સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૫૬

શાનાથી ભ્રષ્ટ થવાય છે?

શાનાથી ભ્રષ્ટ થવાય છે?

માથ્થી ૧૫:૧-૨૦ માર્ક ૭:૧-૨૩ યોહાન ૭:૧

  • માણસે બનાવેલા રિવાજો ઈસુ ખુલ્લા પાડે છે

ઈસવીસન ૩૨માં પાસ્ખાનો તહેવાર પાસે આવ્યો ત્યારે, ગાલીલમાં ઈસુ લોકોને શીખવવામાં મશગૂલ હતા. પછી, ઈશ્વરના નિયમ પ્રમાણે કદાચ પાસ્ખાના તહેવાર માટે ઈસુએ યરૂશાલેમ તરફ જવાનું શરૂ કર્યું. પરંતુ, ખૂબ સાવધાનીથી, કારણ કે યહુદીઓ તેમને મારી નાખવા માંગતા હતા. (યોહાન ૭:૧) એ પછી, તે પાછા ગાલીલ આવ્યા.

યરૂશાલેમથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા ત્યારે, તે કદાચ કાપરનાહુમમાં હતા. તેઓ કેમ આવ્યા હતા? તેઓ ઈસુ પર ધાર્મિક નિયમો તોડવાનો આરોપ મૂકવા બહાનું શોધતા હતા. તેઓએ પૂછ્યું: “તમારા શિષ્યો બાપદાદાના રિવાજો કેમ તોડે છે? દાખલા તરીકે, તેઓ જમતા પહેલાં પોતાના હાથ ધોતા નથી.” (માથ્થી ૧૫:૨) ઈશ્વરે કદીયે કહ્યું ન હતું કે લોકો ‘કોણી સુધી પોતાના હાથ ધોવાનો’ રિવાજ પાળે. (માર્ક ૭:૩) તેમ છતાં, એમ ન કરવાને ફરોશીઓ મોટો ગુનો ગણતા હતા.

તેઓએ મૂકેલા આરોપનો સીધેસીધો જવાબ આપવાને બદલે, ઈસુએ જણાવ્યું કે તેઓ તો જાણીજોઈને ઈશ્વરનો નિયમ તોડતા હતા. તેમણે પૂછ્યું: “તમે કેમ તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞા તોડો છો? દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું: ‘તમારાં માતાપિતાને માન આપો,’ અને ‘જે કોઈ પોતાની માતા કે પિતાનું ખરાબ બોલીને અપમાન કરે છે તે માર્યો જાય.’ પણ તમે કહો છો, ‘જે કોઈ પોતાના પિતાને કે માતાને કહે છે: “તમને ફાયદો થાય એવું જે કંઈ મારી પાસે છે, એ ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે,” તેણે પોતાનાં માબાપને આદર બતાવવાની કોઈ જરૂર નથી.’”—માથ્થી ૧૫:૩-૬; નિર્ગમન ૨૦:૧૨; ૨૧:૧૭.

ફરોશીઓ દાવો કરતા કે પૈસા, માલમિલકત અથવા ઈશ્વરને ભેટ તરીકે અર્પણ કરેલી કોઈ પણ વસ્તુ મંદિરની અમાનત ગણાય. તેથી, એ બીજી કોઈ રીતે વાપરી ન શકાય. જોકે, અર્પણ થયેલી ભેટ હજુ એ વ્યક્તિ પાસે જ હતી. દાખલા તરીકે, કોઈ દીકરો કહે કે તેણે પૈસા અથવા મિલકત “કુરબાન” કરી છે. એટલે, એ ભેટ ઈશ્વરને કે મંદિરને અર્પણ કરેલી ભેટ છે, જેના પર હવે પહેલો હક મંદિરનો છે. પણ, એ પૈસા કે મિલકત હજુ દીકરાની હતી અને એને વાપરી શકતો હતો. તોપણ, તે કહેતો હતો કે વૃદ્ધ અને ગરીબ માબાપ માટે એ વાપરી ન શકાય. આમ, તે માબાપ માટેની પોતાની જવાબદારીથી છટકી જતો હતો.—માર્ક ૭:૧૧.

ઈશ્વરનો નિયમ મારી-મચકોડીને લાગુ પાડવાને કારણે, ઈસુ રોષે ભરાયા અને કહ્યું: “તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરે જે કહ્યું છે એને નકામું બનાવી દીધું છે. ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે એકદમ ખરી ભવિષ્યવાણી કરતા કહ્યું હતું: ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના હૃદય મારાથી ઘણા દૂર છે. તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે, કેમ કે તેઓ માણસોની આજ્ઞાઓને ઈશ્વરના શિક્ષણ તરીકે શીખવે છે.’” ઈસુએ કરેલી આકરી ટીકાનો ફરોશીઓ પાસે કોઈ જવાબ ન હતો. એટલે, ઈસુએ ટોળાને નજીક બોલાવીને કહ્યું, “સાંભળો અને આનો અર્થ સમજો: માણસના મોંમાં જે જાય છે એનાથી તે ભ્રષ્ટ થતો નથી, પણ તેના મોંમાંથી જે નીકળે છે એનાથી તે ભ્રષ્ટ થાય છે.”—માથ્થી ૧૫:૬-૧૧; યશાયા ૨૯:૧૩.

પછી, ઘરમાં હતા ત્યારે શિષ્યોએ ઈસુને પૂછ્યું: “તમારી વાત સાંભળીને ફરોશીઓ બહુ ગુસ્સે ભરાયા છે, એ તમને ખબર છે?” તેમણે જવાબ આપ્યો: “સ્વર્ગમાંના મારા પિતાએ જે છોડ રોપ્યા નથી, એ દરેક ઉખેડી નંખાશે. તેઓની વાત જવા દો. તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.”—માથ્થી ૧૫:૧૨-૧૪.

શિષ્યો માટે પીતરે વધારે સમજણ માંગતા પૂછ્યું કે માણસ શાનાથી ભ્રષ્ટ થાય છે. એ સાંભળીને ઈસુને નવાઈ લાગી. તેમણે કહ્યું: “તમે શું જાણતા નથી કે મોં દ્વારા જે કંઈ અંદર જાય છે એ પેટમાં થઈને શરીરની બહાર નીકળી જાય છે? પણ, જે વાતો મોંમાંથી નીકળે છે એ હૃદયમાંથી આવે છે અને એ વાતો માણસને ભ્રષ્ટ કરે છે. દાખલા તરીકે, દુષ્ટ વિચારો, હત્યાઓ, લગ્‍ન બહાર જાતીય સંબંધો, વ્યભિચાર, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે. આ બધું માણસને ભ્રષ્ટ કરે છે, પણ હાથ ધોયા વગર જમવું માણસને ભ્રષ્ટ કરતું નથી.”—માથ્થી ૧૫:૧૭-૨૦.

ઈસુ સાફ-સફાઈ રાખવાની મના કરતા ન હતા. ઈસુ એવી દલીલ પણ કરતા ન હતા કે રાંધતા પહેલાં કે ખાતા પહેલાં હાથ ધોવાની જરૂર નથી. ઈસુ તો ઢોંગી ધર્મગુરુઓને દોષિત ઠરાવતા હતા. તેઓ ઈશ્વરના નિયમોની ઉપરવટ જઈને માણસોના રીત-રિવાજોને વળગી રહેતા હતા. હકીકતમાં, હૃદયમાં જન્મ લેતાં દુષ્ટ કાર્યો માણસને ભ્રષ્ટ કરે છે.