૧૧
તમારા ઘરમાં શાંતિ જાળવો
૧. કેટલીક બાબતો કઈ છે જે કુટુંબોમાં ભાગલા પેદા કરે?
જે કુટુંબોમાં પ્રેમ, સમજણ, અને શાંતિ છે તેઓ સુખી છે. આશા રાખીએ છીએ કે, તમારું કુટુંબ એવું હશે. કહેતા દિલગીરી થાય છે કે, અગણિત કુટુંબો એ વર્ણનમાં બંધબેસતા નથી અને એક યા બીજા કારણસર વિભાજિત હોય છે. ઘરને કોણ વિભાજિત કરે છે? આ પ્રકરણમાં આપણે ત્રણ બાબતોની ચર્ચા કરીશું. કેટલાંક કુટુંબોમાં, બધા સભ્યો એક ધર્મ પાળતા નથી. બીજામાં, બાળકોને એક જ શારીરિક માબાપ હોતા નથી. વળી બીજાઓમાં, ભરણપોષણ કરવાની લડત અથવા વધારે ભૌતિક બાબતો મેળવવાની ઇચ્છા કુટુંબના સભ્યોને અલગ રહેવાની ફરજ પાડતી જણાય છે. તોપણ, એક ઘરને વિભાજિત કરનારા સંજોગો બીજાને અસર ન પણ કરે. તફાવત શાનાથી પડે છે?
૨. કેટલાક કૌટુંબિક જીવનમાં માર્ગદર્શન માટે ક્યાં જુએ છે, પરંતુ આવા માર્ગદર્શનનો સૌથી સારો ઉદ્ભવ કયો છે?
૨ દૃષ્ટિબિંદુ એક ઘટક છે. તમે નિષ્ઠાપૂર્વક બીજી વ્યક્તિનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયાસ કરો તો, ઘરને એકતામાં કઈ રીતે જાળવી રાખવું એ વધુ સારી રીતે નક્કી કરી શકો. બીજો ઘટક માર્ગદર્શનનો તમારો ઉદ્ભવ છે. ઘણા લોકો સાથી કર્મચારીઓ, પડોશીઓ, વર્તમાનપત્રના કટાર લેખકો, કે બીજા માનવી માર્ગદર્શકોની સલાહ અનુસરે છે. જો કે, કેટલાકે તેઓની પરિસ્થિતિ વિષે દેવનો શબ્દ જે કહે છે તે શોધી કાઢ્યું, અને પછી તેઓ જે શીખ્યા એ લાગુ પાડ્યું. આમ કરવું કુટુંબને ઘરમાં શાંતિ જાળવવામાં કઈ રીતે મદદ કરી શકે?—૨ તીમોથી ૩:૧૬, ૧૭.
તમારા પતિનો ધર્મ જુદો હોય તો
૩. (અ) ભિન્નધર્મીને પરણવા સંબંધી બાઇબલ કઈ સલાહ આપે છે? (બ) એક સાથી વિશ્વાસી હોય અને બીજું ન હોય તો, લાગુ પડે એવા કેટલાક પાયારૂપ સિદ્ધાંતો કયા છે?
૩ બાઇબલ આપણને ભિન્ન ધાર્મિક વિશ્વાસવાળી કોઈ વ્યક્તિ સાથે પરણવા વિરુદ્ધ કડક સલાહ આપે છે. (પુનર્નિયમ ૭:૩, ૪; ૧ કોરીંથી ૭:૩૯) જો કે, એવું હોય શકે કે તમારા લગ્ન પછી તમે બાઇબલમાંથી સત્ય શીખ્યા હો પરંતુ તમારા પતિ ન શીખ્યા હોય. તો શું? અલબત્ત, લગ્નની માનતાઓ હજુ ચાલુ જ રહે છે. (૧ કોરીંથી ૭:૧૦) બાઇબલ લગ્ન બંધનના કાયમીપણા પર ભાર મૂકે છે અને પરિણીત લોકોને પોતાના મતભેદોથી નાસી જવાને બદલે એ ઉકેલવા ઉત્તેજન આપે છે. (એફેસી ૫:૨૮-૩૧; તીતસ ૨:૪, ૫) તેમ છતાં, તમારા પતિ તમે બાઇબલનો ધર્મ આચરો તેનો સખત વાંધો ઉઠાવે તો શું? તે તમને મંડળની સભામાં જતા રોકે, અથવા તે કહે કે પોતે ઇચ્છતો નથી કે તેની પત્ની ધર્મ વિષે ઘેરઘેર કહેતી ફરે. તમે શું કરશો?
૪. પતિ પત્નીના ધર્મમાં સહભાગી થતો ન હોય તો, પત્ની કઈ રીતે સ્થિતિસ્થ સહાનુભૂતિ બતાવી શકે?
૪ પોતાને પૂછો, ‘મારા પતિને એમ શા માટે લાગે છે?’ (નીતિવચન ૧૬:૨૦, ૨૩) તમે શું કરી રહ્યા છો એ તે ખરેખર સમજતા જ ન હોય તો, તે તમારી ચિંતા કરતા હશે. અથવા તેમના પર સગાઓ તરફથી દબાણ હોય શકે કારણ કે હવે તમે અમુક રિવાજોમાં ભાગ લેતા નથી જે તેઓ માટે મહત્ત્વના છે. “હું ઘરમાં એકલો કંટાળી જાઉં છું,” એક પતિએ કહ્યું. એ માણસને લાગ્યું કે ધર્મને કારણે તે પોતાની પત્ની ગુમાવી રહ્યો હતો. તોપણ ઘમંડને કારણે તે સ્વીકારવા તૈયાર ન હતો કે તેને એકલાપણું લાગે છે. તમારા પતિને પુન:ખાતરીની જરૂર હોય શકે કે યહોવાહ માટેના તમારા પ્રેમનો અર્થ એવો થતો નથી કે હવે તમે તમારા પતિને અગાઉના કરતાં ઓછો પ્રેમ કરો છો. તેમની સાથે સમય પસાર કરવાની ખાતરી રાખો.
૫. જેનો પતિ ભિન્નધર્મી હોય એવી પત્નીએ કઈ સમતુલા જાળવવી જોઈએ?
૫ તેમ છતાં, તમે પરિસ્થિતિ શાણી રીતે હાથ ધરવા માંગતા હો તો, હજુ પણ વધારે મહત્ત્વની બાબત વિચારવી જ જોઈએ. દેવનો શબ્દ પત્નીઓને અરજ કરે છેઃ “પ્રભુમાં તમને ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો.” (કોલોસી ૩:૧૮) આમ, એ સ્વતંત્રતાના આત્મા વિરુદ્ધ ચેતવે છે. વધુમાં, “પ્રભુમાં ઘટે છે તેમ” કહીને, એ શાસ્ત્રવચન દર્શાવે છે કે પતિને આધીન રહેતી વખતે પ્રભુને આધીન રહેવાની બાબત પણ વિચારણામાં લેવી જોઈએ. સમતોલપણું હોવું જોઈએ.
૬. ખ્રિસ્તી પત્નીએ કયા સિદ્ધાંતો લક્ષમાં રાખવા જોઈએ?
૬ ખ્રિસ્તી માટે, મંડળની સભાઓમાં હાજરી આપવી અને પોતાના બાઇબલાધારિત વિશ્વાસ વિષે બીજાઓને સાક્ષી આપવી સાચી ઉપાસનાના મહત્ત્વનાં પાસાં છે જેની અવગણના થવી જોઈએ નહિ. (રૂમી ૧૦:૯, ૧૦, ૧૪; હેબ્રી ૧૦:૨૪, ૨૫) તો પછી, કોઈ માનવી તમને દેવની કોઈ વિશિષ્ટ જરૂરિયાત ન પાળવાની સીધી આજ્ઞા કરે તો તમે શું કરશો? ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ જાહેર કર્યું: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) તેઓનું ઉદાહરણ દાખલો બેસાડે છે જે જીવનમાં ઘણી પરિસ્થિતિમાં લાગુ પડે છે. શું યહોવાહ માટેનો પ્રેમ તમને તેમને તેમનો હક્કપૂર્ણ અનન્ય ભક્તિભાવ આપવા પ્રેરણા આપશે? તે જ સમયે, તમારા પતિ માટેના પ્રેમ અને આદરને કારણે તમે આ એ રીતે કરવા પ્રયત્ન કરશો જે તેમને સ્વીકાર્ય હોય?—માત્થી ૪:૧૦; ૧ યોહાન ૫:૩.
૭. ખ્રિસ્તી પત્નીએ કયો નિર્ણય કરવો જોઈએ?
૭ ઈસુએ નોંધ્યું કે એ હંમેશા શક્ય નહિ હોય. તેમણે ચેતવણી આપી કે સાચી ઉપાસનાના વિરોધને કારણે, કેટલાંક કુટુંબોના વિશ્વાસી સભ્યો અલગ પડી ગયાની લાગણી અનુભવશે, જાણે તેમની અને કુટુંબના બાકીના સભ્યો વચ્ચે તરવાર આવી ગઈ હોય. (માત્થી ૧૦:૩૪-૩૬) જાપાનમાંની એક સ્ત્રીએ આ અનુભવ્યું. તેના પતિએ ૧૧ વર્ષ સુધી તેનો વિરોધ કર્યો. તેણે કઠોરપણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને વારંવાર ઘરમાં તાળું મારી તેને બહાર રહેવા દીધી. પરંતુ પત્ની મંડી રહી. ખ્રિસ્તી મંડળમાંના મિત્રોએ તેને મદદ કરી. તેણે અવિરત પ્રાર્થના કરી અને ૧ પીતર ૨:૨૦માંથી ઘણું ઉત્તેજન મેળવ્યું. આ ખ્રિસ્તી સ્ત્રીને ખાતરી થઈ કે પોતે મક્કમ રહેશે તો, કોઈક દિવસ તેનો પતિ યહોવાહની સેવા કરવામાં જોડાશે. અને તે જોડાયો.
૮, ૯. પત્નીએ પોતાના પતિ સમક્ષ બિનજરૂરી નડતરો ઊભાં કરવાનું ટાળવા કઈ રીતે વર્તવું જોઈએ?
૮ તમારા સાથીના વલણને અસર કરે એવી ઘણી વ્યવહારુ બાબતો છે જે તમે કરી શકો. દાખલા તરીકે, તમારા પતિ તમારા ધર્મનો વાંધો ઉઠાવતા હોય તો, અન્ય વિસ્તારોમાં ફરિયાદ કરવાનું વાજબી કારણ ન આપો. ઘર સ્વચ્છ રાખો. તમારા વ્યક્તિગત દેખાવની કાળજી લો. પ્રેમ અને કદરનાં વક્તવ્યોનો ઉપયોગ કરવામાં ઉદાર બનો. ટીકા કરવાને બદલે, ટેકો આપનાર બનો. બતાવો કે શિરપણા માટે તમે તેમના પર મીટ માંડો છો. તમને માઠું લગાડવામાં આવ્યું હોય તો, બદલો ન લો. (૧ પીતર ૨:૨૧, ૨૩) માનવીય અપૂર્ણતા માટે અવકાશ રાખો, અને વિવાદ ઊભો થાય તો, ક્ષમા યાચવા વિનમ્રપણે પહેલ કરો.—એફેસી ૪:૨૬.
૯ સભામાં હાજરી આપવાને કારણે તેમનું જમવાનું મોડું થવું જોઈએ નહિ. તમારા પતિ ઘરે ન હોય તેવા સમયોએ તમે ખ્રિસ્તી સેવાકાર્યમાં સહભાગી થવાનું પણ પસંદ કરી શકો. પતિ સાંભળવા માંગતો ન હોય તો તેને પ્રચાર કરવાથી દૂર રહેવું ખ્રિસ્તી પત્ની માટે ડહાપણભર્યું છે. એને બદલે, તે પ્રેષિત પીતરની સલાહ અનુસરે છેઃ “સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો; કે જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની સ્ત્રીઓનાં આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય.” (૧ પીતર ૩:૧, ૨) ખ્રિસ્તી પત્નીઓ દેવના આત્માનાં ફળ પૂરેપૂરાં પ્રગટ કરવા મહેનત કરે છે.—ગલાતી ૫:૨૨, ૨૩.
પત્ની ખ્રિસ્તી ધર્મ પાળતી ન હોય ત્યારે
૧૦. પત્ની ભિન્ન માન્યતા ધરાવતી હોય તો, વિશ્વાસી પતિએ કઈ રીતે વર્તવું જોઈએ?
૧૦ પતિ ખ્રિસ્તી ધર્મ પાળતો હોય અને પત્ની ન પાળતી હોય તો શું? બાઇબલ આવી પરિસ્થિતિ માટે નિર્દેશન આપે છે. એ કહે છેઃ “જો કોઈ ભાઈને અવિશ્વાસી સ્ત્રી હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણે એનો ત્યાગ કરવો નહિ.” (૧ કોરીંથી ૭:૧૨) એ પતિઓને આ શિખામણ પણ આપે છેઃ “પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.”—કોલોસી ૩:૧૯.
૧૧. પત્ની ખ્રિસ્તી ધર્મ આચરનારી ન હોય તો, પતિ કઈ રીતે નિર્ણાયકતા બતાવી શકે અને તેના પર શિરપણાનો અમલ કરી શકે?
૧૧ તમારી પત્નીનો ધર્મ તમારા કરતાં ભિન્ન હોય તો, તમારી પત્ની માટે આદર અને તેની લાગણીઓ માટે વિચારણા બતાવવાની સવિશેષ કાળજી લો. એક પુખ્ત વયની વ્યક્તિ તરીકે તેને પોતાની ધાર્મિક માન્યતાઓ આચરવાની અમુક પ્રમાણમાં સ્વતંત્રતા છે, ભલે તમે એ માન્યતાઓ સાથે અસહમત હો. તમે પહેલી વાર તમારા વિશ્વાસ વિષે તેની સાથે વાત કરો ત્યારે, કંઈક નવું પસંદ કરવા માટે તે પોતાની લાંબા સમયની માન્યતાઓ રદ કરે એવી અપેક્ષા ન રાખો. તે અને તેનું કુટુંબ લાંબા સમયથી જેને પ્રિય ગણી રહ્યું હતું તે આચરણો જૂઠાં છે એવું એકાએક કહેવાને બદલે, તેની સાથે ધીરજપૂર્વક શાસ્ત્રવચનોમાંથી વિચારદલીલ કરવા પ્રયત્ન કરો. એવું હોય શકે કે તમે મંડળની પ્રવૃત્તિઓમાં ઘણો બધો સમય આપો ત્યારે તેને પોતાની અવગણના થયાની લાગણી થાય. તે યહોવાહની સેવા કરવાના તમારા પ્રયત્નોનો વિરોધ કરી શકે, તોપણ પાયારૂપ સંદેશો ફક્ત એ જ હોયઃ “મને તમારો વધુ સમય જોઈએ છે!” ધીરજ રાખો. તમારી પ્રેમાળ વિચારણાથી, સમય જતાં તેને સાચી ઉપાસના ગ્રહણ કરવામાં મદદ મળી શકે.—કોલોસી ૩:૧૨-૧૪; ૧ પીતર ૩:૮, ૯.
બાળકોને તાલીમ આપવી
૧૨. પતિપત્ની ભિન્નધર્મી હોવા છતાં, તેઓએ પોતાનાં બાળકોને તાલીમ આપવામાં શાસ્ત્રીય સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા જોઈએ?
૧૨ ઉપાસનાની એકતા ન હોય એવા ઘરમાં, બાળકોનું ધાર્મિક શિક્ષણ ઘણી વાર વાદવિષય બને છે. શાસ્ત્રીય સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા જોઈએ? બાઇબલ બાળકોને શિક્ષણ આપવાની પ્રાથમિક જવાબદારી પિતાને આપે છે, પરંતુ માતાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. (નીતિવચન ૧:૮; સરખાવો ઉત્પત્તિ ૧૮:૧૯; પુનર્નિયમ ૧૧:૧૮, ૧૯.) ભલે પિતા ખ્રિસ્તનું શિરપણું ન લે, તોપણ હજુ તે કુટુંબનું શિર છે.
૧૩, ૧૪. પતિ પોતાની પત્નીને બાળકોને ખ્રિસ્તી સભામાં લઈ જવાની કે તેઓ સાથે અભ્યાસ કરવાની મનાઈ કરે તો, પત્ની શું કરી શકે?
૧૩ કેટલાક અવિશ્વાસી પિતાઓ ધાર્મિક બાબતોમાં બાળકોને માતા શિક્ષણ આપે તેનો વાંધો લેતા નથી. બીજાઓ લે છે. તમારા પતિ તમને બાળકોને મંડળની સભામાં લઈ જવા ન દે અથવા ઘરે તેઓ સાથે બાઇબલનો અભ્યાસ પણ ન કરવા દે, તો શું? હવે તમારે અનેક ફરજો સમતોલ કરવાની છે—યહોવાહ દેવ પ્રત્યે, તમારા પતિરૂપ શિર પ્રત્યે, અને તમારાં વહાલાં બાળકો પ્રત્યે તમારી ફરજ. તમે એનું સમાધાન કઈ રીતે કરી શકો?
૧૪ નિશ્ચે તમે એ બાબતે પ્રાર્થના કરશો. (ફિલિપી ૪:૬, ૭; ૧ યોહાન ૫:૧૪) પરંતુ અંતે, કયો માર્ગ લેવો એ તમારે જ નક્કી કરવાનું છે. તમે કુનેહથી આગળ વધી, તમારા પતિને સ્પષ્ટ કરી આપશો કે તમે તેના શિરપણાને પડકાર ફેંકી રહ્યા નથી, તો છેવટે તેનો વિરોધ ઘટી શકે. તમારા પતિ તમને તમારાં બાળકોને સભામાં લઈ જવાની ના પાડે અથવા તેઓ સાથે વિધિસર બાઇબલ અભ્યાસ કરવાની ના પાડે તોપણ, તમે તેઓને શીખવી શકો છો. તમારી રોજની વાતચીત અને તમારા સારા ઉદાહરણથી, તેઓમાં યહોવાહ માટે અમુક માત્રામાં પ્રેમ, તેમના શબ્દમાં વિશ્વાસ, માબાપ—જેમાં તેઓના પિતાનો સમાવેશ થાય છે—માટે આદર, બીજા લોકો માટે પ્રેમાળ ચિંતા, અને અંત:કરણપૂર્વક કાર્ય કરવાની ટેવો માટે કદર સિંચવા પ્રયાસ કરો. સમય જતાં, સારાં પરિણામો પિતાના ધ્યાન પર ચઢી શકે અને તમારા પ્રયત્નોનાં મૂલ્યોની કદર કરી શકે.—નીતિવચન ૨૩:૨૪.
૧૫. બાળકોને શિક્ષણ આપવામાં વિશ્વાસી પિતાની કઈ જવાબદારી છે?
૧૫ તમે એક વિશ્વાસી પતિ હો અને તમારી પત્ની વિશ્વાસી ન હોય તો, તમારે તમારાં બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરવાની જવાબદારી ઉપાડવી જ જોઈએ. (એફેસી ૬:૪) અલબત્ત એમ કરો ત્યારે, તમારે તમારી પત્ની સાથેના વ્યવહારમાં માયાળુ, પ્રેમાળ, અને વાજબી બનવું જોઈએ.
તમે તમારા માબાપનો ધર્મ પાળતા ન હોય તો
૧૬, ૧૭. બાળકો પોતાનાં માબાપ કરતાં ભિન્ન ધર્મ સ્વીકારે તો, તેઓએ કયા બાઇબલ સિદ્ધાંતો યાદ રાખવા જોઈએ?
૧૬ સગીર બાળકો પણ પોતાનાં માબાપ કરતાં ભિન્ન ધાર્મિક દૃષ્ટિબિંદુ ધરાવે એ કંઈ અસામાન્ય નથી. શું તમારે એવું છે? એમ હોય તો, બાઇબલમાં તમારા માટે સલાહ રહેલી છે.
૧૭ દેવનો શબ્દ કહે છેઃ “પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો; કેમકે એ યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર.” (એફેસી ૬:૧, ૨) એમાં માબાપ માટે હિતકર આદરનો સમાવેશ થાય છે. તેમ છતાં, માબાપને આજ્ઞાધિનતા મહત્ત્વની છે તે જ સમયે, એ સાચા દેવનો અનાદર કર્યા વિના થવી જોઈએ. બાળક નિર્ણયો લેવાનું શરૂ કરે એટલું મોટું થાય ત્યારે, તે પોતાનાં કૃત્યો માટે વધારે જવાબદાર બને છે. એ દુન્યવી નિયમ માટે જ નહિ, પરંતુ ખાસ કરીને દૈવી નિયમ વિષે સાચું છે. “આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે,” બાઇબલ જણાવે છે.—રૂમી ૧૪:૧૨.
૧૮, ૧૯. બાળકો પોતાનાં માબાપ કરતાં ભિન્ન ધર્મ પાળતા હોય તો, તેઓ પોતાનાં માબાપને તેઓનો ધર્મ વધારે સારી રીતે સમજવા કઈ રીતે મદદ કરી શકે?
૧૮ તમારી માન્યતાને લીધે તમારે તમારા જીવનમાં ફેરફાર કરવા પડે તો, તમારાં માબાપનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયાસ કરો. તમે બાઇબલ શીખો છો તેના પરિણામે તમે વધારે આદરપૂર્ણ, વધારે આજ્ઞાંકિત, તેઓ તમારી પાસે જેની માંગણી કરે એ માટે વધુ ખંતીલા બનો તો, શક્ય છે કે તેઓ ખુશ થશે. તેમ છતાં, તમારા નવા વિશ્વાસને કારણે તમારે અમુક માન્યતાઓ અને રિવાજો છોડવા પડે જેને તેઓ વ્યક્તિગત રીતે પ્રિય ગણતા હોય તો, તેઓને એવું લાગી શકે કે તમે તેઓ તમને આપવા ઇચ્છે છે તે વારસો ધુતકારી રહ્યા છો. તમે જે કરી રહ્યા છો એ સમાજમાં લોકપ્રિય ન હોય, અથવા એ તમારું ધ્યાન એવી દોડ પાછળથી વાળી નાખતું હોય જે વિષે તેઓ વિચારતા હોય કે એ ભૌતિક રીતે આબાદ થવામાં તમને મદદ કરી શકે તો, તેઓને તમારી ભલાઈ વિષે ભય પણ ઊભો થઈ શકે. અભિમાન પણ નડતર બની શકે. તેઓને લાગી શકે કે વાસ્તવમાં તમે કહી રહ્યા છો કે તમે ખરા છો અને તેઓ ખોટા છે.
૧૯ એ માટે, શક્ય તેટલા વહેલા તમારાં માબાપને સ્થાનિક મંડળના કેટલાક વડીલો કે બીજા પરિપક્વ સાક્ષીઓ સાથે ભેટો કરાવો. તમારાં માબાપને રાજ્યગૃહની મુલાકાત લેવા ઉત્તેજન આપો જેથી તેઓ પોતે ત્યાં શાની ચર્ચા થાય છે તે સાંભળે અને યહોવાહના સાક્ષીઓ ક્યા પ્રકારના લોકો છે તે પ્રત્યક્ષ જુએ. સમય જતાં, તમારાં માબાપનું વલણ નરમ બની શકે. માબાપ કઠોરપણે વિરોધ કરે, બાઇબલ સાહિત્યનો નાશ કરે, અને બાળકોને ખ્રિસ્તી સભામાં હાજરી આપવાની મનાઈ કરે તોપણ, સામાન્યપણે અન્યત્ર વાંચવાની, સાથી ખ્રિસ્તીઓ સાથે વાતચીત કરવાની, અને બીજાઓને અવિધિસર સાક્ષી આપવાની તથા મદદ કરવાની તકો રહેલી હોય છે. તમે યહોવાહને પ્રાર્થના પણ કરી શકો. કેટલાક યુવાનોએ પોતે વધુ કંઈ કરી શકે તે અગાઉ કુટુંબની બહાર રહી શકે એટલા મોટા થવાની રાહ જોવાની હોય છે. ઘરમાં ગમે તે પરિસ્થિતિ હોય છતાં, “તારા બાપનું તથા તારી માનું સન્માન” કરવાનું ભૂલો નહિ. ઘરની શાંતિમાં તમારો ફાળો આપો. (રૂમી ૧૨:૧૭, ૧૮) સર્વ ઉપરાંત, દેવ સાથે શાંતિમાં રહો.
સાવકા મા કે બાપ બનવાનો પડકાર
૨૦. પિતા કે માતા સાવકા હોય તો, બાળકો કઈ લાગણી અનુભવી શકે?
૨૦ ઘણાં ઘરોમાં સૌથી મોટો પડકાર ફેંકતી પરિસ્થિતિ ધાર્મિક નહિ પરંતુ શારીરિક હોય છે. આજે ઘણાં ઘરોમાં એક કે બંને માબાપના આગલા લગ્નનાં બાળકોનો સમાવેશ થાય છે. એવા કુટુંબમાં, બાળકો ઈર્ષા અને ચીડ કે કદાચ વફાદારીનો સંઘર્ષ અનુભવે. પરિણામે, તેઓ સાવકા માબાપના સારા પિતા કે માતા થવાના નિષ્ઠાવાન પ્રયત્નોને પણ નિષ્ઠુરપણે ઠુકરાવી શકે. સાવકા કુટુંબને સફળ થવામાં શું મદદ કરી શકે?
૨૧. પોતાના ખાસ સંજોગો છતાં, શા માટે સાવકા માબાપે મદદ માટે બાઇબલ સિદ્ધાંતો પર મીટ માંડવી જોઈએ?
૨૧ એ બાબત સમજી લો કે ખાસ સંજોગો હોવા છતાં, બીજાં ઘરોમાં સફળતા લાવનાર બાઇબલ સિદ્ધાંતો અહીં પણ લાગુ પડે છે. એ સિદ્ધાંતોની અવગણના, ઘડીભર તો, કોયડામાંથી રાહત આપતી જણાય શકે પરંતુ પછીથી હૃદયદુ:ખ તરફ દોરી શકે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૧; નીતિવચન ૨૯:૧૫) ડહાપણ અને નિર્ણાયકતા કેળવો—લાંબાગાળાના લાભો લક્ષમાં રાખી દેવમય સિદ્ધાંતો લાગુ પાડવાનું ડહાપણ, અને કુટુંબના સભ્યો અમુક બાબતો શા માટે કહે છે અને કરે છે તે પારખવાની નિર્ણાયકતા. સ્થિતિસ્થ સહાનુભૂતિની પણ જરૂર હોય છે.—નીતિવચન ૧૬:૨૧; ૨૪:૩; ૧ પીતર ૩:૮.
૨૨. શા માટે બાળકોને સાવકા માબાપનો સ્વીકાર કરવાનું અઘરું લાગી શકે?
૨૨ તમે સાવકા મા કે બાપ હો તો, તમને યાદ હશે કે કુટુંબના મિત્ર તરીકે, બાળકો કદાચ તમારો આવકાર કરતાં હતાં. પરંતુ તમે તેઓના સાવકા મા કે બાપ બન્યા ત્યારે, તેઓનું વલણ બદલાઈ ગયું હોય શકે. હવે તેઓની સાથે રહ્યાં નથી તે શારીરિક મા કે બાપને યાદ કરી, બાળકો વફાદારીનો સંઘર્ષ લડી રહ્યાં હોય શકે, સંભવત: તેઓને લાગતું હોય કે તમે તેઓનો તેઓના ગેરહાજર મા કે બાપ માટે છે તે સ્નેહ ખૂંચવી લેવા માંગો છો. ઘણી વાર, તેઓ તમને કઠોરપણે યાદ દેવડાવી દે કે તમે કંઈ તેઓના પિતા નથી અથવા તેઓની માતા નથી. આવાં કથનો દુઃખ પહોંચાડે છે. તોપણ, “ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા.” (સભાશિક્ષક ૭:૯) બાળકના ભાવાવેશો હાથ ધરવા માટે નિર્ણાયકતા અને સ્થિતિસ્થ સહાનુભૂતિની જરૂર છે.
૨૩. સાવકા બાળકોવાળા કુટુંબમાં, શિસ્ત કઈ રીતે હાથ ધરી શકાય?
૨૩ વ્યક્તિ શિસ્ત આપી રહી હોય ત્યારે એ ગુણો ઘણા મૂલ્યવાન હોય છે. સુમેળયુક્ત શિસ્ત મહત્ત્વની છે. (નીતિવચન ૬:૨૦; ૧૩:૧) અને બધાં બાળકો સરખાં નથી હોતાં તેથી, શિસ્ત જુદા જુદા કિસ્સામાં જુદી જુદી હોય છે. કેટલાક સાવકા માબાપને લાગે છે કે, ઓછામાં ઓછું શરૂઆતમાં, માબાપપણાનું આ પાસું શારીરિક મા કે બાપ હાથ ધરે એ વધારે સારું થશે. તેમ છતાં, અતિશય જરૂરી છે કે બંને માબાપ શિસ્ત વિષે સહમત થાય અને એ પકડી રાખે, સાવકા બાળકની ઉપરવટ અસલ સંતાનની તરફેણદારી ન કરે. (નીતિવચન ૨૪:૨૩) આજ્ઞાંકિતતા મહત્ત્વની છે, પરંતુ અપૂર્ણતા માટે અવકાશ રાખવાની જરૂર છે. વધારે પડતો પ્રત્યાઘાત ન પાડો. પ્રેમમાં શિસ્ત આપો.—કોલોસી ૩:૨૧.
૨૪. સાવકા કુટુંબમાં વિરુદ્ધ જાતિના સભ્યો વચ્ચે નૈતિક કોયડા ટાળવા શું મદદ કરી શકે?
૨૪ કૌટુંબિક ચર્ચાઓ મુશ્કેલી અટકાવવામાં ઘણું કરી શકે છે. એ કુટુંબને જીવનની સૌથી મહત્ત્વની બાબતો કેન્દ્રમાં રાખવામાં મદદ કરી શકે. (સરખાવો ફિલિપી ૧:૯-૧૧.) એ દરેકને જોવામાં મદદ કરી શકે કે કઈ રીતે દરેક જણ કૌટુંબિક ધ્યેયો હાંસલ કરવામાં ફાળો આપી શકે. વધુમાં, નિખાલસ કૌટુંબિક ચર્ચાઓ નૈતિક કોયડા ટાળી શકે. છોકરીઓએ પોતાના સાવકા પિતા તથા કોઈ સાવકા ભાઈઓ હોય તો તેઓ સમક્ષ કઈ રીતે વિનયી કપડાં પહેરવા તથા યોગ્ય રીતે વર્તવું તે સમજવાની જરૂર છે, અને છોકરાઓને પોતાની સાવકી મા અને કોઈ સાવકી બહેનો હોય તો તેઓ પ્રત્યે યોગ્ય રીતે વર્તવા માટે સલાહની જરૂર છે.—૧ થેસ્સાલોનીકી ૪:૩-૮.
૨૫. સાવકા કુટુંબમાં શાંતિ જાળવવા કયા ગુણો મદદ કરી શકે?
૨૫ સાવકા મા કે બાપ બનવાનો ખાસ પડકાર ઝીલવા માટે, ધીરજ રાખો. નવા સંબંધો વિકસાવતા સમય લાગે છે. જેઓ સાથે શારીરિક બંધન નથી એવાં બાળકો પાસેથી પ્રેમ અને આદર મેળવવા, પ્રચંડ મોટું કાર્ય બની શકે. પરંતુ એ શક્ય છે. શાણું અને નિર્ણાયક હૃદય, એની સાથે યહોવાહને ખુશ કરવાની તીવ્ર ઇચ્છા, સાવકા કુટુંબમાં શાંતિની ચાવી છે. (નીતિવચન ૧૬:૨૦) આવા ગુણો તમને અન્ય પરિસ્થિતિ આંબવામાં પણ મદદ કરી શકે.
શું ભૌતિક દોડ તમારું ઘર વિભાજિત કરે છે?
૨૬. કઈ રીતોએ ભૌતિક બાબતો સંબંધી કોયડા અને વલણો કુટુંબના ભાગલા પાડી શકે?
૨૬ ભૌતિક બાબતો સંબંધી કોયડા અને વલણો કુટુંબોમાં ઘણી રીતે ભાગલા પાડી શકે છે. કહેતા દિલગીરી થાય છે કે, કેટલાંક કુટુંબોમાં પૈસા વિષે તથા ધનવાન—અથવા થોડાક પણ વધુ ધનવાન—થવાની ઇચ્છા વિષે દલીલબાજીને કારણે ખલેલ પડે છે. બંને સાથીઓ નોકરી કરતા હોય અને “મારા પૈસા, તારા પૈસા” વલણ કેળવે ત્યારે ભાગલા પડે છે. દલીલો ટાળવામાં આવે તોપણ, બંને સાથીઓ નોકરી કરે ત્યારે તેઓ એવા સમયપત્રકમાં આવી પડે છે જેથી તેઓ પાસે એકબીજા માટે બહુ જ થોડો સમય રહે છે. જગતમાં એવું વલણ વધી રહ્યું છે કે પિતાઓ લાંબો સમય—મહિનાઓ કે વર્ષો પણ—પોતાનાં કુટુંબોથી દૂર રહે છે, જેથી ઘરે રહીને કમાઈ શક્યા હોત તેના કરતાં વધારે પૈસા કમાઈ શકે. એને લીધે ઘણા ગંભીર કોયડા ઊભા થઈ શકે.
૨૭. કેટલાક સિદ્ધાંતો કયા છે જે કુટુંબને આર્થિક દબાણ હેઠળ મદદ કરી શકે?
૨૭ આ પરિસ્થિતિ હાથ ધરવા માટે કોઈ નિયમો લાદી શકાતા નથી, કેમ કે ભિન્ન કુટુંબોએ ભિન્ન દબાણો અને જરૂરિયાતો હાથ ધરવાનાં હોય છે. છતાં પણ, બાઇબલની સલાહ મદદ કરી શકે. દાખલા તરીકે, નીતિવચન ૧૩:૧૦ (NW) દર્શાવે છે કે “ભેગા મળી સલાહ લેવાથી” કેટલીક વખત બિનજરૂરી મથામણ ટાળી શકાય છે. એમાં ફક્ત પોતાની દૃષ્ટિઓ જણાવવાનો જ નહિ પરંતુ શિખામણ મેળવવાનો તથા બાબતને બીજી વ્યક્તિ કઈ રીતે જુએ છે તે શોધી કાઢવાનો સમાવેશ થાય છે. વધુમાં, વાસ્તવિક બજેટ બનાવવું, કૌટુંબિક પ્રયત્નોને એકતામાં લાવવામાં મદદરૂપ નીવડી શકે. ખાસ કરીને બાળકો અને અન્ય આશ્રિતો હોય છે ત્યારે, કેટલીક વખત—કદાચ હંગામી ધોરણે—બંને સાથીઓએ વધારાના ખર્ચને પહોંચી વળવા ઘર બહાર કામ કરવાની જરૂર પડે. બાબત એમ હોય તો, પતિ પોતાની પત્નીને ખાતરી કરાવી શકે કે તેની પાસે હજુ પત્ની માટે સમય છે. પત્નીએ સામાન્ય રીતે એકલે હાથે કરવું પડતું કોઈ કામ કરવામાં પતિ બાળકોની સાથે પ્રેમપૂર્વક મદદ કરી શકે.—ફિલિપી ૨:૧-૪.
૨૮. કયા સૂચનો પાળવામાં આવે તો, કુટુંબને એકતા તરફ કાર્ય કરવા માટે મદદ કરશે?
૨૮ તેમ છતાં, એ લક્ષમાં રાખો કે આ વસ્તુવ્યવસ્થામાં પૈસા જરૂરી હોવા છતાં, એ સુખ લાવતા નથી. એ નિશ્ચે જીવન આપતા નથી. (સભાશિક્ષક ૭:૧૨) ખરેખર, ભૌતિક બાબતો પર વધારે પડતો ભાર મૂકવાથી, આત્મિક અને નૈતિક બરબાદી થઈ શકે. (૧ તીમોથી ૬:૯-૧૨) જીવન જરૂરિયાતો પ્રાપ્ત કરવાના આપણા પ્રયત્નો પર દેવના આશીર્વાદની ખાતરીસહિત, દેવનું રાજ્ય અને તેમનું ન્યાયીપણું પ્રથમ શોધવું, કેટલું વધારે સારું છે! (માત્થી ૬:૨૫-૩૩; હેબ્રી ૧૩:૫) આત્મિક હિતો પ્રથમ મૂકવાથી તથા દેવ સાથે સહુ પ્રથમ શાંતિ શોધવાથી, તમને માલૂમ પડશે કે તમારું ઘર, અમુક સંજોગોને કારણે કદાચ વિભાજિત હોય છતાં, એક થશે જે સાચે જ સૌથી મહત્ત્વની રીતોએ એકતામાં હશે.