સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૩૨

સાબ્બાથે શું કરવું યોગ્ય છે?

સાબ્બાથે શું કરવું યોગ્ય છે?

માથ્થી ૧૨:૯-૧૪ માર્ક ૩:૧-૬ લુક ૬:૬-૧૧

  • હાથ સુકાઈ ગયેલો માણસ સાબ્બાથના દિવસે સાજો કરાય છે

બીજા એક સાબ્બાથે ઈસુ સભાસ્થાનમાં ગયા, જે કદાચ ગાલીલનું હતું. ત્યાં તેમણે જમણો હાથ સુકાઈ ગયેલા એક માણસને જોયો. (લુક ૬:૬) શાસ્ત્રીઓ અને ફરોશીઓની નજર ઈસુ પર હતી. શા માટે? તેઓએ પૂછેલા આ સવાલથી તેઓના દિલની વાત બહાર આવી: “શું સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ પ્રમાણે બરાબર છે?”—માથ્થી ૧૨:૧૦.

યહુદી ધર્મગુરુઓ માનતા કે જો જીવન જોખમમાં હોય, તો જ સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ પ્રમાણે યોગ્ય ગણાય. પણ, જો જીવન જોખમમાં ન હોય, તો સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ વિરુદ્ધ ગણાતું. જેમ કે, હાડકું બેસાડવું અથવા મચકોડાયેલા હાથ-પગ પર પાટો બાંધવો. શાસ્ત્રીઓ અને ફરોશીઓએ ઈસુ સામે એ માટે વાંધો ઉઠાવ્યો ન હતો કે તેઓને દુઃખી માણસની ચિંતા હતી. તેઓ તો ઈસુનો દોષ કાઢવાનો લાગ શોધતા હતા.

જોકે, ઈસુ તેઓની આડી-અવળી દલીલો જાણતા હતા. સાબ્બાથના દિવસે કયાં કામોની મનાઈ હતી, એ વિશે તેઓ શાસ્ત્રવચનોનો ખોટો અર્થ કાઢીને હદ બહાર જતા હતા, એ ઈસુ જાણતા હતા. (નિર્ગમન ૨૦:૮-૧૦) ઈસુએ અગાઉ પણ પોતાનાં સારાં કામો માટે ટીકા સહન કરી હતી. હવે, ઈસુએ તેઓને જવાબ આપવા માટે જાણે મંચ તૈયાર કર્યું. સુકાઈ ગયેલા હાથવાળા માણસને તેમણે કહ્યું: “ઊઠ અને અહીં વચ્ચે આવ.”—માર્ક ૩:૩.

ઈસુએ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તરફ ફરીને કહ્યું: “તમારામાં એવો કયો માણસ છે, જેની પાસે એક ઘેટું હોય અને સાબ્બાથના દિવસે એ ખાડામાં પડી જાય તો, એને પકડીને બહાર નહિ કાઢે?” (માથ્થી ૧૨:૧૧) ઘેટાની પાછળ તો પૈસાનું રોકાણ થયેલું હતું. એટલે, તેઓ એને બીજા દિવસ સુધી ખાડામાં રહેવા દેતા નહિ; કદાચ ઘેટું મરી પણ જાય અને તેઓને નુકસાન થાય. એના સિવાય શાસ્ત્રવચનો કહે છે: “નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે.”—નીતિવચનો ૧૨:૧૦.

પછી, યોગ્ય સરખામણી કરતા ઈસુએ કહ્યું: “ઘેટાં કરતાં માણસ કેટલો વધારે મૂલ્યવાન છે! એટલે, સાબ્બાથના દિવસે કંઈક સારું કરવું નિયમ પ્રમાણે બરાબર છે.” (માથ્થી ૧૨:૧૨) આમ, એ માણસને સાજો કરીને ઈસુ સાબ્બાથનો નિયમ તોડતા ન હતા. ઈસુની આવી જોરદાર અને પ્રેમાળ દલીલને ધર્મગુરુઓ ખોટી સાબિત કરી શક્યા નહિ. એટલે, તેઓ કંઈ બોલ્યા નહિ.

ઈસુ રોષે ભરાયા અને તેઓના ખોટા વિચારોથી બહુ દુઃખી થયા; તેમણે આજુબાજુ નજર કરી. પછી, તેમણે પેલા માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” (માથ્થી ૧૨:૧૩) માણસે સુકાઈ ગયેલો હાથ લાંબો કર્યો તેમ, એ સાજો થઈ ગયો! તે માણસની ખુશીનો કોઈ પાર ન હતો. પણ, ઈસુને ફસાવવા માંગતા લોકોને કેવું લાગ્યું?

માણસનો હાથ સાજો થયેલો જોઈને ખુશ થવાને બદલે, ફરોશીઓ સભાસ્થાનની બહાર ગયા અને તરત જ “હેરોદીઓ સાથે મળીને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા.” (માર્ક ૩:૬) એ રાજકીય જૂથમાં સાદુકીઓ કહેવાતા ધાર્મિક જૂથનો પણ સમાવેશ થતો હતો. મોટા ભાગે, સાદુકીઓ અને ફરોશીઓ એકબીજાના કટ્ટર દુશ્મન હતા. પણ, હવે ઈસુનો વિરોધ કરવા તેઓ એક થઈ ગયા.