પ્રકરણ ૬૮
ઈશ્વરનો દીકરો “દુનિયાનો પ્રકાશ” છે
-
ઈસુએ સમજાવ્યું કે દીકરો કોણ છે
-
યહુદીઓ કઈ રીતે ગુલામ હતા?
માંડવાના તહેવારના છેલ્લા, સાતમા દિવસે ઈસુ મંદિરમાં જ્યાં “દાન-પેટીઓ” હતી, એ ભાગમાં શીખવતા હતા. (યોહાન ૮:૨૦; લુક ૨૧:૧) દાન-પેટીઓ મંદિરના એ ભાગમાં હતી, જે સ્ત્રીઓનો ભાગ કહેવાતો. લોકો ત્યાં દાન કરવા આવતા.
તહેવાર દરમિયાન રાતના સમયે મંદિરના એ ભાગમાં ઘણો પ્રકાશ જોવા મળતો. ત્યાં ચાર મોટી દીવીઓ હતી, જેમાં તેલ ભરી શકાય એમ હતું. દીવીઓનો પ્રકાશ એટલો બધો હતો કે રાત્રે દૂર દૂર સુધી દેખાતો. ઈસુએ હવે જે કહ્યું, એનાથી તેમના સાંભળનારાઓને કદાચ દીવીનો પ્રકાશ યાદ આવ્યો હશે: “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મારે પગલે ચાલે છે, તે કદીયે અંધકારમાં ચાલશે નહિ, પણ જીવનનો પ્રકાશ મેળવશે.”—યોહાન ૮:૧૨.
ઈસુએ જે કહ્યું એનો ફરોશીઓએ વાંધો ઉઠાવ્યો: “તું પોતાના વિશે સાક્ષી આપે છે; તારી સાક્ષી સાચી નથી.” જવાબમાં ઈસુએ કહ્યું: “હું મારા પોતાના વિશે સાક્ષી આપું તોપણ મારી સાક્ષી સાચી છે, કારણ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, એની મને ખબર છે. પણ, તમે નથી જાણતા કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું.” તેમણે આગળ કહ્યું: “તમારા પોતાના નિયમશાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે, ‘બે માણસોની સાક્ષી સાચી છે.’ હું મારા પોતાના વિશે સાક્ષી આપું છું અને મને મોકલનાર પિતા પણ મારા વિશે સાક્ષી આપે છે.”—યોહાન ૮:૧૩-૧૮.
ઈસુની વાત ન સ્વીકારતા ફરોશીઓએ કહ્યું: “તારા પિતા ક્યાં છે?” ઈસુએ સીધો જવાબ આપ્યો: “તમે નથી મને જાણતા કે નથી મારા પિતાને. જો તમે મને જાણતા હોત, તો તમે મારા પિતાને પણ જાણતા હોત.” (યોહાન ૮:૧૯) ફરોશીઓ ઈસુને પકડવા માંગતા હતા, તોપણ કોઈ એમ કરી શક્યું નહિ.
ઈસુએ ફરીથી કહ્યું: “હું જાઉં છું અને તમે મને શોધશો અને તમે તમારા પાપમાં મરણ પામશો. હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.” યહુદીઓ ઈસુના શબ્દો ખોટી રીતે સમજ્યા અને વિચારવા લાગ્યા: “શું તે આપઘાત યોહાન ૮:૨૧-૨૩.
કરવાનો છે? કેમ કે તે કહે છે, ‘હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.’” ઈસુ ક્યાંથી આવ્યા હતા એ જાણતા ન હોવાથી, તેમના કહેવાનો અર્થ તેઓ સમજ્યા નહિ. ઈસુએ કહ્યું: “તમે નીચેના છો અને હું ઉપરનો છું. તમે આ દુનિયાના છો; હું આ દુનિયાનો નથી.”—ઈસુ એ વિશે વાત કરતા હતા કે પૃથ્વી પર આવ્યા પહેલાં, તે સ્વર્ગમાં જીવતા હતા. તેમ જ, પોતે વચન આપેલા મસીહ અથવા ખ્રિસ્ત છે, જેની ધર્મગુરુઓએ રાહ જોવાની હતી. જોકે, તેઓએ તિરસ્કારથી પૂછ્યું: “તું છે કોણ?”—યોહાન ૮:૨૫.
ઈસુએ એનો વળતો જવાબ આપ્યો: “હું તમારી સાથે વાત કરીને મારો સમય શું કામ બગાડું છું?” તોપણ, તેમણે તેઓનું ધ્યાન પિતા તરફ દોર્યું અને સમજાવ્યું કે યહુદીઓએ કેમ દીકરાનું સાંભળવું જોઈએ: “મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી જે કંઈ મેં સાંભળ્યું છે, એ જ હું દુનિયાને જણાવું છું.”—યોહાન ૮:૨૫, ૨૬.
પછી, ઈસુએ પિતામાં જેવો ભરોસો બતાવ્યો, એવો ભરોસો યહુદીઓને ન હતો: “તમે માણસના દીકરાને વધસ્તંભે જડશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું; અને હું મારી પોતાની રીતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ આ બધી વાતો કહું છું. મને મોકલનાર મારી સાથે છે; તેમણે મને એકલો મૂકી દીધો નથી, કારણ કે હું હંમેશાં એવાં જ કામો કરું છું જે તેમને પસંદ છે.”—યોહાન ૮:૨૮, ૨૯.
જોકે, અમુક યહુદીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી. તેથી, ઈસુએ તેઓને કહ્યું: “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.”—યોહાન ૮:૩૧, ૩૨.
આઝાદ થવાની વાત અમુકને કંઈ જુદી જ લાગી. તેઓએ વાંધો ઉઠાવ્યો: “અમે ઈબ્રાહીમના વંશજો છીએ અને કદી પણ કોઈના ગુલામ બન્યા નથી. તો પછી તું કેમ કહે છે કે, ‘તમે આઝાદ થશો’?” યહુદીઓ જાણતા હતા કે પોતે ઘણી વાર બીજી પ્રજાઓના શાસન નીચે હતા. તોપણ, તેઓએ ગુલામ ગણાવાની ના પાડી. ઈસુએ તેઓને જણાવ્યું કે તેઓ હજી ગુલામ હતા: “હું તમને સાચે જ કહું છું, જે કોઈ પાપ કરે છે, તે પાપનો ગુલામ છે.”—યોહાન ૮:૩૩, ૩૪.
પાપના ગુલામ ન હોવાનો દાવો કરીને યહુદીઓ જોખમમાં મૂકાયા હતા. ઈસુએ સમજાવ્યું: “માલિકના ઘરમાં ગુલામ કાયમ નથી રહેતો, પણ દીકરો કાયમ રહે છે.” (યોહાન ૮:૩૫) ગુલામ પાસે વારસો મેળવવાનો કોઈ હક નથી અને તેને કોઈ પણ સમયે કાઢી મૂકવામાં આવી શકે. ફક્ત કુટુંબમાં જન્મેલો કે દત્તક લીધેલો દીકરો જ ઘરમાં “કાયમ”, એટલે કે જીવે ત્યાં સુધી રહે છે.
એટલે, દીકરા વિશેનું સત્ય જ લોકોને પાપ અને મરણમાંથી આઝાદ કરવાનું હતું. ઈસુએ કહ્યું: “જો દીકરો તમને આઝાદ કરે, તો તમે ખરેખર આઝાદ થશો.”—યોહાન ૮:૩૬.