સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૭૧

દેખતા થયેલા માણસને ફરોશીઓ ધમકાવે છે

દેખતા થયેલા માણસને ફરોશીઓ ધમકાવે છે

યોહાન ૯:૧૯-૪૧

  • દેખતા થયેલા માણસને ફરોશીઓ ધમકાવે છે

  • ધર્મગુરુઓ “આંધળા” છે

જન્મથી આંધળા માણસને ઈસુએ દેખતો કર્યો, એ માનવા ફરોશીઓ તૈયાર ન હતા. એટલે, તેઓએ એ માણસનાં માબાપને બોલાવ્યા. માબાપ જાણતા હતા કે તેઓને ‘સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં’ આવી શકે. (યોહાન ૯:૨૨) યહુદીઓમાંથી આ રીતે કાઢી મૂકવામાં આવે તો, સમાજમાં અને પૈસેટકે ઘણી મોટી તકલીફો ઊભી થતી.

ફરોશીઓએ બે સવાલો પૂછ્યા: “શું આ તમારો દીકરો છે, જેના વિશે તમે કહો છો કે તે જન્મથી આંધળો હતો? તો પછી, હવે તે કઈ રીતે જોઈ શકે છે?” જવાબમાં માબાપે કહ્યું: “અમે જાણીએ છીએ કે આ અમારો દીકરો છે અને તે જન્મથી આંધળો હતો. પરંતુ, અમે એ જાણતા નથી કે હવે તે કઈ રીતે દેખતો થયો; અમે એ પણ જાણતા નથી કે તેને કોણે દેખતો કર્યો.” ખરું કે, કદાચ તેઓના દીકરાએ એ વિશે જણાવ્યું હશે, પણ માબાપ બહુ સમજી-વિચારીને જવાબ આપતા હતા. તેઓએ કહ્યું: “તેને જ પૂછો. તે પુખ્ત ઉંમરનો છે. તે જ પોતાના માટે જવાબ આપશે.”—યોહાન ૯:૧૯-૨૧.

તેથી, ફરોશીઓએ પેલા માણસને પાછો બોલાવ્યો. તેઓ પાસે ઈસુ વિરુદ્ધ પુરાવો છે, એવો દાવો કરીને તેને ડરાવ્યો. તેઓએ પૂછ્યું: “ઈશ્વરની આગળ સાચું બોલ; અમે જાણીએ છીએ કે એ માણસ પાપી છે.” દેખતા થયેલા માણસે તેઓની વાત ઉડાવી દેતા જવાબ આપ્યો: “તે પાપી છે કે નહિ, એ હું નથી જાણતો.” પછી, તેણે કહ્યું: “હું તો એટલું જાણું છું કે હું આંધળો હતો, પણ હવે જોઈ શકું છું.”—યોહાન ૯:૨૪, ૨૫.

પરંતુ, ફરોશીઓ નમતું જોખવા તૈયાર ન હતા. તેઓએ પૂછ્યું: “તેણે તને શું કર્યું? તેણે તને કઈ રીતે દેખતો કર્યો?” એ માણસે હિંમત ભેગી કરીને જવાબ આપ્યો: “મેં તમને જણાવ્યું તો ખરું, છતાં તમે સાંભળ્યું નહિ. તમે કેમ પાછું સાંભળવા માંગો છો? તમે પણ તેમના શિષ્યો બનવા ચાહો છો કે શું?” ગુસ્સાથી ભડકી ઊઠેલા ફરોશીઓએ આરોપ મૂક્યો: “તું એ માણસનો શિષ્ય છે, અમે તો મુસાના શિષ્યો છીએ. અમને ખબર છે કે ઈશ્વરે મુસા સાથે વાત કરી હતી, પણ આ માણસ ક્યાંથી આવ્યો છે, એની અમને ખબર નથી.”—યોહાન ૯:૨૬-૨૯.

દંગ રહી ગયેલા ભિખારીએ કહ્યું: “આ તો ખરેખર નવાઈની વાત કહેવાય! તેમણે મને દેખતો કર્યો તોપણ તમે જાણતા નથી કે તે ક્યાંથી આવ્યા છે.” ઈશ્વર કોનું સાંભળે છે અને કોનું નથી સાંભળતા, એ વિશે તેણે જોરદાર દલીલ કરી: “આપણે જાણીએ છીએ કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી, પણ જો કોઈ ઈશ્વરનો ડર રાખે અને તેમની ઇચ્છા પૂરી કરે, તો ઈશ્વર તેનું સાંભળે છે. એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે જન્મથી આંધળા માણસને કોઈએ દેખતો કર્યો હોય.” છેવટે, તેણે કહ્યું: “જો તે ઈશ્વર પાસેથી આવ્યા ન હોત, તો કંઈ જ કરી શક્યા ન હોત.”—યોહાન ૯:૩૦-૩૩.

ભિખારીની દલીલનો ફરોશીઓ કોઈ જવાબ આપી ન શક્યા. તેઓએ તેનું અપમાન કર્યું: “તું તો પૂરેપૂરો પાપમાં જન્મેલો છે અને પાછો અમને શીખવે છે?” પછી, તેઓએ તેને કાઢી મૂક્યો.—યોહાન ૯:૩૪.

જે બન્યું એની ઈસુને ખબર પડવાથી, તેમણે પેલા માણસને શોધી કાઢીને પૂછ્યું: “શું તું માણસના દીકરા પર શ્રદ્ધા મૂકે છે?” દેખતા થયેલા માણસે પૂછ્યું: “સાહેબ, મને કહો કે તે કોણ છે, જેથી હું તેમના પર શ્રદ્ધા મૂકું?” તેને કોઈ શંકા ન રહે, એ માટે ઈસુએ કહ્યું: “તેં તેને જોયો છે અને હમણાં તારી સાથે વાત કરનાર તે જ છે.”—યોહાન ૯:૩૫-૩૭.

માણસે કહ્યું: “પ્રભુ, હું તેમનામાં શ્રદ્ધા મૂકું છું.” તેણે ઈસુની આગળ ઘૂંટણે પડીને શ્રદ્ધા અને આદર બતાવ્યાં. પછી, ઈસુએ વિચારવા જેવી વાત કહી: “હું આ ન્યાયચુકાદો આપવા દુનિયામાં આવ્યો છું, જેથી જેઓ આંધળા છે તેઓ જોઈ શકે અને જેઓ જુએ છે તેઓ આંધળા થાય.”—યોહાન ૯:૩૮, ૩૯.

ત્યાં હાજર ફરોશીઓ જાણતા હતા કે પોતે આંધળા ન હતા. પરંતુ, ભક્તિ વિશે માર્ગદર્શન આપવાની તેઓની જવાબદારી વિશે શું? તેઓએ પોતાનો બચાવ કરતા પૂછ્યું: “શું અમે પણ આંધળા છીએ?” ઈસુએ કહ્યું: “તમે આંધળા હોત તો, તમારામાં કોઈ પાપ ન હોત. પણ, હવે તમે કહો છો કે, ‘અમે જોઈએ છીએ,’ એ માટે તમારું પાપ કાયમ રહે છે.” (યોહાન ૯:૪૦, ૪૧) જો તેઓ ઇઝરાયેલના ધર્મગુરુઓ ન હોત અને તેઓએ ઈસુને મસીહ તરીકે ન સ્વીકાર્યા હોત, તો અલગ વાત હતી. પરંતુ, તેઓને નિયમશાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં ઈસુને સ્વીકાર્યા નહિ, એ મોટું પાપ હતું.