૩
ટકાઉ લગ્નની બે ચાવીઓ
૧, ૨. (અ) લગ્ન કેટલું લાંબું ટકે એવી રચના કરવામાં આવી હતી? (બ) એ કઈ રીતે શક્ય છે?
દેવે પ્રથમ પુરુષ અને સ્ત્રીને લગ્નમાં એક કર્યા ત્યારે, એવો કોઈ સંકેત ન હતો કે એ બંધન ફક્ત હંગામી હશે. આદમ અને હવાએ આજીવન સાથે રહેવાનું હતું. (ઉત્પત્તિ ૨:૨૪) આદરણીય લગ્ન માટે દેવનું ધોરણ એક નર અને એક નારીનું બંધન છે. એક કે બંને સાથીઓના પક્ષે ફક્ત ઘોર જાતીય અનૈતિકતા જ પુનર્લગ્નની શક્યતાસહિત છૂટાછેડા માટે શાસ્ત્રીય પાયો પૂરો પાડે છે.—માત્થી ૫:૩૨.
૨ શું બે વ્યક્તિઓ માટે અનિશ્ચિત લાંબા સમય સુધી સુખેથી ભેગા રહેવું શક્ય છે? હા, અને બાઇબલ બે મહત્ત્વના ઘટકો, અથવા ચાવીઓની ઓળખ આપે છે, જે એ શક્ય બનાવવામાં મદદ કરે છે. પતિ અને પત્ની બંને એનો અમલ કરે તો, તેઓ સુખ અને ઘણા આશીર્વાદોએ પહોંચવાનું બારણું ખોલી દેશે. એ ચાવીઓ કઈ છે?
પહેલી ચાવી
૩. લગ્ન સાથીઓએ કયા ત્રણ પ્રકારનો પ્રેમ કેળવવો જોઈએ?
૩ પહેલી ચાવી પ્રેમ છે. રસપ્રદપણે, બાઇબલમાં જુદી જુદી જાતના પ્રેમ બતાવવામાં આવ્યા છે. એક કોઈક માટે ઉષ્માભર્યો, વ્યક્તિગત સ્નેહ છે, જે પ્રકારનો પ્રેમ ગાઢ મિત્રો વચ્ચે હોય છે. (યોહાન ૧૧:૩) બીજો પ્રેમ કુટુંબના સભ્યો મધ્યે વૃદ્ધિ પામે છે એ છે. (રૂમી ૧૨:૧૦) ત્રીજો રોમાંચક પ્રેમ છે, જે વિરુદ્ધ જાતિના સભ્ય માટે હોય શકે છે. (નીતિવચન ૫:૧૫-૨૦) અલબત્ત, પતિ અને પત્નીએ એ બધા કેળવવા જોઈએ. પરંતુ ચોથા પ્રકારનો પ્રેમ છે, જે અન્ય કરતાં વધુ મહત્ત્વનો છે.
૪. ચોથા પ્રકારનો પ્રેમ કયો છે?
૪ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોની મૂળ ભાષામાં, એ ચોથા પ્રકારના પ્રેમ માટે અગાપે શબ્દ છે. એ શબ્દનો ઉપયોગ ૧ યોહાન ૪:૮માં કરવામાં આવ્યો છે, જ્યાં આપણને કહેવામાં આવે છેઃ “દેવ પ્રેમ છે.” ખરેખર, “આપણે પ્રેમ રાખીએ છીએ, કેમકે પ્રથમ [દેવે] આપણા પર પ્રેમ રાખ્યો.” (૧ યોહાન ૪:૧૯) ખ્રિસ્તી આવો પ્રેમ પહેલાં યહોવાહ દેવ માટે અને પછી સાથી માનવીઓ માટે કેળવે છે. (માર્ક ૧૨:૨૯-૩૧) અગાપે શબ્દનો ઉપયોગ એફેસી ૫:૨માં પણ કરવામાં આવ્યો છે, જે જણાવે છેઃ “પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી, અને . . . આપણી ખાતર . . . પોતાનું બલિદાન આપ્યું.” ઈસુએ કહ્યું કે આ પ્રકારનો પ્રેમ તેમના સાચા અનુયાયીઓની ઓળખ આપશેઃ “જો તમે એકબીજા પર પ્રેમ [અગાપે] રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) વળી, ૧ કોરીંથી ૧૩:૧૩માં અગાપેના ઉપયોગની પણ નોંધ લોઃ “હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે; પણ તેઓમાં પ્રીતિ [અગાપે] શ્રેષ્ઠ છે.”
૫, ૬. (અ) શા માટે પ્રેમ વિશ્વાસ અને આશા કરતાં મોટો છે? (બ) પ્રેમ લગ્ન ટકાવી રાખવામાં મદદ કરશે એનાં કેટલાક કારણો કયાં છે?
૫ કઈ બાબત આ અગાપે પ્રેમને વિશ્વાસ અને આશા કરતાં વધુ મોટો બનાવે છે? એ સિદ્ધાંતો—ખરા સિદ્ધાંતો—થી નિયંત્રિત છે જે દેવના શબ્દમાં મળી આવે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) એ દેવના દૃષ્ટિબિંદુથી બીજાઓ માટે જે ખરું અને સારું છે તે કરવાની નિ:સ્વાર્થ લાગણી છે, ભલે એનો લાભ મેળવનાર એને લાયક જણાતો હોય કે ન હોય. આવો પ્રેમ લગ્ન સાથીઓને બાઇબલની સલાહ અનુસરવા શક્તિમાન કરે છેઃ “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે [“યહોવાહે,” NW] તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.” (કોલોસી ૩:૧૩) પ્રેમાળ પરિણીત યુગલો “એકબીજા પર આગ્રહથી પ્રીતિ [અગાપે]” રાખે છે અને કેળવે છે, “કેમકે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે.” (૧ પીતર ૪:૮) નોંધ લો કે પ્રેમ ભૂલોને ઢાંકે છે. એ એને દૂર કરતો નથી, કેમ કે કોઈ પણ અપૂર્ણ માનવી ભૂલથી મુક્ત રહી શકતો નથી.—ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪; યાકૂબ ૩:૨.
૬ પરિણીત યુગલ દેવ માટે અને એકબીજા માટે આવો પ્રેમ કેળવે છે ત્યારે, તેઓનું લગ્ન ટકે છે અને તેઓ સુખી થાય છે, કેમ કે “પ્રેમ કદી નિષ્ફળ જતો નથી.” (૧ કોરીંથી ૧૩:૮, NW) પ્રેમ “સંપૂર્ણતાનું બંધન છે.” (કોલોસી ૩:૧૪) તમે પરણેલા હો તો, તમે અને તમારું સાથી આ પ્રકારનો પ્રેમ કઈ રીતે કેળવી શકો? દેવનો શબ્દ ભેગા મળી વાંચો, અને એ વિષે વાત કરો. ઈસુના પ્રેમના ઉદાહરણનો અભ્યાસ કરો અને તેમનું અનુકરણ કરવા, તેમની જેમ વિચારવા તથા વર્તવા પ્રયત્ન કરો. વધુમાં, ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપો, જ્યાં દેવનો શબ્દ શીખવવામાં આવે છે. અને આ ઉચ્ચ પ્રકારનો પ્રેમ, જે દેવના પવિત્ર આત્માનું ફળ છે, એ વિકસાવવામાં દેવની મદદ માટે પ્રાર્થના કરો.—નીતિવચન ૩:૫, ૬; યોહાન ૧૭:૩; ગલાતી ૫:૨૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫.
બીજી ચાવી
૭. આદર શું છે, અને લગ્નમાં કોણે આદર બતાવવો જોઈએ?
૭ બે પરિણીત વ્યક્તિઓ એકબીજાને સાચે જ પ્રેમ કરતી હોય તો, તેઓ એકબીજાને આદર પણ આપશે, અને આદર સુખી લગ્નની બીજી ચાવી છે. આદરની વ્યાખ્યા “બીજાઓને માન આપીને તેઓનો વિચાર કરવો” તરીકે કરવામાં આવી છે. દેવનો શબ્દ બધા ખ્રિસ્તીઓને સલાહ આપે છે, જેમાં પતિઓ અને પત્નીઓનો સમાવેશ થાય છેઃ “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” (રૂમી ૧૨:૧૦) પ્રેષિત પીતરે લખ્યું: “એજ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને [તમારી પત્ની] સાથે સમજણપૂર્વક રહો, અને . . . તેને માન આપો.” (૧ પીતર ૩:૭) પત્નીને “પોતાના પતિનું માન રાખે” એવી સલાહ આપવામાં આવી છે. (એફેસી ૫:૩૩) તમે કોઈને આદર આપવા માંગતા હો તો, તમે તે વ્યક્તિ પ્રત્યે માયાળુ બનો છો, તેના મોભા અને વ્યક્ત દૃષ્ટિબિંદુઓ પ્રત્યે માન બતાવો છો, અને તમને કરવામાં આવેલી કોઈ પણ વાજબી વિનંતી પૂર્ણ કરવા તત્પર રહો છો.
૮-૧૦. કેટલાક માર્ગો કયા છે જેમાં આદર લગ્ન બંધન સ્થાયી અને સુખી બનાવવામાં મદદ કરશે?
૮ સુખી લગ્નનો આનંદ માણવા માંગનારાઓ “પોતાના હિત પર જ નહિ, પણ [પોતાના સાથીઓના] હિત પર પણ લક્ષ” રાખીને તેઓ પ્રત્યે આદર બતાવે છે. (ફિલિપી ૨:૪) તેઓ ફક્ત પોતા માટે જે સારું છે તેનો જ વિચાર કરતા નથી—જે સ્વાર્થી બાબત થશે. એને બદલે, તેઓ પોતાના સાથીઓ માટે સૌથી સારું શું છે તેનો પણ વિચાર કરશે. ખરેખર, તેઓ એને અગ્રિમતા આપશે.
૯ આદર લગ્ન સાથીઓને દૃષ્ટિબિંદુમાં મતભેદો સ્વીકારવા મદદ કરશે. બે જણ દરેક બાબતમાં એકસરખાં દૃષ્ટિબિંદુ ધરાવે એવી અપેક્ષા રાખવી વાજબી નથી. પતિને જે મહત્ત્વનું લાગતું હોય, તે પત્નીને ન પણ લાગતું હોય, અને પત્નીને જે ગમે તે પતિને ન ગમતું હોય. પરંતુ દરેકે બીજાનાં દૃષ્ટિબિંદુઓને અને પસંદગીઓને, એ યહોવાહના નિયમો અને સિદ્ધાંતોની મર્યાદામાં હોય ત્યાં સુધી, આદર આપવો જોઈએ. (૧ પીતર ૨:૧૬; સરખાવો ફિલેમોન ૧૪.) વધુમાં, દરેકે બીજાના મોભાને જાહેરમાં કે ખાનગીમાં, અપમાનજનક વિવેચનો કે ઠઠ્ઠાઓનું નિમિત્ત ન બનાવીને આદર આપવો જોઈએ.
૧૦ હા, દેવનો તથા એકબીજાનો પ્રેમ અને પરસ્પર આદર સફળ લગ્નની બે મહત્ત્વની ચાવીઓ છે. એને લગ્ન જીવનના કેટલાક વધુ મહત્ત્વના વિસ્તારોમાં કઈ રીતે લાગુ પાડી શકાય?
ખ્રિસ્ત જેવું શિરપણું
૧૧. શાસ્ત્રીય રીતે, લગ્નમાં શિર કોણ છે?
૧૧ બાઇબલ આપણને જણાવે છે કે માણસને એવા ગુણો સાથે ઉત્પન્ન કરવામાં આવ્યો જેનાથી તે સફળ કૌટુંબિક શિર બને. એમ હોવાથી, માણસ પોતાની પત્ની અને બાળકોની આત્મિક અને ભૌતિક સુખાકારી માટે યહોવાહ સમક્ષ જવાબદાર થશે. તેણે સમતોલ નિર્ણયો લેવા પડશે જે યહોવાહની ઇચ્છાનું પ્રતિબિંબ પાડે અને દૈવી વર્તણૂકનું સારું ઉદાહરણ બને. “પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કેમકે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે.” (એફેસી ૫:૨૨, ૨૩) તેમ છતાં, બાઇબલ કહે છે કે પતિનું પણ શિર છે, જેની સત્તા તેના પર છે. પ્રેષિત પાઊલે લખ્યું: “પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર દેવ છે.” (૧ કોરીંથી ૧૧:૩) શાણો પતિ, ખુદ પોતાના શિર ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરીને, શિરપણું કઈ રીતે આચરવું તે શીખે છે.
૧૨. આધીનતા બતાવવામાં અને શિરપણું આચરવામાં, એમ બંનેમાં ઈસુએ કેવું સુંદર ઉદાહરણ બેસાડ્યું?
૧૨ ઈસુનું પણ શિર છે, યહોવાહ, અને ઈસુ યોગ્ય રીતે તેમને આધીન રહે છે. ઈસુએ કહ્યું: “હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.” (યોહાન ૫:૩૦) કેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ! ઈસુ ‘સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે.’ (કોલોસી ૧:૧૫) તે મસીહ બન્યા. તે, સર્વ દૂતોની ઉપરવટ, અભિષિક્ત ખ્રિસ્તીઓના મંડળનું શિર અને દેવના રાજ્યના પસંદ કરાયેલા રાજા બનવાના હતા. (ફિલિપી ૨:૯-૧૧; હેબ્રી ૧:૪) આવી ઉચ્ચ પદવી અને ભાવિની આવી ઉન્નત આશા છતાં, માણસ ઈસુ કઠોર, નમતું ન જોખનારા, કે વધારે પડતી માંગણી કરનારા ન હતા. તે સરમુખત્યાર ન હતા, જે પોતાના શિષ્યોને સતત યાદ દેવડાવ્યા કરે કે તેઓએ તેમને આજ્ઞાંકિત રહેવાનું છે. ઈસુ, ખાસ કરીને કચડાયેલા લોકો પ્રત્યે, પ્રેમાળ અને દયાળુ હતા. તેમણે કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમકે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” (માત્થી ૧૧:૨૮-૩૦) તેમની સંગતમાં રહેવું આનંદદાયક હતું.
૧૩, ૧૪. કઈ રીતે એક પ્રેમાળ પતિ, ઈસુનું અનુકરણ કરીને, પોતાના શિરપણાનો અમલ કરશે?
૧૩ સુખી કૌટુંબિક જીવન ઇચ્છતો પતિ ઈસુનાં સુંદર લક્ષણો વિચારણામાં લે તો સારું કરે છે. એક સારો પતિ કઠોર અને સરમુખત્યારપણું આચરનારો હોતો નથી, જે પોતાના શિરપણાનો ઉપયોગ પોતાની પત્નીને દમદાટી દેવાના ડંગોરાની જેમ ખોટી રીતે કરતો હોય. એને બદલે, તે તેને પ્રેમ કરે છે અને આદર આપે છે. ઈસુ ‘મનમાં રાંકડા’ હતા તો, પતિએ એવા બનવાને સવિશેષ કારણ છે, કારણ કે ઈસુથી ભિન્ન, તે ભૂલો કરનારો છે. તે ભૂલો કરે છે ત્યારે, તેની પત્ની તેને સમજે એવી ઇચ્છા રાખે છે. એ માટે, નમ્ર પતિ પોતાની ભૂલો સ્વીકારે છે, ભલે “હું દિલગીર છું; તું ખરી હતી,” જેવા શબ્દો કહેવા અઘરા લાગી શકે. પત્નીને ઘમંડી અને જક્કી પતિ કરતાં વિનયી અને નમ્ર પતિના શિરપણાને આદર આપવો વધારે સહેલું લાગશે. ક્રમશ: આદરપૂર્ણ પત્ની પણ ભૂલ કરે છે ત્યારે દિલગીરી બતાવે છે.
૧૪ દેવે સ્ત્રીને સુંદર ગુણોવાળી સૃજી જેનો ઉપયોગ તે સુખી લગ્નમાં ફાળો આપવા કરી શકે. એક શાણો પતિ એ સમજશે અને તેને રૂંધશે નહિ. ઘણી સ્ત્રીઓમાં વધારે દયા અને સંવેદનશીલતા હોય છે, એવા ગુણો જે કુટુંબની કાળજી લેવામાં અને માનવ સંબંધો જાળવવામાં જરૂરી છે. સામાન્યપણે, સ્ત્રી ઘરને રહેવા માટે આનંદદાયક સ્થળ બનાવવા માટે ઘણી જ અનુરૂપ છે. નીતિવચન અધ્યાય ૩૧માં વર્ણવવામાં આવેલી “સદ્ગુણી સ્ત્રી”માં ઘણા અદ્ભુત ગુણો હતા અને ઉત્કૃષ્ટ કુશળતાઓ હતી, અને તેના કુટુંબે એમાંથી પૂરો લાભ મેળવ્યો. શા માટે? કારણ કે તેના પતિનું હૃદય તેના પર “ભરોસો રાખે છે.”—નીતિવચન ૩૧:૧૦, ૧૧.
૧૫. કઈ રીતે પતિ પોતાની પત્ની માટે ખ્રિસ્ત જેવો પ્રેમ અને આદર બતાવી શકે?
૧૫ કેટલીક સંસ્કૃતિઓમાં, પતિની સત્તા પર વધારે પડતો ભાર મૂકવામાં આવે છે, જેથી તેને કોઈ પ્રશ્ન પૂછવો તે પણ અનાદર ગણાય છે. તે પોતાની પત્નીને ગુલામના જેવી જ ગણી લેતો હોઈ શકે છે. શિરપણાનો આવો દુરુપયોગ, ફક્ત પત્ની સાથે જ નહિ પરંતુ દેવ સાથે પણ, નબળા સંબંધમાં પરિણમે છે. (સરખાવો ૧ યોહાન ૪:૨૦, ૨૧.) બીજી તર્ફે, કેટલાક પતિઓ આગેવાની લેવાની અવગણના કરે છે અને તેઓની પત્નીઓને ઘરમાં જોહુકમી કરવા દે છે. ખ્રિસ્તને યોગ્ય રીતે આધીન પતિ પોતાની પત્નીનું શોષણ કરતો નથી કે તેનો મોભો પણ ઝૂંટવી લેતો નથી. એને બદલે, તે ઈસુના આત્મત્યાગી પ્રેમનું અનુકરણ કરે છે અને પાઊલે સલાહ આપી તેમ કરે છેઃ “પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” (એફેસી ૫:૨૫) ખ્રિસ્ત ઈસુએ પોતાના અનુયાયીઓને એટલો પ્રેમ કર્યો કે તે તેઓ માટે મરણ પામ્યા. એક સારો પતિ એ નિ:સ્વાર્થ વલણનું અનુકરણ કરવા પ્રયત્ન કરશે, તેની પત્ની પ્રત્યે હંમેશા માંગણી કર્યા કરનાર બનવાને બદલે, તેની ભલાઈ શોધશે. પતિ ખ્રિસ્તને આધીન હોય અને ખ્રિસ્તના જેવા પ્રેમ તથા આદર બતાવે ત્યારે, તેની પત્નીને તેને આધીન રહેવાની પ્રેરણા મળશે.—એફેસી ૫:૨૮, ૨૯, ૩૩.
પત્નીની આધીનતા
૧૬. પત્નીએ પોતાના પતિ સાથેના સંબંધમાં કયા ગુણો પ્રદર્શિત કરવા જોઈએ?
૧૬ આદમને ઉત્પન્ન કર્યા પછી થોડાક સમયે, “યહોવાહ દેવે કહ્યું, કે માણસ એકલો રહે તે સારૂં નથી; હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ.” (ઉત્પત્તિ ૨:૧૮) દેવે હવાને “એક સહાયકારી” તરીકે સૃજાવી, હરીફ તરીકે નહિ. લગ્ન એવા વહાણ જેવું ન હતું જેમાં બે હરીફ સુકાનીઓ હોય. પતિએ પ્રેમાળ શિરપણાનો અમલ કરવાનો હતો, અને પત્નીએ પ્રેમ, આદર, અને સ્વૈચ્છિક આધીનતા બતાવવાના હતા.
૧૭, ૧૮. કેટલાક માર્ગો કયા છે જેમાં પત્ની પોતાના પતિની સાચી સહાયકારી બની શકે?
૧૭ જો કે, એક સારી પત્ની ફક્ત આધીન રહેવા કરતાં વધુ કરે છે. તે સાચી સહાયકારી બનવા પ્રયત્ન કરે છે, તથા પતિ જે નિર્ણયો લે છે તેને ટેકો આપે છે. અલબત્ત, પત્ની પતિના નિર્ણયો સાથે સહમત હોય ત્યારે એ સહેલું હોય છે. પરંતુ તે સહમત ન હોય ત્યારે પણ, તેનો સક્રિય ટેકો પતિના નિર્ણયનું વધુ સફળ પરિણામ લાવવામાં મદદ કરી શકે.
૧૮ પત્ની અન્ય રીતોએ પોતાના પતિને સારા શિર બનવામાં મદદ કરી શકે. પતિની ટીકા કર્યા કરવાને બદલે અથવા પતિ તેને કદી સંતોષ આપી શકતો નથી એવી લાગણી આપવાને બદલે, પત્ની આગેવાની લેવામાં પતિના પ્રયત્નો માટે કદર વ્યક્ત કરી શકે. પતિ સાથે હકારાત્મકપણે વ્યવહાર રાખવામાં, પત્નીએ યાદ રાખવું જોઈએ કે, “દીન તથા નમ્ર આત્મા,” ફક્ત તેના પતિની નજરમાં જ નહિ, પરંતુ “દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે.” (૧ પીતર ૩:૩, ૪; કોલોસી ૩:૧૨) પતિ વિશ્વાસી ન હોય તો શું? તે વિશ્વાસી હોય કે ન હોય, શાસ્ત્રવચનો પત્નીઓને “તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું . . . પ્રભુની વાતની નિંદા ન થાય, માટે . . . મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરનાં કામકાજ કરનારી, માયાળુ થવાનું, તથા તેમના પતિને આધિન રહેવાનું” ઉત્તેજન આપે છે. (તીતસ ૨:૪, ૫) અંત:કરણની બાબતો ઊભી થાય તો, એ ‘નમ્રતા અને ઊંડા માનʼથી રજૂ કરવામાં આવી હશે તો, એમાં અવિશ્વાસી પતિ પોતાની પત્નીના સ્થાનને આદર આપવાની વધુ શક્યતા છે. કેટલાક અવિશ્વાસી પતિઓ ‘પોતાની સ્ત્રીઓનાં આચરણથી, એટલે તેઓનાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાયા’ છે.—૧ પીતર ૩:૧, ૨, ૧૫; ૧ કોરીંથી ૭:૧૩-૧૬.
૧૯. પતિ પોતાની પત્નીને દેવનો નિયમ તોડવા કહે તો શું?
૧૯ પતિ પોતાની પત્નીને એવું કંઈ કરવા કહે જેની દેવે મનાઈ કરી હોય તો શું? એવું થાય તો, પત્નીએ યાદ રાખવું જોઈએ કે દેવ તેના સર્વોપરી શાસક છે. તે પ્રેષિતોને દેવનો નિયમ તોડવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ જે કર્યું તેનું ઉદાહરણ લે છે. પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯ વર્ણવે છેઃ “પીતર તથા પ્રેષિતોએ ઉત્તર આપ્યો, કે માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.”
સારો સંચાર
૨૦. એવા અગત્યના વિસ્તારો કયા છે જેમાં પ્રેમ અને આદર અત્યંત જરૂરી હોય?
૨૦ લગ્નના બીજા એક વિસ્તાર—સંચાર—માં પ્રેમ અને આદર અત્યંત જરૂરી છે. પ્રેમાળ પતિ પોતાની પત્ની સાથે પત્નીની પ્રવૃત્તિઓ, તેના કોયડા, જુદી જુદી બાબતો વિષેની તેની દૃષ્ટિ વિષે વાતચીત કરશે. પત્નીને એની જરૂર હોય છે. પોતાની પત્ની સાથે વાત કરનાર અને તે જે કહે તે ખરેખર ધ્યાનથી સાંભળવા સમય કાઢનાર પતિ, તેના માટે પોતાનો પ્રેમ અને આદર પ્રદર્શિત કરે છે. (યાકૂબ ૧:૧૯) કેટલીક પત્નીઓ ફરિયાદ કરે છે કે તેઓના પતિઓ તેઓ સાથે વાત કરવામાં બહુ થોડો સમય વિતાવે છે. એ દિલગીરીની વાત છે. સાચું, આ વ્યસ્ત સમયોમાં, પતિઓ ઘર બહાર લાંબો સમય નોકરી કરતા હોય શકે, અને આર્થિક સંજોગોને પરિણામે કેટલીક પત્નીઓ પણ નોકરી કરતી હોય શકે. પરંતુ પરિણીત યુગલે એકબીજા માટે સમય ફાળવવાની જરૂર છે. નહિતર, તેઓ એકબીજાથી સ્વતંત્ર બની જઈ શકે. તેઓને લગ્ન ગોઠવણ બહાર સહાનુભૂતિવાળી સોબત શોધવાની ફરજ પડે તો, એનાથી ગંભીર કોયડા ઊભા થઈ શકે.
૨૧. કઈ રીતે યોગ્ય વાણી લગ્નને સુખી રાખવામાં મદદ કરશે?
૨૧ પત્નીઓ અને પતિઓ જે રીતે સંચાર કરે છે તે પણ મહત્ત્વનું છે. “માયાળુ શબ્દો . . . આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.” (નીતિવચન ૧૬:૨૪) સાથી વિશ્વાસી હોય કે ન હોય, બાઇબલ સલાહ લાગુ પડે છેઃ “તમારૂં બોલવું હંમેશા કૃપાયુક્ત સલૂણું હોય,” અર્થાત્ સારું રુચિકર હોય. (કોલોસી ૪:૬) વ્યક્તિનો દિવસ કપરો ગયો હોય ત્યારે, સાથીના થોડાક માયાળુ, સહાનુભૂતિયુક્ત શબ્દો ઘણું સારું કરી શકે છે. “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.” (નીતિવચન ૨૫:૧૧) અવાજનો સૂર અને શબ્દોની પસંદગી બહુ મહત્ત્વના છે. દાખલા તરીકે, ચીડાયેલી, હુકમ કરતી રીતે, એક જણ બીજાને કહી શકેઃ “પેલું બારણું બંધ કર!” પરંતુ શાંત, સમજણપૂર્વક કહેવામાં આવેલા શબ્દો કેટલા ‘સલૂણાં’ હોય છે કે, “તમને વાંધો ન હોય તો, કૃપા કરી બારણું બંધ કરશો?”
૨૨. સારો સંચાર જાળવવામાં યુગલને કયા વલણની જરૂર છે?
૨૨ નમ્રતાપૂર્વક બોલેલા શબ્દો, કૃપાયુક્ત નજર અને હાવભાવ, માયાળુપણું, સમજણ, અને નાજુકતા હોય છે ત્યારે, સારો સંચાર પાંગરે છે. સારો સંચાર જાળવવા સખત મહેનત કરીને, પતિ અને પત્ની બંને પોતાની જરૂરિયાત જણાવવા મુક્તતા અનુભવશે, અને નિરાશા કે તણાવના સમયમાં તેઓ એકબીજાને દિલાસાનો તથા મદદનો ઉદ્ભવ બની શકે. “ઉદાસીન જીવો સાથે દિલાસાયુક્તપણે બોલો,” દેવનો શબ્દ અરજ કરે છે. (૧ થેસ્સાલોનીકા ૫:૧૪, NW) એવો સમય હોય છે જ્યારે પતિ ઉદાસ હોય, અને એવો પણ સમય હોય છે જ્યારે પત્ની ઉદાસ હોય. તેઓ ‘દિલાસાયુક્તપણે બોલી’ એકબીજાને દૃઢ કરી શકે.—રૂમી ૧૫:૨.
૨૩, ૨૪. અસહમતી હોય ત્યારે પ્રેમ અને આદર કઈ રીતે મદદ કરશે? ઉદાહરણ આપો.
૨૩ પ્રેમ અને આદર બતાવનારા લગ્ન સાથીઓ દરેક અસહમતીને પડકાર ગણી લેશે નહિ. તેઓ એકબીજા સાથે “કઠોર” ન થવા સખત મહેનત કરશે. (કોલોસી ૩:૧૯) બંનેએ યાદ રાખવું જોઈએ કે “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.” (નીતિવચન ૧૫:૧) હૃદયપૂર્વકની લાગણીઓ ઠાલવનાર સાથીને ઉતારી ન પાડવાની કે દોષિત ન ઠરાવવાની કાળજી રાખો. એને બદલે, એવાં વક્તવ્યોને સામી વ્યક્તિના દૃષ્ટિબિંદુમાં અંતર્દૃષ્ટિ મેળવવાની તક ગણો. ભેગા મળી, મતભેદો દૂર કરવા અને એકરાગિતામય નિષ્કર્ષ પર આવવા પ્રયત્ન કરો.
૨૪ એ પ્રસંગ યાદ કરો જ્યારે સારાહે પોતાના પતિ ઈબ્રાહીમને અમુક કોયડાના ઉકેલની ભલામણ કરી અને એ તેના પતિની લાગણીઓને અનુરૂપ ન આવી. તોપણ, દેવે ઈબ્રાહીમને જણાવ્યું: “તેનું સાંભળ.” (ઉત્પત્તિ ૨૧:૯-૧૨) ઈબ્રાહીમે એમ જ કર્યું, અને તે આશીર્વાદિત થયો. તેવી જ રીતે, પતિના મનમાં હોય તેના કરતાં પત્ની કંઈક ભિન્ન બાબત સૂચવે તો, પતિએ સાંભળવું તો જોઈએ જ. તે જ સમયે, પત્નીએ વાતચીતમાં જોહુકમી કરવી જોઈએ નહિ પરંતુ તેના પતિએ જે કહેવું હોય તે ધ્યાનથી સાંભળવું જોઈએ. (નીતિવચન ૨૫:૨૪) પતિ કે પત્ની સર્વ સમયે પોતપોતાની રીતનો જ આગ્રહ રાખે તો, એ પ્રેમવિહીન અને અનાદરપૂર્ણ થશે.
૨૫. કઈ રીતે સારો સંચાર પરિણીત જીવનનાં ગાઢ પાસાઓમાં સુખમાં ફાળો આપશે?
૨૫ યુગલના જાતીય સંબંધમાં પણ સારો સંચાર મહત્ત્વનો છે. સ્વાર્થ અને આત્મસંયમનો અભાવ લગ્નના આ સૌથી ગાઢ સંબંધને ગંભીર હાનિ પહોંચાડી શકે. ખુલ્લો સંચાર, અને સાથે ધીરજ, અત્યંત જરૂરી છે. દરેક નિ:સ્વાર્થપણે બીજાની ભલાઈ શોધે છે ત્યારે, જાતીયતા ભાગ્યે જ ગંભીર કોયડો બને છે. અન્ય બાબતોની જેમ એમાં, “કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.”—૧ કોરીંથી ૭:૩-૫; ૧૦:૨૪.
૨૬. દરેક લગ્નમાં એની સારીનરસી બાબત હોય છે છતાં, પરિણીત યુગલને સુખ મેળવવામાં દેવનો શબ્દ સાંભળવાથી કઈ રીતે મદદ મળશે?
૨૬ દેવનો શબ્દ કેવી સારી સલાહ આપે છે! સાચું, દરેક લગ્નમાં સારીનરસી બાબત હશે જ. પરંતુ સાથીઓ બાઇબલમાં પ્રગટ થયેલી યહોવાહની વિચારસરણીને આધીન થાય, અને તેઓનો સંબંધ સૈદ્ધાંતિક પ્રેમ અને આદર પર રચે, ત્યારે, તેઓ ખાતરી રાખી શકે કે તેઓનું લગ્ન કાયમ ટકનારું અને સુખી થશે. આમ તેઓ એકબીજાને જ નહિ પરંતુ લગ્નની શરૂઆત કરનાર યહોવાહ દેવને પણ આદર આપશે.