પ્રકરણ ૪૬
ઈસુના કપડાને અડકીને સાજી થાય છે
માથ્થી ૯:૧૮-૨૨ માર્ક ૫:૨૧-૩૪ લુક ૮:૪૦-૪૮
-
ઈસુના કપડાને અડકીને એક સ્ત્રી સાજી થાય છે
ગાલીલ સરોવરની ઉત્તર-પશ્ચિમે રહેતા યહુદીઓમાં ખબર ફેલાઈ ગઈ કે ઈસુ દકાપોલીસથી પાછા આવ્યા હતા. મોટા ભાગે ઘણાએ સાંભળ્યું હશે કે સરોવરમાં આવેલા તોફાનમાં ઈસુએ કઈ રીતે પવન અને પાણીને શાંત કરી દીધાં હતાં. કેટલાકને એ પણ ખબર પડી હશે કે તેમણે દુષ્ટ દૂતો વળગેલા માણસને સાજો કર્યો હતો. તેથી, ઈસુને પાછા આવકારવા કદાચ કાપરનાહુમ વિસ્તારમાં સરોવર કિનારે “મોટું ટોળું” ભેગું થયું હતું. (માર્ક ૫:૨૧) તે કિનારે ઊતર્યા ત્યારે, લોકો આતુર હતા અને મોટી મોટી આશાઓ બાંધીને ઊભા હતા.
ઈસુને મળવા આતુર હોય એવા એક માણસ યાઐરસ પણ ત્યાં હતા, જે સભાસ્થાનના મુખ્ય અધિકારી હતા. એ સભાસ્થાન કદાચ કાપરનાહુમમાં આવેલું હતું. તેમણે ઈસુના પગ આગળ પડીને વારંવાર કાલાવાલા કર્યા: “મારી નાની દીકરી ખૂબ જ બીમાર છે. મહેરબાની કરીને તમે આવીને તેના પર હાથ મૂકો, જેથી તે સાજી થાય અને જીવતી રહે.” (માર્ક ૫:૨૩) યાઐરસની એકની એક લાડકી દીકરી ફક્ત ૧૨ વર્ષની જ હતી; તેને મદદ કરવાની તેમની અરજ સાંભળીને ઈસુએ શું કર્યું?—લુક ૮:૪૨.
યાઐરસના ઘરે જતાં રસ્તામાં દિલને સ્પર્શી જનારો બીજો એક બનાવ ઈસુ સામે બન્યો. તેમની સાથે ચાલનારા લોકોમાં ઉત્સાહ હતો; તેઓ વિચારતા હતા કે કદાચ તે હજુ કોઈ ચમત્કાર કરે ને તેઓને જોવા મળે. જોકે, ટોળામાંની એક સ્ત્રીનું ધ્યાન તેની પોતાની બીમારી પર ચોંટેલું હતું.
બાર બાર વર્ષથી આ યહુદી સ્ત્રી લોહીવાથી પીડાતી હતી. તેણે એક પછી એક ઘણા વૈદો પાસેથી સારવાર લીધી હતી, જેમાં તેના બધા પૈસા વપરાઈ ગયા હતા. પરંતુ, તેને કોઈ ફાયદો થયો ન હતો. હકીકતમાં, તેની હાલત “વધારે ખરાબ” થઈ હતી.—માર્ક ૫:૨૬.
તમે સમજી શકો કે બીમારીએ તેને કમજોર તો બનાવી જ હતી, સાથે સાથે એ બીમારી શરમાવે અને અપમાન કરાવે એવી હતી. એવી હાલત વિશે ખુલ્લી રીતે વાત કરવી પણ મુશ્કેલ હતું. તેમ જ, મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, લોહી વહેતું હોય એવી સ્ત્રી અશુદ્ધ ગણાતી. તેને અથવા તેનાં લોહીવાળાં કપડાંને જે કોઈ અડકે, તેણે નહાવું પડતું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાતું.—લેવીય ૧૫:૨૫-૨૭.
આ સ્ત્રીએ “ઈસુ વિશે વાતો સાંભળી” હતી અને હવે તેમને શોધી કાઢ્યા. પોતે અશુદ્ધ હોવાથી, તે ટોળામાંથી બને એટલી સાવધાનીથી પસાર થઈ અને વિચારવા લાગી: “જો હું ફક્ત તેમના ઝભ્ભાને અડું, તો હું સાજી થઈ જઈશ.” જેવી તે તેમના ઝભ્ભાની કોરને અડકી, એવું જ તેનું લોહી વહેતું બંધ થયું! “તે પીડાદાયક બીમારીથી સાજી થઈ.”—માર્ક ૫:૨૭-૨૯.
ઈસુએ કહ્યું: “મને કોણ અડક્યું?” એ શબ્દો સાંભળીને પેલી સ્ત્રીને કેવું લાગ્યું હશે? પીતરે વાંધો ઉઠાવતા ઈસુને છાનો ઠપકો આપ્યો: “લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારા પર પડાપડી કરે છે.” તો પછી, ઈસુએ કેમ પૂછ્યું કે, “મને કોણ અડક્યું?” તેમણે સમજાવ્યું: “કોઈક મને અડક્યું, કેમ કે મને જાણ થઈ કે શક્તિ મારામાંથી નીકળી.” (લુક ૮:૪૫, ૪૬) તેમનામાંથી નીકળેલી શક્તિએ સ્ત્રીને સાજી કરી હતી.
એ સ્ત્રીને અહેસાસ થયો કે પોતે હવે સંતાઈ શકતી ન હતી. એટલે, તે ગભરાયેલી અને ધ્રૂજતી ધ્રૂજતી ઈસુના પગ આગળ ઘૂંટણે પડી. તેણે બધાની આગળ પોતાની બીમારી વિશે અને પોતે સાજી થઈ, એ વિશે સાચું સાચું જણાવી દીધું. ઈસુએ તેને દિલાસો આપતા કહ્યું, “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. શાંતિથી જા અને આ પીડાદાયક બીમારીમાંથી સાજી થા.”—માર્ક ૫:૩૪.
ઈશ્વરે જેમને ધરતી પર રાજ કરવા માટે પસંદ કર્યા છે, એ કેટલા પ્રેમાળ અને દયાળુ છે! ઈસુ લોકોની સંભાળ રાખશે એટલું જ નહિ, તેઓને મદદ કરવાની તેમની પાસે શક્તિ પણ છે!