સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૯૭

દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણ

દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણ

માથ્થી ૨૦:૧-૧૬

  • દ્રાક્ષાવાડીના ‘છેલ્લા’ મજૂરો ‘પહેલા’ થાય છે

ઈસુએ પેરીઆમાં લોકોને થોડી વાર પહેલાં જ કહ્યું હતું કે, “ઘણા જેઓ પહેલા છે, તેઓ છેલ્લા અને છેલ્લા છે તેઓ પહેલા થશે.” (માથ્થી ૧૯:૩૦) એ વાત સમજાવવા તેમણે દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણ આપ્યું:

“સ્વર્ગનું રાજ્ય એક ઘરમાલિક જેવું છે, જે વહેલી સવારે બહાર જઈને પોતાની દ્રાક્ષાવાડી માટે મજૂરો લેવા ગયો. તેણે મજૂરો સાથે દિવસનો એક દીનાર નક્કી કર્યા પછી, તેઓને પોતાની દ્રાક્ષાવાડીમાં મોકલ્યા. સવારે આશરે નવ વાગ્યે તે ફરી બહાર ગયો ત્યારે, તેણે બજારમાં બીજા મજૂરોને બેકાર ઊભેલા જોયા; તેણે તેઓને કહ્યું, ‘તમે દ્રાક્ષાવાડીમાં જાવ અને જે વાજબી હશે એ હું તમને આપીશ.’ એટલે તેઓ ગયા. બપોરે આશરે બાર વાગ્યે અને આશરે ત્રણ વાગ્યે તે ફરીથી બહાર ગયો અને એવું જ કર્યું. આખરે, સાંજે લગભગ પાંચ વાગ્યે તે બહાર ગયો અને બીજાઓને ઊભેલા જોયા; તેણે તેઓને પૂછ્યું, ‘તમે અહીં આખો દિવસ બેકાર કેમ ઊભા રહ્યા છો?’ તેઓએ જવાબ આપ્યો, ‘અમને કોઈએ મજૂરીએ રાખ્યા નથી એ માટે.’ તેણે તેઓને કહ્યું, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’”—માથ્થી ૨૦:૧-૭.

ઈસુએ જ્યારે “સ્વર્ગનું રાજ્ય” અને “ઘરમાલિક” જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો, ત્યારે લોકોને લાગ્યું કે તે યહોવા ઈશ્વરની વાત કરી રહ્યા હતા. બાઇબલમાં ઇઝરાયેલ પ્રજાને દ્રાક્ષાવાડી તરીકે અને યહોવાને એના માલિક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. (ગીતશાસ્ત્ર ૮૦:૮, ૯; યશાયા ૫:૩, ૪) નિયમ કરારનો ભાગ હતા તેઓને દ્રાક્ષાવાડીના મજૂરો તરીકે દર્શાવવામાં આવ્યા છે. પણ ઈસુ અહીંયા જૂના જમાનાની વાત કરતા ન હતા. તે પોતાના સમયની વાત કરી રહ્યા હતા.

ફરોશીઓએ હાલમાં જ છૂટાછેડાના વિષય પર ઈસુની પરીક્ષા કરી હતી. એ ફરોશીઓ જેવા ધર્મગુરુઓની ફરજ હતી કે તેઓ ઈશ્વરની સેવામાં સતત મહેનત કરે. તેઓ આખો દિવસ કામ કરતા મજૂરો જેવા હતા, જેઓ પૂરી મજૂરી લેવાની આશા રાખતા હતા. એક દિવસની મજૂરી એક દીનાર હતી.

યાજકો અને એ વર્ગના બીજા સભ્યો, સામાન્ય યહુદીઓને એવા ઈશ્વરભક્તો ગણતા હતા, જેઓ ભક્તિમાં થોડું જ કરતા હોય. તેઓ ઈશ્વરની દ્રાક્ષાવાડીમાં થોડા જ કલાકો કામ કરતા હોય, એવા ગણતા હતા. ઈસુના ઉદાહરણમાં આવા મજૂરોને સવારે “આશરે નવ વાગ્યે” અથવા બપોરે બાર, ત્રણ કે પાંચ વાગ્યે કામ પર રાખવામાં આવ્યા હતા.

ઈસુને અનુસરતા સામાન્ય લોકોને “શાપિત” ગણવામાં આવતા. (યોહાન ૭:૪૯) તેઓએ મોટા ભાગનું જીવન માછીમારી કે મજૂરીમાં વિતાવ્યું હતું. પછી, ઈસવીસન ૨૯ની પાનખરમાં “દ્રાક્ષાવાડીના માલિકે” ઈસુને મોકલ્યા, જેથી તુચ્છ ગણાતા આ લોકોને ખ્રિસ્તના શિષ્યો તરીકે ઈશ્વરની વાડીમાં કામ કરવા બોલાવી શકે. તેઓ “છેલ્લા” હતા, જેઓને સાંજના પાંચ વાગ્યે દ્રાક્ષાવાડીમાં કામ કરવા બોલાવવામાં આવ્યા.

પછી, દિવસને અંતે શું થયું એ જણાવતા ઈસુએ ઉદાહરણ પૂરું કર્યું: “જ્યારે સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીના માલિકે પોતાના કારભારીને કહ્યું, ‘મજૂરોને બોલાવ અને છેલ્લાથી શરૂ કરીને પહેલા સુધીને તેઓની મજૂરી ચૂકવી દે.’ પાંચ વાગ્યે કામે રાખેલા મજૂરો આવ્યા ત્યારે, તેઓ દરેકને એક-એક દીનાર મળ્યો. એટલે, જ્યારે પહેલા મજૂરો આવ્યા ત્યારે તેઓએ ધાર્યું કે પોતાને વધારે મળશે; પરંતુ, તેઓને પણ એક દીનાર મજૂરી ચૂકવવામાં આવી. એ લીધા પછી, તેઓ ઘરમાલિક સાથે કચકચ કરવા લાગ્યા અને કહ્યું: ‘આ છેલ્લા મજૂરોએ તો ફક્ત એક જ કલાક કામ કર્યું છે; તોપણ તમે તેઓને અમારા સરખા ગણ્યા, અમે તો ધોમધખતો તાપ સહન કર્યો અને આખો દિવસ સખત મહેનત કરી!’ પરંતુ, તેઓમાંના એકને જવાબ આપતા માલિકે કહ્યું, ‘મિત્ર, હું તને કંઈ અન્યાય નથી કરતો. તેં મારી સાથે એક દીનાર નક્કી કર્યો હતો, બરાબર ને? તારી મજૂરી લે અને જા. હું આ છેલ્લાને પણ તારા જેટલું જ આપવા ચાહું છું. મારા પૈસા મારી મરજીથી વાપરવાનો મને હક નથી શું? કે પછી હું ભલાઈથી વર્તું છું એની તને અદેખાઈ આવે છે?’ આ રીતે જેઓ છેલ્લા તેઓ પહેલા અને પહેલા તેઓ છેલ્લા થશે.”—માથ્થી ૨૦:૮-૧૬.

ઉદાહરણનો અંત ભાગ સાંભળીને ઈસુના શિષ્યોને નવાઈ લાગી હશે. પોતાને “પહેલા” સમજતા યહુદી ધર્મગુરુઓ કઈ રીતે “છેલ્લા” થશે? અને ઈસુના શિષ્યો કઈ રીતે “પહેલા” થશે?

ઈસુના શિષ્યોને ફરોશીઓ અને બીજાઓ “છેલ્લા” ગણતા હતા, પણ પૂરી મજૂરી મેળવવા માટે તેઓ “પહેલા” થવાના હતા. ઈસુના મરણ પછી, ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાનો નકાર કર્યો અને સમય જતાં નવી પ્રજા, “ઈશ્વરનું ઇઝરાયેલ” પસંદ કરી. (ગલાતીઓ ૬:૧૬; માથ્થી ૨૩:૩૮) બાપ્તિસ્મા આપનાર યોહાને જ્યારે કહ્યું હતું કે પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપવામાં આવશે, ત્યારે તે આ નવી પ્રજાની વાત કરી રહ્યા હતા. જેઓ “છેલ્લા” હતા તેઓને એ પ્રકારનું બાપ્તિસ્મા પહેલા મળવાનું હતું. “પૃથ્વીના છેડા સુધી” ઈસુના સાક્ષીઓ થવાનો તેઓને લહાવો મળવાનો હતો. (પ્રેરિતોનાં કાર્યો ૧:૫, ૮; માથ્થી ૩:૧૧) શિષ્યો સમજી શક્યા કે ઈસુ કેવા મોટા ફેરફારની વાત કરી રહ્યા છે. સાથે સાથે તેઓ એ પણ જોઈ શક્યા કે “છેલ્લા” થયેલા ધર્મગુરુઓ તરફથી તેઓએ પુષ્કળ વિરોધ સહેવો પડશે.