સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૯૧

લાજરસને સજીવન કરવામાં આવે છે

લાજરસને સજીવન કરવામાં આવે છે

યોહાન ૧૧:૩૮-૫૪

  • લાજરસને સજીવન કરવામાં આવે છે

  • યહુદી ન્યાયસભા ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડે છે

બેથનિયા પાસે માર્થા અને મરિયમને ઈસુ મળ્યા પછી, તેઓ બધા લાજરસની કબરે ગયા. એ કબર એક ગુફા હતી, જેના પર પથ્થર મૂકેલો હતો. ઈસુએ સૂચના આપી: “પથ્થર ખસેડો.” ઈસુ શું કરવા માંગતા હતા, એ વિશે માર્થા સમજી ન હોવાથી તેણે કહ્યું: “પ્રભુ, હવે તો તેની લાશ ગંધાતી હશે, કેમ કે તેના મરણને ચાર દિવસ થઈ ગયા છે.” પણ, ઈસુએ તેને કહ્યું: “શું મેં તને જણાવ્યું ન હતું કે તું શ્રદ્ધા રાખશે તો ઈશ્વરનો મહિમા જોશે?”—યોહાન ૧૧:૩૯, ૪૦.

એટલે, પથ્થર ખસેડવામાં આવ્યો. પછી, ઈસુએ ઉપર નજર કરીને પ્રાર્થના કરી: “હે પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારું સાંભળ્યું છે. મને ખબર છે કે તમે હંમેશાં મારું સાંભળો છો; પણ, અહીં ઊભેલા ટોળાને લીધે મેં એમ કહ્યું, જેથી તેઓ ભરોસો કરે કે તમે મને મોકલ્યો છે.” ઈસુએ જાહેરમાં પ્રાર્થના કરી, જેથી ત્યાં હાજર લોકોને ખબર પડે કે ઈશ્વરની શક્તિથી તે કંઈક કરવા જઈ રહ્યા છે. પછી, ઈસુ મોટેથી પોકારી ઊઠ્યા: “લાજરસ, બહાર આવ!” અને લાજરસ બહાર આવ્યો! તેના હાથ-પગ પર હજી કપડાં વીંટાળેલા હતા અને તેના ચહેરા પર કપડું વીંટાળેલું હતું. ઈસુએ કહ્યું: “તેના બંધન છોડી નાખો અને તેને જવા દો.”—યોહાન ૧૧:૪૧-૪૪.

મરિયમ અને માર્થાને દિલાસો આપવા આવેલા ઘણા યહુદીઓએ આ ચમત્કાર જોયો. તેઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી. પણ, બીજાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ફરોશીઓ પાસે જઈને ઈસુએ કરેલા ચમત્કાર વિશે જણાવ્યું. ફરોશીઓ અને મુખ્ય યાજકોએ ન્યાયસભા બોલાવી, જે યહુદીઓની ઉચ્ચ અદાલત હતી. એમાં પ્રમુખ યાજક કાયાફાસ પણ હતો. એ સભામાં અમુકે બળાપો કાઢતા કહ્યું: “આપણે શું કરીએ, કેમ કે આ માણસ તો ઘણા ચમત્કારો કરે છે? જો આપણે તેને આમ ને આમ કરવા દઈશું, તો બધા લોકો તેનામાં શ્રદ્ધા મૂકશે અને રોમનો આવીને આપણી જગ્યા તથા આપણી પ્રજા બંને છીનવી લેશે.” (યોહાન ૧૧:૪૭, ૪૮) ઈસુ “ઘણા ચમત્કારો” કરે છે, એવું નજરે જોનાર સાક્ષીઓ પાસેથી ફરોશીઓએ સાંભળ્યું હતું. તોપણ, તેઓને ખુશી ન હતી કે ઈસુ દ્વારા ઈશ્વર ચમત્કારો કરે છે. તેઓને બસ પોતાની પદવીની અને અધિકારની જ પડી હતી.

સાદુકીઓ માનતા ન હતા કે મરણ પામેલી વ્યક્તિ સજીવન થઈ શકે. એટલે, લાજરસને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો ત્યારે, તેઓની માન્યતાનો છેદ સાવ ઊડી ગયો. પછી, કાયાફાસ જે એક સાદુકી હતો, તે બોલી ઊઠ્યો: “તમને કંઈ જ ખબર પડતી નથી. તમે વિચારતા નથી કે આખી પ્રજા નાશ પામે, એના કરતાં લોકો માટે એક માણસ મરણ પામે, એ તમારા ફાયદામાં છે.”—યોહાન ૧૧:૪૯, ૫૦; પ્રેરિતોનાં કાર્યો ૫:૧૭; ૨૩:૮.

કાયાફાસ પ્રમુખ યાજક હોવાથી ઈશ્વરે તેની પાસે આ વાત બોલાવડાવી હતી. “આ વાત તે પોતાની મરજીથી બોલ્યો ન હતો.” કાયાફાસ એમ કહેવા માંગતો હતો કે યહુદી ધર્મગુરુઓની સત્તા અને પ્રભાવને ઈસુ વધારે નુકસાન પહોંચાડે એ પહેલાં, તેમને મારી નાખવા જોઈએ. પરંતુ, તેણે કરેલી ભવિષ્યવાણી એ હકીકત તરફ ધ્યાન દોરતી હતી કે ઈસુ પોતાના મરણથી ફક્ત યહુદીઓ માટે જ નહિ, પણ “ઈશ્વરનાં વિખેરાયેલાં બાળકો” માટે પણ છુટકારાની કિંમત ચૂકવશે.—યોહાન ૧૧:૫૧, ૫૨.

કાયાફાસની વાત યહુદી ન્યાયસભાને ગળે ઊતરી ગઈ અને તેઓએ ઈસુને મારી નાખવા કાવતરું ઘડ્યું. ન્યાયસભાનો સભ્ય નિકોદેમસ ઈસુ માટે લાગણી ધરાવતો હતો. કદાચ, તેણે આ કાવતરા વિશે ઈસુને જણાવ્યું હોય. હકીકત ગમે એ હોય, પણ ઈશ્વરે નક્કી કરેલા સમય પહેલાં પોતે મરણ ન પામે એ માટે ઈસુ તરત યરૂશાલેમ છોડીને ચાલ્યા ગયા.