સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૨

ઈસુ ચાર શિષ્યોને બોલાવે છે

ઈસુ ચાર શિષ્યોને બોલાવે છે

માથ્થી ૪:૧૩-૨૨ માર્ક ૧:૧૬-૨૦ લુક ૫:૧-૧૧

  • ઈસુ શિષ્યોને પૂરો સમય સેવાકાર્ય કરવા બોલાવે છે

  • માછીમારો જુદા પ્રકારના માછીમારો બને છે

નાઝરેથના લોકોએ ઈસુને મારી નાખવાની કોશિશ કરી હતી. એ પછી ઈસુ કાપરનાહુમ શહેરમાં ગાલીલ સરોવર નજીક ગયા, જે ‘ગન્‍નેસરેત સરોવર’ પણ કહેવાતું. (લુક ૫:૧) એનાથી યશાયાની ભવિષ્યવાણી પૂરી થઈ કે સમુદ્ર તરફ વસતા ગાલીલના લોકો પ્રકાશ જોશે.—યશાયા ૯:૧, ૨.

અહીં ગાલીલમાં પણ ઈસુ પ્રચાર કરવા લાગ્યા કે “સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” (માથ્થી ૪:૧૭) ઈસુએ ત્યાં પોતાના ચાર શિષ્યો જોયા. અગાઉ તેઓએ ઈસુ સાથે મુસાફરી કરી હતી, પણ યહુદિયાથી આવ્યા પછી તેઓએ માછલી પકડવાનો પોતાનો ધંધો ફરી શરૂ કરી દીધો. (યોહાન ૧:૩૫-૪૨) પરંતુ, હવે તેઓએ ઈસુ સાથે સતત રહેવાનું હતું. એનાથી ઈસુ તેઓને તાલીમ આપી શકે અને ઈસુના ગયા પછી પણ તેઓ પ્રચાર કરી શકે.

ઈસુ સરોવર કિનારે ચાલતા હતા ત્યારે તેમણે સિમોન પીતરને, તેમના ભાઈ આંદ્રિયાને અને તેઓના સાથીઓને જાળ ધોતા જોયા. ઈસુ ત્યાં જઈને પીતરની હોડીમાં ચઢ્યા અને કિનારેથી થોડે દૂર લઈ જવા કહ્યું. પછી, ઈસુએ બેસીને ટોળાને શીખવવાનું શરૂ કર્યું. એ ટોળું સ્વર્ગના રાજ્ય વિશે જાણવા ભેગું થયું હતું.

પછી, ઈસુએ પીતરને કહ્યું: “ઊંડા પાણીમાં લઈ જાઓ અને ત્યાં માછલીઓ પકડવા તમારી જાળ નાખો.” પીતરે જવાબ આપ્યો: “ઉપદેશક, આખી રાત અમે સખત મહેનત કરી અને કંઈ જ પકડાયું નહિ; પણ તમે કહો છો, એટલે હું જાળ નાખીશ.”—લુક ૫:૪, ૫.

તેઓએ જાળ નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે જાળ ફાટવા લાગી! તરત જ, એ માણસોએ પાસેની હોડીના સાથીદારોને મદદ માટે આવવા ઇશારો કર્યો. જલદી જ બંને હોડીઓ એટલી બધી માછલીઓથી ભરાઈ ગઈ કે એ ડૂબવા લાગી. એ જોઈને પીતરે ઘૂંટણે પડીને ઈસુને કહ્યું: “પ્રભુ, મારી પાસેથી જાઓ, કેમ કે હું પાપી માણસ છું.” ઈસુએ જવાબ આપ્યો: “ગભરાઈશ નહિ. હવેથી તું માણસોને ભેગા કરીશ.”—લુક ૫:૮, ૧૦.

પીતર અને આંદ્રિયાને ઈસુએ કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ.” (માથ્થી ૪:૧૯) ઝબદીના બે દીકરા યોહાન અને યાકૂબને પણ ઈસુએ પોતાની પાછળ આવવાનું કહ્યું. તેઓ પણ અચકાયા વિના તરત જ ઈસુની પાછળ ગયા. એ ચાર શિષ્યો ઈસુના સૌથી પહેલા શિષ્યો હતા, જેઓએ પોતાનો કામધંધો છોડી દીધો અને પૂરો સમય ઈસુ સાથે સેવાકાર્યમાં રહ્યા.