્યવાણીઓની ખાતરી થઈ. એટલે જ પીતર પછીથી લખી શક્યા: “ભવિષ્યવાણીમાં આપણો ભરોસો વધારે મજબૂત કરવામાં આવ્યો છે.”—૨ પીતર ૧:૧૬-૧૯.