સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૫૨

થોડી રોટલીઓ અને માછલીઓથી ઈસુ હજારોને જમાડે છે

થોડી રોટલીઓ અને માછલીઓથી ઈસુ હજારોને જમાડે છે

આખા ગાલીલમાં પ્રચાર કરીને ૧૨ પ્રેરિતો ઘણા ખુશ હતા. “તેઓએ જે જે કર્યું હતું અને જે જે શીખવ્યું હતું” એ બધું ઈસુને જણાવ્યું. સમજી શકાય કે તેઓ થાકી ગયા હતા. ઘણા બધા લોકો આવતાં-જતાં હોવાથી તેઓ પાસે ખાવાનો પણ સમય ન હતો. તેથી, ઈસુએ કહ્યું: “તમે બધા મારી સાથે એકાંત જગ્યાએ ચાલો અને થોડો આરામ કરો.”—માર્ક ૬:૩૦, ૩૧.

તેઓ કદાચ કાપરનાહુમથી હોડીમાં બેઠા; તેઓ યરદન નદીની પૂર્વ દિશાએ, બેથસૈદાની આગળ અજાણી જગ્યાએ ગયા. પરંતુ, લોકોએ તેઓને જતા જોયા અને ઘણાને એની જાણ થઈ ગઈ. તેઓ બધા ભેગા મળીને કિનારે કિનારે દોડ્યા અને હોડી આવતા પહેલાં ત્યાં પહોંચી ગયા.

હોડીમાંથી ઊતરીને ઈસુએ મોટું ટોળું જોયું અને તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું, કેમ કે તેઓ પાળક વગરના ઘેટાં જેવાં હતાં. તેથી, ઈસુ રાજ્ય વિશે “તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.” (માર્ક ૬:૩૪) “જેઓને જરૂર હતી” તેઓને તેમણે સાજા પણ કર્યા. (લુક ૯:૧૧) સમય પસાર થયો તેમ, શિષ્યોએ તેમને કહ્યું: “આ જગ્યા ઉજ્જડ છે અને ઘણું મોડું થઈ ચૂક્યું છે; લોકોને વિદાય આપો, જેથી તેઓ ગામોમાં જઈને પોતાના માટે ખાવાનું વેચાતું લે.”—માથ્થી ૧૪:૧૫.

ઈસુએ જવાબ આપ્યો: “તેઓએ જવાની જરૂર નથી, તમે તેઓને કંઈક ખાવાનું આપો.” (માથ્થી ૧૪:૧૬) ઈસુ જાણતા હતા કે પોતે શું કરવાના છે, છતાં ફિલિપની પરખ કરવા તેમણે પૂછ્યું: “આ લોકોને જમાડવા આપણે ક્યાંથી રોટલી વેચાતી લઈશું?” ફિલિપને પૂછવામાં આવ્યું, કેમ કે તે નજીકમાં આવેલા બેથસૈદાના હતા. પણ, રોટલીઓ ખરીદવાથી કંઈ ઉકેલ આવવાનો ન હતો. આશરે ૫,૦૦૦ માણસો હતા, સ્ત્રીઓ અને બાળકોને ગણીએ તો બમણી સંખ્યા થાય. ફિલિપે જવાબ આપ્યો: “૨૦૦ દીનારની a રોટલી લાવીએ તોપણ એ બસ નથી, તેઓ બધાને એમાંથી માંડ થોડું મળશે.”—યોહાન ૬:૫-૭.

કદાચ બધાને ખવડાવવું અશક્ય હતું, એ બતાવવા આંદ્રિયાએ કહ્યું: “અહીં એક નાનો છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલી છે. પણ, આટલા બધાને કઈ રીતે પૂરું થઈ રહેશે?”—યોહાન ૬:૯.

એ ઈસવીસન ૩૨ના પાસ્ખા પહેલાંની વસંત ૠતુ હતી. પહાડ પર જાણે લીલાં ઘાસની ચાદર પથરાયેલી હતી. ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું કે લોકોને ૫૦-૫૦ના અને ૧૦૦-૧૦૦ના ટોળામાં ઘાસ પર બેસવા કહે. તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી અને ઈશ્વરનો આભાર માન્યો. પછી, તેમણે રોટલીઓ અને માછલીઓના ટુકડા કર્યા; લોકોમાં વહેંચી આપવા તેમણે એ શિષ્યોને આપ્યા. નવાઈની વાત હતી કે એમાંથી લોકોએ પેટ ભરીને ખાધું!

પછી, ઈસુએ શિષ્યોને કહ્યું: “વધેલા ટુકડા ભેગા કરો, જેથી જરા પણ બગાડ ન થાય.” (યોહાન ૬:૧૨) તેઓએ વધેલા ટુકડાઓની ૧૨ ટોપલીઓ ભરી!

a એક દીનાર એક દિવસની મજૂરી હતી.