સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૭૩

એક સમરૂની ખરો પડોશી સાબિત થાય છે

એક સમરૂની ખરો પડોશી સાબિત થાય છે

લુક ૧૦:૨૫-૩૭

  • હંમેશ માટેના જીવનનો વારસો કઈ રીતે મેળવવો?

  • સમરૂની ખરો પડોશી બને છે

ઈસુ હજી યરૂશાલેમ નજીક હતા ત્યારે, અનેક યહુદીઓ તેમની પાસે આવ્યા. અમુક તેમની પાસેથી શીખવા માંગતા હતા અને બીજાઓ તેમની કસોટી કરવા ચાહતા હતા. તેઓમાંથી નિયમશાસ્ત્રના એક પંડિતે પૂછ્યું: “ગુરુજી, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”—લુક ૧૦:૨૫.

ઈસુ જાણતા હતા કે એ માણસને ફક્ત માહિતી જોઈતી ન હતી. કદાચ તે ઈસુ પાસેથી એવો જવાબ કઢાવવા ચાહતો હતો, જેનાથી યહુદીઓ ગુસ્સે થાય. ઈસુએ જોયું કે આ માણસ મનમાં કંઈક નક્કી કરીને આવ્યો હતો. તેથી, ઈસુએ સમજી-વિચારીને એવો જવાબ આપ્યો, જેથી તેના મનની વાત બહાર આવે.

ઈસુએ પૂછ્યું: “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તને શું સમજણ પડી?” એ માણસે નિયમશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોવાથી, એના આધારે જવાબ આપ્યો. તેણે પુનર્નિયમ ૬:૫ અને લેવીય ૧૯:૧૮માંથી જવાબ આપ્યો: “‘તારા ઈશ્વર યહોવાને તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા બળથી અને તારા પૂરા મનથી પ્રેમ કર’ તથા ‘તું પોતાના પર રાખે છે એવો પ્રેમ પડોશી પર રાખ.’” (લુક ૧૦:૨૬, ૨૭) શું એ જ જવાબ હતો?

ઈસુએ માણસને કહ્યું: “તેં ખરું કહ્યું; એમ કરતો રહેજે અને તને જીવન મળશે.” શું એનાથી ચર્ચાનો અંત આવ્યો? એ માણસ સીધેસીધો જવાબ ચાહતો ન હતો. તે “પોતાને ન્યાયી ઠરાવવા” અને તેના વિચારો ખરા છે, એવું ઈસુના મોઢેથી બોલાવવા ચાહતો હતો. એનાથી તે બીજાઓ સાથેનો પોતાનો વહેવાર યોગ્ય છે, એ પુરવાર કરવા માંગતો હતો. તેથી, તેણે પૂછ્યું: “મારો પડોશી ખરેખર કોણ છે?” (લુક ૧૦:૨૮, ૨૯) એ સાદા સવાલ પાછળ ઊંડો અર્થ રહેલો હતો. કઈ રીતે?

યહુદીઓ માનતા હતા કે જેઓ યહુદી રિવાજો પાળતા હોય, તેઓને જ “પડોશી” શબ્દ લાગુ પડતો હતો. લેવીય ૧૯:૧૮ એને ટેકો આપે છે એવું લાગી શકે. હકીકતમાં, કદાચ કોઈ યહુદી દાવો કરે કે બીજી જાતિના લોકોની સંગત રાખવી “નિયમ વિરુદ્ધ” હતી. (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૨૮) એટલે, નિયમશાસ્ત્રનો એ પંડિત અને ઈસુના અમુક શિષ્યો પણ યહુદીઓ સાથે પ્રેમથી વર્તીને, પોતાને ન્યાયી ગણતા હોય શકે. પણ, તેઓ બીજી જાતિના લોકો સાથે મન ફાવે એમ વર્તતા, કેમ કે તેઓ “પડોશી” ન હતા.

એ માણસ અને બીજા યહુદીઓને ખોટું લગાડ્યા વગર ઈસુ કઈ રીતે તેઓના વિચાર સુધારી શકે? એ માટે તેમણે એક વાર્તા કહી: “એક માણસ યરૂશાલેમથી નીચે ઊતરીને યરીખો જઈ રહ્યો હતો અને લુટારાઓનો શિકાર બન્યો; તેઓએ તેનાં કપડાં ઉતારી લીધાં, તેને માર માર્યો અને અધમૂઓ મૂકીને જતા રહ્યા. હવે એવું બન્યું કે એક યાજક એ રસ્તા પરથી જતો હતો, પણ જ્યારે તેણે એ માણસને જોયો ત્યારે તે સામેની બાજુથી ચાલ્યો ગયો. એવી જ રીતે, એક લેવી એ જગ્યાએ આવ્યો અને તેને જોયો ત્યારે, તે પણ સામેની બાજુથી ચાલ્યો ગયો. પણ, એ રસ્તા પરથી એક સમરૂની મુસાફરી કરી રહ્યો હતો અને ત્યાં આવી પહોંચ્યો અને તેને જોઈને તેનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.”—લુક ૧૦:૩૦-૩૩.

ઈસુ જે માણસને વાર્તા કહેતા હતા તે જાણતો હતો કે ઘણા યાજકો અને મંદિરના કામમાં મદદ કરનારા લેવીઓ યરીખોમાં રહેતા હતા. મંદિરમાંથી પાછા ફરતા તેઓએ લગભગ ૨૩ કિલોમીટર એ રસ્તે નીચે ઊતરવાનું હતું. લુટારાનો ભય હોવાથી એ રસ્તો જોખમી સાબિત થઈ શકતો હતો. જો કોઈ યાજક અને લેવી બીજા કોઈ યહુદીને મુશ્કેલીમાં જુએ, તો શું મદદ કરવી ન જોઈએ? ઈસુએ પોતાની વાર્તામાં જણાવ્યું કે તેઓએ મદદ ન કરી. મદદ કરનાર માણસ તો સમરૂની હતો, જે પ્રજાને યહુદીઓ ધિક્કારતા હતા.—યોહાન ૮:૪૮.

એ સમરૂનીએ ઘાયલ યહુદીને કઈ રીતે મદદ કરી? ઈસુએ આગળ કહ્યું: “તે તેની પાસે ગયો અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષદારૂ રેડીને પાટા બાંધ્યા. પછી, પોતાના જાનવર પર તેને નાખ્યો અને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સંભાળ રાખી. પછીના દિવસે, તેણે બે દીનાર કાઢીને ધર્મશાળાની દેખરેખ રાખનારને આપ્યા અને કહ્યું, ‘તેની સંભાળ રાખજે અને આના સિવાય જે કંઈ ખર્ચ તું કરે, એ હું પાછો આવીશ ત્યારે તને ભરી આપીશ.’”—લુક ૧૦:૩૪, ૩૫.

એ માણસને વાર્તા કહ્યા પછી, કુશળ શિક્ષક ઈસુએ તેને વિચારમાં મૂકી દેતો આ સવાલ પૂછ્યો: “તને શું લાગે છે, પેલા લુટારાઓનો શિકાર બનેલા માણસનો પડોશી આ ત્રણમાંથી કોણ બન્યો?” કદાચ એ માણસને “સમરૂની” એવું બોલવું ન હતું. તેથી, તેણે કહ્યું: “જે તેની સાથે દયાથી વર્ત્યો તે.” પછી, ઈસુએ પોતાની વાર્તાનો બોધપાઠ સ્પષ્ટ કરતા અરજ કરી: “જા અને તું પણ એમ કર.”—લુક ૧૦:૩૬, ૩૭.

શીખવવાની કેવી જોરદાર રીત! જો ઈસુએ એ માણસને સીધું જ જણાવ્યું હોત કે બીજી જાતિના લોકો પણ તેના પડોશી છે, તો શું થાત? શું એ માણસ અને ત્યાં હાજર બીજા યહુદીઓએ તેમનું સાંભળ્યું હોત? કદાચ નહિ! ઈસુએ સાદા શબ્દોમાં વાર્તા કહી અને સાંભળનારા જાણતા હતા એવી માહિતી વાપરી. એનાથી આ સવાલનો સ્પષ્ટ જવાબ મળ્યો: “મારો પડોશી ખરેખર કોણ છે?” શાસ્ત્રવચનોની આજ્ઞા પ્રમાણે, દયા અને પ્રેમથી વર્તનારને જ ખરો પડોશી કહેવાય.