સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૬૬

ઈસુ માંડવાના તહેવાર માટે યરૂશાલેમમાં છે

ઈસુ માંડવાના તહેવાર માટે યરૂશાલેમમાં છે

યોહાન ૭:૧૧-૩૨

  • ઈસુ મંદિરમાં શીખવે છે

ઈસુ પોતાના બાપ્તિસ્મા પછીનાં વર્ષોમાં જાણીતા થઈ ગયા હતા. હજારો યહુદીઓએ તેમના ચમત્કારો જોયા હતા અને એની ખબર દેશમાં બધી બાજુએ ફેલાઈ ગઈ હતી. હવે, માંડવાના તહેવાર વખતે યરૂશાલેમમાં ઘણા લોકો તેમને શોધતા હતા.

ઈસુ વિશે લોકોમાં જુદા જુદા વિચારો હતા. અમુક કહેતા કે, “તે સારો માણસ છે.” બીજાઓ કહેતા કે, “તે સારો માણસ નથી. તે તો ટોળાને ખોટે માર્ગે લઈ જાય છે.” (યોહાન ૭:૧૨) તહેવારની શરૂઆતના દિવસોમાં એવી ઘણી ગુસપુસ થતી હતી. પણ, યહુદી આગેવાનો ભડકી ઊઠશે એવી બીકને લીધે કોઈનામાં ઈસુ માટે ખુલ્લી રીતે બોલવાની હિંમત ન હતી.

તહેવાર શરૂ થયાના અમુક દિવસો પછી, ઈસુ મંદિરમાં આવ્યા. શીખવવાની તેમની જોરદાર રીતથી ઘણા લોકો દંગ રહી ગયા. તે કદી રાબ્બીઓની શાળામાં ગયા ન હતા. એટલે, યહુદીઓએ વિચાર્યું: “આ માણસ શાળાઓમાં ભણ્યો નથી, તો પછી તેની પાસે શાસ્ત્રનું આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?”—યોહાન ૭:૧૫.

ઈસુએ સમજાવ્યું: “હું જે શિક્ષણ આપું છું એ મારું પોતાનું નથી, પણ મને મોકલનારનું છે. જે કોઈ તેમની ઇચ્છા પ્રમાણે કરવા ચાહે છે, તેને ખબર પડી જશે કે એ શિક્ષણ ઈશ્વર પાસેથી છે કે મારી પાસેથી.” (યોહાન ૭:૧૬, ૧૭) ઈસુનું શિક્ષણ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે હોવાથી, એ દેખીતું હતું કે તેમણે ઈશ્વરને મહિમા આપ્યો, પોતાને નહિ.

પછી, ઈસુએ કહ્યું: “મુસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું હતું, ખરું ને? પણ, તમારામાંનો એક પણ એ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને કેમ મારી નાખવા માંગો છો?” ટોળામાં અમુક લોકો કદાચ યરૂશાલેમના ન હતા; તેઓને આવાં કાવતરાંની જાણ ન હતી. તેઓને લાગ્યું કે આવા ગુરુને કોણ મારી નાખે! ઈસુએ જે કહ્યું એનાથી તેઓને થયું કે નક્કી તેમનું મગજ ઠેકાણે નથી. તેઓએ કહ્યું: “તને દુષ્ટ દૂત વળગ્યો છે. તને કોણ મારી નાખવા માંગે છે?”—યોહાન ૭:૧૯, ૨૦.

હકીકતમાં, દોઢ વર્ષ અગાઉ ઈસુએ સાબ્બાથના દિવસે એક માણસને સાજો કર્યો હોવાથી, યહુદી આગેવાનો તેમને મારી નાખવા માંગતા હતા. હવે, વિચારતા કરી દે એવી દલીલો વાપરીને ઈસુએ તેઓની હઠીલાઈ ખુલ્લી પાડી. તેમણે ધ્યાન દોર્યું કે નિયમશાસ્ત્ર પ્રમાણે, છોકરાના જન્મના આઠમા દિવસે તેની સુન્‍નત કરવામાં આવતી, ભલે એ સાબ્બાથનો દિવસ કેમ ન હોય. પછી, તેમણે પૂછ્યું: “મુસાના નિયમશાસ્ત્રનો ભંગ ન થાય એ માટે સાબ્બાથના દિવસે માણસની સુન્‍નત કરી શકાય છે. તો પછી, મેં સાબ્બાથના દિવસે એક માણસને પૂરેપૂરો સાજો કર્યો, એ માટે તમે કેમ ગુસ્સાથી ભડકી ઊઠો છો? બહારનો દેખાવ જોઈને ન્યાય કરવાનું બંધ કરો, પણ સાચી રીતે ન્યાય કરો.”—યોહાન ૭:૨૩, ૨૪.

યરૂશાલેમમાં રહેતા લોકો ત્યાંના સંજોગોથી જાણકાર હોવાથી કહેવા લાગ્યા: “શું આ એ જ માણસ નથી, જેને તેઓ [આગેવાનો] મારી નાખવા માંગે છે? છતાં જુઓ! તે જાહેરમાં બોલે છે અને તેઓ તેને કંઈ કહેતા નથી. એવું તો નથી ને કે આ જ ખ્રિસ્ત છે એવી આપણા આગેવાનોને પાક્કી ખાતરી થઈ ગઈ છે?” તો પછી, ઈસુ જ ખ્રિસ્ત છે એવું કેમ લોકો માનતા ન હતા? તેઓએ કહ્યું: “આપણે તો જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી છે, જ્યારે કે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણતું નહિ હોય કે તે ક્યાંથી છે.”—યોહાન ૭:૨૫-૨૭.

મંદિરમાં જ ઈસુએ જવાબ આપ્યો: “તમે મને ઓળખો છો અને હું ક્યાંથી છું એ તમે જાણો છો. હું મારી પોતાની મરજીથી આવ્યો નથી; પણ, મને મોકલનાર હકીકતમાં છે અને તમે તેમને ઓળખતા નથી. હું તેમને જાણું છું, કારણ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.” (યોહાન ૭:૨૮, ૨૯) આવું સીધેસીધું જણાવવાને લીધે ઈસુને પકડવાનો બીજો પ્રયત્ન થયો, જેથી ક્યાં તો તેમને કેદમાં પૂરવામાં આવે અથવા મારી નાખવામાં આવે. પણ, એ પ્રયત્ન નિષ્ફળ ગયો, કેમ કે ઈસુના મરણનો સમય હજુ આવ્યો ન હતો.

ઘણા લોકોએ ઈસુમાં શ્રદ્ધા મૂકી, એ સમજી શકાય. ઈસુ પાણી પર ચાલ્યા હતા. તેમણે તોફાનો શાંત પાડ્યાં, ચમત્કાર કરીને થોડી રોટલીઓ અને માછલીઓથી હજારોને જમાડ્યા, બીમાર લોકોને સાજા કર્યા, લંગડાઓને ચાલતા કર્યા, આંધળાઓને દેખતા કર્યા, રક્તપિત્તિયાઓને સાજા કર્યા. અરે, ગુજરી ગયેલાને પણ જીવતા કર્યા. તેથી, લોકો આવું પૂછે એમાં કંઈ નવાઈ ન હતી: “ખ્રિસ્ત આવશે ત્યારે, આ માણસે કર્યા છે એના કરતાં શું વધારે ચમત્કારો કરશે?”—યોહાન ૭:૩૧.

ફરોશીઓએ લોકોને આવી વાતો કહેતા સાંભળ્યા ત્યારે, તેઓએ અને મુખ્ય યાજકોએ ઈસુને પકડવા સિપાઈઓ મોકલ્યા.