સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૬

ઈસુ સાચી ભક્તિ માટે ઉત્સાહ બતાવે છે

ઈસુ સાચી ભક્તિ માટે ઉત્સાહ બતાવે છે

યોહાન ૨:૧૨-૨૨

  • ઈસુ મંદિરને શુદ્ધ કરે છે

કાનામાં લગ્‍ન પછી, ઈસુ કાપરનાહુમ તરફ આગળ વધ્યા. ઈસુની સાથે તેમનાં મા અને ભાઈઓ યાકૂબ, યુસફ, સિમોન અને યહુદા પણ મુસાફરી કરતા હતા.

ઈસુ કેમ કાપરનાહુમ જતા હતા? નાઝરેથ અથવા કાના કરતાં કાપરનાહુમ વધારે જાણીતું અને મોટું હતું. તેમ જ, ઈસુના ઘણા નવા શિષ્યો કાપરનાહુમમાં કે એની આસપાસ રહેતા હતા. એટલે, ઈસુ તેઓના ઘર-આંગણે કદાચ થોડી તાલીમ આપવા માંગતા હતા.

ઈસુ કાપરનાહુમમાં રોકાયા, એ દરમિયાન મોટાં કામો પણ કર્યાં. એના લીધે, શહેરમાં રહેતા અને આસપાસના ઘણા લોકોએ તેમનાં કાર્યો વિશે સાંભળ્યું. ઈસુ અને તેમના સાથીઓ ચુસ્ત યહુદીઓ હતા; એટલે, તેઓ ઈસવીસન ૩૦નો પાસ્ખાનો તહેવાર ઊજવવા જલદી જ યરૂશાલેમ જવાના હતા.

યરૂશાલેમના મંદિરમાં હતા ત્યારે, ઈસુના શિષ્યોએ તેમનું અલગ જ રૂપ જોયું, જે તેઓએ પહેલાં ક્યારેય જોયું ન હતું. એની તેઓ પર ઊંડી છાપ પડી.

ઈશ્વરનો નિયમ ઇઝરાયેલીઓને મંદિરમાં પ્રાણીઓનાં બલિદાન ચઢાવવાનું જણાવતો હતો. ત્યાં આવતા લોકોને ખોરાકની પણ જરૂર પડતી. તેથી, દૂરથી યરૂશાલેમ આવતા લોકોને નિયમ છૂટ આપતો કે “વાછરડાઓને માટે, કે ઘેટાંને માટે” તેમજ શહેરમાં રોકાવા જરૂરી ચીજવસ્તુઓ માટે પૈસા સાથે રાખે. (પુનર્નિયમ ૧૪:૨૪-૨૬) એ માટે યરૂશાલેમમાં વેપારીઓ મંદિરના મોટા ચોકમાં જ જાનવરો અને પંખીઓ વેચતા. એમાંના અમુક વેપારીઓ વધારે કિંમત લઈને લોકોને છેતરતા હતા.

ઈસુ રોષે ભરાયા. તેમણે નાણાં બદલનારાઓના સિક્કા વેરી નાખ્યા, મેજો ઉથલાવી નાખી અને મંદિરમાંથી તેઓને કાઢી મૂક્યા. પછી, તેમણે કહ્યું: “આ બધું અહીંથી લઈ જાઓ! મારા પિતાના ઘરને બજાર ન બનાવો!”—યોહાન ૨:૧૬.

ઈસુના શિષ્યોએ એ જોયું ત્યારે, તેઓને ઈશ્વરના દીકરા વિશેની આ ભવિષ્યવાણી યાદ આવી: “તમારા ઘર માટેનો ઉત્સાહ મારા દિલમાં આગની જેમ ભભૂકી રહ્યો છે.” પણ, યહુદીઓએ પૂછ્યું: “આ બધું કરવાનો અધિકાર તને છે, એ બતાવવા તારી પાસે કોઈ નિશાની છે?” ઈસુએ જવાબ આપ્યો: “આ મંદિર તોડી પાડો અને ત્રણ દિવસમાં હું એને પાછું ઊભું કરીશ.”—યોહાન ૨:૧૭-૧૯; ગીતશાસ્ત્ર ૬૯:૯.

યહુદીઓને લાગ્યું કે ઈસુ યરૂશાલેમના મંદિરની વાત કરતા હતા. એટલે, તેઓએ પૂછ્યું: “આ મંદિરને બાંધતા ૪૬ વર્ષ લાગ્યાં હતાં અને તું શું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ?” (યોહાન ૨:૨૦) પણ, ઈસુ તો પોતાના શરીરને મંદિર સાથે સરખાવતા હતા. ત્રણ વર્ષ પછી, ઈસુને સજીવન કરવામાં આવ્યા ત્યારે, તેમના શિષ્યોને એ શબ્દો યાદ આવ્યા.