સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૮૮

અમીર માણસ અને લાજરસના સંજોગો બદલાય છે

અમીર માણસ અને લાજરસના સંજોગો બદલાય છે

લુક ૧૬:૧૪-૩૧

  • અમીર માણસ અને લાજરસનું ઉદાહરણ

ધનસંપત્તિના ઉપયોગ વિશે ઈસુએ પોતાના શિષ્યોને સારી સલાહ આપી હતી. એ સલાહ સાંભળનારાઓમાં ફક્ત તેમના શિષ્યો જ ન હતા, ફરોશીઓ પણ ત્યાં હાજર હતા. તેઓએ પણ એ સલાહ દિલમાં ઉતારવાની હતી. શા માટે? કેમ કે તેઓ “પૈસાના પ્રેમી” હતા. પણ, ઈસુએ જે કહ્યું એ સાંભળીને તેઓ “તેમની મશ્કરી કરવા લાગ્યા.”—લુક ૧૫:૨; ૧૬:૧૩, ૧૪.

ઈસુએ એને ધ્યાન પર ન લેતા તેઓને કહ્યું: “તમે એવા છો જેઓ પોતાને માણસો આગળ નીતિમાન જાહેર કરો છો, પણ ઈશ્વર તમારા હૃદયો જાણે છે; કેમ કે માણસો જેને મહત્ત્વનું ગણે છે, એ ઈશ્વરની નજરમાં ધિક્કારપાત્ર છે.”—લુક ૧૬:૧૫.

લોકો વર્ષોથી ફરોશીઓને ‘મહત્ત્વના’ ગણતા હતા, પણ હવે સંજોગો એકદમ બદલાઈ જવાના હતા. ભલે તેઓ પાસે ઘણી ધનદોલત હતી, સત્તા હતી અને ધર્મનું વર્ચસ્વ હતું, પણ એ બધો દબદબો ખતમ થઈ જવાનો હતો. પણ, જેઓને ઈશ્વરની વાતોની ભૂખ હતી, એવા સામાન્ય લોકો મહત્ત્વના બનવાના હતા. એ મોટો ફેરફાર હવે થઈ રહ્યો છે, એ વિશે ઈસુએ સ્પષ્ટ જણાવતા કહ્યું:

“નિયમશાસ્ત્ર અને પ્રબોધકો યોહાન સુધી હતા; ત્યારથી ઈશ્વરના રાજ્યને ખુશખબર તરીકે જાહેર કરવામાં આવે છે અને દરેક પ્રકારની વ્યક્તિ એમાં જવા પૂરા જોશથી પ્રયત્ન કરે છે. સાચે જ, આકાશ તથા પૃથ્વી ભલે સહેલાઈથી જતા રહે, પણ નિયમશાસ્ત્રના અક્ષરની એક માત્રા પણ પૂરી થયા વગર જતી નહિ રહે.” (લુક ૩:૧૮; ૧૬:૧૬, ૧૭) ઈસુના શબ્દો કઈ રીતે બતાવતા હતા કે એ ફેરફાર થઈ રહ્યો છે?

યહુદી ધર્મગુરુઓ મુસાના નિયમશાસ્ત્રને વળગી રહેવાનો ગર્વથી દાવો કરતા હતા. યાદ કરો, જ્યારે ઈસુએ યરૂશાલેમમાં આંધળા માણસને દેખતો કર્યો, ત્યારે ફરોશીઓએ અભિમાનથી કહ્યું હતું: “અમે તો મુસાના શિષ્યો છીએ. અમને ખબર છે કે ઈશ્વરે મુસા સાથે વાત કરી હતી.” (યોહાન ૯:૧૩, ૨૮, ૨૯) મુસા દ્વારા મળેલા નિયમશાસ્ત્રનો એક હેતુ, નમ્ર લોકોને મસીહ તરફ દોરી લાવવાનો હતો. એ મસીહ ઈસુ હતા. યોહાન બાપ્તિસ્મા આપનારે ઈસુને ઈશ્વરનું ઘેટું તરીકે ઓળખાવ્યા હતા. (યોહાન ૧:૨૯-૩૪) યોહાને સેવાકાર્ય શરૂ કર્યું ત્યારથી જ નમ્ર યહુદીઓ, ખાસ કરીને ગરીબો “ઈશ્વરના રાજ્ય” વિશે સાંભળતા હતા. હા, ઈશ્વરના રાજ્યની પ્રજા બનીને એમાંથી લાભ મેળવવા માંગતા દરેક માટે એ “ખુશખબર” હતી.

મસીહ તરફ દોરી જઈને મુસાના નિયમશાસ્ત્રે એનો મકસદ પાર પાડ્યો હતો. હવે, એ પાળવાની ફરજમાંથી બધા આઝાદ હતા. દાખલા તરીકે, નિયમશાસ્ત્ર અનેક કારણોના આધાર પર વ્યક્તિને છૂટાછેડા લેવાની છૂટ આપતું હતું. પણ, હવે ઈસુએ જણાવ્યું, “જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે અને પતિથી છૂટાછેડા પામેલી સ્ત્રીને જે કોઈ પરણે છે, તે વ્યભિચાર કરે છે.” (લુક ૧૬:૧૮) દરેક બાબતમાં નિયમ બનાવવા ચાહતા ફરોશીઓ એ સાંભળીને કેટલા ગુસ્સે ભરાયા હશે!

ઈસુએ હવે એવું ઉદાહરણ આપ્યું જે મોટા પાયે બદલાતા સંજોગો પર ભાર મૂકતું હતું. એમાં બે માણસોની વાત થાય છે. તેઓનો માનમોભો કે સંજોગો પળભરમાં બદલાઈ જાય છે. ઉદાહરણ પર ધ્યાન આપો તેમ, યાદ રાખજો કે એ સાંભળનારાઓમાં પૈસાના પ્રેમી ફરોશીઓ પણ હાજર હતા, જેઓને માણસો મહત્ત્વના ગણતા હતા.

ઈસુએ કહ્યું, “એક અમીર માણસ હતો, જે જાંબુડિયા રંગનાં કીમતી કપડાં પહેરતો હતો; તે દરરોજ સુખસાહેબી માણતો હતો. પણ, લાજરસ નામના એક ભિખારીને તેના દરવાજે લાવવામાં આવતો હતો, જેનું આખું શરીર ગૂમડાંથી ભરેલું હતું અને અમીર માણસની મેજ પરથી પડતા ટુકડાથી પેટ ભરવા તે તરસતો હતો. અરે, કૂતરાં પણ આવીને તેનાં ગૂમડાં ચાટતાં.”—લુક ૧૬:૧૯-૨૧.

ફરોશીઓ પૈસાના પ્રેમી હતા, એટલે ઈસુ અહીં “અમીર માણસ” તરીકે કોની વાત કરી રહ્યા હતા, એમાં કોઈ શંકા નથી. આ યહુદી ધર્મગુરુઓને પણ મોંઘાં અને સારાં સારાં કપડાં પહેરવા ગમતા હતા. તેઓ પાસે પુષ્કળ માલમિલકત તો હતી જ, સાથે સાથે તેઓ બીજા અનેક લહાવાઓનો પણ આનંદ માણતા હતા; તેઓ પાસે અપાર તકો રહેલી હતી. ઈસુએ જણાવ્યું કે અમીર માણસે ખૂબ કીમતી જાંબુડિયાં રંગનાં કપડાં પહેર્યાં હતાં. એ ફરોશીઓની ઊંચી પદવીને અને પોતાને નેક ગણવાના તેઓના વલણને બતાવતું હતું.—દાનીયેલ ૫:૭.

આ પૈસાદાર, અભિમાની ધર્મગુરુઓ ગરીબ અને સામાન્ય લોકોને કેવા ગણતા હતા? એ ધર્મગુરુઓ તેઓને ધિક્કારતા હતા, આમહારેટ્‌સ કે માટીના માણસો ગણતા હતા. તેઓ માનતા કે આ તુચ્છ લોકોને નિયમશાસ્ત્રની કંઈ ખબર નથી અને તેઓ એ શીખવા લાયક પણ નથી. (યોહાન ૭:૪૯) તેઓની હાલત ઉદાહરણમાં જણાવેલા ‘લાજરસ નામના ભિખારી’ જેવી હતી, જે ‘અમીર માણસની મેજ પરથી પડતા ટુકડા’ ખાવા પણ આતુર હતો. જેમ લાજરસનું આખું શરીર ગૂમડાંથી ભરેલું હોવાથી તેને ધુતકારવામાં આવતો, તેમ સામાન્ય લોકોને પણ નીચા ગણવામાં આવતા. ઈશ્વરને નાપસંદ હોય, એ રીતે તેઓને જોવામાં આવતા હતા.

આવી દુઃખદ પરિસ્થિતિ થોડો સમય ચાલી. પણ, ઈસુ જાણતા હતા કે અમીર માણસ અને લાજરસ જેવા લોકોના સંજોગોમાં મોટા પાયે ફેરફાર થવાનો સમય હવે આવી ગયો છે.

અમીર માણસ અને લાજરસના સંજોગો બદલાય છે

ઈસુએ પછી તેઓના બદલાતા સંજોગો વિશે જણાવતા કહ્યું: “હવે, સમય જતાં એ ભિખારી મરણ પામ્યો અને દૂતો તેને ઈબ્રાહીમની પાસે લઈ ગયા. અમીર માણસ પણ મરણ પામ્યો અને તેને દાટવામાં આવ્યો. તે પીડાતો હતો અને તેણે કબરમાંથી નજર ઉઠાવીને દૂર ઈબ્રાહીમને જોયા અને લાજરસ તેમની પાસે હતો.”—લુક ૧૬:૨૨, ૨૩.

ઈસુનું ઉદાહરણ સાંભળનારા જાણતા હતા કે ઈબ્રાહીમ તો ક્યારના મરણ પામ્યા છે અને કબરમાં છે. શાસ્ત્ર સ્પષ્ટ જણાવે છે કે કબરમાં કોઈ વ્યક્તિ કંઈ જોઈ કે બોલી નથી શકતી, એમાં ઈબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. (સભાશિક્ષક ૯:૫, ૧૦) તો પછી, ઈસુ આ ઉદાહરણથી જે શીખવવા માંગતા હતા, એ વિશે આ ધર્મગુરુઓ શું વિચારતા હતા? સામાન્ય લોકો અને પૈસાના પ્રેમી ધર્મગુરુઓ વિશે ઈસુ શું કહી રહ્યા હતા?

ઈસુએ હજી થોડી વાર પહેલાં જ આમ કહીને ફેરફાર વિશે જણાવ્યું હતું: “નિયમશાસ્ત્ર અને પ્રબોધકો યોહાન સુધી હતા; ત્યારથી ઈશ્વરના રાજ્યને ખુશખબર તરીકે જાહેર કરવામાં આવે છે.” આમ, યોહાન અને ઈસુ ખ્રિસ્તના પ્રચારકાર્યથી લાજરસ અને અમીર માણસ જેવા લોકોના સંજોગો એકદમ બદલાઈ ગયા.

ખાસ કરીને, નમ્ર કે ગરીબ લોકો લાંબા સમયથી ઈશ્વરની વાતો શીખવા તરસતા હતા. પણ સંજોગો બદલાયા. શરૂઆતમાં યોહાન બાપ્તિસ્મા આપનારે અને પછીથી ઈસુએ તેઓને ઈશ્વરના રાજ્યની ખુશખબર આપી અને તેઓએ ખુશી ખુશી એનો સ્વીકાર કર્યો. અગાઉ તેઓએ ઈશ્વરની વાતો શીખવા જાણે ધર્મગુરુઓની ‘મેજ પરથી પડતા ટુકડા’ પર આધાર રાખવો પડતો હતો. હવે, તેઓને શાસ્ત્રની વાતોની મિજબાની મળી રહી હતી! એમાંય ખાસ તો ઈસુ પોતે તેઓને અદ્‍ભુત બાબતો શીખવી રહ્યા હતા. આ રીતે, તેઓ ઈશ્વર યહોવાની નજરે મહત્ત્વના બન્યા હતા.

યોહાને જાહેર કરેલો અને ઈસુએ આખા પ્રદેશમાં ફેલાવેલો સંદેશો ધનવાન અને વગદાર ધર્મગુરુઓએ સ્વીકાર્યો નહિ. (માથ્થી ૩:૧, ૨; ૪:૧૭) તેઓ તો એ સંદેશો સાંભળીને ગુસ્સે થઈ ગયા અથવા હેરાન પરેશાન થવા લાગ્યા. એ સંદેશો ઈશ્વર તરફથી આવનાર વિનાશક ન્યાયચુકાદાને બતાવતો હતો. (માથ્થી ૩:૭-૧૨) ઈસુ અને તેમના શિષ્યો ઈશ્વરનો સંદેશો જણાવવાનું છોડી દે, તો જ પૈસાના પ્રેમી ધર્મગુરુઓને શાંતિ મળવાની હતી. એ ધર્મગુરુઓ ઉદાહરણમાંના અમીર માણસ જેવા હતા, જેણે કહ્યું: “પિતા ઈબ્રાહીમ, મારા પર દયા કરો અને લાજરસને મોકલો, જેથી તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભ ઠંડી કરે, કેમ કે હું આ ધગધગતી આગમાં પીડાઈ રહ્યો છું.”—લુક ૧૬:૨૪.

પણ, તેઓ ચાહતા હતા એવું થયું નહિ. મોટા ભાગના ધર્મગુરુઓ બદલાવા માંગતા ન હતા. તેઓએ ‘મુસા અને પ્રબોધકોનું સાંભળવાની’ ના પાડી કે, જેઓનાં લખાણોની મદદથી તેઓ ઈસુને ઈશ્વરના મસીહ અને રાજા તરીકે સ્વીકારી શકતા હતા. (લુક ૧૬:૨૯, ૩૧; ગલાતીઓ ૩:૨૪) તેઓ નમ્ર બન્યા નહિ. ઈસુનો સ્વીકાર કરીને ઈશ્વરની કૃપા પામનાર ગરીબોને જોઈને પણ તેઓ કંઈ શીખ્યા નહિ. બીજી તરફ, ઈસુના શિષ્યોએ ધર્મગુરુઓને ખુશ કરવા કે તેઓને શાંત કરવા સત્યના સંદેશામાં કોઈ તડજોડ કરી નહિ. એ હકીકત ‘પિતા ઈબ્રાહીમે’ અમીર માણસને જણાવેલા આ શબ્દોમાં જોવા મળે છે:

“દીકરા, યાદ કર, તેં જીવનભર સારી વસ્તુઓની મજા માણી છે, પણ લાજરસને ભાગે ખરાબ વસ્તુઓ આવી હતી. જોકે હવે, તેને અહીં દિલાસો આપવામાં આવે છે, પણ તું પીડાઈ રહ્યો છે. અને આ બધા સિવાય, અમારી અને તારી વચ્ચે મોટી ખાઈ રાખવામાં આવી છે; એટલે, જેઓ અહીંથી તારી બાજુ જવા ચાહે તેઓ જઈ શકતા નથી કે પછી ત્યાંથી લોકો અમારી બાજુ આવી શકતા નથી.”—લુક ૧૬:૨૫, ૨૬.

કેવો મોટો ફેરફાર! એમ થવું જરૂરી હતું. અભિમાની ધર્મગુરુઓ અને ઈસુની ઝૂંસરી સ્વીકારનાર નમ્રજનો ના જીવનમાં રાતોરાત સંજોગો બદલાઈ ગયા હતા. નમ્ર જનોને છેવટે સુખ મળ્યું હતું અને તેઓની ભક્તિની ભૂખ સંતોષાઈ હતી. (માથ્થી ૧૧:૨૮-૩૦) થોડા મહિનાઓ પછી નિયમ કરારને બદલે નવો કરાર અસ્તિત્વમાં આવ્યો ત્યારે, આ ફેરફાર વધારે સ્પષ્ટ દેખાઈ આવ્યો. (યિર્મેયા ૩૧:૩૧-૩૩; કોલોસીઓ ૨:૧૪; હિબ્રૂઓ ૮:૭-૧૩) ઈસવીસન ૩૩માં પચાસમા દિવસે ઈશ્વરે પવિત્ર શક્તિ રેડી ત્યારે, એ એકદમ સ્પષ્ટ થઈ ગયું કે ઈશ્વરની કૃપા ફરોશીઓ અને ધર્મગુરુઓ પર નહિ, પણ ઈસુના શિષ્યો પર હતી.