સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩

ઈસુએ જે રીતે લાલચોનો સામનો કર્યો, એમાંથી શીખીએ

ઈસુએ જે રીતે લાલચોનો સામનો કર્યો, એમાંથી શીખીએ

માથ્થી ૪:૧-૧૧ માર્ક ૧:૧૨, ૧૩ લુક ૪:૧-૧૩

  • શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું

યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું. એ પછી, ઈશ્વરની શક્તિ ઈસુને યહુદિયાના વેરાન પ્રદેશમાં દોરી ગઈ. તેમણે ઘણું બધું વિચારવાનું હતું. ઈસુના બાપ્તિસ્મા વખતે “આકાશ ઊઘડી ગયું” હતું. (માથ્થી ૩:૧૬) ઈસુ સ્વર્ગમાં જે શીખ્યા અને જે કર્યું, એ હવે યાદ કરી શકતા હતા. તેમણે સાચે જ ઘણી વાતો વિશે મનન કરવાનું હતું!

ઈસુએ વેરાન પ્રદેશમાં ૪૦ દિવસ અને ૪૦ રાત વિતાવ્યાં. એ દરમિયાન, તેમણે કંઈ પણ ખાધું ન હતું. પછી, ઈસુ ખૂબ ભૂખ્યા થયા ત્યારે, શેતાને તેમનું પરીક્ષણ કરતા કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે રોટલીઓ બની જાય.” (માથ્થી ૪:૩) ઈસુ જાણતા હતા કે ચમત્કાર કરવાની શક્તિથી પોતાની ઇચ્છાઓ સંતોષવી, એ ખોટું છે. એટલે, તેમણે એ લાલચ ઠુકરાવી દીધી.

શેતાને હાર ન માની. તેણે બીજી રીત અપનાવી. તેણે ઈસુને મંદિરની દીવાલની ટોચ પરથી પડતું મૂકવાનું કહ્યું. પણ, ઈસુ એવો કોઈ મોટો દેખાડો કરવાની લાલચમાં ન પડ્યા. ઈસુએ શાસ્ત્રવચનો ટાંકીને બતાવ્યું કે એ રીતે યહોવાની કસોટી કરવી ન જોઈએ.

પછી, ત્રીજી વાર પરીક્ષણ કરતા શેતાને કોઈક રીતે ઈસુને “દુનિયાનાં બધાં રાજ્યો અને એની જાહોજલાલી બતાવ્યાં.” તેણે કહ્યું: “જો તું એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કરે તો હું તને આ બધું આપી દઈશ.” ઈસુએ ફરીથી ચોખ્ખી ના પાડતા કહ્યું: “અહીંથી ચાલ્યો જા, શેતાન!” (માથ્થી ૪:૮-૧૦) ઈસુ ખોટું કરવાની લાલચો સામે ઝૂકી ન ગયા. તેમને ખબર હતી કે એકલા યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. ઈસુએ યહોવાને વફાદાર રહેવાનું પસંદ કર્યું.

એ લાલચોમાંથી અને ઈસુએ જે રીતે એનો સામનો કર્યો, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. એ લાલચો બનાવટ ન હતી, હકીકત હતી. એ બતાવે છે કે અમુક લોકો માને છે તેમ, શેતાન કંઈ ખરાબ ગુણ નથી. હકીકતમાં, તે એક અદૃશ્ય વ્યક્તિ છે. આ અહેવાલ એ પણ બતાવે છે કે દુનિયાની સરકારોનો માલિક શેતાન છે; એને તે પોતાના ઇશારે નચાવે છે. જો એમ ન હોત, તો શેતાન કઈ રીતે એની લાલચ ખ્રિસ્ત આગળ મૂકી શક્યો હોત?

શેતાને કહ્યું કે જો ઈસુ એક જ વાર તેની આગળ નમીને ભક્તિ કરે, તો બદલામાં તેમને દુનિયાનાં બધાં રાજ્યો આપશે! શેતાન આપણને પણ એવી જ રીતે લલચાવવાનો પ્રયત્ન કરે છે. બની શકે કે તે આપણી આગળ દુનિયાની ધનદોલત, સત્તા અને ઊંચી પદવી મેળવવાની લોભામણી લાલચો મૂકે. પરંતુ, ગમે તેવી કસોટીઓમાં ઈશ્વરને વફાદાર રહેવાના ઈસુના દાખલાને આપણે અનુસરીએ. એમ કરીને આપણે સમજદાર સાબિત થઈશું. પણ, યાદ કરો કે શેતાન “ફરી તક મળે ત્યાં સુધી” ઈસુ પાસેથી ચાલ્યો ગયો. (લુક ૪:૧૩) આપણા કિસ્સામાં પણ એવું બની શકે છે; એટલે, આપણે હંમેશાં સાવધ રહેવું જોઈએ.