સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૫

ઈસુ પહેલો ચમત્કાર કરે છે

ઈસુ પહેલો ચમત્કાર કરે છે

યોહાન ૨:૧-૧૨

  • કાના ગામમાં લગ્‍ન

  • ઈસુ પાણીનો દ્રાક્ષદારૂ બનાવે છે

ઈસુના શરૂઆતના શિષ્યોમાં નથાનિયેલ જોડાયા, એને હવે ત્રીજો દિવસ થયો હતો. ઈસુ અને શરૂઆતના શિષ્યોમાંના અમુક પોતાના ઘર તરફ ગાલીલ જિલ્લાની ઉત્તરે જવા નીકળ્યા હતા. તેઓ કાના ગામ જતા હતા, જ્યાં નથાનિયેલનું ઘર પણ હતું. કાના ગામ નાઝરેથની ઉત્તરે ડુંગરોમાં આવેલું હતું, જ્યાં ઈસુ મોટા થયા હતા. તેઓને કાનામાં લગ્‍નની મિજબાનીમાં બોલાવવામાં આવ્યા હતા.

ઈસુની મા મરિયમ પણ લગ્‍નમાં હતી. એ લગ્‍નમાં ઘણા મહેમાનો આવ્યા હતા. એવું લાગે છે કે જેઓના લગ્‍ન હતા, તેઓના કુટુંબના ઓળખીતા તરીકે મરિયમ મહેમાનોની સંભાળ રાખવામાં મદદ કરતી હતી. તેથી, જે કંઈ ખૂટી જાય એની તે તરત નોંધ લેતી હતી. ઈસુને એ વિશે જણાવતા તેણે કહ્યું: “તેઓ પાસે દ્રાક્ષદારૂ નથી.”—યોહાન ૨:૩.

હકીકતમાં, દ્રાક્ષદારૂ ખૂટી જવાથી મરિયમે ઈસુને કંઈ કરવાનું કહ્યું. પણ, ઈસુએ વાંધો ઉઠાવતા કહ્યું કે, “એમાં હું શું કરું?” (યોહાન ૨:૪) ઈસુ તો ઈશ્વરના પસંદ કરેલા રાજા હતા. એટલે, તેમણે શું કરવું કે ન કરવું એનું માર્ગદર્શન ઈશ્વર પાસેથી આવવું જોઈએ, નહિ કે કુટુંબ અથવા કોઈ મિત્રો પાસેથી. મરિયમે સમજી-વિચારીને એ ચિંતા પોતાના દીકરાના હાથમાં છોડી દીધી અને ચાકરોને કહ્યું: “તે જે કંઈ કહે એ કરજો.”—યોહાન ૨:૫.

પાણી ભરવાની પથ્થરની છ કોઠીઓ ત્યાં હતી, જે દરેકમાં ૪૦ લિટર કરતાં વધારે પાણી ભરી શકાતું. ઈસુએ ચાકરોને સૂચના આપી: “કોઠીઓ પાણીથી ભરી દો.” પછી, ઈસુએ કહ્યું: “હવે એમાંથી થોડું કાઢીને મિજબાનીના કારભારી પાસે લઈ જાઓ.”—યોહાન ૨:૭, ૮.

કારભારી આટલો સરસ દ્રાક્ષદારૂ ચાખીને રાજી થઈ ગયા; પણ, તેમને ખબર ન હતી કે એ તો ચમત્કારથી બનેલો હતો. વરરાજાને બોલાવીને તેમણે કહ્યું: “બીજા લોકો સારો દ્રાક્ષદારૂ પહેલા આપે છે અને લોકો પીધેલા થાય પછી હલકા પ્રકારનો દ્રાક્ષદારૂ આપે છે. તેં તો એકદમ સારો દ્રાક્ષદારૂ હમણાં સુધી રાખી મૂક્યો છે.”—યોહાન ૨:૧૦.

ઈસુએ કરેલો આ પહેલો ચમત્કાર હતો. તેમના નવા શિષ્યોએ એ ચમત્કાર જોયો ત્યારે, ઈસુમાં તેઓની શ્રદ્ધા હજુ વધી. પછી, ઈસુ, તેમનાં મા અને ભાઈઓ ગાલીલ સરોવરના ઉત્તર-પશ્ચિમ કિનારે આવેલા કાપરનાહુમ શહેર જવા નીકળ્યા.