સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૩૭

વિધવાના દીકરાને ઈસુ સજીવન કરે છે

વિધવાના દીકરાને ઈસુ સજીવન કરે છે

લુક ૭:૧૧-૧૭

  • નાઈન શહેરમાં એક યુવાન સજીવન કરાય છે

લશ્કરી અધિકારીના ચાકરને સાજો કર્યા પછી, થોડા સમયમાં જ ઈસુ કાપરનાહુમથી નાઈન જવા નીકળ્યા. એ શહેર ત્યાંથી દક્ષિણ-પશ્ચિમ તરફ ૩૨ કિલોમીટરથી વધારે દૂર આવેલું હતું. ઈસુ એકલા ન હતા, તેમના શિષ્યો અને મોટું ટોળું તેમની સાથે હતું. નાઈન પાસે પહોંચતા લગભગ સાંજ પડી ગઈ હતી. તેઓને કબ્રસ્તાને જઈ રહેલા ઘણા યહુદીઓ સામે મળ્યા. એ યહુદીઓ ગુજરી ગયેલા એક યુવાનને શહેર બહાર દફનાવવા લઈ જતા હતા.

તેઓ બધામાં એ યુવાનની મા સૌથી વધારે શોકમાં ડૂબેલી હતી. તે વિધવા હતી અને હવે તેનો એકનો એક દીકરો પણ મરણ પામ્યો હતો. તેનો પતિ ગુજરી ગયો ત્યારે, હજુ પોતાનો લાડકો દીકરો સાથે હોવાથી તેને રાહત હતી. કલ્પના કરો કે તેને પોતાનો દીકરો કેટલો વહાલો લાગતો હશે! તેની બધી આશાઓ અને તેના ભવિષ્યની સલામતી એ દીકરા પર બંધાયેલી હતી. હવે, તે પણ ગુજરી ગયો. એ વિધવાને કોણ સાથ આપશે! કોણ તેનો સહારો બનશે!

ઈસુએ આ સ્ત્રીને જોઈ ત્યારે, તેના શોક અને તેની લાચાર હાલત પર તરસ આવી. ઈસુએ કોમળતાથી અને પૂરા ભરોસાથી તેને ખાતરી આપતા કહ્યું: “રડીશ નહિ.” તેમણે હજુ વધારે કંઈક કર્યું. લોકો શબ લઈ જતા હતા, એ ઠાઠડી પાસે આવીને ઈસુ એને અડક્યા. (લુક ૭:૧૩, ૧૪) તેમનું વર્તન જોઈને શોક કરનારા લોકો અચાનક ઊભા રહી ગયા. ઘણાને થયું હશે, ‘તે શું કહેવા માંગે છે અને શું બની રહ્યું છે?’

ઈસુ સાથે મુસાફરી કરનારા લોકો વિશે શું, જેઓએ તેમને મોટા ચમત્કારો કરતા, ઘણા બીમાર લોકોને સાજા કરતા જોયા હતા? જોકે, ઈસુએ ગુજરી ગયેલા કોઈને જીવતા કર્યા હોય, એવું તેઓએ હજુ જોયું ન હતું. ખરું કે મરણ પામેલા અમુક લોકો સદીઓ પહેલાં સજીવન કરાયા હતા, પણ શું ઈસુ એવું કરી શકે? (૧ રાજાઓ ૧૭:૧૭-૨૩; ૨ રાજાઓ ૪:૩૨-૩૭) ઈસુએ આજ્ઞા કરી: “જુવાન, હું તને કહું છું, ઊભો થા!” (લુક ૭:૧૪) અરે, એમ જ થયું! એ યુવાન બેઠો થયો અને બોલવા લાગ્યો. ઈસુએ એ યુવાન તેની માને સોંપ્યો, જે દંગ તો હતી, પણ તેની ખુશી સમાતી ન હતી. તે હવે એકલી ન હતી.

જ્યારે લોકોએ જોયું કે એ યુવાન સાચે જ જીવતો થયો હતો, ત્યારે તેઓએ જીવનદાતા યહોવાની સ્તુતિ કરતા કહ્યું: “મોટો પ્રબોધક આપણી વચ્ચે ઊભો કરાયો છે.” બીજા લોકોએ ઈસુએ કરેલા ચમત્કારનું મહત્ત્વ સમજતા કહ્યું: “ઈશ્વરે પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું છે.” (લુક ૭:૧૬) એ ચમત્કારની ખબર દેશમાં ચારે બાજુ ઝડપથી ફેલાઈ ગઈ; દસેક કિલોમીટર દૂર આવેલા ઈસુના વતન નાઝરેથમાં પણ એ પહોંચી હશે. અરે, એ ખબર દક્ષિણે આવેલા યહુદિયામાં પણ ફેલાઈ ગઈ.

યોહાન બાપ્તિસ્મા આપનાર હજુ પણ કેદમાં હતા. ઈસુ જે મોટાં કામો કરતા હતા, એ જાણવાની તેમને ચટપટી થતી હતી. યોહાનના શિષ્યોએ તેમને એ ચમત્કારો વિશે જણાવ્યું. એ સાંભળીને તેમણે શું કર્યું?