સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૭૪

ઈસુ મહેમાનગતિ અને પ્રાર્થના વિશે શીખવે છે

ઈસુ મહેમાનગતિ અને પ્રાર્થના વિશે શીખવે છે

લુક ૧૦:૩૮–૧૧:૧૩

  • માર્થા અને મરિયમને મળવા ઈસુ જાય છે

  • પ્રાર્થના કરતા રહેવું ખૂબ જરૂરી છે

જૈતૂન પહાડની પૂર્વ દિશાએ યરૂશાલેમથી લગભગ ત્રણ કિલોમીટર દૂર બેથનિયા આવેલું હતું. (યોહાન ૧૧:૧૮) ઈસુ બેથનિયામાં માર્થા અને મરિયમ નામની બે બહેનોના ઘરે ગયા. બંને બહેનો અને તેમનો ભાઈ લાજરસ, ઈસુના મિત્રો હતા. તેઓએ ઈસુને પ્રેમથી આવકાર આપ્યો.

મસીહ જેવા મહેમાન ઘરે આવે એ કોને ન ગમે! માર્થા ઈસુને મિજબાની આપવા ચાહતી હોવાથી, અનેક વાનગીઓ બનાવવાની તૈયારી કરવા લાગી. માર્થા કામમાં લાગેલી હતી ત્યારે, ઈસુના ચરણે બેસીને મરિયમ તેમની વાતો સાંભળતી હતી. એટલે, થોડા સમય પછી માર્થાએ ઈસુને કહ્યું: “પ્રભુ, તમને કંઈ પડી નથી કે મારી બહેને બધું કામ મારી એકલીના માથે નાખ્યું છે? તેને કહો કે આવીને મને મદદ કરે.”—લુક ૧૦:૪૦.

મરિયમને ઠપકો આપવાને બદલે, ઈસુએ માર્થાને વધારે પડતી ચિંતા ન કરવાની સલાહ આપી: “માર્થા, માર્થા, તું ઘણી વાતોની ચિંતા કરે છે અને હેરાન થાય છે. જોકે, આપણને ઘણી બાબતોની જરૂર નથી, કદાચ એક જ પૂરતી છે. મરિયમે પોતાના માટે સારો ભાગ પસંદ કર્યો છે અને એ તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.” (લુક ૧૦:૪૧, ૪૨) ઈસુ અહીં કહેવા માંગતા હતા કે જાતજાતની વાનગી બનાવવામાં ઘણો સમય આપવાની કોઈ જરૂર ન હતી. સાદું ભોજન પૂરતું હતું.

માર્થાનો ઇરાદો સારો હતો. તે મહેમાનગતિ કરવા ચાહતી હતી. પણ, સરસ ભોજન બનાવવાની ચિંતામાં, તે ઈશ્વરના દીકરા પાસેથી મહત્ત્વનું શિક્ષણ મેળવવાનું ચૂકી જતી હતી. ઈસુએ ભાર મૂક્યો કે મરિયમે સારા ભાગની પસંદગી કરી હતી, જેનાથી તેને કાયમ માટે લાભ થશે. તેમ જ, આપણને બધાને પણ એમાંથી શીખવા મળે છે.

બીજા એક પ્રસંગે, ઈસુએ એના જેટલો જ મહત્ત્વનો બીજો એક બોધપાઠ આપ્યો. એક શિષ્યે ઈસુને કહ્યું: “પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો, જેમ યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું.” (લુક ૧૧:૧) ઈસુએ આશરે દોઢ વર્ષ પહેલાં પહાડ પર આપેલા ઉપદેશમાં પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું. (માથ્થી ૬:૯-૧૩) જોકે, કદાચ એ શિષ્ય ત્યાં હાજર ન હતો. એટલે, ઈસુએ મુખ્ય મુદ્દાઓ ફરીથી કહ્યા. પછી, તેમણે ઉદાહરણ આપીને ભાર મૂક્યો કે વારંવાર પ્રાર્થના કરતા રહેવું જોઈએ.

“ધારો કે તમારામાંના એકને મિત્ર છે, જેની પાસે અડધી રાતે તમે જાઓ છો અને તેને કહો છો, ‘દોસ્ત, મને ત્રણ રોટલી ઉછીની આપ; કેમ કે મુસાફરીમાં નીકળેલો મારો એક મિત્ર હમણાં જ મારી પાસે આવ્યો છે અને તેને આપવા માટે મારી પાસે કંઈ નથી.’ પણ ઘરમાલિક જણાવે છે: ‘મને હેરાન ન કર. બારણે ક્યારનું તાળું લગાવી દીધું છે અને મારાં બાળકો મારી સાથે પથારીમાં છે. હું ઊઠીને તને કંઈ આપી શકું એમ નથી.’ હું તમને કહું છું, ભલે તમારો મિત્ર હોવાને લીધે તે ઊઠીને તમને કંઈ નહિ આપે, પણ તમારા સતત આગ્રહને લીધે તે ઊઠીને તમને જે કંઈ જોઈતું હશે એ આપશે.”—લુક ૧૧:૫-૮.

ઈસુ એમ કહેતા ન હતા કે પેલા મિત્રની જેમ, યહોવા વિનંતીઓનો જવાબ આપતા નથી. એના બદલે, તે કહેતા હતા કે જો મિત્ર ચાહતો ન હોય, તોપણ વારંવાર વિનંતી કરવાને લીધે જવાબ આપે છે. તો પછી, સ્વર્ગમાંના આપણા પ્રેમાળ પિતા પોતાના ભક્તોની વિનંતીઓનો જવાબ આપશે, એમાં કોઈ શંકા નથી. ઈસુએ આગળ કહ્યું: “હું તમને જણાવું છું, માંગતા રહો અને તમને એ આપવામાં આવશે; શોધતા રહો અને તમને મળશે; ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે. કારણ કે જે કોઈ માંગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે.”—લુક ૧૧:૯, ૧૦.

પછી, એ મુદ્દા પર ભાર મૂકવા ઈસુએ આવી સરખામણી કરી: “તમારામાં એવો કયો પિતા છે કે જેનો દીકરો માછલી માંગે તો, તેને માછલીને બદલે સાપ આપશે? અથવા જો તે ઈંડું માંગે, તો તેને વીંછી આપશે? એ માટે, પાપી હોવા છતાં જો તમે તમારાં બાળકોને સારી ભેટો આપી જાણો છો, તો સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ પવિત્ર શક્તિ માંગે છે, તેઓને એથીયે વધારે આપશે એમાં શી શંકા!” (લુક ૧૧:૧૧-૧૩) ઈશ્વર આપણું ખુશીથી સાંભળવા અને આપણને જોઈતી મદદ પૂરી પાડવા તૈયાર છે, એ જાણીને કેવી રાહત મળે છે!