ભાગ ૨
એકબીજાને વફાદાર રહો
“ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું.”—માર્ક ૧૦:૯
યહોવા ચાહે છે કે પતિ-પત્ની એકબીજાને ‘વિશ્વાસુ’ કે વફાદાર રહે. (ગીતશાસ્ત્ર ૩૧:૨૩) લગ્નજીવનમાં એ સૌથી મહત્ત્વનું છે. વફાદારી ન હોય તો, એકબીજા પર ભરોસો નહિ રહે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધતો રહે માટે એકબીજા પર ભરોસો હોવો ખૂબ જરૂરી છે.
પતિ કે પત્ની બેવફા બનતા હોય એવા ઘણા કિસ્સાઓ આજે જોવા મળે છે. એટલે, લગ્નજીવન ટકાવી રાખવા તમારે આ બે બાબતો કરવાનો દૃઢ નિર્ણય લેવો જોઈએ.
૧ લગ્નજીવન પર પૂરતું ધ્યાન આપો
બાઇબલ શું કહે છે? “જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો.” (ફિલિપી ૧:૧૦) તમારા જીવનમાં ઘણી બાબતો મહત્ત્વની છે. એમાંની એક લગ્નજીવન પણ છે. તેથી, એના પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ.
યહોવા ચાહે છે કે તમે લગ્નસાથીનું પૂરેપૂરું ધ્યાન રાખો. તેમ જ, સાથે મળીને જીવનનો “આનંદ” માણો. (સભાશિક્ષક ૯:૯) યહોવા સ્પષ્ટ જણાવે છે કે સાથીની અવગણના ન કરો. પરંતુ, એકબીજાને ખુશ કરવાની તક શોધો. (૧ કોરીંથી ૧૦:૨૪) જીવનસાથીને અહેસાસ કરાવો કે તમારા માટે તે ખૂબ જ મહત્ત્વના છે અને તમે તેમની કદર કરો છો.
તમે શું કરી શકો?
-
લગ્નસાથી જોડે નિયમિત સમય પસાર કરો અને તેમના પર પૂરેપૂરું ધ્યાન આપો
-
કોઈ પણ નિર્ણય લો ત્યારે, સાથીનો પહેલા વિચાર કરો
૨ તમારા હૃદયની સંભાળ રાખો
બાઇબલ શું કહે છે? “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માથ્થી ૫:૨૮) કોઈ વ્યક્તિ ખોટા વિચારો કર્યા કરે, તો તે પોતાના સાથીને વફાદાર નથી.
યહોવા કહે છે કે આપણે ‘હૃદયની સંભાળ રાખવી’ જોઈએ. (નીતિવચનો ૪:૨૩; યિર્મેયા ૧૭:૯) એ માટે ખરાબ બાબતોથી તમારી નજર ફેરવી લો. (માથ્થી ૫:૨૯, ૩૦) ઈશ્વરભક્ત અયૂબનું અનુકરણ કરી શકો. તેમણે પોતાની આંખો સાથે કરાર કર્યો હતો કે બીજી સ્ત્રીને કદી ખોટી નજરે જોશે નહિ. (અયૂબ ૩૧:૧) પોર્નોગ્રાફી કે અશ્લીલ બાબતો ન જોવાનો દૃઢ નિર્ણય લો. તેમ જ, લગ્નસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ બાંધશો નહિ.
તમે શું કરી શકો
-
બીજાઓને તમારા વાણી-વર્તનથી બતાવો કે તમે તમારા લગ્નસાથીને પૂરેપૂરા વફાદાર છો
-
લગ્નસાથીની લાગણીઓ સમજો. તેમને પસંદ ન હોય એવા સંબંધનો તરત જ અંત લાવો